Cleancheet - 9 books and stories free download online pdf in Gujarati

ક્લિનચીટ - 9

પ્રકરણ – નવમું/૯

રાત્રે ૯:૧૦ વાગ્યે શેખર એ ડોકટર અવિનાશને એ કોલ જોડ્યો.
ડોકટર અવિનાશે કહ્યું,
‘હેલ્લો’ સર, હું શેખર શર્મા.’
પ્લીઝ શેખર હોલ્ડ ઓન ફોર જસ્ટ ફયુ મિનીટ્સ
'ઇટ્સ ઓ.કે. સર.’
થોડીવાર પછી...
‘હા, હવે બોલો શેખર.’
‘સોરી સર આ સમયે આપને ડીસટર્બ કરી રહ્યો છું.
‘આટલું બોલીને શેખર એ આલોકના આજે કરેલા કારસ્તાનની જાણકારી આપી.
એ સાંભળ્યા પછી ડો. અવિનાશ બોલ્યા, ‘હમ્મ્મ્મ આટલા શોર્ટ ટાઈમમાં આલોકનું મેન્ટલી રીએકશન આટલું ઝડપથી બૂસ્ટ થઇ જશે તેની મને કલ્પના નહતી. બીજી કોઈ વાયલંસ એક્ટીવીટી કરી છે તેણે ? ગુસ્સા કરવો ? કોઈના પર હાથ ઉપાડવો ? અથવા કોઈ ચીજ તોડવી કે ફેંકવી ?’
‘ના સર, એવી તો કોઈ હરકત નથી કરી.’
‘ઠીક છે શેખર, મેં જે મેડીસીન્સ આપી હતી તે લીધી છે આલોક એ ?’
‘સોરી, હજુ તો ગઈકાલે જ તમે મેડીસીન્સ આપી અને આજે તેણે અચાનક જ
આ અનએકશેપટેબલ હરકત કરી તો તેમાં મારે પૂછવાનું જ ભુલાઈ ગયું અને કોઈ તક પણ ન મળી.’
‘અચ્છા શેખર આપણે એક દિવસ વેઇટ કરીએ. પછી હું નેક્સ્ટ સ્ટેપની ટ્રીટમેન્ટ વિશે વિચારી લઉં. આ સિવાય બીજુ કઈ ઈમ્પોર્ટન્ટ ? ’
‘ના સર.’
‘ઠીક છે અચ્છા તો ગૂડ નાઈટ શેખર’
‘ જી ગુડ નાઈટ સર.’

ત્યાથી શેખર સીધો આલોકના ફ્લેટ તરફ જવા રવાના થયો. આલોકના કોઈપણ હદના બેહુદા વર્તનનો સામનો કરવાની પૂર્વ માનસિક તૈયારી સાથે જ ફ્લેટ પર જઈને ડોરબેલ વગાડી. સમય થયો રાત્રીના ૯:૪૦ ડોર ન ઉઘડ્યું. ફરી પ્રયત્ન કર્યો. આશરે પાંચેક મિનીટ સુધી સતત ડોરબેલ વગાડ્યા પછી આલોક એ ડોર ઉઘાડીને કશુંયે બોલ્યા વગર શેખર સામે જોયા જ કર્યો.
શેખર એ પૂછ્યું, શું થયું ?’
‘કઈ નહી.’
‘સૂતો હતો ?’
‘નહી તો. અહીં સોફા પર જ બેઠો હતો.’
‘અરે.. યાર સતત પાંચ મિનટ્સ સુધી ડોરબેલ વગાડ્યા કરી તને સંભળાઈ નહી ?’
‘ના મને તો ન સંભળાઈ.પણ તું આટલી વહેલાં સવારના પહોરમાં કેમ આવ્યો. ઓહ.. યાદ આવ્યું, અદિતીને શોધવા જવાનું છે એટલે.’
હવે આલોકને દિવસ રાતનું પણ ભાન નહતું, એટલે શેખર એ તે વાતને ઉડાવી દીધી.
‘ચલ ઠીક છે, તારા પપ્પાનો કોલ આવ્યો હતો. તારે વાત થઇ છે?’
‘હા. ગઈકાલે થઇ હતી, મેં તેમને જણાવ્યું કે હું અદિતીને શોધવા જાઉં છું પણ, શેખર તેમણે એમ કેમ કહ્યું કે તેઓ અદિતીને નથી ઓળખતા ?’
‘એ તું ચિંતા ન કર મેં તેમની જોડે વાત કરીને તેમને બધું સમજાવી દીધું છે.’
‘કાલે ડોકટરે જે દવા આપી હતી તે દવા તે લીધી ?’
‘કોણ ડોકટર ? ઓ.. હા, યાદ આવ્યું પણ મેં દવા નથી લીધી.’
‘કેમ ?’
‘એ હું અદિતીને પૂછી ને પછી લઈશ, કે મને કઈ થયું છે ?’
હવે શેખર એ આલોકના માનસિક સ્તરની સમાંતર આવીને વાત કરવાની હતી.
‘એ તારે અદિતીને પકડવા માટે તેની પાછળ દોડવું નહી પડે ? અને દોડવા માટે શક્તિ નહી જોઈએ ? અને દવા નહી લે તો શક્તિ ક્યાંથી આવશે ? અલ્યા આ શક્તિની દવા છે મારા હીરો. અને તું દવા નથી લેતો એ અદિતીને ખબર પડશે તો એ તારાથી નારાજ થઇ જશે અને તારી જોડે વાત પણ નહી કરે એ ખબર છે તને ?’
હવે શેખર એ આલોકની ભાષા માં જ વાત કરવાની હતી.

શેખર એ કિચનમાં જઈને જોયું. બપોરનું લંચ પાર્સલ લગભગ જેમ નું એમ જ હતું.
પછી આલોકને જમાડી દવા સાથે પોતાના આત્મસંતોષ માટે ઘણી બધી સૂચનાઓ પણ આપી અને ૧૧ વગ્યા પછી શેખર ઘર તરફ જવા કાર માં બેઠો. થોડે આગળ જઈને કાર સાઈડમાં પાર્ક કરી.

હવે શેખરની સહનશીલતાનો બાંધ તૂટી પડ્યો. એક બાહોશ,બહાદુર,બુદ્ધિમાન,સાવ સહજ પારદર્શક વ્યક્તિત્વ ધરાવતા આલોકની આજે આ મનોદશા જોઇને શેખર
રડવા લાગ્યો. શેખર તેના પિતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આ રીતે રડ્યો હશે. એક અતિઆત્મીય સંબંધનો અનંત શૂન્યાવકાશ સર્જાઈ જવાની ભીતિથી તે પીડાઈ રહ્યો હતો. શેખરને પોતાની જાત પ્રત્યે નફરત થઇ ગઈ. ભાઈથી પણ અધિક વિશેષ જીગરજાન મિત્ર માટે સાવ આટલી હદે લાચાર. ? કુદરતની આ અકળ કારમી કરામાત સામે આજે શેખરના પૈસા અને પાવર બન્ને છેડા ટૂંકા પડ્યા. જો કોઈ આલોકને ઉગારી લે તો તેના પર શેખર તેનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર હતો.

ઘરે આવીને ફ્રેશ થયા પછી થોડો સ્વસ્થ થયો.ડીનર લઈને વીરેન્દ્રના બેડરૂમ તરફ નજર કરી. લાઈટ ઓન હતી એટલે થયું કે હજુ જાગતા હશે એમ વિચારીને રૂમ પાસે જઈને જોયું તો વીરેન્દ્ર કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા. શેખરને જોઈને બોલ્યા..
‘આવ આવ દીકરા બેસ. કેમ આજે આટલું મોડું કેમ થઇ ગયું ? અને તારો ચહેરો કેમ આટલો ઉતરેલો છે ? કઈ થયું છે ?’
સવારથી લઈને અત્યાર સુધીના ઘટનાક્રમનું વર્ણન કરતાં કરતાં શેખર ગળગળો થઇ ગયો.
વીરેન્દ્ર એ શેખરના માથા પર હાથ ફેરવતા કહ્યું, ‘બેટા, થોડી ધીરજ અને ઈશ્વર પર ભરોશો રાખ. બધું જ સમું નમું પાર ઉતરી જશે. અને આમ નિરાશ થવાથી શું વળશે. જાણું છું કે, દિવસે દિવસે આ મામલો હવે વધુ સંગીન બનતો જાય છે. હું કાલે સવારે જ ડોકટર અવિનાશ જોડે વાત કરીને જાણી લઉં છું કે શું થઇ શકે તેમ છે. અને આલોકના પેરેન્ટ્સ સાથે પણ આવતીકાલે વાત કરી લઇએ. અને દીકરા એક વાત યાદ રાખજે દીકરા આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈની તકદીર નથી બદલી શકતું, હવે શાંતિથી કઈ આડાઅવડા વિચાર કર્યા વગર સુઈ જા.વધુ વાત કાલે કરીશું ગૂડ નાઈટ,’
‘ગુડ નાઈટ, કહીને શેખર તેના બેડરૂમ તરફ ચાલવા લાગ્યો.
વીરેન્દ્ર હવે આગળની રણનીતિ ઘડવાનો વિચાર કરતાં કરતાં છેવટે સુઈ ગયા.
થોડા સમય બાદ વ્યર્થ વિચારોની હકાલપટ્ટી કરવામાં સફળ થયા પછી શેખર પણ ઊંઘી ગયો.

સમય સવારના ૯. ફટાફટ તૈયાર થયા પછી શેખરને વિચાર આવ્યો કે ઓફીસ જતાં પહેલાં આલોકને મળીને પછી પોતાની ઓફિસે જવું. કારમાં બેસતાં જ આલોકના કલ્પના બહારના ચિત્ર વિચિત્ર બિહેવિયર વિષે ઈમેજીન કરવા લાગ્યો. ઘરેથી નીકળીને સીધો આલોકના ફ્લેટ પર. ત્યાં આવીને જોયું તો.. ફલેટનો દરવાજો પહેલેથી જ ઓપન હતો. શેખર એ બુમ પાડી.. ‘આલોક... આલોક....’
કોઈ રીપ્લાય નહી. ટી.વી. પણ ઓન હતું. લીવીંગ રૂમના વોશ બેસીનના નળ માંથી પાણી ટપકી રહ્યું હતું. ટી.વી. અને નળ બંને ઓફ કરીને શેખર બન્ને બેડરૂમ, કિચન, બાલ્કની બધે જ ફરી વળ્યો.. ફરીથી બુમ પાડી.
‘આલોક..આલોક.....’ આલોક ફ્લેટમાં નહતો એ ખાત્રી થઇ ગઈ.
ક્યાં ગયો હશે ? ક્યારે ગયો હશે ? બહાર આવીને આજુ બાજુના ફ્લેટના પાડોશીને આલોક વિષે પૂછ્યું પણ કોઈને કશી જ જાણ નહતી. કોલ કરીને જોયું તો આલોકનો ફોન સ્વીચ ઓફ.
ફટાફટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો. નીચે ફાસ્ટ ફૂડના ઓનર બાલચંદ્રને પૂછ્યું.
આજુ બાજુની શોપ્સ, નજીકના ગાર્ડનમાં બધે જ શોધખોળ કરી લીધી.
પ્લે ગાર્ડનમાં ક્રિકેટ રમતા સૌ બાળકોને મોબાઈલ માંથી આલોકનો ફોટો બતાવીને પૂછ્યું.. ‘ઇસ આદમી કો કહીં દેખા હૈ ? ’
તેમાંથી એક બાળક બોલ્યો,
‘હા, અંકલ દેખા હૈ. વો જબ મૈ ખેલને કે લિયે નીચે આ રહા થા તો યે અંકલ કો મૈને ટેરેસ પર જાતે હૂએ દેખા થા.’ શેખરને ફાળ પડી
એક સેકંડનો પણ વિચાર કર્યા વગર શેખર એ લીફ્ટમાં ઘુસીને ૧૨ મા માળે જવા લીફ્ટ સ્ટાર્ટ કરી. ૧૨ માં માળે લીફ્ટ માંથી વીજળીની ઝડપે ટેરેસ પર જઈને જોયું તો....

શેખરના શ્વાસ અદ્ધર થઇ ગયા. આલોક ૧૨ માં માળની બિલ્ડીંગની ટેરેસની પાળ પર આરામથી બેઠો હતો. નજીક જઈને આલોકનું બાવડું પકડીને પાળ પરથી ખેંચીને નીચે ઉતારી લીધો. શેખરના શરીરમાં કંપારી છૂટી ગઈ. થોડીવાર માટે આંખો બંધ કરીને નીચે બેસી ગયો.
આલોક એ પૂછ્યું.. ‘શું થયું ? અલ્યા હવે તને પણ ચક્કર આવી ગયા કે શું ?’ એમ બોલીને હસવાં લાગ્યો.
શેખર સમસમી ગયો. થોડી જ ક્ષણોમાં તો તેની નજર સમક્ષ કેટકેટલા’યે અકલ્પનીય અમંગળ દ્રશ્યોની હારમાળા સર્જાઈ ગઈ.
ગુસ્સો, ડર, લાચારી, એ સિવાય પણ ઉઠતી તમામ વેદના સંવેદના મિશ્રિત ઘૂંટડાને શેખર સાવ ચુપચાપ ગળી ગયો.
‘આલોક તું અહીં શું કરી રહ્યો છે ? અને અહીં પાળ પર કેમ બેઠો છે ?’
‘અરે ડોબા એ એટલા માટે કે આટલી ઉંચાઈ એ થી તો અદિતી ક્યાંય પણ સંતાયેલી હશે તો દેખાય જ જશે સમજ્યો ? ’
‘તું ક્યારે આવ્યો અહીં ?’
‘એ મને ખબર નથી.’
‘હા, ચલ હવે નીચે ચલ.’
‘અરે, પણ યાર અદિતી ચાલી જશે તો ?’
‘તું ચલ મારી જોડે ડોકટર સાહેબનો કોલ આવ્યો હતો કે ,તેમને અદિતીનું સરનામું મળી ગયું છે. તો આપણે હમણાં ત્યાં જવાનું છે ચલ.’
‘હેં.. સાચે ?’
‘હા.’
‘તો તો ચલો ચલો જલ્દી જલ્દી જલ્દી .’

નીચે આવીને શેખર એ આલોકના હાલ હવાલ થોડા વ્યવસ્થિત કર્યા. થોડો જરૂરી સામાન પેક કર્યો. ડિસ્ચાર્જ થયેલો આલોકનો ફોન લીધો. ફ્લેટને લોક કરીને શેખર આલોકને લઈને તેના ઘરે આવ્યો.
ઘરના મેમ્બરને ઈશારામાં સમજાવ્યું કે, પછી નિરાંતે વાત કરીશું.
શેખર એ તેના બેડરૂમને અડીને આવેલા ગેસ્ટ રૂમમાં આલોકને બેસાડ્યો. પછી આલોકને જમાડવા માટે શેખર એ પણ જમવાનું નાટક કર્યું. આલોકને દવા આપી ટી.વી.ઓન કરી આપ્યું. બે-ચાર પુસ્તકો આપ્યા. પછી બાદમાં ઘરના મુખ્ય મેબ્બર્સ સાથે આલોકની માનસિક હાલતનું ટૂંકમાં વર્ણન કરીને સૂચનાઓ આપ્યા પછી કઝીનને ધ્યાન રાખવાનું કહ્યું. અને કદાચ તેના પેરેન્ટ્સનો કોલ આવે તો કહી દેજો કે આલોક હમણાં અહીં આવ્યો હતો અને ફોન અહીં ભૂલીને જતો રહ્યો છે. પછી આલોકના રૂમમાં આવીને બોલ્યો,
‘સાંભળ હું ડોકટર પાસે થી થોડીવારમાં અદિતીનું એડ્રેસ લઈને આવું છુ .ત્યાં સુધી તું આરામ કર. હું આવું પછી સાથે નીકળીએ. ઠીક છે ?. કઈ પણ જોઈતું હોત તો કોઈને પણ કહી દેજે તું સૌ ને ઓળખે જ છે. અને તારો મોબાઈલ ચાર્જિંગમાં મુક્યો છે.’
પેટમાં અન્ન અને દવા ગયા પછી થોડું આલોકને સારું લાગ્યું. કદાચ રાત્રે મોડે સુધી જાગ્યો હશે એટલે બેડ પર જઈને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

મોડી સાંજે શેખર અને વીરેન્દ્ર બન્ને એ ડોકટર અવિનાશને તેના કેર યુનિટ પર રૂબરૂ જઈને આલોકની તમામ હરકતો અને ગંભીરતાથી વાકેફ કર્યા. ડોક્ટર અવિનાશ એ એકદમ શાંત ચિત્તે એક એક મુદ્દાના ઊંડાણ પૂર્વકનું એનાલીસીસ કર્યા પછી બોલ્યા, ‘આ સિચુએશનમાં હવે નેક્સ્ટ સ્ટેપની ટ્રીટમેન્ટ જ સ્ટાર્ટ કરવી પડશે. તેનાથી તેની યાદદાસ્તમાં તો કોઈ રીકવરી નહી આવે પણ તે કોઈ વાયલન્સ એકટીવીટી નહી કરે એવું આપણે કરી શકીએ. અને એ ઇન્જેક્શન પણ લોંગ ટાઈમ નહી આપી શકાય. અને મારા ખ્યાલથી આ હાલતમાં હવે આલોકના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવું જરૂરી છે. બીકોઝ કયારે’ય કંઈપણ થઇ શકે. અને આ ટ્રીટમેન્ટ માટે તમારે મને રાઈટીંગમાં આલોક વતી પરમીશન આપવાની રહેશે, ઇટ્સ લાઈક એ રૂટીન પેપર પ્રોસીઝર યુ નો. એન્ડ આઈ થીંક ઇટ્સ બેટર કે જ્યાં સુધી તેના પેરેન્ટ્સ નહીં આવે ત્યાં સુધી આલોકને તમે તમારી જોડે જ રાખશો. આવતીકાલથી તેને દર ત્રણ દિવસે એક ઇન્જેક્શન આપીશું. તેનું હું અરેજમેન્ટ કરી આપીશ. એઝ માય ઇન્સ્ટ્રકશન ઘરે અપાઈ જશે. ઠીક છે ?’

વીરેન્દ્ર બોલ્યા, ‘અરે સર આપ અમારાં આટલા સારા મિત્ર છો. તો અમારાથી તો આપ વધુ બેટર વિચારી શકો. ડોકટર આપ જે ડીસીઝન લેશો તે ફાઈનલ.

શેખર એ ડો, ને પૂછ્યું, ‘સર એક સવાલ છે.’
‘હા, બોલો, બોલો’

‘આ જે શરુઆતથી લઈને અત્યાર સુધી અદિતીનું જે કેરેક્ટર છે, તેમના પર તમને કોઈ ડાઉટ નથી લાગતો ? સતત એક જ વ્યક્તિની સાથે એક સરખા જ યોગાનુયોગ શક્ય છે ?’

ડોકટર અવિનાશે કહ્યું,

‘જો શેખર.. આ મારું એવું માનવું છે કે કલ્પના વાસ્તવિકતાની નજીક હોય શકે પણ વાસ્તવિકતા કલ્પનાથી તદ્દન વિપરીત પણ હોય શકે.’
લેટ્સ સી આપણે બધાં કોઈ ચમત્કારની આશા રાખીએ. આફ્ટર ઓલ ગોડ ઈઝ ગ્રેટ.’

શેખર અને વીરેન્દ્ર બન્ને ડો. નો આભાર માની ને બહાર નીકળીને હજુ જ્યાં કારમાં બેઠા ત્યાં જ ઇન્દ્રવદનનો કોલ આવ્યો.
શેખર એ કોલ રીસીવ કરીને, કહ્યું, ‘અંકલ હું ડ્રાઈવીંગ કરી રહ્યો છું. હું તમને ઘરે પહોંચી ને કોલબેક કરું છું.’
“જી ઠીક છે શેખર.’
શેખર જુત્ઠું એટલા માટે બોલ્યો કે તેણે વિચાર્યું કે વીરેન્દ્ર સાથે શાંતિથી ચર્ચા કરીને પછી કોઈ ઠોસ જવાબ આપવો એ યોગ્ય લાગ્યું. વીરેન્દ્ર એ કહ્યું, ‘ઘરે જઈને શાંતિથી વિચારીને પછી તેમની જોડે વાત કરીએ તું ચિંતા ન કરીશ.’

સૌ સાથે ડીનર પૂરું કરીને શેખર, વીરેન્દ્ર અને આલોક ત્રણેય ગેસ્ટ રૂમમાં ગોઠવાયા. આલોક એ અદિતી વિષે બે- ચાર પ્રશ્નો પૂછ્યા. શેખર એ ખુબ સારી રીતે આલોકના ગળે ઉતરી જાય એવા પ્રત્યુતર આપીને માનસિક રીતે શાંત પડી દીધો.
રૂમની બહાર પેસેજમાં જઈને વીરેન્દ્ર એ ઇન્દ્રવદનને કોલ જોડ્યો.
ઇન્દ્રવદન બોલ્યા..
‘હેલ્લો.’
હેલ્લો ભાઈ, ‘હું વીરેન્દ્ર, શેખરના અંકલ.’
‘નમસ્કાર ભાઈસાબ. કેમ છો આપ, ?’
‘સૌ મોજમાં છે ભાઈ, ઇષ્ટદેવની કૃપા છે. તમે કેમ છો, અને બહેનજી ?’
‘બન્ને મજા માં હો. આલોક જોડે વાત નહતી થી તો જરા એમ થયું કે.... ‘
વીરેન્દ્ર એ વાતનો દૌર તેના હાથમાં કહ્યું.. ‘એમાં એવું છે ભાઈ કે આલોક આજથી થોડા દિવસ અહીં અમારે ત્યાં અમારી સાથે રહેશે. શેખર જીદ કરીને લઇ આવ્યો છે તેને. અને આજે તેને આજે ઓફીસમાં કામ કૈક થોડું વધારે હતું એટલે થાક્યો હતો. એ થોડા સમય પહેલાં જ ડીનર લઈને સૂતો છે. કઈ ખાસ વાત કરવાની હોય તો ઉઠાડું.’

‘અરે ના ના એને આરામ કરવા દયો. સવારે વાત કરી લઈશું. ખાસ વાતમાં તો એ છે કે અમે બન્ને સવારે પાંચ વાગ્યાની ટ્રેઈનથી એક મહીના માટે ચારધામની જાત્રા પર જઈ રહ્યા છીએ. આલોક સાથે વાત થઇ ગઈ છે પણ મને લાગે છે કે કદાચ કામમાં અટવાઈ ગયો હશે એટલે ધ્યાન બહાર રહી ગયું લાગે છે. તમે જરા યાદ કરાવી ને કહી દેજો બાકી તબિયત તો સારી છે ને તેની ?’
‘અરે ભાઈ એકદમ ફીટ એન્ડ ફાઈન છે. નવજુવાન છોકરો અને સદૈવ આપ બન્નેના આશિર્વાદ, પછી શું જોઈએ ?’

‘એ તો ખરું પણ એ થી મોટી વાત તો એ છે કે આપ સૌ આટલા પ્રેમ અને સ્નેહથી તેનો એક સગા દીકરાથી પણ વિશેષ ખ્યાલ રાખો છો તેના માટે અમે આપના આજીવન ઋણી રહીશું. ’
‘ઓહ, મારા ભાઈ હવે આ તો તમે બહુ ઉંચી વાત કરી દીધી. આપ બન્ને કોઈપણ જાતની ચિંતા કર્યા વગર નિશ્ચિંત થઈને જાત્રા કરો. હું આલોકને કહી ને તમારી જોડે વાત કરાવી દઈશ બસ. બોલો બીજી કોઈ સેવા હોય તો ફરમાવો.’
‘જી ભાઈ, આભાર. સૌને અમારા જય શ્રી કૃષ્ણ.’
‘એ જય શ્રી કૃષ્ણ.’

વીરેન્દ્ર એ સઘળી વાર્તાલાપ શેખરને કહી સંભળાવી. એવું વિચાર્યું કે કદાચ એક મહિનાની ટ્રીટમેન્ટ દરમિયાન આલોક ફરી નોર્મલ થઇ જાય તો તેમના પેરેન્ટ્સ આ આઘાતજનક સ્થિતિ માંથી ઉગરી જાય. એક રીતે ખુબ જ સારું થયું એમ માની ને હાશકારો અનુભવ્યો.
હવે ડો. અવિનાશની ગાઈડ લાઇન મુજબ આલોકની નેક્સ્ટ સ્ટેપ ટ્રીટમેન્ટ શરુ થયા ને ચાર દિવસનો સમય પસાર થઇ ગયો. જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ તેમ આલોકની યાદશક્તિ ક્ષ્રીણ થવા લાગી. સતત ને સતત કોઈપણ વાતમાં બસ એકમાત્ર અદિતી અદિતી અને માત્ર અદિતી નો જ ઉલ્લેખ.
આલોકનું કઈ ઘડી એ કેવું રીએકશન આવશે તેનો સતત સૌ ને ભય સતાવતો. માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં સૌ ની ધીરજ ખૂટવા અને મનોબળ તુટવા લાગ્યું.

અને ત્યાં જ અચાનક એક દિવસ રાત્રે શેખર આલોકના રૂમમાં સોફા પર બેઠો હતો ત્યાં જ આંખો ઘેરાતા આડો પડ્યો અને પડતાંની સાથે ઊંઘ ચડી ગઈ. આલોક દવા અને ઇનજેક્શનના ઘેનની અસર થી સુઈ ગયો હતો. અને થોડીવાર બાદ શેખરનો મોબાઈલ રણક્યો. આંખો ચોળતાં જોયું તો ડોકટર અવિનાશનો કોલ. સમય જોયો તો રાત્રીના ૧૨:૧૦. શેખરની ઊંઘ ઉડી ગઈ. મનોમન બોલ્યો, અત્યારે ડોકટરનો કોલ ?

‘હેલ્લો, સર’
‘હેલ્લો શેખર આઈ એમ સોરી, આ સમયે તમને ડીસ્ટર્બ કરું છું.’
‘અરે ઇટ્સ ઓ.કે. સર બોલો બોલો, શું કઈ ઈમરજન્સી ?
‘આલોકના કેસ ને રીલેટેડ એક ખુબ જ અગત્યની મેટર પર ડીશકશન કરવાની છે જો પોસિબલ હોય તો વીરેન્દ્રને લઈને અત્યારે આવી શકો છો મારા રેસીડેન્સ પર ?’
‘હા, સર અમે નીકળીએ છીએ દસ જ મિનીટમાં.’
થોડી વાર તો શેખર વિચાર તો જ રહ્યો. એવી તે અગત્યની કઈ મેટર હશે કે રાત્રીના ૧૨ વાગ્યે બોલાવે છે ? વીરેન્દ્રના રૂમના ડોર પર ટકોરા મારી ને તેમને ઉઠાડી ને વાત કરી.
શેખર એ કહ્યું, ‘અંકલ હું એકલો જઈ આવું છું. તમે આરામ કરો.’
તેમ છતાં વીરેન્દ્ર એ સાથે આવવાની જીદ કરતાં શેખર અને વીરેન્દ્ર બન્ને કાર લઈને રવાના થયા ડો. અવિનાશના રેસીડેન્ટ તરફ.

શેખર અને વીરેન્દ્ર બન્ને પોતપોતની રીતે જાત જાતના અનુમાન કરતાં રહ્યા કે એવી તે અગત્યની કઈ વાત હશે કે અત્યારે બોલવી રહ્યા છે ?’ પણ આ રીતે આ સમયે બોલાવ્યા એટલે કોઈ એવી સીરીયસ મેટર હશે જે આલોકની ટ્રીટમેન્ટમાં જરૂર કોઈ અણધાર્યો વણાંક લાવશે એવું તો લાગી જ રહ્યું હતું. બન્ને પોતપોતની વિચાર શક્તિની મર્યાદા સુધી અનેક ધારણાઓ કરતાં કરતાં ડોકટરના રેસીડેન્ટ પર પહોંચી ગયા.

સ્મિતા જોશી એ ડોર ઓપન કર્યું.

સ્મિતા જોશી જે શહેરના એક નામાંકિત ન્યુરોલોજીસ્ટ અને અવિનાશના લાઈફ અને બિઝનેશ પાર્ટનર તરીકે બન્ને ની બેવડી ભૂમિકા બખૂબી નિભાવી રહ્યા છે.

બન્ને ને સાદર પ્રેમ પૂર્વક આવકાર્યા. સૌ હોલમાં સોફા પર ગોઠવ્યા.
શેખર અને વીરેન્દ્ર અત્યંત આતુરતાથી ડો. અવિનાશની સામે જોઈ રહ્યા.
ડોકટર બોલ્યા. ‘ સૌ પહેલા હું તો આપ બંને ને સોરી કહીશ કેમ કે આટલી મોડી રાત્રે મેં આપને હેરાન કર્યા છે તો આઈ એમ સોરી.’
વીરેન્દ્ર બોલ્યા,’ અરે પ્લીઝ ડોકટર તમારે સોરી ન કહેવાનું હોય. આવું બોલીને આપ અમને શરમાવી રહ્યા છો.’
ડોકટર બન્ને ને જોઈ રહ્યા. ‘વીલ યુ ડ્રીંક વોટર ઓર ટી, કોફી ? કારણ કે ચર્ચા થોડી લાંબી ચાલશે એટલે.’
બન્ને એ કહ્યું ‘નો, ઇટ્સ ઓ.કે.’
વાત જ કૈક એવી છે એટલે વિચારું છું કે ક્યાં થી શરૂવાત કરવી.’
‘કેમ સર, કોઈ ગંભીર મામલો કે કોઈ ખતરો છે ?’ શેખર એ ઉત્સુકતાથી પૂછ્યું.
‘સમજો ને કે ખતરો ટાળવા માટે આપણે એક અખતરો કરવાનો છે. કદાચ ગંભીરતા ટળી જાય અથવા હાવી પણ થઇ જાય. પણ આપે મારી સલાહ સુચન મુજબ પ્લાનિંગ કરવાનું રહેશે. અને તેના માટે હું ન કહું ત્યાં સુધી કોઈ એ કોઈપણ સવાલ
પૂછવાનો નથી. બધું જ મારી ગાઈડ લાઈન અને ઇન્સ્ટ્રકશન પ્રમાણે જ કરવાનું રહેશે.’
વીરેન્દ્ર બોલ્યા, ‘સર અમને તમારાં પર પુરેપુરો વિશ્વાસ છે પણ આપ આ રીતે પઝલની ભાષામાં કેમ વાત કરી રહ્યા છો ? કઈ સમજાય એવું બોલો.’

‘વીરેન્દ્ર મેં મારી ૨૦ વર્ષની પ્રેકટીશ કેરીઅરમાં આવો કેસ કયારેય જોયો તો શું પણ આવા કેસની કલ્પના પણ નથી કરી. ઇટ્સ એ ટોટલી અનબીલીવેબલ મિરેકલ.’
શેખર એ આતુરતા થી પૂછ્યું, ‘પ્લીઝ સર ટેલ મી. વ્હોટ હેપ્પ્ન.’ તમારો કોલ આવ્યો ત્યારથી ઓલ રેડી ધબકારા વધી ગયા છે અને આપ સપ્પેન્સ ક્રિએટ કરીને સીચ્યુંએશનને મોર એન્ડ મોર ક્રીટીકલ કરી રહ્યા છો માટે પ્લીઝ સર.’

ડો. અવિનાશ બોલ્યા, ‘ કૂલ એન્ડ લીશન યંગ મેન. આવતીકાલે સવારે તમે આલોકને લઈને મારાં કેર યુનિટ પર આવી જજો અને ....’

થોડી સેકન્ડ્સ ચુપ રહીને બોલ્યા..

‘અને આવતીકાલે હું અદિતીને આપની સમક્ષ હાજર કરીશ. ઠીક બાર વાગે.
પણ...

અદિતી આપની સમક્ષ આવશે...
શરતોને આધીન.’

શેખર અને વીરેન્દ્ર બન્નેની આંખો પોહળી અને મોઢું ખુલ્લું રહી ગયું. થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ.

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

વધુ આવતીકાલે....

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED