પ્રકરણ-૭ કેસના મૂળ સુધી
કાનમાં કોઇએ અંગારા નાખ્યા હોય તેવું છેલ્લું કથન સાંભળી બેલાને અનુભવાયું .ફોન પકડીને તે ફરસ પર જ બેસી ગઈ. યુધિષ્ઠિર છેલ્લો દાવ લગાડી દ્રૌપદીને હાર્યા એ સ્થિતી અને બેલાની સ્થિતિમાં ઝાઝો ફરક નહોતો.કોલેજમાં ચાલતા તમામ અવાજો તેના માટે ગૌણ બની ગયા. જેસિકા ઉપર શું અત્યાચારો થયા હશે તે વિચારીને તેનું શરીર કંપી ઉઠ્યું.
‘ બેલા શું થયું તને ? આમ નીચે બેસી ગઈ.’ આસ્થા એ આવીને બેલા ને હચમચાવી.
આસ્થા ને જોઇને બેલા શોકમાં થી બહાર આવી. વધુ કંઇના કહેતા આસ્થાને ભેટી નાના બાળકની જેમ રડવા લાગી.
‘આસ્થા આઈ કાન્ટ સેવ હર ! આઈ કાન્ટ !’
આસ્થા માટે બેલા નું વર્તન કોયડા સમાન હતું ,ઘણા દિવસથી બેલા તેને પરગ્રહના પ્રાણીની જેમ ભાસતી. કાયમ ગહન વિચારમાં ડૂબેલી !અને આજે આમ પોતાને ભેટી ને રડવું!
‘ આલોકને ફોન કર ! આસ્થા ,બેલા ના મોમાંથી શબ્દો નીકળ્યા.બેલાના કહેવા મુજબ તેણે આલોક ને ફોન લગાડ્યો. ફોનમાં તે બોલી –‘ આલોક તને કદાચ મારી વાત વિચિત્ર લાગે, શેખચિલ્લી ની માફક મારો કોઈ તુક્કો લાગે કે કદાચ મારું વર્તન ગાંડપણ ભર્યું લાગે. એમ છતાં મારે તારી ફેવર જોઈએ છે .હું તને ફોનમાં સમજાવી શકું એમ નથી.’
‘ બેલા તું શું કહેવા માંગે છે ?’
આ મારી વિનંતી ગણ આલોક કે એક ગડસ ફિંલીંગ. બેંગ્લોરમાં તમારા કોઈપણ કોન્ટેક હોય તો ત્યાં ,જેસિકા દિવાન નામની છોકરીના ઘરે જઈ તપાસ કરવાની છે .મારી પાસે ફક્ત એનો સેલ નંબર છે જેનાથી કદાચ તને મદદ મળે.’
‘બેલા પણ શું કામ ?’
‘ કારણ કે તેનું પણ નિરાલી શાહ નીજેમ મર્ડર થઈ ચૂક્યું છે.’
‘ આ તો શું બોલી રહી છે ! બેલા ‘ આલોકને બેલાના આકથનથી આંચકો લાગ્યો.
‘ અત્યારે સવાલો ના પૂછ, આલોક તપાસ કરાવ !’
‘ ઓકે હું જોઉં છું. શું થઈ શકે એમ છે. ‘ આલોકે ફોન મુક્યો. હવે આઘાતનો વારો આસ્થાનો હતો.
‘ બેલા કોણ છે જેસિકા દિવાન ? એનું મર્ડર ! શું છે આ બધું ?’
‘ હું તને બધું જ કહીશ. ઈનફેક્ટ તારા સિવાય કોઈ બીજું છે પણ નહીં,જેની સાથે આ બધુ શેર કરી શકાય. આલોક નો ફોન આવે ત્યાં સુધી રાહ જો !’
કલાકો વીતતા ગયા. ઘડીઓ ગણાતી ગઈ .છેક સાંજે 5:00 વાગે આલોક નો ફોન આવ્યો.
‘ બેલા તારી વાત સાચી છે .જેસિકા દિવાન તેના અપાર્ટમેન્ટમાં મરેલી હાલતમાં મળી છે .ઘરે ફાંસો ખાધેલી સ્થિતિમાં !બેંગ્લોર પોલીસ તપાસ કરી રહી છે, કે આ સુસાઇડ છે કે અટેમ્ટ મર્ડર !પણ તું આ બધું શી રીતે જાણે છે?’
‘ તારા બધા સવાલોના જવાબ મળી જશે. તું અત્યારે છ વાગે મને પરિમલ ગાર્ડનમાં મલ.’
એ ત્રિપુટી થોડીવાર પછી પરિમલ ગાર્ડનમાં ભેગી થઈ. આસ્થા અને આલોક બંનેની નજર બેલા તરફ હતી.
‘ હું જે બોલવા જઈ રહી છું તે કદાચ તમને અસામાન્ય લાગે ! કદાચ વિશ્વાસ ના પણ આવે, પણ આ જ સત્ય છે.’
બેલાએ તેના કથનની શરૂઆત કરી. બેલાએ નવા મકાનમાં પહેલી રાત્રે થયેલા અનુભવથી શરૂ કરીને આ જ દિવસના ખૂની સાથે થયેલા છેલ્લા ફોન કોલ સુધીની તમામ વાત વિસ્તૃત વર્ણન સાથે કહી.આલોક અને આસ્થા આ વાત સાંભળી અવાચક થઈ ગયા. બેલા ને એક તરફ થાક અનુભવાતો હતો ,તો બીજી તરફ કોઈને વાત કહેવાથી તેને મનમાં શાંતિ પણ અનુભવાતી હતી.
થોડીક મિનિટો ના વિશ્રામ પછી આસ્થા બોલી-‘ બેલા નો અનુભવ પેરાનોર્મલ કેટેગરીમાં આવે છે .મેડિકલ સાયન્સ એને માનશે નહીં કે સમજાવી શકશે પણ નહીં .પણ એ વાત આપણે માનવી પડશે કે બેલાને પહેલી રાતે જે પ્રતીતિ થઇ ,જે સંકેતો મળ્યા તેની પાછળ કોઈ ગૂઢ રહસ્ય છે .બેલાને અરીસામાં જે હેલ્પ ના શબ્દો લખ્યા એ જ શબ્દો નિરાલી શાહે દિવાલ પર મરતા પહેલા લખ્યા .બેલા ના હાથે રાત્રે અજાણતા જ બનેલું સ્કેચ એ ખરેખર જેસિકા દિવાન ના કત્લની જાણકારી અગાઉથી દઇ ચૂક્યું હતું .ધારા નું મોત અકસ્માતમાં થયું છે, અને તું અને ધારા અદલ સરખા દેખાવ છો. બેલાને નવા મકાનમાં ધારાનો આત્મા !વોટએવર આપણે તેને કહીએ ! બેલાને આગાજ કરી રહ્યો છે ,એ અમંગળ ઘટનાઓ અટકાવવા. એ ઘટનાઓ પાછળ નું સાચું રહસ્ય જાણવા. આ બધું વિચારતા ભયથી મારા રૂવા કંપી જાય છે. કારણ હજી સુધી આ બધું ફિલ્મોમાં જોયું છે. બેલા ચોક્કસ ધારા તારી પાસે મદદ માગે છે. ‘
આસ્થા આ બધું બોલતા હાંફી ગઈ બેલા ને આશ્વાસન આપતા તેને વળગી પડી .આલોક હજી પણ ચુપ હતો.
‘હું કોઈ નિર્ણય આપતા પહેલા એકવાર બેલાએ રાત્રે દોરેલું ડ્રોઈંગ જોવા માગું છું.’
‘ મેં મોબાઇલમાં ફોટો પાડી સેવ કરેલો છે .’ બેલા બોલી.
આલોકે બેલા એ દોરેલું ડ્રોઈંગ ધારી ધારીને જોયું. દરેક નાની ચીજો તેણે તપાસી. બેલા ની સામે જોઈને તે બોલ્યો-‘ જેસિકા દીવાનનું મૃત્યુ થયું એ ઘટનાસ્થળ નો ફોટો મેં મોબાઇલમાં મંગાવ્યો હતો .કુદરતની અજાયબી છે બેલા એ દોરેલું ડ્રોઈંગ અને મારો મોબાઇલ નો ફોટો એક સરખા જ છે.’
માથું ખંજવાળતા તે આગળ બોલ્યો.-‘ કુદરતની આ કોઈ અલૌકિક ઘટના છે .મને સમજાતું નથી પણ એ વાતે હું ચોક્કસ છું કે નિરાલી શાહ અને જેસિકા દીવાનના એ હત્યારાને ફાંસીના ફંદે જોવા માગું છું.’
‘ પણ આપણે એને શોધીશું કઈ રીતે ?’
આ તમામ ઘટનાઓ, હકીકતો ધારા સાથે સંકળાયેલી છે .આપણે આ કેસના મૂળ એટલે કે ધારા જયસ્વાલ થી જ તપાસનો આરંભ કરવો પડશે. બેલા તું એક કામ કર .કાલે ધારા ના ઘરની મુલાકાત લઇ તેની એકે-એક ચીજ તપાસ. બની શકે એની કોઈ ડાયરી ,કોઈ નોટ, કે એવું કંઈ પણ મળી આવે જે આપણને આગલા પગથિયા સુધી પહોંચાડે. આપણે સાવચેત પણ રહેવું પડશે. બેલાએ ફોનમાં પોતાની ઓળખ છુપાવી છે. પણ કાતિલ હવે વધુ સજાગ રહેશે .એ કોઈ પણ હોઈ શકે. આપણે જાણતા નથી .આજના દિવસની વાત આપણે કોઈ આગળ કહેવાની નથી. બેલા તારું વર્તન પણ જરાય એબનોર્મલ ના લાગે એનો ખ્યાલ રાખજે.
‘ ઓકે !’ બધાએ આંખોથી જ સંમતિ આપી.
આલોક બેલા ની નજીક ગયો. તેનો હાથ પકડી બોલ્યો –‘બેલા તને ડર નથી લાગી રહ્યો ને !’
‘ ડર નથી પણ ગુસ્સો છે !આક્રોશ છે ! જ્યાં સુધી એ બાસ્ટર્ડ નહીં પકડાય ત્યાં સુધી મને ચેન નહીં મળે. એમ પણ આ લડાઈમાં પહેલા હું એકલી હતી હવે આપણે ત્રણ છીએ.’
‘ છતાં મારુ એક સુચન છે જ્યાં સુધી આ કેસનો નિવેડો ના આવે ત્યાં સુધી તારે આસ્થાને સાથે જ રાખવાની છે.’
‘ હું ગમે તે પ્રોજેક્ટ વર્ક નું બહાનું બતાવીને તારા ઘેર રહેવા આવી જઈશ.’ આસ્થા એ પોતાનો સૂર પરોવ્યો. ત્રણેય જણના ચહેરા મલકયા. બેલા મનોમન બોલી ‘ધારા ટૂંક સમયમાં અમે તેને શોધી કાઢીશું !’
પછીના દિવસથી આસ્થા બેલા ને ત્યાં રોકાવા જશે એવું નક્કી થયું .બેલા રાત્રે એના બેડરુમમાં ગઈ પણ તે નિશ્ચિત હતી. સામાન્ય માણસને ભૂત કે પ્રેતનો જે ડર સતાવે છે તેવી લાગણી તેના મનમાં ઉદ્ભવી ન હતી. તેને દ્રઢ વિશ્વાસ હતો કે ધારા ની આત્મા તેને કશું નુકસાન પહોંચાડવાની નથી .બસ ધારાની ઝંખના એક ખરાબ ભવિષ્ય અટકાવવાની છે, જેને કોઈ પાગલ નિયતિ સુધી પહોંચાડી રહ્યો છે. ધારા ની છબી મનમાં દૃઢ કરીને તે બોલી ‘ધારા આજે કોઈ એવો ચમત્કાર કર કે હું ખુનીનુ જ પ્રોટ્રેટ બનાવી દઉં .પછી એને પકડવામાં મુશ્કેલી નહીં રહે.’ બાજુમાં જ ડ્રોઈંગ બુક મૂકીને બેલા સુઈ ગઈ. સવારે ઊઠીને તેણે ફરી તે ડ્રોઈંગ બુક તપાસી પણ તેમાં કોઇ વધારાનો ઉમેરો થયો નહોતો. હવે આલોકે બતાવેલો રસ્તો જ અજમાવવો પડશે. વહેલી સવારે તેણે અનુરાધા જયસ્વાલ ને ફ્લેટના કોમન પ્લોટમાં મળવા બોલાવ્યા
‘ આંટી તમે એ જાણવા માંગો છો ને ! શા માટે તમને એ દિવસે અનારકલી નું સંબોધન કર્યું. ઇનફેકટ આંટી હું પણ એ જ જાણવા માંગું છું. છેલ્લા કેટલાક દિવસોથી મને અજીબ અનુભવો થઇ રહ્યા છે.’
‘અજીબ અનુભવ ! બેલા શું થઈ રહ્યું છે તારી સાથે ?’
‘એ તમામ સિક્રેટ પછી તમારી સાથે શેર કરીશ. પહેલા મારે તમારી પાસે એક અનુમતિ લેવાની છે.’
‘શેની અનુમતિ બેટા ?’
‘તમે ધારા ની બધી જ ચીજ વસ્તુઓ એમની એમ જ સાચવી રાખી છે મારે તમામ જોવી છે.’
‘ઓકે પણ પિનાકીન ની હાજરીમાં શક્ય નથી. પિનાકીન લગભગ ૧૦ થી ૫ તેની ઓફિસે હોય છે. તું આ સમયગાળા દરમિયાન ગમે ત્યારે આવી શકે છે.’
‘હું ઘરેથી કોલેજ જવા નીકળી જઈશ ને પાછી તમારા ઘરે આવી જઈશ.’
બરાબર બાર વાગે તે અનુરાધા જયસ્વાલના ઘરે પહોંચી .પાંચ વાગ્યા સુધી તેને કોઈ ડીસ્ટર્બ કરવાનું નહોતુ . એક પછી એક ધારાની દરેક ચીજો તેણે તપાસવાની શરૂ કરી. ધારાની જવેલરી, કોલેજ ના પુસ્તકો ,કપડા પણ અગત્યની કડી મળી નહિ. અનુરાધા જયસ્વાલે તેને મોકળું મેદાન આપ્યું હતું. તે બાજુના રૂમમાં બેસી રહ્યા.
‘આંટી , ધારા ના ફોટોગ્રાફ્સ ક્યાં હશે ?’
‘ એ પહેલા કબાટના ખાનામાં છે. હું તને ચાવી લાવી આપું છું.’
અનુરાધા જયસ્વાલે બાળપણ થી કોલેજ સુધીના તમામ ફોટા તેના સામે મૂક્યા .દરેક ફોટાની તે રૂપરેખા આપતા ,ધારા પાંચ વર્ષની હતી અને રાધા બનીતી સ્કૂલમાં એનો આ ફોટો છે. આ ફોટો એની પહેલી પિકનિકનો છે. માનુ હૃદય દરેક ફોટાએ વલોપાત ઠાલવતુ રહ્યું. મા ની લાગણીએ બેલાને બેચેન કરી મુકી .તે મનોમન બોલી-‘ જો મજબૂરી ના હોત તો પોતે આ રીતે ભૂતકાળને ઉખેડત નહીં.’
‘ અચાનક ધારાના કોલેજકાળનો એક ફોટો તેના હાથમાં આવતા બેલા નું ચેતાતંત્ર ખળભળી ઉઠયુ. ફોટામાં ચાર કોલેજની યુવતીઓ એકબીજા ના ખભે ટેકવીને સ્ટાઇલીશ મુદ્રામાં ઉભી હતી .દરેક એક જ સરખી ગ્રીન કલરની ટીશર્ટ પહેરી હતી તેમની ટી-શર્ટ પર મોટા અક્ષરે એક સરખો લોગો કોતરેલો હતો.-HELP FOUNDATION, ESTABLISHED 1975’
‘ હેલ્પ ફાઉન્ડેશન !’ નિરાલીએ દિવાલ પર કોતરેલા અક્ષરો. નિરાલીના કહેવાનો અર્થ હેલ્પ એટલે મદદ નહીં હેલ્પ ફાઉન્ડેશન ના સંદર્ભમાં હતો.
ફોટામાં ચાર યુવતીઓ હતી જેમાંની ત્રણને બેલા જાણતી હતી. જેમાંની એક હતી ધારા જયસ્વાલ અને બીજી બે યુવતીઓ હતી નિરાલી શાહ,અને જેસિકા દિવાન. જેમાં ત્રણ મરી ચૂકી છે ,એટલે કે મારી નાખવામાં આવી છે.’
અનુરાધા જયસ્વાલે બેલાને હચમચાવી ના હોત તો બેલાની ધ્યાન મુદ્રા ભંગારના થઈ હોત
‘ શુ થયું બેલા? આમ સડક કેમ થઈ ગઈ ? શું છે એવું આ ફોટામાં ?’
‘આંટી ફોટાની અંદર રહેલી બાકીની ત્રણેય યુવતીઓ ને તમે જાણો છો?’
‘ હા એ ધારાની સખીઓ છે’
‘ તો તમે એ પણ જાણો છો કે નિરાલી શાહ અને જેસિકા દિવાન બંનેનું મૃત્યુ થઈ ચૂક્યું છે.’
બેલાના આ વિધાને અનુરાધા જયસ્વાલ ચોંકી ઊઠ્યા. અસહ્ય વેદના તેમના ચહેરા પર ઉપસી આવી.’ નિરાલી ના બેસણા માં તો હું જઈ આવી પણ જેસિકા જોડે આ બનાવ ક્યારે બન્યો ?બેલા તુ આ બધું કઈ રીતે જાણે છે ? શું થયું જેસિકા સાથે ?’
‘ આંટી હું તમને અત્યારે સમજાવી શકીશ નહીં. પણ કોઈ છે જે આ ફોટાની ચારેય યુવતીઓને મારવા માંગે છે. શું કામ ? એ પણ આપણે જાણતા નથી. ત્રણ વર્ષ પહેલા ધારાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું . એ જોગાનુજોગ હતું ! કે જાણીજોઈને કરાયેલ કૃત્ય આપણે જાણતા નથી. અઠવાડિયા પહેલા નિરાલી શાહનુ તેના બેડરૂમમાં ઘાતકી રીતે ખૂન કરવામાં આવ્યુ. ગઈકાલે જેસિકા દિવાનની એ જ રીતે હત્યા કરવામાં આવી. હવે કદાચ છેલ્લો શિકાર આ ફોટાની બાકી રહેલી યુવતી છે અને આંટી આપણે તેને બચાવી જ પડશે.’
અનુરાધા જયસ્વાલ આ સાંભળતા ખુરશી માં ફસડાઈ પડ્યા .થોડી ક્ષણો તે ઓરડામાં તા સ્તબ્હતા છવાઈ ગઈ. પરાણે હિંમત એકઠી કરીને તે બોલ્યા
‘ ધારા નું મૃત્યુ અકસ્માત ના હોય તો એ રાક્ષસ પકડાવો જોઈએ. હવે આગળ કોઈ નવી વારદાત નહીં બનવા દઇએ. ફોટા ની ચોથી યુવતી શીતલ ભાવસાર છે ઘણા સમયથી એ મારા કોન્ટેક માં નથી. પણ અહીં એના મામા પાલડીમાં જ રહે છે ત્યાંથી એનું સરનામું મળી શકશે. હું આજે ત્યાં જતી આવીશ’
‘ આંટી હવે તમારા સવાલનો જવાબ આપુ. જ્યારથી હું ફ્લેટમાં રહેવા આવી છું મને અજીબ સપના, નાઇટમેર આવે છે. છબીઓ સ્પષ્ટ નથી હોતી પણ સંકેતો મળે છે .જાણે ધારા મને પોકારીને મદદ માગી રહી છે અને આ તમામ ચીજોનો સંદર્ભ હેલ્પ ફાઉન્ડેશન સાથે છે. ‘