HELP - 8 ashish raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

HELP - 8

પ્રકરણ-૮ શીતલ નું ગુમ થવું.

બેલા અનુરાધા જયસ્વાલ અને ત્યાંથી નીકળી સીધી કોલેજ પહોંચી. બીજી બાજુ અનુરાધા જયસ્વાલ શીતલ ભાવસારના મામાના ઘેર શીતલ નું સરનામું અને મોબાઈલ નંબર લેવા પહોંચ્યા. આલોક કેસની તપાસ કરવાના બહાને પોલીસ સ્ટેશનમાંથી કોલેજ પહોંચ્યો. પહોંચતાવેત જ બેલા બોલી –‘ ખૂબ મહત્વની માહિતી હાથ લાગી છે ! તેણે તરત હેલ્પ ફાઉન્ડેશનના ટીશર્ટ પહેરેલી ચાર યુવતીનો ફોટો બતાવ્યો. આ કથા હેલ્પ ફાઉન્ડેશન થી શરૂ થયું હોય તેવું લાગે છે.

‘ મારી પાસે પણ માહિતી છે. બેંગ્લોરમાં કેસની તપાસ કરનાર પી.આઇ ખરેખર જેન્ટલમેન છે. મેં નિરાલી શાહ ઘટનાની જાણ કરીને તેને વિશ્વાસમાં લીધો. ફોરેન્સિક રિપોર્ટ પાછળથી આવશે પણ એ ચોક્કસ છે જેસિકા દીવાને suicide નથી કર્યો. જેસિકા દિવાન સાથે બળજબરી થઈ હોય તેવું લાગે છે. ઓરડામાં ઘણી વસ્તુઓ તૂટેલી હાલતમાં મળી છે. અનેક ઠેકાણે જેસિકા ના શરીર પર ઈજાના ચીહ્નો . સામાન્ય ઈજા નહીં !દર્દનાક સિતમ ના ચિહ્નો. તેનું માનવું છે કે ચોક્કસ તેને ઉંચકીને લટકાવી દેવામાં આવી છે. ફિંગર પ્રિન્ટ લેવાનું અને પૂછપરછ નું કામ ચાલુ છે .હા બીજી એક ખાસ વાત ! જેસિકા ઘરમાં કાયમ એક સોનાનો ચેન પહેલી રાખતી .તે પણ ગુમ છે.

‘ આલોક મને લાગે છે કે, ખુની ચેતી તો ગયો છે .સાથે તેનો છેલ્લો વાર પણ ઝડપી કરશે .આપણે શીતલ ભાવસારને ચેતવવી પડશે. અનુરાધા આંટી એની તપાસમાં ગયા છે, અને મારે આ હેલ્પ ફાઉન્ડેશનની કુંડળી કાઢવી પડશે.’ બેલા બોલી

‘ અનુરાધા આંટી પાસેથી આ સંસ્થા વિશે શું જાણવા મળ્યું ?’

આ સંસ્થા વસ્ત્રાપુરમાં ચાલે છે. નિરાલી શાહ ત્યાં વોલેન્ટર તરીકે સેવા આપતી .કોલેજમાં નિરાલીના પરિચયમાં આવ્યા પછી ધારા અને અન્ય ત્રણ વોલેન્ટર તરીકે એમાં જોડાયા.સંસ્થાનું મુખ્ય કાર્ય મા-બાપ દ્વારા તરછોડાયેલી, વેશ્યા ગ્રુપમાં સડતી નાની બાળકીઓને છોડાવી પગભર કરવાનું કામ કરે છે. સાથે સો વૃધ્દ્રો રહી શકે એવો વૃદ્ધાશ્રમ પણ ચાલે છે. અનુરાધા જયસ્વાલ ત્યાં બે-ત્રણ મુલાકાત ધારા ના ત્યાં જોડાયા વખતે લઈને આવ્યા .તેઓ આ સેવાયજ્ઞ થી ખુશ હતા.’

‘ ધારા ત્યાં શું સેવા આપતી ?’ આસ્થા એ પૂછ્યું.

‘ ધારાનો મેથેમેટિક ખુબ સારું હતું.સંસ્થાની દસમા અને બારમા ધોરણની છોકરીઓને મેથ્સ, એકાઉન્ટ જેવા વિષયો શીખવતી. સંસ્થાના વૃદ્ધોને આનંદ આવે તેવી ઘણી પ્રવૃત્તિ માં ભાગ લેતી. તે ખૂબ ઉત્સાહી હતી. અનુરાધા જયસ્વાલ ને તે કહેતી-” આવા તરછોડાયેલા લોકોને શાંતિથી સાંભળીએ તોપણ તે હળવા થઈ જાય છે.”

“ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે એ સિરિયલ કિલર પણ આ જ સંસ્થા સાથે સંકળાયેલો છે”

“ પણ એણે બીજા કોઈને નહીં આ ચારને જ કેમ ટાર્ગેટ કર્યા ? ધારા નું મૃત્યુ અકસ્માત નહોતું !તો એક ધારા ને મારી ત્રણ વર્ષ સુધી ક્યાં સંતાયેલો રહ્યો ! આ બધા ક્વેશ્ચનમાર્ક છે ?” આલોક માથું ખંજવાળતા બોલ્યો

‘એટલે જ મારે આ હેલ્પ ફાઉન્ડેશનમાં વોલેન્ટર તરીકે જોડાવુ છે તો જ આ ક્વેશ્ચનમાર્ક નો અંત આવશે .’ બેલા બોલી.

“ ના બેલા તું બિલકુલ નહીં. આને મારી વિનંતી ગણ કે ચેતવણી. તારે ફાઉન્ડેશન ની બાજુમાં પણ ફરકવાનું નથી. આ કામ આસ્થા કરશે. તારો ચહેરો ધારાને મળતો આવે છે અને એ કિલર કોણ છે એ આપણે જાણતા નથી. આ ઓર્ગેનાઈઝેશનનો માલિક પણ હોઈ શકે ! કે સામાન્ય પટાવાળો કે પછી કોઇ વોલેન્ટર !. તારા ચહેરાને લઈને એને કંઈ શંકા પડશે તો આપણે એને ક્યારેય નહીં પકડી શકીએ. એટલે આ કામ આસ્થાને જ કરવા દેવું પડશે.”

આસ્થા તરત પોતાનો હાથ ઊંચો કરી બોલી.’ આઇ એમ રેડિ નાઉ !મને આ સ્ટોરી માં ભાગ લેવા દો’

‘ પણ તમે લોકો સમજતા નથી !મને જે ફીલિંગ ,ઇન્સ્ટીક અનુભવાય છે તે આસ્થાને નહીં અનુભવાય. મારું જવુ ખૂબ જરૂરી છે ,ધારા મને જ ગાઈડ કરી રહી છે બીજા કોઈને નહીં.’

ત્રણેય વચ્ચે થોડો સમય તકરાર ચાલતી રહી. આખરે બેલા આલોક અને આસ્થાની જીદ આગળ હારી. પણ એની ગડમથલ ચાલુ જ રહી.

આલોક એ મુસ્કરાઇને કહ્યું ‘ તું આસ્થા ની આંખો બની શકે તેવો રસ્તો પણ છે.’

બંને જણા નવાઈથી આલોક સામે જોઈ રહ્યા-’ ગેજેટ્સ, સ્પાય કેમેરા’ બંનેના આશ્ચર્ય વચ્ચે આલોક એ બોલવાનું ચાલુ રાખ્યું.

‘ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો પણ હોય છે. તેમનું કામ મોટેભાગે પબ્લિક વચ્ચે રહી માહિતી એકઠી કરવાનું હોય છે. તેઓ જ ક્રાઈમ બ્રાન્ચને માહિતી પણ આપે છે. હમણાં જ અમારા ડિપાર્ટમેન્ટમાં એમને મદદરૂપ થાય એવી સ્પાયપેન આવેલી છે. તહલકા કૌભાંડ વખતે વાપરી હતી તેનાથી ઘણી આધુનિક કેમેરાવાળી. વિડીયો રેકોર્ડિંગ પણ છે,એવી એક પેન હું આસ્થા ને આપી દઈશ. આસ્થા ત્યાં જે જોશે, સાંભળશે એ બધું રેકોર્ડીંગ તુ જોઈ શકીશ.’

‘વાઉ તો તો બહુ મજા આવશે !બોયફ્રેન્ડ પોલીસમાં હોય એનો ફાયદો જોયો બેલા !’

‘ પણ તને મળશે કઈ રીતે ?’

‘ એના માટે હું ગમે તે કઠલો કરી લઈશ. કાલે સવારે આસ્થા પાસે એ પેન હશે’

ત્રણેયની વાતચીત દરમિયાન જ અનુરાધા જયસ્વાલ નો ફોન રણક્યો. બેલા એ તરત પૂછ્યું-’ શું થયું આંટી શીતલ ભાવસાર નું એડ્રેસ મળી ગયું ? ક્યાં રહે છે તે’

સામેથી આવતા અવાજ માં ઉત્સાહ દેખાયો નહીં-’ શીતલ નું એડ્રેસ મળી ગયું છે. વધુ દૂર નથી ,ગાંધીનગર મહાત્મા મંદિર બાજુમાં જ રહે છે. ફોન ટ્રાય કર્યો તો એને ઉપાડ્યો નહી એના મામા પાસે ઓફિસનો ફોન લઈ ત્યાં ટ્રાય કર્યો તો આજે ઓફિસે જ આવી નથી. અત્યારે ગાંધીનગર એના પિતાને મળવા જઈ રહી છું કદાચ કોઈ આશાનું કિરણ મળી જાય.’

બેલા આંચકામાં હતી ,સામેથી અનુરાધા જયસ્વાલનુ બોલવાનું ચાલુ રહ્યું-’ બેલા મને ખૂબ બીક લાગી રહી છે !શીતલને હું કઈ નહિ થવા દઉ !’

----------*----------*-------------------*--------*------------------------*---------------------*

એક દુકાનનું શટર ખોલી શીતલને અંદર લાવવામાં આવી. શીતલ ના હાથ પર બાંધેલા હતા, અને મોં પર પટ્ટી લગાવેલી હતી. દુકાનનું શટર બંધ કરી એ વ્યક્તિએ સ્વીચબોર્ડ પર હાથ ફેરવ્યો. એકદમ ઝાંખો પ્રકાશ દુકાનમાં ફેલાઈ ગયો. શીતલને ખેંચીને એ વ્યક્તિ ખુરશી નજીક લઈ ગઈ. શીતલને ખુરશીમાં બેસાડીને એના મોં પરની પટ્ટી ખોલવામાં આવી.પટ્ટી ખોલતા જ શીતલ ના મોંમાથી શબ્દો નીકળ્યા ’પિનાકીન અંકલ તમે શું કરી રહ્યા છો ?મને આ ક્યાં લઈ આવ્યા? પ્લીઝ અંકલ ! હું તમારી દીકરી જેવી છું. ‘શીતલ ની આંખોમાં આંસુ હતા.

શીતલના હાથ ના દોરડા સાવચેતીથી તેમણે ખુરશી સાથે બાંધ્યા.શીતલ ની આંખોમાં જોઈ તે બોલ્યા-’ હું વિવશ છું !બીજો કોઈ માર્ગ હોત તો હું આ પગલું ક્યારેય ન ભરત. આ બધું તારા ભલા માટે જ છે’

આટલું બોલીને પિનાકીન જયસ્વાલે એક ધારદાર છરી શીતલ ની બિલકુલ સામે ધરી.

-----------------------*---------------------------*----------------------------------*---------------

બેલાની વ્યાકુળતા વધતી જ ગઈ. બંને જણા અધીર મને અનુરાધા જય સ્વાલની ગાંધીનગર થી પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. આલોક પોલીસ મથકે પહોંચી સિનિયરોને કન્વીંસ કરવા માગતો હતો. અનુરાધા જયસ્વાલ નંખાયેલા ચહેરા સાથે પાછા ફર્યા. બેલા ને જોઈને તે બોલ્યા-’ તે હજુ સુધી પાછી નથી આવી. કોઈ કોન્ટેક્ટ થતો નથી. એના પિતા અને ભાઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા છે. ઓહ ગોડ! સમજાતું નથી હવે શું કરવું ?’

વાતચીત દરમિયાન પિનાકીન નો ફોન રણક્યો-’ અનુ એક ક્લાયન્ટ સાથે મીટીંગ છે .મોડી રાત સુધી ચાલશે .કદાચ આજે હું ના પણ આવુ’

‘ પણ પિનાકીન આમ અચાનક મીટીંગ ?’

અનુરાધા જયસ્વાલ વધુ કંઈ બોલે તે પહેલાં સામેથી ફોન કપાઈ ગયો.

‘ પિનાકીન પણ આ વખતે બહાર છે’ અનુરાધા જયસ્વાલ માથું પકડીને બેસી ગયા. ત્રણેય શીતલ ને બચાવવા માગતા હતા પણ કોઈ રસ્તો સુઝી રહ્યો ન હતો. વ્યાકુળ સ્વરે અનુરાધા જયસ્વાલ બોલ્યા’ બેટા એ શીતલને કંઇ હાની તો નહિ પહોંચાડે ને ! હું વધુ એક મોત નો ભાર સહન નહીં કરી શકું’.

‘પરિસ્થિતિ જે પણ હોય આંટી ,પણ મારું મન કહી રહ્યું છે .શીતલ ને કશું નહીં થાય. આ ષડયંત્ર ચોક્કસ નિષ્ફળ જશે. એ પાગલ જલ્દી પકડાઈ જશે.’

બેલાના આ વાક્યે બંનેને હિંમત આપી. બેલાને પણ ખ્યાલ નહોતો આવી દારુણ પરિસ્થિતિની વચ્ચે પણ તે આટલા વિશ્વાસથી કઈ રીતે બોલી શકે છે. પણ બેલા ને લાગતું હતું કે અવાજ મારો છે પણ શબ્દો ધારાના છે.

અનુરાધા જયસ્વાલ પોતાના ફ્લેટમાં પહોંચ્યા અને બેલા અને આસ્થા પોતાના નિવાસસ્થાનમાં. વિમળા દીક્ષિત ની આરતી નો સમય થઈ ગયો હતો. આસ્થા પ્રોજેક્ટ વર્ક નું બહાનું બતાવીને બેલા ના ઘરે રોકાવાની હતી.

‘ મમ્મી પૂજા કરી રહી છે ?’ બેલાએ જયંત દીક્ષિતને ઉદ્દેશીને પૂછ્યું

‘હાસ્તો નહિતર ઘરમાં એટલી શાંતિ હોય !’ જયંત દીક્ષિતે મુસ્કુરાઈ ને જવાબ આપ્યો.

બેલા કેવા ચક્રવ્યૂહમાં ફસાયેલી છે તેનાથી બંને જણાં અજાણ હતાહતાં. અચાનક બેલા પૂજા ઘર આગળ પહોંચી. વિમળા દીક્ષિત ની બાજુમાં બેસી ગઈ. વિમળા દીક્ષિતને અનહદ આશ્ચર્ય થયું. કારણ પૂજા કે ધાર્મિક વિધિમાં બેલા ક્યારે ભાગ નહોતી લેતી.

‘ આજે અચાનક શું થયું છે મારી દીકરીને ?’

‘ તું કહે છે ને મમ્મી, જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ભગવાન જ આશરો છે ?’

‘ હા પણ તારે એવી શુ મુસીબત આવી પડી !’

શું જવાબ આપવો બેલાને સમજાયું નહીં. પણ આસ્થા એ વાત વાળી લીધી.

‘ એક્ઝામ નજીક આવે છે અને કાકી જુઓને પ્રોજેક્ટ વર્ક એટલું બધું છે, અમારે રાતોના ઉજાગરા કરવા પડશે !’

બેલાએ રાહતનો શ્વાસ લીધો .આંખો મીંચીને તેણે ઈશ્વરનું સ્મરણ કર્યું ધારા નો ચહેરો યાદ કરી મનોમન ઈશ્વર સાથે સંવાદ કર્યો. ‘હે પ્રભુ ધારાના મૃત્યુનો બદલો લઈ શકાય, અને શીતલ ને બચાવી શકાય એ માટે કોઈ રસ્તો બતાવો !’

બેલા ના ખ્યાલ બહાર એનો દુપટ્ટો સળગતા દિવાની ધાર આગળ પહોંચી ગયો હતો. દીવાની ઝાળ ધીમે ધીમે દુપટ્ટામાં પ્રસરી રહી હતી .દુપટ્ટો વધુ અગનજવાળામાં લપેટાઈ જાય એ પહેલા આસ્થા ની નજર સળગતા દુપટ્ટા પર ગઈ. બુમ પાડી એણે બેલા નું ધ્યાન ખેંચ્યું. ઝડપથી બેલાએ દુપટ્ટો અળગો કર્યો. આસ્થાએ પાણીનુ ટબ એના પર નાખી આગ ઓલવી નાખી. વિમળા દીક્ષિત દોડતા પૂજા ઘર સુધી દોડી આવ્યા- ‘એ ભગવાન આ બધી શું રામાયણ છે ! બેલા તું દાઝી નથી ને ?’

બેલાએ કશો પ્રત્યુત્તર ન આપ્યો, ફક્ત ડોકુ નકારમાં હલાવ્યું. બુઝાયેલા દિપક સામે તેણે જોયું આ ઘટના શું કામ બની !શું આ કોઈ સંકેત છે ?