Cleancheet - 18 books and stories free download online pdf in Gujarati

ક્લિનચીટ - 18

પ્રકરણ – અઢારમું/ ૧૮

હવે તો અંકલ પણ ચક્કર ખાઈ ગયા.

‘માની ગયો દીકરા, તારી વાત સો ટકા સાચી. આ પરિસ્થિતિને શું કહેવું, સરપ્રાઈઝ, સસ્પેન્સ કે પછી ઉપરવાળાની અકળ લીલા ?’
‘સંજના સૌ થી પહેલાં હું તારા પપ્પાને કોલ કરીને કહી દઉં છું કે તમને ઘરે પહોચવામાં મોડું થશે એટલે કોઈ ચિંતા ન કરે. કારણ કે મને લાગે છે કે હવે આ ડીશકશન થોડી લાંબી ચાલશે એટલે.
‘હા ઓ.કે. અંકલ.’
એટલે અંકલે એ ચીમનલાલને કોલ કરીને જાણ કરી દીધી.
પળે પળે પઝલ જેમ ગૂંચવાતી પરિસ્થિતિની સાથે સાથે સ્વાતિની અધીરાઈનો ગ્રાફ પણ વધતો ગયો. એટલે સ્વાતિએ પૂછ્યું, ‘અંકલ હવે શું થઇ શકે એમ છે ? હવે આ યુનિક મહાગડમથલનો આપ જ કોઈ ઉકેલ લાવી શકો એમ છો ?’
હળવા સ્મિત સાથે આંટી તરફ જોઈને અંકલ એ કહ્યું,
‘તને નથી લાગતું કે.. ‘હવે ચા- કોફીનો એક રાઉન્ડ અનિવાર્ય છે ?’
‘જી મેરે સરકાર’ એટલું બોલીને આંટી કિચન તરફ જતા હતા એટલે..
સંજના એ કહ્યું, ‘હું આવું આપની હેલ્પ કરવા આંટી.’
‘ના દીકરા તું સ્વાતિ પાસે બેસ.’

‘અંકલ હું પપ્પા જોડે બે મિનીટ માટે વાત કરી લઉં પછી આપણે વાતચીતના દૌરને આગળ ચલાવીએ.’
‘ઓ શ્યોર દીકરા. ત્યાં સુધીમાં હું પણ કૈંક વિચારું.’
‘હેલ્લો.. પાપા’
‘હેલ્લો.. સ્વાતિ, કેમ છો દીકરા ?’
થોડા ગળગળા અવાજમાં બોલી, ‘પાપા એક ગુડ ન્યુઝ આપું ?’
‘ઓહ યસ બોલ બોલ.. પણ આર યુ ઓ.કે. ? કેમ કે તારો અવાજ..’
‘પાપા .. આલોકનો પતો મળી ગયો, પાપા.’
‘ઓહ થેંક ગોડ. ‘પણ કેવી રીતે ?’
‘હું તમને થોડીવાર પછી બધી જ વાત ડીટેઈલમાં કરું. અત્યારે આલોક વિશે જ ડીશકશન ચાલે છે અને સંજના પણ મારી જોડે છે. મમા કેમ છે ?’
‘શી ઈઝ ફાઈન બેટા.'
'હું થોડા સમય પછી કોલ કરું,પાપા.'
'ઓ.કે. સ્વાતિ હું તારા કોલની વેઇટ કરું છું. ટેક કેર.’

કોફી પીતા પીતા અંકલ કોઈ ડીપ થીંકીંગમાં હતા.
થોડા સમયની ચુપકીદી પછી અંકલ બોલ્યા..
‘સ્વાતિ, સંજના લીસન, અદિતી અને આલોક બન્નેની હાલતને ધ્યાનમાં રાખીને મને એક રસ્તો સુઝે છે પણ ..’
‘પણ.. પણ શું અંકલ ?’ સ્વાતિ બોલી’
‘દીકરા અત્યારના તબક્કે બને તરફની સિચ્યુએશનને ધ્યાનમાં રાખતાં આપણે કોઈપણ રસ્તે આગળ જઈશું તો ડગલે ને પગલે “પણ”.. તો આવશે આવશે અને આવશે જ. અત્યારે આપણે બન્ને તરફથી અલ્મોસ્ટ ઘણુબધું ગુમાવી જ ચુક્યા છીએ
એટલે આપણી પાસે કોઈ રિસ્ક લીધા સિવાય બીજો કોઈ ઉપાય નથી, રિસ્ક લઈશું પણ કેલ્કયુલેટડ એન્ડ વેલ પ્લાન્ડ રિસ્ક.

‘અંકલ, અદિતી માટે હું કોઇપણ હદનું રિસ્ક ઉઠાવવા તૈયાર છું. એ માટે મારે કોઈને પૂછવાની પણ જરૂર નથી. અદિતી મારો પ્રાણ છે. જો ઈશ્વરે અદિતીના શ્વાસ ટૂંકાવવાનું ફરમાન કર્યું હશે તો હું મારા ઉછીના શ્વાસની ઈશ્વરને એક્સચેન્જ ઓફર માટે ની અરજ કરીશ અને..’ આટલું બોલીને સ્વાતિ રડવા લાગી.
‘પ્લીઝ સ્વાતિ... કંટ્રોલ યોર સેલ્ફ.’
‘સ્વાતિ હું થોડો કન્ફ્યુઝ્ડ છું કે જે હું વિચારું છું એ તને કેમ કરીને કહું ?’
સંજના બોલી,’અંકલ હું કૈંક કહી શકું ?’
‘ઓહ શ્યોર દીકરા. વ્હાય નોટ.’
‘અંકલ, અત્યાર સુધીની બધીજ વાતો ધ્યાનથી સાંભળ્યા પછી મારા સમજણના લેવલથી વિચારું તો આલોક અથવા અદિતી બન્ને પક્ષ તરફથી હાલના તબક્કે જે કઈ કરી કે વિચારી શકીએ એમ હોય તો એ મારા અને સ્વાતિ સિવાય કોઈ જ નથી રાઈટ. અને જો આપનો સહકાર મળે તો મને આશા છે કે કોઈ ઉપાય જરૂર મળી રહેશે. અને મને સ્વાતિ પર પુરેપુરો વિશ્વાસ છે એ અદિતી માટે કંઈપણ કરી શકે છે એમાં બેમત નથી.’
‘જો સ્વાતિ, સૌ પ્રથમ આપણે આલોક પર ફોકસ કરીએ એવું હું વિચારું છું, પણ તેના માટે..’ આટલું બોલીને અંકલ અટકી ગયા.
એટલે સ્વાતિ બોલી
‘પ્લીઝ અંકલ હવે આ “પણ” શબ્દને આપણા મિશન માંથી પર્મેનેન્ટલી હમણાં જ ડીલીટ જ કરી નાખો તો જ આપણે કોઈ ટાર્ગેટ સુધી પહોંચી શકીશું. પ્લીઝ’

સ્વાતિના મક્કમ મનોબળની સાથે ભરપુર આત્મવિશ્વાસથી ભરેલા નિવેદનથી અંકલને હિંમત આવી ગઈ એટલે બોલ્યા..

‘જો હવે હું જે કહું એ પુરા ધ્યાનથી સાંભળો, સ્વાતિ હવે તું થોડા સમય માટે તારી જાતને ભૂલી જા. હવેથી તારે અદિતીના અવતારમાં આલોકને નોર્મલ પરિસ્થિતિમાં લઇ આવવાનો રહેશે. જો આપણે આપણા પ્લાનમાં સકસેસ ફૂલ થઈ એ તો જ આપણે અદિતીને મેળવી શકીએ કારણ કે મારા આટલા વર્ષના અનુભવના આધારે આલોક અને અદિતી બંનેની અત્યારની પરિસ્થિતિને જોતા આઈ થીંક કે આલોકને ફરી નોર્મલ સિચ્યુએશનમાં આવતાં બહુ સમય નહી લાગે. અને જો આલોક સાવ સામાન્ય થઇ ગયો તો અદિતીને નોર્મલ થવામાં આલોકનો જ સૌથી મોટો ફાળો હશે એ વાત પણ શ્યોર છે. તું સમજી ગઈ હું શું કહેવા માંગું છું. ? તને સમજાય છે હવે પછીનું તારું પાત્ર ? વિચારી લે જે કે તારે કઈ હદ સુધી અને ક્યાં સુધી અલોક સાથે જોડાવાનું છે ? આઈ થીંક યુ બેટર અંન્ડરસ્ટેન્ડ.’

‘અંકલ એક તરફ પૂરી દુનિયા છે અને એક તરફ મારો પ્રાણ મારી અદિતી છે. તેના માટે ઘડીભર પણ વિચારવાનું ન હોય. તમે તો કહો છો કે થોડા સમય માટે મારી જાતને ભૂલી જાઉં, અરે.. મારી અદિની જીવનભરની ખુશી માટે હું મારી જાતને ભૂલવા તો શું ભૂંસવા પણ તૈયાર છું.’
થોડી વાર માટે ચુપકીદી છવાઈ ગઈ.
‘જો સ્વાતિ..’ અંકલને આગળ બોલતા અટકાવીને સ્વાતિ બોલી..
‘સોરી અંકલ સ્વાતિ નહી.. અદિતી કહો..’

આટલું સાંભળતા જ હવે તો અંકલ અને આંટી બન્નેની પણ આંખો ભરાઈ આવી.
સ્વાતિ એ તેના અદિતી પ્રત્યેના સમર્પણની વિરાટ વ્યાખ્યાના વ્યાપની પરિભાષાનો પરિચય પળમાં કરાવી દીધો. આંખોની કોર ભીની થતાં અંકલ બોલ્યા,

‘દીકરા મેં મારી ૫૦ વર્ષની જિંદગીમાં કોઈના બલિદાનને આટલા મોટા સ્વરૂપમાં ક્યારેય નથી જોયું કે નથી કલ્પના કરી. તારા આ અડગ નિર્ણય સામે એકવાર તો હરી પણ હારીને હથિયાર હેઠા મૂકી દેશે એ વાતમાં હવે શંકાને કોઈ સ્થાન નથી. સાચે જ મને તારા પેરેન્ટ્સ માટે અને એથી વિશેષ તારા માટે પ્રાઉડ ફીલ થાય છે. સાચે જ તારા આત્મવિશ્વાસ ને સેલ્યુટ કરવાનું મન થાય છે.’
રડતાં રડતાં સ્વાતિ બોલી..
‘અંકલ તમે જે કઈ પણ બોલ્યા ખરેખર તો તેની અધિકારી માત્ર મારી અદિ છે. હું તો નિમિત માત્ર છું. આ શરીર સ્વાતિનું છે આત્મા તો અદિનો છે.’
અંકલ બોલ્યા. કોણ નસીબદાર ? તારા માતા,પિતા અદિતી કે આલોક ?
‘અંકલ, નસીબદાર નહી નિમિત, કારણ કે,
મારું તો એ સૌભાગ્ય કે હું કોઈના સ્મિતના સરનામાનું નિમિત બની શકી.’
એ પછી અંકલે સ્વાતિને સમજાવવા લાગ્યા.

‘કેમ ? ક્યારે ? કોની જોડે ? ક્યાં ? કેટલું ? કઈ રીતે શું શું કરવાનું અને અત્યારની આલોકની પરિસ્થિતિ અને સ્થળની એક એક વાતથી સ્વાતિને માહિતીગાર કરી દીધી. અને જે કઈ શરતો મુકશે એ શરતોની પણ જાણ કરી દીધી.’

સ્વાતિને અંકલે કહ્યું. ‘દીકરા જેમ સંજના મારી દીકરી જેવી છે એમ તું પણ મારી દીકરી જ છે એટલે આપણા પ્લાન મુજબ તું સાવ નિશ્ચિંત થઈને આલોક સાથે જઈ શકે છે અને અમે બધાજ એની ટાઈમ તારી જોડે જ છીએ. તારા પેરેન્ટ્સના કોન્ટેક્ટ નંબર મને આપજે. એ એટલે માટે કે તારા આ બલીદાનને નાદાનિયતની નજરે ન જુએ. હું ડીટેઈલમાં તેમની જોડે વાત કરીને બધું સમજાવી દઈશ ઇટ્સ માય રીસ્પોન્સીબીલીટી.’
‘હવે સંજના તું આવતીકાલે બપોર ૧૨ વગ્યાની આસપાસ સ્વાતિને.. સોરી અદિતીને લઈને કેર યુનિટ પર આવી જા. તારી આંટી ત્યાં જ હશે અને પછી આપણે આલોકની સાથે તેની અદિતીનો મેળાપ કરાવી આપીએ.’

સ્વાતિને સંબોધીને અંકલ એ કહ્યું.
‘દીકરા હજુ એક વખત ફાઈનલ વિચારી લેજે, કારણ કે તારે કોઈ પેશન્ટને કોઈ વ્યક્તિને નથી મળવા જવાનું. તારે તારા પ્રેમીને મળવા જવાનું છે. અને જે ઓલરેડી કોઈનો પ્રેમી છે. તું મારી વાતની ગંભીરતાને બરાબર સમજે છે ને ?’

ભીની આંખોની કોર સાથે સ્વાતિ એ જવાબ આપ્યો,
‘અંકલ બસ એટલું સમજી લો કે અદિતી માટે સ્વાતિ એ સ્વયં તેના અસ્તિત્વને અગ્નિ સંસ્કાર આપી દીધા છે. હવે આથી વધારે તો શું કહું ?’
અંકલ બે હાથ જોડી ને બોલ્યા, ‘નાઉ આઈ એમ સ્પિચ્લેસ.’
આંટી બોલ્યા ‘દીકરા ખુબ મોડું થઇ ગયું છે તમે આરામથી ઘરે પહોંચો આવતીકાલે ૧૨ વાગ્યે કેર યુનિટ પર મળીયે.’
સમય થયો રાત્રીના ૧૧:૪૫
કારમાં બેસતાં સ્વાતિ એ સંજના ને પૂછ્યું, ‘તને કઈ નવાઈ નથી લાગતી ?’
‘નવાઈ ? કઈ વાત ની ? કઈ ખોટું થયું ?’ સંજના એ પૂછ્યું
‘સંજના તું વિચાર કે માત્ર બે થી ત્રણ કલાકના સમયગાળામા તારા અંકલ, આંટી કે જેને હું આજે પ્રથમ વાર મળી રહી છું તેમની જોડે ગત જન્મના ઋણાનુબંધ જેવા એક અનન્ય આત્મીયતાને આત્મસાત કર્યા પછી પણ હું એ બન્નેના નામથી અજાણ છું. આ મારા માટે શરમની વાત છે યાર.’

‘ઓહ... આઈ એમ સો સો સોરી યાર.. મિ,. અવિનાશ જોશી એન્ડ મિસિસ સ્મિતા જોશી. અંકલ ઈઝ સાયક્યાટ્રીક એન્ડ આંટી ઈઝ ન્યુલોલોજીસ્ટ.’

ઘરે જઈને સ્વાતિએ એકદમ શાંતિથી બધી જ ચર્ચા વિસ્તારથી કહીને વિક્રમ અને દેવયાનીને વાકેફ કર્યા. વિક્રમ અને દેવયાનીને આ વ્યૂહરચના કૈક અજુગતી અને ખુબ જ જટિલ લાગી. બન્નેને એ વાતનો ભય હતો કે ઈશ્વરે ડગલે ને પગલે આદરેલા અભિમન્યુના કોઠાથી પણ ચાર ચાસણી ચડિયાતા આ ભુલભુલામણીના ખેલમાં અજાણ્યાં શહેરમાં અજાણ્યાં લોકોની વચ્ચે રહીને સ્વાતિ આ મોરચો એકલાં હાથે કઈ રીતે અને કઈ દિશામાં લડશે.? ખુબ લાંબો સમય અનેક ચર્ચા વિચારણાનો દૌર ચાલ્યો. અંતે સ્વાતિના મજબુત મનોબળની પ્રતિતી અને આત્મવિશ્વાસથી ભરપુર પ્રત્યુતરથી બન્નેને સંતોષ થતાં સ્વાતિને સંપૂર્ણ સ્વંત્રતાની સંમતિની સાથે સાથે શુભકામના પણ આપી.

હવે નેક્સ્ટ ડે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ડોકટર અવિનાશના કેર યુનિટ પર....

ડોકટર અવિનાશની ચેમ્બરમાં કાનના પડદા ચીરી નાખે એવી છવાયેલી ચુપકીદી વચ્ચે અવિનાશ, સ્મિતા સંજના અને શેખરથી થોડે દૂર...

એક ન્યુનતમ મર્યાદાની તમામ હદને તોડીને થીજેલા જળની માફક જડ બનીને સાવ ગુમસુમ પુતળું બની ગયેલા આલોકને સ્વાતિએ પૂછ્યું..

‘હવે બોલો મિ. આલોક હવે તમારાં કોઈપણ સવાલના જવાબ આપવા માટે અમે સૌ તૈયાર છીએ, પૂછો શું પૂછવું છે તમારે ?
હજુ કેટલું સત્ય જાણવું છે ?
આ હતું ષડ્યંત્ર અને કાવતરું તમને છેતરવાનું બોલો. શું કહેવું છે તમારું હવે. ? તમને છેતરીને અમે શું મેળવી લીધું એ કહેશો જરા ?
આટલું બોલતા એક આક્રંદ સાથે સ્વાતિ દોડીને અવિનાશના પર્સનલ કેબીનની અંદર જઈને ડોર ક્લોઝ કરી દીધું.

આલોકને થયું કે ધરતી મારગ આપે તો સમાઈ જવું.. જિંદગીના સોગઠાબાજીની ચોપાટ પર કુદરત આવડી મોટી આવી અવળચંડાઈ જેવી ચાલ ચાલશે એવી તો કોને કલ્પના હોય ? માત્ર ચાર થી પાંચ કલાકના મિલનની ઘડીમાંથી બન્નેના જ્ન્મોજન્મના ઋનાનુબંધના અંકુરમાત્ર માંથી અસંખ્ય વિસ્ફોટ ફૂટશે એવી કોણ ધારણા કરી શકે ? શું જોઈને આવી ક્રૂર, કારમી અને જીવલેણ શુરાતન સાથે શરતની શરારત ઈશ્વરને સુજી હશે ? આ કાળજા ચીરી નાખે એવા દિવસો જોવા માટે અમારા બન્નેની મિલનની ક્ષણ ઘડી હશે ?

આવી કઈ કેટકેટલી’યે અકલ્પનીય ગડમથલની અવિરત ઉથલપાથલ આલોકના દિલોદિમાગમાં ચાલતી રહી.

‘આઈ હેટ માય સેલ્ફ’ આલોક આવું બોલ્યા પછી આલોક શેખરને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. અવિનાશે શેખર તરફ ઈશારો કરીને કહ્યું કે આલોકને રડવા દે.
સંજના અને મિસિસ જોશી સ્વાતિને શાંત પાડવા માટે તેમના રૂમમાં જવા ડોર પર નોક કરે એ પહેલાં સ્વાતિ ખુદ બહાર આવી ત્યાં જ..

શેખર બોલ્યો,
‘અરે.. કોણ કહી રહ્યું છે કે આ અદિતી નથી ? અને જો આ અદિતી નથી તો સમજો કે બીજું કોઈ અદિતી છે જ નહીં.’
શેખરનું આ વાક્ય સાંભળીને સૌ સ્તબ્ધ થઇ ગયા.
એટલે ડોકટર અવિનાશ એ શેખરને પૂછ્યું,’ એટલે હવે તમે કહેવા શું માગો છો ?’
શેખરની નજીક જઈને સ્વાતિ બોલી. ‘હું અદિતી નહી સ્વાતિ છું શેખર, અદિતીની જુડવા બહેન, આ જો અમારા બન્નેની તસ્વીરો.’
‘પણ હું નથી માનતો.’ શેખર એ જવાબ આપ્યો
‘કેમ પણ,? આમાં ન માનવા જેવી કઈ બાબત છે ? કમાલ છો શેખર તું પણ .’ નવાઈ પામતાં સ્વાતિ એ પૂછ્યું
શેખરની વાત સાંભળીને સૌ દંગ રહી ગયા એટલા માટે કે શેખર એવા ક્યા મુદ્દાને આધારે આટલી ઠોસ દલીલ કરી શકે છે કે આ જ અદિતી છે સ્વાતિ નહી ?
અવિનાશ બોલ્યા,
‘શેખર એવી કઈ વાત છે જેના આધાર પર તું કહી શકે કે આ સ્વાતિ નહીં અદિતી છે ?’

‘સર, કદાચ આલોક, અદિતીને ઓળખવમાં ભૂલ કરી શકે પણ હું નહી. કારણ કે મેં જે દિવસે પહેલીવાર અદિતીને જોઈ તે દિવસે આલોક એક હદથી વધારે તેની યાદદાસ્ત ગુમાવી ચુક્યો હતો. આલોક કશું જ ઓબ્જર્વ કરવાને સમર્થ પણ નહતો, પણ ડોકટર સાહેબ તે દિવસથી લઈને આજ સવાર સુધી આલોકના એક એક શ્વાસ પર આ અદિતીને એક પહેરેદારના પરિવેશમાં પ્રહર દર પ્રહર પહેરો ભરીને પરેજી પાળતાં મેં જોઈ છે . આલોકના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેણે ખુદનું સમગ્ર અસ્તિત્વ દાવ પર લગાવ્યું છે. આલોકને તરસ પછી લાગતી સાહેબ, એ પહેલાં તો એ તરસની તળનો તાળો મેળવી લેતા જોઈ છે મેં આ અદિતીને. એક મા વગરના નવજાત શિશુની માફક તેના ખોળિયાને ઘોળીયુ કરીને હથેળીમાં રાખ્યો છે આલોકને આ આ સ્ત્રી એ. કૈક કેટલી’યે રાતો સુતી નથી એ. અને તમે કહો છે કે આ અદિતી નથી ? કેમ કરીને માની લઉં. ? બસ મારું એટલું જ કહેવું કાફી છે કે આ અદિતી એ તેના સઘળા દુઃખ, દર્દ, સપના, ઘર, પરિવાર બધું જ ભુલાવીને આ આલોકમાં તેણે એવો જીવ રેડયો છે કે જાણે કોઈ પત્થરના પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય. અને જો આ અદિતી નથી તો આ આલોક પણ નથી. બસ મારે હવે બીજું કઈ જ નથી કહેવું. ધેટ્સ ઈટ.’
ઘણાં સમયથી શેખરના ભીતરે ધરબાયેલા અસંખ્ય અકળ અવ્યક્ત અસમંજસને લઈને શબ્દો અને આંસું બન્ને સાથે બહાર આવ્યા.
તીક્ષ્ણ અને ધારદાર સત્યસભર શબ્દબાણ દ્વારા ઘડીભર સૌ ની વિચારશક્તિને સચોટ રીતે લક્ષ્યવેધ કરતી શેખરની અસ્ખલિત વાણીથી થોડીવાર માટે સૌ સ્તબ્ધ થઇ ગયા.

‘જસ્ટ એ મિનીટ એમ કહીને સ્વાતિ એ તેના મોબાઈલમાં હોસ્પિટલાઈઝ પોઝીશનના અદિતીના તમામ ફોટોગ્રાફ્સ આલોક અને શેખરને બતાવતા કહ્યું.
‘હવે મને કહે કે કોણ છે અદિતી ? આ ફોટોસમાં દેખાઈ રહી છે એ કે જે તારી નજર સમક્ષ ઊભી છે એ ?’

આલોક અને શેખર બન્ને વિચારશૂન્ય થઇ ગયા. અદિતીના ફોટોગ્રાફ્સ જોઇને આલોક થીજી ગયો. શું વિચારવું ? શું બોલવું ? કે શું કરવું અને તેનું ભાન આલોકને ન રહ્યું.

હવે સ્વાતિ એ બોલવાનું શરુ કર્યું....

‘સાંભળ આલોક.. ૨૯ એપ્રિલથી લઈને આ ઘડી સુધીમાં પસાર થઇ ગયેલા એક એક ચડાવ ઉતારનું અવલોકન કરીએ તો અદિતી દ્વારા સહજ રીતે મુકવામાં આવેલી શરત એ તો વિધાતાના પૂર્વ આયોજિત કિસ્સાનો એક હિસ્સો હતો. એ શરત તો નિમિત માત્ર અને પૂર્વ ભૂમિકા હતી તમને બન્નેને કોઈપણ સંજોગોમાં એક કરવાની. હજુ આપણે શરતના સિક્કાની એક બાજુની જાણ છે, બીજી બાજુનું રહસ્ય તો હજુ અદિતીની અણધારી ચુપકીદીમાં કૈદ છે. આ સમયે તો આપણે સૌ વિધિના શરતની શતરંજના પ્યાદા માત્ર છીએ. તમે બન્ને શરતની શરારતે ચડ્યા ત્યાર બાદના એક પછી એક ઈશ્વરીય ઇન્ડીકેશનની સેન્સેક્સના ગ્રાફ પર તું એકવાર નજર તો કર.
મારું બેન્ગ્લુરુનું કનેક્શન,
સંજનાનું ડોકટર અવિનાશનું સાથેનું કનેક્શન,
ડોકટર અવિનાશનું શેખર સાથેનું કનેક્શન અને..અંતે અદિતી દ્વારા લખાયેલો એ અંતિમ શબ્દ “આલોક’

‘તમારાં પાંચ કલાકના ટૂંકા ગાળાના પરિચય પછી કદાચ..
કદાચ, એટલા માટે કેમકે હજુ મને શરતના સિક્કાના બીજી બાજુની શકલ મેં જોઈ નથી. એટલા માટે મારે કદાચ કહેવું પડે છે. દિલ કી લગી ને એક દિલ્લગીથી પારખવા માટે અદિતીને જે શરતનું શુરાતન ચડ્યું અને... આજે તમારા બન્નેની સાથે સાથે અમારા સૌ ના દિલ અને દિમાગની બાજી કઈ હદ સુધી દાવ પર લાગી ગઈ છે. તેનો કઈ અંદાજો આવે છે તને ?’

સ્વાતિ બોલી, ‘આલોક તને ખબર છે ? ઈશ્વરે મને એક માત્ર અદિતીના રૂપમાં બધું જ આપ્યું છે. સુખ, દુઃખ, વૈભવ, ઐશ્વર્ય, નામ, કીર્તિ, ગર્વ, સંતોષ, પ્રેમ આ બધા જ શબ્દોની મારા માટે એક જ પરિભાષા છે, અદિતી. હું હંમેશા ઈશ્વર પહેલાં અદિતીનું સ્મરણ કરું છું. બસ આજે તને હું બે હાથ જોડી ને અરજ કરું કે.. મને મારો ઈશ્વર પાછો આપી દે બસ...’

આ સાથે સ્વાતિ ચોધાર આંસુ એ રડી પડી.

વધુ આવતીકાલે.....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED