Cleancheet - 4 books and stories free download online pdf in Gujarati

ક્લિનચીટ - 4

પ્રકરણ – ચોથું.

આલોકને અહેસાસ થયો કે તેની માનસિક અસ્વસ્થતા તેના વ્યક્તિત્વ પર હાવી થઈ જાય તે પહેલા આ માહોલ માંથી બહાર નીકળી જવું જોઈએ.

ગોપાલ કૃષ્ણનને કોઈ કામનું બહાનું આપીને આલોક ઓફિસે નીકળીને સીધો ફ્લેટ પર આવી ગયો. લંચ ટાઇમ હોવા છતાં જમવાની કોઈ જ ઈચ્છા નહતી. કોલ્ડ કોફીનો એક કપ લઈ આંખો બંધ કરી, બાલ્કનીના ઝૂલા પર બેસીને ઉચાટ મનના આરોહ અવરોહને શાંત કરવાની કોશિષ કરવાં લાગ્યો.

અદિતીથી વિખૂટા પડ્યા ને આજે ત્રણ અઠવાડિયાથી વધુનો સમય થયો છતાં આલોક માટે કોઈ એક દિવસ એવો પસાર નહીં થયો હોય કે, તેણે અદિતી સાથે નાની અમથી વાત પણ મનોમન સેર ન કરી હોય.

ફરી સ્વ સાથે સંવાદ સાંધતા મનોમન ગણગણ્યો,
‘અદિતીના એ પ્રથમ અને અંતિમ પોતીકા સ્પર્શનો કેટ કેટલો અનુવાદ કરું ? લક્ષ્યવેધ સમા તેના વિધાનને એક સન્માનીય ગરિમા આપવા કઈ દિશામાં તેના અનુસંધાનના અણસાર શોધું ?

હવે પછી, ક્યાં, ક્યારે, કેવી રીતે, કોણ, કેમ એકબીજાને મળશે એવાં અનેક પ્રશ્નચિન્હોને, એ અંતિમ મુલાકાત અમર્યાદિત સમય માટે અંકિત કરતી ગઈ હોવા છતાં પણ, આલોકને એક વાતની ખુશીની સાથે સાથે એક એવો ઠોસ ભરોસો હતો કે આ અદિતી જ મારી જિંદગીના તમામ સુખનું અંતિમ છે, તે વાત પર ૨૯ એપ્રિલની રાત્રે જ આલોક એ સનાતન સત્યની મહોર લગાવી દીધી હતી.
એ અંતિમ ક્ષણોમાં અદિતી હજુ આલોકને કશું બોલવાનો કોઈ અવકાશ આપે એ પહેલાં તો પાછુ વળીને એક નજર જોવાની સ્હેજ પણ તસ્દી લીધા વિના એ રીતે જતી રહી જાણે કે તેની અંદરના ઉઠવા જઈ રહેલાં કોઈ વાવાઝોડાની આશંકાને ડામવા સ્વયં તેની ઈચ્છા વિરુધ્ધ ઢસડાઈ ને જતી હોય.

બાલ્કનીમાં મન ન લાગ્યું એટલે બૂક્સેલ્ફ માંથી અમૃતા પ્રીતમની “ધ રેવન્યુ સ્ટેમ્પ” લઈને લીવીંગ રૂમના સોફા પર સૂતા સુતા વાંચવાની કોશિષ કરી પણ તેમાં પણ મન ન પોરવાયું.
થોડીવાર થઈને શેખરનો કોલ આવ્યો..૪:૧૫ નો સમય થયો.
‘આલોક, અરે યાર હું તને મળવા તારી ઓફિસે આવ્યો અને તું જ અહીં થી ગાયબ ? સ્ટાફ મેમ્બર્સ સાથે વાત થઇ તો તેમનું કહેવું એમ છે કે તારી તબિયત કઈ ઠીક નહતી એવું તેમને લાગતું હતું. ‘શું થયું ? ક્યાં છો તું ? આર યુ ઓ.કે.’
આલોકે જવાબ આપતાં કહ્યું, ‘અરે, યાર ઘરે જ છું. અને બિલકુલ ઠીક છું. બસ એમ જ, ઓફીસમાં જરા મન નહતું લાગતું તો વિચાર્યું કે ઘરે જઈને થોડો આરામ કરું, જસ્ટ ફોર ચેન્જ. બોલ, શું કઈ ખાસ કામ હતું ?’
શેખર બોલ્યો, ‘બસ કઈ નહી અહીં થી પસાર થયો તો થયું કે ચલ તને મળતો જાઉં, અચ્છા, ચલ ઠીક છે, કાલે મળીએ છીએ.’

એ પછીના એક અઠવાડિયે ૫ મી જુન એટલે કે ૪ જુનની રાત્રીના શેખર એ આલોકની જાણ બહાર તેના બર્થડે ની સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યાં થી આવીને ૨૯ એપ્રિલની ઘટનામાં સરી જતા ગાઢ નિંદ્રામાં પોઢી ગયા પછી..... છેક મધ્યાહને....

સતત વાગતી રહેલી ડોરબેલના અવાજથી ભરનિંદ્રામાં સૂતેલો આલોક સફાળો ઝબકીને જાગી ગયો. થોડીવાર વિચારતો રહ્યો કે.. શું થઇ રહ્યું છે.
પછી ખ્યાલ આવ્યો કે.. કોઈ ડોરબેલ વગાડી રહ્યું છે. વોલક્લોકમાં જોયું. સમય બપોરના ૧૨:૩૫. અધખુલ્લી આંખો ચોળતાં ચોળતાં દરવાજો ઉઘાડી ને જોયું તો, શેખરની ટ્રાન્સપોર્ટ ઓફીસનો કર્મચારી ભાષ્કરન હતો.
ભાષ્કરન બોલ્યો, ‘ગૂડ આફ્ટરનૂન સર.’
‘ગૂડ આફ્ટરનૂન ભાસ્કરન, સોરી, કલ રાત કાફી દેર સે સોયા થા,ઔર બહોત ગહેરી નીંદ મેં થા તો, ડોરબેલ નહી સુનાઈ દી. આઓ આઓ અંદર આ જાઓ. કિતની દેર સે ડોરબેલ બજા રહે હો ?’
‘પંદ્રહ મિનીટ્સ સે.’
‘ઓહ્, સોરી યાર, બોલો, કૈસે આના હુઆ ?’
‘સર, શેખર જી કા કોલ આયા થા,વો આપ કે બાઈક કી ચાબી લેને કે લિયે આયા હૂં.’
‘બાઈક કી ચાબી ?’ થોડીવાર વિચાર્યા પછી અલોક બોલ્યો.. ‘ઓહ્.. હા..હા, યાદ
આયા. એક મિનીટ.’ કી સ્ટેન્ડ પરથી બાઈકની ચાવી લઈને ભાસ્કરનને આપતાં પૂછ્યું.. ‘પાની પીના હૈ ?’
‘જી નહી, શુક્રિયા, સર જી મૈ નિકલતા હૂં,. જીતના જલ્દી હો શકે, મૈ બાઈક ઠીક કરવાકે દે જાતા હૂં.’
‘અચ્છા ઠીક હૈ, આરામ સે મુજે કોઈ જલ્દી નહી હૈ. વૈસે ભી આજ સન્ડે હૈ, તો પુરા દિન આરામ કરને કે મૂડ મેં હૂં’
‘ભાસ્કરન પ્લીઝ પહેલે મેરા એક છોટા સા કામ કર દો. મુજે સિર દર્દ કી ગોલી લાકર દો.’
‘જી,અભી લે કે આયા.’

ભાસ્કરનના દવા આપીને ગયા પછી આલોક ફરી બેડરૂમમાં જઈ બેડ પર પડ્યો. માથું ખુબ જ ભારે ભારે લાગતું હતું. કોફી પીવાની ખુબ જ ઈચ્છા હતી પણ, માથાના સખ્ત દુઃખાવાના કારણે ઊઠવાનું મન જ નહતું થતું. આવું પહેલી વાર જ થયું હતું.
ગઈકાલ રાતની ઘટના પછીની નિંદ્રામાં આલોક સતત અજગર જેવા અસમંજસના વિચારોના ભરડામાં ભીંસતો રહ્યો.

૨૯ એપ્રિલની એ અંતિમ મુલાકાતમાં અદિતી અલ્પ નહી પણ, એક અતિ વિરાટવિરામ સાથેના પળે પળમાં પશ્નચિન્હો જેવા જે પદચિન્હો અંકિત કરીને ગઈ હતી, તેના પગેરુની ભાળ મેળવવા માટે આલોક હજુ આજે એક મહિના પછી પણ ભટકે જ છે.
ગઈકાલે મધ્ય રાત્રી એ સુમસામ સ્થળે કોઈ અજાણી વ્યક્તિ સાથે એકપણ શબ્દના સંવાદ વિના, પોતે જે રીતે એક બાઘાની માફક એ અકલ્પનીય ઘટનાનો મૂક સાક્ષી બન્યો એ પછી ફરી એકવાર ૨૯ એપ્રિલની એ ઘટનાનું શબ્દશઃ, એક એક દ્રશ્ય ચિત્રપટની માફક તેની નજર સમક્ષ દોડવા લાગ્યું.
મોબાઈલ હાથમાં લઈને જોયું તો, શેખરનો એક મિસ્ડ કોલ,અને પપ્પાના બે મિસ્ડ કોલ્સ.
પપ્પાને કોલ કરવા જતો જ હતો ત્યાં જ શેખરનો કોલ આવ્યો.
‘હેલ્લો શેખર’
‘અરે યાર, કેટલું ઊંઘવાનું અલ્યા ? એવી તે કઈ ગર્લના ડ્રીમમાં તું કુંભકર્ણ બની ગયો ? સાંભળ, અંકલનો કોલ આવ્યો હતો. કહેતાં હતાં કે આલોકને બે વાર કોલ કર્યા પણ રીસીવ ન કર્યા એટલે ચિંતા કરતાં હતા, મેં તો સરીખી રીતે શાંતિથી વાત કરીને સમજાવી દીધા છે. અને મને ખ્યાલ તો હતો કે તું વહેલો નથી જ ઉઠવાનો જ નથી પણ બકા આટલું બધું ઊંઘવાનું ? ઊંઘવાની બાધા લીધી છે કે શું ? ચલ પહેલાં તું અંકલ સાથે વાત કરી લે આપણે પછી નિરાંતે વાત કરીશું,’

‘અરે યાર શેખર, આવું પહેલી વાર જ થયું. હજુયે ઊંઘમાં જ છું અને માથું પણ ભમે છે. હું પપ્પાને જ કોલ કરવાં જ જઈ રહ્યો હતો ને ત્યાં જ તારો કોલ આવ્યો.અચ્છા ચલ હું તને થોડી વાર પછી કોલ કરું.’

આલોક એ પપ્પાને કોલ લગાવ્યો.
‘હેલ્લો.. પપ્પા.’
‘હા, બોલ આલોક, કેમ છે દીકરા ?’
‘હા, પપ્પા એકદમ ફીટ એન્ડ ફાઈન’
‘પપ્પા, તમે કેમ છો ? અને મમ્મી ?’
‘અમે બંને પણ મજામાં. તે કોલ ન ઉપાડ્યો અટેલે જરા ચિંતા થઇ.’
‘હા, પપ્પા, મેં તમને ગઈકાલે સાંજે વાત કરી હતી કે, શેખરે મારા જન્મદિવસની સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું. જોબ જોઈન કર્યા પછી પહેલી વાર મારા ઓફીસ સ્ટાફ અને શેખરના સૌ અંગત મિત્રો સાથે પાર્ટીના બહાને આ રીતે હળવા મળવાનું થયું. અને આજે રવિવાર હોવાથી કોઈને પણ ઘરે જવાની ઉતાવળ નહ’તી તો શેખર અને સૌ મિત્રો જોડે થોડા મોડે સુધી હતા. પાર્ટી તો ખુબ મોડે સુધી ચાલવાની હતી, શેખરે તો રોકાઈ જવાની ખુબ જીદ કરી પણ, હું વહેલો જ નીકળી ગયેલો. અને સૂતા પછી એટલી ભારે ઊંઘ ચઢી ગઈ કે તમારા બે કોલ્સ આવ્યા પણ મને સ્હેજે ખ્યાલ જ ન આવ્યો.’

‘હા, દીકરા આલોક, શેખરે બધી વાત કરી. અમને એમ કે તું ઉઠી ગયો હોઈશ તો, વાત કરીએ કે કેવી રહી પાર્ટી ?’
‘પપ્પા, તમે નહી માનો પણ શેખરે બધું જ આયોજન એટલી ચીવટ થી કર્યું હતું કે જાણે તેનો ખુદનો બર્થડે હોય. મારા કરતાં પણ એ વધુ ખુશ હતો.’
‘દીકરા આલોક, આ ઈશ્વરીય સંકેતનો સંયોગ છે. બાકી તે જયારે પહેલી વાર વાત કરી હતી કે..તારે બેન્ગ્લુરુ જોબ જોઈન કરવાની છે તો, તારી મમ્મીની તો ચોખ્ખી ના જ હતી. તને ખબર છે ને કે તને સ્હેજે ઠેશ વાગે તો પણ તારી મમ્મી ઊંઘી નથી શકતી.
પણ, હવે આજે એ એમ કહે છે કે મારા એક નહીં બે દીકરા છે. શેખર ત્યાં છે એટલે જ અમે બન્ને આટલા નિશ્ચિંત છીએ. અમે જયારે પહેલી વાર તને બેન્ગ્લુરુ મળવા આવ્યા ત્યારે શેખર અને તેના ફેમેલી તરફથી અમને જે આદર, આવકાર અને સ્નેહ મળ્યો તે જોઇને તો અમે દંગ જ રહી ગયા. હવે તારી મમ્મી જોડે વાત કર.’
‘હેલ્લો. મમ્મી કેમ છે તું ?’
‘હું ખુબ જ મજામાં દીકરા, આલોક, સરોજબેન થોડા ગળગળા થઇ ગયા. થોડીવાર રોકાઈ ને બોલ્યા, ‘દીકરા કાલે તારો જન્મદિવસ હતો અને.. આટલું બોલીને અટકી ગયા.’
‘અરે મમ્મી, મને યાદ નથી, મમ્મી, કે મારો બર્થડે હોય અને આપણે ત્રણેય સાથે ન હોઈએ એવું ભાગ્યે જ બન્યું હશે.’

‘હા દીકરા એવી કોઈ વાત નથી પણ આ તો તું આટલો ખુશ છે એટલે અમારે મન તો બેવડા આનંદનો ઉત્સવ. બોલ, કેવી રહી પાર્ટી ?’
‘એકદમ યાદગાર પાર્ટી મમ્મી, શેખર અને મારા સૌ મિત્રો વચ્ચે એક ખુબ સારું આત્મીયતા વાળું ગ્રુપ બની ગયું છે. અને શેખરની તો તમને ખબર જ છે. ખુબ જ ધમાલને મસ્તી કરી. અચ્છા મમ્મી, મને હજુયે ઊંઘ આવે છે. હું સુઈ જાઉં થોડીવાર. પપ્પાને ફોન આપજે.’
‘હા, બોલ આલોક,’
‘પપ્પા, પાર્ટીના ફોટા મોકલુ છું, અને પછી આપણે રાત્રે નિરાંતે વાત કરીએ.’
ઓ.કે. આલોક.’
આલોક એ પાર્ટીના તમામ ફોટા પપ્પાને સેન્ડ કર્યા.
ઘડિયાળમાં જોયું ૧:૨૦. ભૂખ તો લાગી જ હતી, પણ ભૂખ કરતાં કોફી પીવાની તીવ્ર ઈચ્છા હતી. માથામાં હથોડા વાગતાં હતા. કિચનમાં જવાની કોઈ ત્રેવડ નહતી.
ફ્લેટની નીચેના એક ફાસ્ટફૂડ સ્ટોર વાળા સાથે થોડી મિત્રતા થઇ ગઈ હતી. એટલે તેને કોલ જોડ્યો.
‘હેલ્લો.. બાલચંદ્ર, આલોક બોલ રહા હૂં. ફ્રોમ ફ્લેટ નંબર બી/3૬. ગૂડ આફ્ટરનૂન.’
‘અરે હા..ગૂડ અફાટરનૂન સર, આપ કા નંબર મેરે કોન્ટેક્ટ લીસ્ટ મેં હૈ. બોલીયે સર.’
‘બાલચંદ્ર, પ્લીઝ મેરી એક ફેવર કરોગે ?’
‘અરે શ્યોર સર, બોલીયે.’
‘મુજે એક બટર સેન્ડવીચ ઔર એક બીગ સાઈઝ કોફી પાર્સલ ભેજ સકતે હો ક્યા ? મેરી તબિયત થોડી ઠીક નહી.’
‘અરે ઇટ્સ અવર ડયુટી સર, અભી દસ મિનીટ્સ મેં આપ કો મિલ જાયેગા,ઔર કુછ કામ હો તો કોલ કરના.’
‘થેંક યુ. બાલચંદ્ર.’
‘વેલકમ સર.’
આલોકને થયું પાર્સલ આવે ત્યાં સુધીમાં શેખર સાથે વાત કરી લઉં.
‘હેલ્લો... શેખર.’
‘હા, બોલ આલોક, અંકલ સાથે વાત થઇ ગઈ ?’
‘હા, થઇ ગઈ,’
‘સરદર્દ હવે કેમ છે ?’
‘હમણાં થોડો નાસ્તો કર્યા પછી ટેબ્લેટ લઈને સુઈ જઈશ એટલે આઈ થીંક બધું ઠીક થઇ જશે. તું શું કરે છે ? કેવી રહી પાર્ટી અને કેટલા વાગ્યે પૂરી થઇ ?’
‘અરે યાર તું પણ ખરેખર ગઝબ છે હો. તું મને મળજે પછી કહું કેવી રહી પાર્ટી. અલ્યા સાલા તારી જ પાર્ટી અને તું જ ગાયબ થઇ જાય એવું કઈ ચાલતું હશે અને મગજમાં એવાં તે કેવા ટેન્શનના તંબુ તાણી રાખ્યા છે કે મગજની નસો ખેચાય છે ?’
‘અરે બાબા એવું કશું નથી. અચ્છા, મારી વાત સાંભળ.આજનો શું પ્લાન છે તારો ?’
‘ના ભાઈ આજે કોઈ જ પ્લાન નહી હો. આજ સન્ડે છે તો ફૂલ ડે ઘરે , બધાં ફેમીલી મેમ્બર સાથે જ. કેમ કઈ કામ હતું ? ક્યાંય જવું છે ?’
‘ખાસ તો કઈ નહી, અને મારી તો હાલત પણ ઠીક નથી તો ક્યાંય બહાર જવાની હમણાં તો જરાય ઈચ્છા નથી. હું એવું વિચારી રહ્યો હતો કે કદાચ તને સમય હોય તો થોડીવાર સાથે બેસીએ.’
‘કેમ કઈ ખાસ વાત છે ? તો હમણાં આવી જાઉં?’
‘નહી નહી..એવું ખાસ તો કઈ નથી.’
‘અચ્છા, આલોક એમ કરીએ.. હું રાતના નવ વાગ્યા પછી તારા ફ્લેટ પર આવું છું. પછી આરામથી વાતો કરીએ.’
‘અચ્છા ઠીક છે, તો પછી રાત્રે મળીએ. અને સાંભળ ભાસ્કરનને કહી દે કે બાઈક રાતના નવ વાગ્યા પછી જ આપવા આવે નહી તો ફરી મારી ઊંઘ બગડશે, ભૂલ્યા વગર કહી દે જે પ્લીઝ.’
‘અચ્છા ઠીક છે. હમણાં કહી દઉં છું જ,’ એટલું બોલીને શેખર એ કોલ કટ કર્યા બાદ.
આલોક એ માંડ માંડ બ્રશ કરીને, સેન્ડવીચ સાથે કોફી પી લીધા પછી, હેડેકની એક ટેબ્લેટ લઈને ૨:૩૫ એ સુઈ ગયો.

આલોકના જે રીતે કોઈપણ ઠોસ કારણ વિના અધવચ્ચેથી પાર્ટી છોડીને જતાં રહ્યા બાદ છેક અત્યારે આલોક સાથેના આ સંવાદ પરથી શેખરના દિમાગમાં પડેલી ધારણાને સમર્થન મળી ગયું.

સાંજ સુધીમાં આલોકનો કોઈ કોલ કે મેસેજ ન આવતાં શેખરે કોલ જોડ્યો.
મોબાઈલની રીંગ વાગતાં આલોકે એ કોલ રીસીવ કર્યો.
‘હા, બોલ શેખર.’
‘જો હમણાં ૮ની આસપાસનો સમય થવા જઈ રહ્યો છે, હું કલાકમાં ત્યાં પહોચું છું. હવે કેમ છે તને ?’
‘હમણાં તો ઘણું નોર્મલ છે હો.’
‘ડીનર માટે શું વિચાર્યું છે ?
‘એક કામ કર ને તું કૈક પાર્સલ લેતો આવ ને મારી માટે.’
‘શું લઇ આવું બોલ ?’
‘મારી ફેવરીટ પંજાબી સબ્જી તને ખબર છે. બટર રોટી. અને બટર મિલ્ક બસ.’
બીજું કઈ ?’
‘બસ બીજું કઈ નહી, આટલું કાફી છે.’
‘ઓ કે.’

હવે માનસિક દુખાવો સદંતર બંધ થઇ ગયો હતો. અડધો કલાક શાવર બાથ લીધા પછી એકદમ ફ્રેશ લાગ્યું. કોલ્ડ કોફીનો એક મગ ભરી, સોફા પર લંબાવીને
ટી.વી. ઓન કર્યું. ૮ થી ૧૦ મિનીટ્સ બધી ચેનલ્સ સર્ફિંગ કર્યા પછી કંટાળીને એક મ્યુઝીક ચેનલ સેટ કરી.

કોઈ મ્યુઝીકલ નાઈટનું રીપીટ ટેલીકાસ્ટ હતું. એક પછી એક ઓલ્ડ મેલોડીયસ સોન્ગ્સ આવતાં હતાં. કોફીની ચુસ્કીઓ સાથે આલોક ન્યુઝ પેપર વાંચતા વાંચતા સંગીતને માણતો રહ્યો.

ત્યાં અચાનક જ ગીત આવ્યું... “ આગે ભી જાને ના તુ... પીછે ભી જાને ના તુ... જો ભી હૈ બસ યહી એક પલ હૈ.”
કોફીનો મગ અને પેપર બન્ને હાથમાં થંભી ગયા. અને એ સાથે જ ડોરબેલ વાગી.

આલોક એ ડોર ઓપન કરીને જોયું’ તો સામે શેખર.
‘વેલકમ શેખર.’
‘હવે કેમ છે હીરો ? ફીલ બેટર ?’
‘હા,યાર આજે તો આખો દિવસ બસ ઊંઘ્યો જ છું. બપારે ટેબ્લેટ લીધા પછી જ કઈ સારું લાગ્યું. તું કોલ્ડ કોફી લઈશ કે ચાઈ ?’
‘અરે હમણાં કઈ જ નહી થોડી વાર પછી ’
‘આ તારી ફેવરીટ કાજુ બટર મસાલાની સ્પાઇસી સબ્જી ઔર બટર રોટી વિથ બટર મિલ્કનું પાર્સલ’ ડાઈનીંગ ટેબલ પર મુકતાં શેખર બોલ્યો
‘શેખર તું કાર લઈને આવ્યો છે કે બાઈક ?’
‘બાઈક, કેમ ?’
‘પૂરો દિવસ સૂતો જ રહ્યો છું તો થોડું લેઝીનેસ જેવું ફીલ થઇ રહ્યું છે. એવું વિચારી રહ્યો છું કે બહાર જઈને એક ચક્કર લાગવી એ તો કેવું રહેશે ?’
‘નેકી ઔર પૂછ પૂછ ..ચલો. બોલ બાઈક પર જવું છે કે કારમાં ?’
‘ઈચ્છા તો કારમાં જવાની છે પણ, તું તો બાઈક લઈને આવ્યો છે ને ?’
‘અરે યાર, તો એમાં શું મોટો પ્રોબ્લેમ છે.પહેલાં અહીંથી મારા ઘરે જઈએ અને ત્યાં થી કારમાં. ’
આલોક બોલ્યો, ‘ઠીક છે.પણ ભાસ્કરનને કોલ કરીને પૂછ કે બાઈક લઈને કે કેટલાં વાગ્યા સુધીમાં આવે છે.’
શેખરે ભાસ્કારન ને કોલ જોડ્યો, ‘હેલ્લો, ભાસ્કરન વ્હેર આર યુ ? મેં આલોક કે ઘર પર હી હૂં, તુમ કિતને ટાઈમ મેં આ રહે હો ?’
‘સર, આઈ વીલ કમ જસ્ટ ઇન ટેન મિનીટ્સ.’
‘આલોક, એ આવે છે દસ મિનીટ્સમાં. તું ડીનર કરીને રેડી થઇ જા .’
‘ચલ શેખર, તું પણ આવી જા ડાઈનીંગ ટેબલ પર.’
‘હું ફક્ત કોફી જ લઈશ.’
આલોક એ શેખરના ટેસ્ટની સ્ટ્રોંગ કોફી બનાવી. બન્ને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા.
શેખરે કોફીનો ઘૂંટ ભરતાં પૂછ્યું, ‘અરે, યાર સૌથી પહેલાં તું એ કહે કે કાલે પાર્ટી માંથી તું કેમ ભાગી આવ્યો ? તને ખબર છે બધા નારાજ છે તારાથી. કોઈ પ્રોબ્લેમ થયો હતો ? તબિયત ઠીક નહતી ? અને અચાનક આટલું ભારે સરદર્દ ? વોટ્સ ધ મેટર ?

‘શેખર સાચું કહું તો જે રીતે ચાલુ પાર્ટી માંથી નીકળી ગયા પછી મને પણ થોડું ઓડ લાગ્યું. શેખર મારે તારી જોડે વાત કરવી છે. અને ખાસ તો એ માટે જ મેં તને બોલાવ્યો છે.’
‘હા, તો બોલને. કોઈ સીરીયસ ઇસ્યુ છે શું ? કે પછી અમારાં બાહુબલીનું કોઈ સાઉથ ઇન્ડિયન છોકરી પર દિલ આવી ગયું છે ?’
‘શું યાર તું કઈ પણ. વાત કૈક અલગ જ છે એટલે જ બહારે જઈને ખુલ્લી જગ્યા પર જઈને મોકળા મનથી ખુલ્લીને વાત કરવી છે.’
‘ઠીક છે, જો હુકમ મેરે સરકાર. તું કહે ત્યાં જઈશું ચલ.’
આલોક રેડી થઇ ગયો. બન્ને નીકળવા જતાં હતાં ત્યાં જ ડોરબેલ વાગી. દરવાજો
ઉઘાડીને જોયું તો સામે ભાસ્કરન.
બાઈકની ચાવી લઈને આલોક બોલ્યો, ‘થેંક યુ. અબ તુમ કૈસે જાઓગે ?’
રવાના થતાં ભાસ્કરન બોલ્યો, ‘ડોન્ટ વરી. મેરા ફ્રેન્ડ સાથ મેં આયા હૈ બાઈક લે કે. વો મુજે ડ્રોપ કર દેગા. ગૂડ નાઈટ સર.’
શેખરે કહ્યું, ‘થેંક યુ એન્ડ ગૂડ નાઈટ ભાસ્કરન. સી યુ ટુમોરો’

થોડીવારમાં આલોક અને શેખર બન્ને બાઈક પર શેખરના ઘર તરફ રવાના થયા.
સમય હતો રાત્રીના ૧૦:૧૦.
શેખરે બાઈક તેના ઘરે મૂકી અને હોન્ડા સીટી કાર લઈને બંને નીકળ્યા.. શેખર એ મધ્યમ ગતિથી કાર હાઇવે તરફ હંકારી. શહેરથી ૮ થી ૧૦ કિલોમીટર એક ફેમસ એન્ડ પ્રેસ્ટીજીય્સ ગાર્ડન રેસ્ટોરેન્ટના પાર્કિંગમાં કાર પાર્ક કરી. સન્ડે અને ગરમીની સીઝન હોવાથી રેસ્ટોરેન્ટમાં કાફી ભીડ હતી. એટલે બન્ને એ કારમાં જ બેસવાનું પસંદ કર્યું.
શેખર એ પૂછ્યું, ‘તું શું લઈશ ? ડ્રીંક્સ યા કોફી ?’
આલોકે કહ્યું, ‘હું સ્પ્રાઇટ લઈશ.’
શેખર બે સ્પ્રાઇટની બોટલ લઇને કારમાં બેસી ગયો.
ચુપચાપ આલોક સામે કયાંય સુધી શેખર જોતો જ રહ્યો એટલે આલોક એ પૂછ્યું,
શું જુવે છે ?
મંદ માર્મિક સ્માઈલ સાથે શેખર એ પૂછ્યું,

‘શું નામ છે, છોકરીનું ?’

આલોક એકદમ જ ચોંકી ગયો. સતત શેખરની સામે જોઈ રહ્યા પછી બોલ્યો, ‘અરે.. યાર, શેખર તને કઈ રીતે ખ્યાલ આવ્યો કે હું કોઈ.... ?’ આલોક વાક્ય પૂરું કરે એ પહેલાં જ શેખર એ હસતાં હસતાં જવાબ આપ્યો,

‘આલોક, દોસ્તી નિભાવવી એ સુમનની અવેજીમાં સુગંધને ચૂંટવા જેટલું અઘરું છે.
મિત્રતામાં હક પહેલાં, લક જોઈએ. દોસ્તીનો દાવો ન હોય દોસ્તીનો તો માત્ર લહાવો જ હોય. જ્યાં મૈત્રીના ‘વાર’ કે ‘વહેવાર’ ન હોય ત્યાં જ એ પારાવાર હોય. ભીતરથી જાતને ઉઘાડવા કે છતી કરવા જેનું સરનામું નથી પૂછવું પડતું પણ, જેના થકી આપ મેળે જાત ઉઘડવાનું સરનામું સર્જાઈ જાય એ દોસ્ત.’

વધુ આવતીકાલે.....

© વિજય રાવલ

'ક્લિન ચીટ ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપીરાઈટ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED