HELP - 1 books and stories free download online pdf in Gujarati

HELP - 1

પ્રકરણ 1. નવું મકાન

“બેલા ! બધી તૈયારી થઈ ગઈ ?”

‘હા,મમ્મી !’ વૉલ ક્લોક ને સાચવીને પેક કરતા બેલા બોલી.

‘કેટલી જૂની છે, આ વૉલ ક્લોક ! ચાળીસેક વર્ષ થઇ ગયા છે ! દાદી આના ડંકા ગણીને મને સમય શીખવતા.’ વૉલ ક્લોકે કેટલાય સ્મરણો ને બેલા માટે તાજા કરી દીધા.

‘આ તારા પપ્પા ને પણ જરૂરિયાતના સમયે જ રજા ના મળે !’ બોલતા બેલા ના મમ્મી રસોડામાંથી બહાર આવ્યા. વૉલ ક્લોક જોવામાં મગ્ન બેલા ને જોઈ તે બોલ્યા વગર ના રહી શક્યા-‘આ તારી જૂની વસ્તુઓ નો સંગ્રહ કરવાનો શોખ મને ખૂબ નડી રહ્યો છે, દર વર્ષે એટલી નકામી વસ્તુઓ ભેગી થાય છે ! અને આવા ઘડિયાળ કોણ રાખે છે હવે ?’

‘બહુ થયું મમ્મી ! પ્લીઝ ,ભાષણ શરૂ ના કરતી. તને ખબર છે ને ?દાદી ની યાદો જોડાયેલી છે આની સાથે’

‘તમે બન્ને બાપ-દીકરી તો !’ નવું જ્ઞાન સત્ર શરૂ થવાનું જ હતું. એટલામાં જ બાજુના પાડોશી મધુબેન મળવા આવી પડ્યા અને વિમળા દીક્ષિત નવી ચીટ-ચેટમાં પરોવાઈ ગયા.

બેલા ના પિતા જયંત દીક્ષિતનું છેલ્લા ત્રણ વર્ષથી પોસ્ટિંગ અમદાવાદ ખાતે ઓ.એન.જી.સી માં થયું હતું .બેલા ડિગ્રી આઇ.ટી ના ચોથા સેમિસ્ટરમાં હતી. આખું પરિવાર કાયમ માટે અમદાવાદ સેટ થવાનું વિચારી રહ્યા હતા. એવા વખતે પાલડી વિસ્તારમાં સારો ફ્લેટ તેમના બજેટમાં મળી જવાથી આખું પરિવાર ખૂશ હતું. આજે ત્યાં જવા માટે તેમનું શિંફટીંગ ચાલી રહ્યું હતું.પાડોશી મધુબેન સાથે ચીટ-ચેટ પતાવી વિમળાબેન ફરીથી બેલા સાથે જોડાયા.

‘ બેલા, મધુબેન કહેતા હતા તમે નસીબદાર છો. આટલા ઓછા ભાવે પાલડી વિસ્તારમાં ટુ બી.એચ.કે ફ્લેટ મળે જ નહીં ! પછી મેં કહ્યું કે આના પપ્પાને ઓળખાણ ઘણી સારી છે’

‘મમ્મી, એવું કશું નથી. એક તો એ ફ્લેટની સ્કીમ ઘણી જૂની છે.જે N.R.I છે !શું નામ એમનું ?’

“ રવિન્દ્રભાઈ”

‘હા ,રવીન્દ્રભાઇને ઉતાવળ હતી આ પ્રોપર્ટી વેચી દેવાની. એટલે જ આપણા ત્રણ લાખ ઓછા લીધા છે,અને એમાં મોટા ભાગના પૈસા કેસ!

‘ જો એ તો માતાજીની કૃપા કહેવાય ! અને મેં આના માટે બાધા રાખી હતી’

‘ ઓહ નો ! હવે પાછી બાધા આવી ગઈ.’

બંને મા-દીકરી ની આખા રસ્તે આવી તકરારો ચાલતી રહી. સામાન લઈ જવાના ટેમ્પા સાથે બેલા તેમની કારમાં જોડાઈ. આનંદ રેસીડેન્સી આવી ગઈ હતી. શિંફટીંગમાં મદદ કરવા માટે બેલાના કઝિન આસ્થા અને સુમિત પણ તેમની ગાડીમાં ત્યાં પહોંચી ચૂક્યા હતા. આસ્થા સાથે બેલાને વધુ ફાવતું. બંને એક સરખી ઉંમરના, એક સરખા ફિલ્ડના અને એક જ કોલેજમાં અભ્યાસ કરતા .વિમળાબેને સુમિત ને મજૂરો સાથે કામ કેવી રીતે લેવું તેની સૂચનાઓ આપવા પરોવાયા .જ્યારે બેલાના મનમાં એક જુદો જ થનગનાટ હતો.

‘ ચાલ, તને એક સુપર આઇટમ બતાઉં’ તેણે આસ્થાને કહ્યુ.બંને જણા લિફટમાં પ્રવેશી ચોથા માળે પહોંચ્યા.

‘તો ઘર નંબર ૪૦૪ !દીક્ષિત ફેમિલી નું હવે કાયમી રહેઠાણ. આસ્થાએ એલ આકારે આગળીં ચિંધતા કહ્યું.

‘કાયમ માટે સ્તો,સારું થયું ! મમ્મી ચોથા માળ માટે તૈયાર થઈ ગઈ. તું તો જાણે છે ને એક વાર કોઈ લત પકડે પછી !’ દરવાજાનું તાળુ ખોલતા બેલા બોલી.

બંને જણા ઘરમાં પ્રવેશ્યા તરત જ બેલા આસ્થા નો હાથ પકડી ડ્રોઈંગરૂમ ની ડાબી બાજુ રહેલા બેડરૂમ માં લઇ ગઈ. રૂમની અડધી દીવાલને કવર કરતી કોઈ ઢાંકેલી વસ્તુ પડી હતી .કપડું ઉઠાવતા બેલા બોલી-‘ ઢેણ તેણ ન !’

‘ વાઉ, અદભુત છે આ !’ આસ્થા બોલી

રૂમની બરાબર વચ્ચે ૭” * ૫” ફૂટનું રજવાડાઓના સમયની યાદ અપાવતું ડ્રેસીંગ ટેબલ પડેલું હતું .વર્ષોથી પડ્યા રહેવાને કારણે તેનો ઘણો ઘણો ભાગ ઘસાઈ ગયો હતો, પણ તેનું નકશીકામ અદભૂત હતું.

‘બહુ જૂનું લાગે છે ! કેવું સરસ નકશીકામ છે. આસ્થા ડ્રેસીંગ ટેબલ પર આંગળીઓ ફેરવતા બોલી.

‘જો આમાં રાણીની વસ્તુનું કેટલું ધ્યાન રાખેલ છે. આ અલગ-અલગ સાઈઝના કાસકા મૂકવાના સ્ટેન્ડ. આ સિદુંર મુકવા માટે ની ડબ્બીઓ.’

બેલા અલગ અલગ ખાના ખેંચીને આસ્થા ને બતાવવા લાગી.

‘ એ ડ્રેસીંગ ટેબલ ની છાલ મૂકીને તમે બંને જણીઓ હવે મદદમાં જોડાશો.’ વિમળાબેન નો ઉગ્રઅવાજ પાછળથી સંભળાયો. આ રણકાર આગળ બંને વિવશ હતા. બંને ઝડપથી કામમાં લાગી ગયા.

જયંત દીક્ષિત જ્યારે સાત વાગે ઘરે પહોંચ્યા ત્યારે મોટાભાગની વસ્તુઓ ગોઠવાઈ ગઈ હતી. બુટ કાઢતા તે બોલ્યા-‘કેવું રહ્યું વીમળા ? કોઇ અગવડ તો નથી પડી ને ?’ વિમળાબેન ની સામે નજરો કર્યા પછી બાકીના શબ્દો ગળામાં અટવાઈ પડયા.

‘ એક કપ ચા મળશે ?’ રોજિંદા ક્રમ પ્રમાણે શબ્દો નીકળવા જતા હતા પણ પરિસ્થિતિને સાનુકૂળ થવા તેમણે નવી લાઈન ઉચ્ચારી-‘ચલ આજે હું જાતે જ ચા બનાવી લઉં છું ! તુ બહુ થાકી ગઈ હોઈશ.’

કિચન ની અંદર દાખલ થવા પગ ઉપડતા હતાં ત્યાં ફરીથી સત્તાવાહી અવાજ આવ્યો. ‘ રસોડામાં બધું વેરવિખેર પડ્યું છે. તમને કશું મળશે નહીં, સ્મિત સાથે દીક્ષિત પાછા આવીને ચેર માં ગોઠવાયા. વિમળાબેન તરફથી કોઈ નવો ટ્રેક શરૂ થાય એ પહેલાં જ તેમણે પૂછી લીધું

‘ બેલા ક્યાં છે ?’

‘ એ છોકરી બિલકુલ તમારા પર ગઈ છે. સાંજ ની પેલા જુના ડ્રેસીંગ ટેબલ ને સાફ કરવા મથી રહી છે.તમને ખબર છે ?ડ્રેસીંગ ટેબલ કેટલી જગ્યા રોકે છે ? આવું ફર્નિચર હવે કોણ રાખે છે કહેશો ! રવિન્દ્રભાઈએ આનો વહીવટ કરી દીધો હોત તો સારું હતું.’

વિમળાબેનને સાંભળતા પડતા મુકી જયંત દિક્ષિત બેલાના બેડરૂમ તરફ ગયા. બેલાએ ડ્રેસીંગ ટેબલ ને સાફ કરીને તેની રોનક બદલી નાખી હતી.ડ્રેસીંગ ટેબલ ની વચ્ચે રહેલા ઘુમ્મટ આકાર ના આયનામાં પોતાની જાતને તે નીરખી રહી. રાણીઓ જાજરમાન સાડી પહેરી, બધા સાજ શૃંગાર સજીને એના આગળ ઉભી રહી, પોતાની જાતને કેવી અદાથી જોતી હશે !

બેલા નો વિચારતંતુ લાંબો લંબાત પણ એટલામાં આયના માં પાછળ ઉભેલા જયંત દીક્ષિત નું પ્રતિબિંબ તેને દેખાયું.

“ પપ્પા, આવી ગયા તમે !”

‘ હા કયારનોય દરવાજા આગળ ઊભો છું. મોટા મેડમ તો ઠીક હવે નાના મેડમ પર મારા અસ્તિત્વને ભૂલતા જાય છે.’

‘ હવે બોલો તો !’ બેલા આટલું બોલી જયંત દીક્ષિત ને વળગી પડી. થોડીક વાર સુધી બાપ દીકરી નું ટિખળ ચાલતું રહ્યું.પછી જયંત દીક્ષિત બોલ્યા.-આજ તારી માનો રસોઈ બનાવવાનો મૂડ બિલકુલ નથી. ચાલો ક્યાંક બહાર ખાવા જઈએ !’

‘ના પપ્પા, તમે જઈ આવો .મારે તો આ ડ્રેસીંગ ટેબલ માં મારી બધી વસ્તુ ગોઠવવી છે .હા એક પીઝા પેક કરાવીને લેતા આવજો.’

‘ તારે આ સિંહણ જોડે મને એકલો છોડવો છે.’ જયંત દીક્ષિતની કોમેન્ટ પર દીકરી ખડખડાટ હસી રહી. દીક્ષિત સાહેબ અને વિમળાબેન હોટલ તરફ ગયા અને બેલાએ પેટીમાંથી સાચવીને દાદીમાનું ડંકા વાળુ વૉલ ક્લોક કાઢયું.ચાવી ફેરવી બરાબર ચકાસી જોયું કે તે બરાબર કામ કરે છે ને! બેડની બિલકુલ સામેની દીવાલ પર તેને લગાડ્યું .08:00 વાગીચૂક્યા હતા.આઠ ડંકા વગાડી વૉલ ક્લોકે તેની સાબિતી પૂરી.

બરાબર દસ વાગે બેલાએ તેનું લેપટોપ પડતું મૂક્યું. હવે સુઈ જવું જોઈએ એમ વિચારતી તે રસોડામાંથી પાણીની બોટલ લઇ આવી .બાજુના રૂમમાં મમ્મી નો કકળાટ હજુ ચાલુ હતો.

‘ ઘર લેતા પહેલા સીટી કેબલ કનેક્શન તો લેવુ હતું. મારે કેટલી બધી સીરીયલો છૂટી જાય છે.’

‘ મમ્મી, મમ્મી !બોલતી તે પોતાના રૂમમાં આવી. બેલા નો બેડરૂમ જે ખૂણામાં હતો ત્યાં બારીમાંથી સતત પવન આવતો.આજે પવન વધારે ઝડપથી ફૂંકાતો હતો. બેલાએ બારીઓ બંધ કરી ડ્રેસીંગ ટેબલ પર ઉડતી નજર કરી . પલંગ પર લેટી ગઈ .આખા દિવસ ના થાકે તેની આંખો તરત મીંચાઈ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED