રાજકારણની રાણી ૫
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૫
જતિન એની જાત પર આવી ગયો હતો. ટીનાને વશમાં કરવા તેણે ધમકી આપી દીધી હતી. રાજકારણમાં પોતાની હાક વાગતી હતી એનો લાભ તે ઉઠાવી જ રહ્યો હતો. આજે તેની ડ્રાઇવરની પત્નીને તે પોતાની હવસનો શિકાર બનાવવા માગતો હતો. જતિનને આજે બરાબર મોકો મળી ગયો હતો. સુજાતા ડ્રાઇવર સોમેશ સાથે ગઇ હતી અને ટીના એમના અહેસાન તળે દબાયેલી હતી. જતિને સોમેશને નોકરીએ રાખ્યા પછી ટીનાને ઘરના કામો માટે રખાવી હતી. થોડા દિવસો પહેલાં ટીના તેના રૂમમાં ઉપવસ્ત્ર વગર ડાન્સ કરતી હતી ત્યારે જતિનની આંખમાં વસી ગઇ હતી. આજે પોતે એકલો હતો અને ટીના પણ એકલી હતી. ટીનાએ પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે જતિને સોમેશની નોકરી છોડાવવાની ધમકીને બદલે તેનો જીવ લેવાની ધમકી આપી એટલે ટીના થથરી ગઇ.
તે જતિનને ઓળખતી હતી. રાજકારણમાં તેની પહોંચ હતી. તે બહાર કઇ સ્ત્રી સાથે કેવા સંબંધ રાખે છે એનો ટીનાને અંદાજ આવી ગયો હતો. ટીનાને એ વાત સાથે કોઇ લેવાદેવા ન હતી કે જતિન લંપટ છે. સુજાતા ચલાવી લેતી હોય તો પોતે એમાં વચ્ચે આવવાની જરૂર ન હતી. આજે જતિને તેના પર નજર બગાડી હતી. તે પોતાના હેતુમાં સફળ થવા જોર કરી રહ્યો હતો. તેણે સોમેશને મારવાની ધમકી આપીને ટીનાને નિ:સહાય બનાવી દીધી હતી. ટીનાને અટકી ગયેલી જોઇ તે વધારે રંગમાં આવી ગયો. તેણે ટીનાના કપડાં કાઢવાનું શરૂ કર્યું. ટીનાએ વિનંતી કરી:"સાહેબ, આ યોગ્ય નથી. તમે તમારી પત્નીને પણ દગો આપી રહ્યા છો. આ ગુનો છે. આમ કોઇ સ્ત્રી પર હાથ નાખવો ના જોઇએ. તમને કોઇ માફ નહીં કરે..."
"ચાલ હવે તારી બધી સૂફિયાણી સલાહ રહેવા દે. તું મારી બાંહોમાં સમાઇ જા... તારા સોમેશ પર હું ચાર હાથ રાખીશ..હા...હા..." જતિન પર દારૂના નશા પછી ટીનાના રૂપનો કેફ પણ ચઢ્યો હતો.
ટીનાએ અચાનક એને અટકાવ્યો અને કહ્યું:"એક મિનિટ, હું ફ્રેશ થઇને આવું..."
ટીના જતિનના બેડરૂમના બાથરૂમમાં ગઇ અને બે મિનિટમાં પાછી આવી. તેણે ફરી જતિનને વિનંતી કરી પોતાને છૂટી કરવા કહ્યું. જતિન આજે તેને છોડવા માગતો ન હતો. આવી તક જલદી હાથમાં આવવાની ન હતી. ટીનાએ વારંવાર વિનંતીઓ કરી પણ જતિન પર ભૂત સવાર થયું હોય એમ એણે ટીનાને પોતાના પર ખેંચી લીધી. તે પોતાનો મકસદ પૂરો કરવા જાય એ પહેલાં ડોરબેલ વાગી. તે ચોંકી ગયો. અત્યારે કોણ આવ્યું હશે? તેને થયું કે જે હોય તે ભલે બેસી રહે. સુજાતા તો આવવાની જ નથી. દરવાજો નહીં ખોલું તો એ પાછો જતો રહેશે. આજે મનની મુરાદ પૂરી કરવી છે. તે આગળ વધવા જતો હતો ત્યાં મોબાઇલની રીંગ વાગી.
"કોણ છે અત્યારે આ બલા?" બબડી જતિને નશામાં આંખો સરખી ખોલી મોબાઇલની સ્ક્રિન પર જોયું તો 'સુજાતા' લખેલું હતું. જતિનને થયું કે સુજાતાએ મેસેજ છોડી દેવો જોઇએ ને પહોંચી ગયાનો. ફોન શું કામ કરતી હશે. જતિને કમનથી ફોન ઉપાડ્યો અને ઊંઘમાં હોય એવો ડોળ કરી 'હલો...' કહ્યું.
સુજાતાએ કહ્યું:"શું કરો છો?"
"હું...હું...સૂઇ ગયો છું..." જતિને ઊંઘમાં બબડવાનો અભિનય કર્યો પછી આગળ કહ્યું:"પહોંચી ગઇને....?"
"હું આપણા ઘરે આવી ગઇ છું. તમે ક્યાં છો? કેટલા બેલ માર્યા..." સુજાતાએ સહેજ નારાજગીના સૂરમાં કહ્યું.
જતિનનો અડધો નશો જાણે ઉતરી ગયો.
"હું આવ્હં છું..." કહી તે એકદમ ઊભો થઇ ગયો અને ફોન કટ કરી કપડાં પહેરતાં બોલ્યો:"ટીના, ફટાફટ તારા કપડાં પહેર અને ભાગ તારી રૂમ પર. કોઇને કંઇ કીધું છે તો સોમેશને છોડીશ નહીં...'
ટીનાને થયું કે સુજાતાના રૂપમાં ભગવાન ઉતર્યા. તે દોડીને પોતાની રૂમ પર પહોંચી ગઇ.
જતિને રૂમને સરખો કરી દરવાજો ખોલ્યો.
સુજાતાની પાછળ સોમેશ બેગ લઇને ઊભો હતો. સુજાતાની પાછળ પાછળ તે અંદર આવ્યો. અને બેગ મૂકીને પોતાની રૂમ પર જવા નીકળી ગયો. સુજાતાએ દરવાજો બંધ કર્યો અને જતિનને કહ્યું:"આજે વહેલા સૂઇ ગયા હતા? લાગે છે કે આજે જલસો કર્યો છે..."
"ના-ના, આ તો જનાર્દન સાથે બેઠો એમાં વધારે પીવાઇ ગઇ. પણ તું પાછી કેમ આવી ગઇ?"
"અમે અડધે પહોંચ્યા ત્યાં સારિકાનો ફોન આવ્યો કે તું નહીં આવે તો ચાલશે. મારી મોટી બહેન આવી રહી છે અને મને એના ઘરે લઇ જવાની છે. એટલે મેં એને કહ્યું કે હું થોડીવાર પહેલાં જ નીકળી છું. પાછી ફરી જઉં છું. તું તબિયત સાચવજે." કહી સુજાતાએ પૂછ્યું:"તમારી તબિયત તો સારી છે ને?"
રંગીન તબિયતના જતિને તરત જ કહ્યું:"મને શું થવાનું છે. આ તો આજે થાક લાગ્યો હતો એટલે જલદી સૂઇ ગયો. ટીનાએ જમવાનું કહ્યું પણ ભૂખ ન હતી એટલે સૂઇ જ ગયો...."
સુજાતા કપડાં બદલવા ગઇ. જતિનને લાગ્યું કે તેનો બધો નશો ઉતરી ગયો છે. સુજાતા થોડી મોડી આવી હોત તો....
જતિન સવારે મોડો ઊઠયો. તેનું મન આજે કોઇ કામ કરવા ઇચ્છતું ન હતું. ગઇકાલની રાત રંગીન બનવાને બદલે કાળી બની ગઇ હોય એવો અફસોસ થતો હતો. તેણે જોયું કે ટીના કંઇ બન્યું ના હોય એમ ઘરમાં કામ કરી રહી હતી. જતિનને શાંતિ થઇ. ટીનાને એના પતિનો જીવ વહાલો જ હોય ને!
જતિન પરવારીને પક્ષની ઓફિસ પર પહોંચ્યો. ત્યાં આજે ઘણા કાર્યકરો હતા. સંસદ સભ્ય અને ધારાસભ્યની બેઠકની ચૂંટણીઓ નજીક હતી એટલે ઉપરથી આદેશ હતો કે લોકસંપર્ક વધારો. મતદારોને રીઝવવા કોઇ આયોજન કરો. મતદારોને વહેંચવા માટે નાણાંની જોગવાઇ કરવાની પણ ખાનગીમાં સૂચના આવી ગઇ હતી. જતિન પોતાની ટિકિટ માટે સક્રિય હતો. તેણે જનાર્દન મારફત પક્ષના રાજ્યકક્ષાના હોદ્દેદારોને મનાવવાનું શરૂ કરી દીધું હતું. જતિને એને કહ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં ધારાસભ્યની ટિકિટ મળવી જોઇએ. રતિલાલ ગમે એટલો જેક લગાવે તો પણ ફાવવા ના જોઇએ.
પક્ષના કાર્યાલયમાં જનસંપર્ક અભિયાન માટે યાદી બનાવવામાં આવી રહી હતી. પક્ષમાં નવા નવા કાર્યકરોને જોડવામાં આવી રહ્યા હતા. એ રસથી કામ કરવા લાગ્યા હતા. આજે કાર્યાલયમાં ભીડ જોઇને જતિનને થયું કે પોતાને ટિકિટ મળશે જ. તેની નજર નવા કાર્યકરો પર ફરી રહી હતી. અચાનક તેની નજર એક યુવતી પર જઇને અટકી ગઇ. જીન્સ-ટી શર્ટમાં પાછળથી જ એ યુવતી કોઇ મોડેલથી કમ લાગતી ન હતી. જતિન તરત જ તેની પાસે પહોંચી ગયો. એનો ચહેરો જોવા એ તલપાપડ થઇ ગયો. તેણે એને બોલાવવા 'હલો.. મિસ!' કહ્યું. એ યુવતીએ પોતાના ઘટાદાર લાંબા રેશમી વાળને ચહેરા પરથી એક આંચકા સાથે હટાવી જતિન તરફ જોયું અને જતિન ચમકી ગયો.
વધુ છઠ્ઠા પ્રકરણમાં...