ક્લિનચીટ - 8 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

ક્લિનચીટ - 8

પ્રકરણ – આઠમુ/૮

અવિનાશ જોશીની એઈજ હશે આશરે પચાસની આસપાસ. પણ દેખાવે લાગતાં હતાં ચાલીસના. ૬ ફૂટ હાઈટ. સ્પોર્ટ્સમેન જેવું કદવાર બોડી. જબરદસ્ત પર્સનાલીટી. સ્માઈલ સાથે શેખરને આવકારતા કહ્યું, 'પ્લીઝ સીટ ડાઉન.'
શેખર એ ફેમીલી ફીઝીશીયનનો રેફરન્સ, પોતાનું નામ પરિચય અને આલોક સાથેના રીલેશન વિષે જણાવ્યું.
ડોકટર અવિનાશ એ પૂછ્યું,
'શર્મા ટ્રાન્સપોર્ટ વાળા વીરેન્દ્ર તમારાં શું સંબંધી થાય ? એમનો કોલ આવ્યો હતો.’
‘જી સર, એ મારા અંકલ છે.’
‘ઓહ. તો આપ શ્રી સ્વર્ગીય દેવેન્દ્રજીના સુપુત્ર છો એમ ?’
‘હા, સર’
એટલે ડોકટર અવિનાશે હાથ મીલાવતાં કહ્યું, ‘અરે.. એ તો મારા મોટા ભાઈ સમાન હતા.
અને તમારાં અંકલ વીરેન્દ્ર સાથે તો અમારી ખુબ સારી ઓળખાણ. બોલો શું તકલીફ છે ? ’
શેખર એ ૨૯ એપ્રિલથી શરુ કરીને આજ સુધીની આલોકની ઘટનાઓ અને મનોસ્થિતિના તમામ લક્ષણો ટૂંકમાં જણાવતો ગયો અને જે જરૂરી લાગતું ગયું તે ડોકટર અવિનાશ તેની ડાયરીમાં નોટ પણ કરતાં ગયા. થોડીવાર પછી આલોકને અંદર બોલવ્યો.
ડો એ કહ્યું ,આવો મિ. આલોક.’
આલોક એ કશું જ બોલ્યા વગર ફક્ત હાથ મિલાવ્યો.
ડો. અવિનાશે આલોકને બે- ચાર સવાલો પૂછ્યા. થોડી ચર્ચા કરી.
થોડીવાર પછી આલોકથી ન રહેવાયું એટલે ડો. ને પૂછ્યું,
‘સર, મને જોઇને કે મારી વાતચીત પરથી આપને એવું કઈ લાગે છે કે હું બીમાર છું ?’
ડો. અવિનાશ એ કહ્યું. ઓ યસ, યુ આર ૧૦૦% રાઈટ મિ.આલોક પણ, તમને કશું છે જ નહી એ કન્ફર્મ કરવા માટે જ મિ, શેખર આપને અહી લાવ્યા છે. અને આપણે એ જ કરી રહ્યા છીએ. યુ આર એબ્સ્યુલીટલી ફીટ એન્ડ ફાઈન. ડોન્ટ વરી,’
એકાદ બે જરૂરી રીપોર્ટસ કઢાવવાની સૂચના આપી. અને ફરી આવતીકાલે આ સમયે મળવાનું કહ્યું. અને આલોકને થોડીવાર બહાર બેસીને વેઇટ કરવા કહ્યું .
આલોક બહાર ગયો એટલે શેખરે અધીરાઈથી ડો. ને પૂછ્યું.
‘સર,તમને શું લાગે છે?’
‘જો મિ. શેખર,તમે જે રીતે ડીસક્રાઇબ કર્યું અને મેં તેમની બોડી લેન્ગ્વેગ, બિહેવિયર અને વાતો પરથી જે નોટ કર્યું તો, હાલમાં કંડીશન એટલી સીરીયસ નથી. આઈ થીંક આ સીચ્યુંએશન મેડીસીન્સથી કવર થઇ શકે એમ છે. બાકી આવતીકાલે રીપોર્ટસ ચેક કર્યા બાદ આપણે ફર્ધર ડિસ્કશન કરીએ. એન્ડ ડોન્ટ વરી.’
શેખર એ કહ્યું, ‘થેંક યુ સો મચ ડોકટર.’
શેખર એ આલોકને ડ્રોપ કરવા માટે કાર તેના તેના ફ્લેટ તરફ ડ્રાઈવ કરી.
આલોક બોલ્યો, ‘બસ, શાંતિ થઇ ગઈ તને. તું પણ યાર ખરેખર ગજબ છો બાકી. સરદર્દ માટે કોઈ સાઈક્યાટ્રીકને કન્સલ્ટ કરતું હશે ?’

આલોકની વાતને મજાકમાં ઉડાડી દેતા શેખર બોલ્યો, ‘હવે એમાં એવું છે ને મારાં સાહેબ કે, છેલ્લાં એક અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું હતું કે મને ગાંડપણની અસર થઇ રહી છે. એટલે મારી ટ્રીટમેન્ટ માટે આપણે આવ્યા હતા.તારા સરદર્દની તો ફક્ત એડવાઈઝ જ લીધી છે મારા હીરો. હવે આવીકાલે તારા રીપોર્ટસ આવી જાય પછી છેલ્લી વાર ડોકટરનું થોબડું જોવા જઈશું મારા બાપ, ઓ.કે.’
આલોક એ પૂછ્યું, ‘શેખર, તને મારા પર ગુસ્સો આવે છે ?’
શેખર ખડખડાટ હસતાં હસતાં બોલ્યો.. ‘આવે તો પણ શું ?’
કાર માંથી ઉતરતાં આલોક બોલ્યો, ‘શેખર એક વાત કહું ?’
‘હા.બોલ’
‘તુ યાર અદિતીની વાતને કયારેય સીરીયસલી કેમ નથી લેતો ? આટઆટલું થયા પછી પણ હજુ તું મજાકના મૂડમાં જ છે ?

હવે શેખર થોડો અકળાઈ ગયો હતો પણ જાતને કન્ટ્રોલ કરી લીધા પછી કારમાંથી નીચે ઉતરીને બોલ્યો. ‘જો આલોક હું બધું જ સમજુ છું. હું મજાક એટલા માટે કરી રહ્યો છું કારણ કે તું હળવાં મૂડમાં આવે અને તને લાગતું હોય કે હું અદિતીની મેટરને સીરીયસલી નથી લેતો તો ચલ એક કામ કર આપણે હમણાં જ જઈએ, ક્યાં જવું છે બોલ ? ક્યાં શોધીશું ? ચલ છે કોઈ એડ્રેસ, કોઈ નંબર, કોઈ તસ્વીર છે ? કેવી રીતે શોધીશું ? બેન્ગ્લુરુ એક કરોડથી પણ વધુ વસ્તી વાળું શહેર છે. કોને પૂછીશું ? હજુ મેં ગઈકાલે જ કહ્યું કે આટલું બધું મન પર ન લે. યોગાનુયોગ એક અઠવાડિયામાં તે બે વાર અદિતીને જોઈ છે. તો કૈક ને કૈક થઇ જશે. યાર થોડુક તો પેશન રાખ. ચલ હવે હું નીકળું. કાલે ફરી મળીએ. ડીનર પછી દવા લેવાનું ન ભૂલતો અને સૂતા પહેલા મને કોલ કર. ઓ.કે.ચલ બાય.’

શેખરને ખ્યાલ હતો જે કે તેની આ વાતો આલોકના બર્નિંગ ઇસ્યુ માટે થુકના સાંધા જેવી છે. કદાચ એ કોઈપણ ભોગે નરી વાસ્તવિકતાને આલોકના ગળે ઉતારવાની વાત કરશે પણ જ્યાં સુધી તેની ભીતરનો કોલાહલ શાંત નહી થાય ત્યાં સુધી આ મથામણ પત્થર પણ પાણી સાબિત થઈને રહેશે.

નેક્સ્ટ ડે સાંજે ઠીક ૭ વાગ્યે આલોક અને શેખર ફરી ડો.અવિનાશને મળવા તેના કેર યુનિટ પર આવી પહોચ્યાં.
ડો. એ ફક્ત આલોકને જ ચેમ્બરમાં બોલાવ્યો. ડો. અવિનાશે તેની શૈલીમાં ટ્રીટમેન્ટ શરુ કરતાં બોલ્યા, ‘મિ. આલોક, આપને શું તકલીફ છે ? શું કહેવા માંગો છો ? મને બધું જ કંઈપણ છુપાવ્યા વગર બધું જ બિન્દાસ કહી શકો છો. અદિતી વિષે પણ.’

ભાવતુ’તુ અને વૈદે પૂછ્યું, અદિતીનું નામ સાંભળીને આલોકના ચહેરા પર ચમક આવી ગઈ. ઉમળકાથી ૨૯ એપ્રિલથી લઈને છેક બે દિવસ પહેલાં સુધી સઘળી આપવીતી સંભળાવી. ડો. અવિનાશે બે- ચાર પ્રશ્નો પણ પૂછ્યા.
ડો, કહ્યું. ‘પ્લીઝ મિ. આલોક આપ થોડીવાર બહાર વેઇટ કરો પછી હું આપને ફરી બોલાવું. અને મિ. શેખરને અંદર મોકલો.’
આલોક, ‘થેન્કયુ’ ડોક્ટર કહી બહાર આવ્યો અને શેખર ને અંદર જવા કહ્યું. એટલે શેખર અંદર આવીને ડો. ની સામે બેસી ગયો.

‘લૂક મિ.શેખર, આલોક સાથે વાતચીત થઇ. આફ્ટર કમ્પ્લીટ કન્વર્સેશન આઈ નોટ સ્ટ્રોંગલી વન થિંગ કે અલોકને હવે માત્ર ને માત્ર અદિતી સિવાય કોઈ પણ ટોપીકમાં જરા પણ ઇન્ટરેસ્ટ નથી.’
શેખર એ પૂછ્યું, ‘સર, રીપોર્ટસ ?’
'હા, એ મેં જોયા પણ તેમાં કઈ ખાસ ડીટેકટ થતું નથી. આઈ હોપ કે મેડીસીન્સથી રીકવરી આવી જવી જોઈએ. આ સિવાય અત્યારે મને કોઈ સીરીયસ સીમટમ્સ દેખાતા નથી.’
શેખર એ પૂછ્યું, ‘સર માની લો કે કદાચ મેડીસીન્સની કોઈ ખાસ અસર ન થઇ તો... અને પછી આગળ જતા કઈ વધુ ગંભીર......’ આગળ બોલતાં શેખર અટકી ગયો.

ડો. શેખરનો ડર સમજી ગયા. એટલે જવાબ આપતાં બોલ્યા. ‘લૂક મિ. શેખર આલોકની માનસિક હાલતના હાલના સ્ટેજને જોતા તેનો એક જ ઈલાજ છે કે ફર્સ્ટ ટુ ચેન્જ એટમોસફીયર, સેકંડ થિંગ કે તે એકલો રહે એ થોડું જોખમ ભર્યું તો ખરું જ.
એ જયારે પણ વિચારશે તો ફક્ત ને ફક્ત અદિતી વિશે જ વિચારશે. ઇવન ઓલ્સો ઇન સ્લીપિંગ. તેને બીજી વાતોમાં અથવા કોઈ કામમાં એક્ટિવ રાખવો જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી.’
છેવટે શેખરને રીલેક્સ કરવા બોલ્યા, ‘નહી તો છેલ્લે એક ઉપાય તો છે જ.’
શેખરે ઉત્સુકતા થી પૂછ્યું. ‘શું ?’

ડો. બોલ્યા ‘અદિતી’.

અને પછી બન્ને ખડખડાટ હસ્યાં.
મેડીસીન્સનું પ્રીશ્ક્રીપ્શન શેખરને આપતાં કહ્યું, ‘એક વીકના આ મેડીસીન્સ કોર્ષ પછી આપણે ફરી મળીએ. ઇન બીટવીન કઈ ઈમરજન્સી હોય તો આ મારો પર્સનલ નંબર છે. એની ટાઈમ ઇન્ફર્મ મી. અને પ્લીઝ ચિંતા કરવાં જેવી કોઈ બાબત નથી. ડોન્ટ વરી.’
ડો, નો આભાર માની ને શેખર બહાર આવ્યો એટલે આલોકે કહ્યું, ‘હું એક મિનીટમાં ડો. ને મળીને આવું છું.’ શેખરને થયું શું કામ હશે ?’
‘મે આઈ કમ ઇન ?’
ડો. કહ્યું, ‘ઓ શ્યોર.’
આલોક એ કહ્યું, ‘સોરી ટુ ડીસટર્બ સર. જો સાહેબ, શેખર મારી વાતને જરા પણ સીરીયસલી નથી લેતો. મને લાગે છે કે એક તમે જ મારી પરિસ્થિતિ સારી રીતે સમજી શકો તેમ છો. તો પ્લીઝ સર, અદિતીને શોધવામાં આપ મારી હેલ્પ કરી શકો ? પ્લીઝ સર. ઇટ્સ માય હમ્બલ રીક્વેસ્ટ ટુ યુ સર.’
ડો, કહ્યું ‘ઓ વ્હાય નોટ ઇટ્સ માય ડ્યુટી. મારે શેખર જોડે એ જ ટોપીક પર વાત થઇ. વી ઓલ ડુ અવર ટ્રાય બેસ્ટ.’
આલોક ડો. નો હાથ પકડીને, ‘થેંક યુ.. થેંક યુ.. થેંક યુ.. સો મચ સર.’
બોલતા બોલતા બહાર આવ્યો.
શેખરે પૂછ્યું, ‘શું કામ હતું ?’
આલોકે જવાબ આપતાં કહ્યું.. ‘કઈ નહી. એ અમારા બન્નેની પ્રાઇવેટ વાત હતી.’
શેખર ખડખડાટ હસવા લાગ્યો. આલોકને મેડીસીન્સ વિશે સમજણ આપ્યાના થોડીવાર પછી બન્ને છુટ્ટા પડ્યા.

રાત્રે ડીનર લઈને ૧૦ વાગ્યા પછી શેખર વીરેન્દ્રના રૂમમાં ગયો. રૂમમાં માત્ર શેખર અને વીરેન્દ્ર જ હતા. શેખર એ વીરેન્દ્રને બધી વાત કરી.
વીરેન્દ્ર બોલ્યા, ‘જો શેખર જે થયું અથવા તો જે થવા જઈ રહ્યું છે બધા જ નસીબના ખેલ છે. ડોકટરની વાત પણ એક હદ સુધી સાચી છે. પણ સતત તો તેની સાથે કોણ રહે ? બેટર છે કે તેને આપણે અહીં આપણી સાથે જ આપણા ઘરે જ રાખીએ અને રહી વાત તેના અનિયંત્રિત વિચારોની, હવે તેને તો કોઈ કઈ રીતે કાબુમાં રાખી શકે ?’
શેખર એ પૂછ્યું, અંકલ, આલોકના પેરેન્ટ્સ સાથે વાત કરીએ ?’
‘ના દીકરા, હમણા નહી. એ બન્ને તો આલોકથી પણ વધુ ઈમોશનલ છે. તેમને આલોકની આ પરિસ્થિતિથી વાકેફ કરીશું તો તો તેની હાલત આલોકથી પણ વધુ આઉટ ઓફ કંટ્રોલ થઇ જશે. આઈ થીંક કે આપણે બે દિવસ રાહ જોઈએ.’
ફરી શેખરે પૂછ્યું.. ‘પણ અંકલ ધારી લો કે કદાચને આલોકની સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થઇ ગઈ તો ?’
‘જો શેખર ડોકટરે કહ્યું કે અત્યારે હાલત એટલી બધી ગંભીર તો નથી જ. અને હજુ ટ્રીટમેન્ટની તો શરૂઆત જ ક્યાં થઇ છે ? તેમ છતાં પણ તને કઈ રસ્તો સુઝતો હોય તો બોલ. આપણે તે કરીએ.’
‘ના અંકલ મારા દિમાગમાં તો કઈ જ નથી આવતું.’ પછી હસતાં હસતાં બોલ્યો, ‘ઉલટાનું મને તો એવું લાગે છે કે જો આમ ને આમ ચાલ્યું તો કયાંક મને પાગલખાનામાં એડમિટ ન કરવો પડે. હા.. હા.. હા..’ બન્ને હસવા લાગ્યા .
‘ઠીક છે અંકલ, ગૂડ નાઈટ.’ કહીને શેખર જવા લાગ્યો ત્યાં અંકલે કહ્યું
‘દીકરા જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજે જે વાતનો કોઈ ઉપાય ન હોય તેનો ક્યારેય ખેદ ન કરવો.’
‘જી, અંકલ.’
અંકલની વાત શેખરના દિમાગમાં ફેવિકોલની જેમ ચોંટી ગઈ.
બીજા દિવસે ૧૦ વાગ્યા પછી નાસ્તો કરતાં કરતાં આલોકને કોલ જોડ્યો.
રીંગ ગઈ પણ કોલ રીસીવ ન થયો. ફરીવાર ટ્રાઈ કરી. નો રીસીવ. ચાર થી પાંચ વાર ટ્રાઈ કરી. શેખરને થયું કદાચ લેઇટ નાઈટ સુધી જાગ્યો હશે એટલે સૂતો હશે. પછી ઓફિસે જઈને ફરીથી કરીશ.
ઓફિસમાં જતા વેત જ શેખર એક પછી એક પડતર પડેલા કામમાં એટલો ગૂંચવાતો ગયો કે છેક લંચ ટાઈમમાં આલોકને કોલ કરવાનું યાદ આવ્યું.
તેની કેબીનમાં આવીને આલોકને કોલ જોડ્યો. રીંગ ગઈ. આલોક એ કોલ રીસીવ કર્યો.

‘હેલ્લો... આલોક.. હેલ્લો....’
સામે છેડે થી વાહનો અને કોઈ ભીડભાડથી ભરેલા પબ્લિક પ્લેસના ઘોંઘાટ ભર્યા ચિત્રવિચિત્ર અવાજો સંભળાતા હતા.
‘હેલ્લો...આલોક’
આલોક બોલ્યો. ‘હેલ્લો.’
‘આલોક, મને સરખી રીતે સંભળાતું નથી.ક્યાં છો તું ?’
‘પ્લીઝ એક મિનીટ વેઇટ.’
‘હેલ્લો,, કોણ ?’ હવે આલોકનો અવાજ થોડો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.
‘અરે હું શેખર બોલી રહ્યો છું, પણ આલોક તુ ક્યાં છો ?’
‘હું મોલમાં છું.’
‘મોલ ? ક્યા મોલમાં ? અને મોલમાં શું કરે છે ?
‘અરે પેલો મોલ જ્યાં તે દિવસે આપણે અદિતીને જોઈ હતી ને લીફ્ટમાં.’
શેખર માથું પકડીને ખુરશીમાં બેસતાં બોલ્યો. ‘માય ગોડ.’
‘અરે સાંભળ, હું પણ ત્યાં નજીકમાં જ છું, તું કયાંય જઈશ નહી હું હમણાં જ આવ્યો ત્યાં.પછી બન્ને સાથે મળીને અદિતીને શોધીએ. તું કઈ જગ્યા એ ઉભો છે અત્યારે ?’
‘એક મિનીટ.. હું પેલી લીફ્ટની બાજુમાં આઈસ્ક્રીમની શોપ છે ને ત્યાં જ ઊભો છું, તું જલ્દી આવ શેખર.’
એક બાજુ ઓફીસના પુષ્કળ કામ માંથી માથું ઊંચું કરવાની ફુરસત નથી અને આલોકના આ નવા નાટકથી શેખરનું માથું વધારે ભમી ગયું.
ઝડપથી કારમાં બેસીને કાર દોડાવી મોલ તરફ.
પાર્કિંગમાં કાર પાર્ક કરીને ઝડપથી આલોક એ જણાવેલા સ્થળ પાસે પહોંચતા બોલ્યો
‘અલોક તું ક્યારે આવ્યો અહીં ?’
‘ટાઈમ તો ખબર નથી પણ વહેલી સવારે ઉઠીને સીધો અહીં જ આવી ગયો.’
શેખરનું દિમાગ ચક્કર ખાઈ ગયું. એમ થયું કે હમણાં બે ચાર સંભળાવું આને પણ
મગજ કાબુમાં રાખીને શેખર બોલ્યો, ‘અરે યાર અહીં આવતાં પહેલાં કમ સે કમ મને એક કોલ તો કરવો હતો.’
જવાબમાં આલોક બોલ્યો. ‘મેં તને બે થી ત્રણ વાર કહ્યું કે ચલ આપણે આદિતીને શોધવાં જઈએ એ પણ તે કોઈ સરખો જવાબ ન આપ્યો એટલે મને લાગ્યું કે તને મારી કોઈ વાતમાં તને ઇન્ટરેસ્ટ જ નથી તો મેં વિચાર્યું કે હવે હું એકલો જ અદિતીને શોધી લઈશ, એમાં શું.’
આલોકની આવી વાતો સાંભળીને શેખર ડઘાઈ જ ગયો. આલોકની સાથે સાથે ડો. અવિનાશ પર પણ ગુસ્સો આવ્યો. એક વીક તો શું પણ ચોવીસ કલાકની અંદર જ આલોકની વાણી અને વર્તન સાવ જ બદલાઈ ગયુ. હવે આલોકને સમજાવવો કઈ રીતે. ? પણ અત્યારે આ સંજોગોમાં દિમાગ પર બરફ જેવી ઠંડક રાખ્યા સિવાય કોઈ છૂટકો નહતો.
‘એક મિનીટ હું હમણાં આવું છું.’ એમ કહી નજીકમાં એક ચક્કર લગાવીને આવ્યા પછી નાટક શરુ કરતાં આલોકને કહ્યું, ‘જો ત્યાં સામે પેલો સિક્યુરીટી ગાર્ડ છે ને એ મારો ખાસ મિત્ર છે. તો મેં તેને અદિતીના દેખાવનું પૂરે પૂરું વર્ણન સમજાવી દીધું છે. અને આપણા બન્નેના નંબર પણ આપી દીધા છે.અદિતી જયારે પણ આવશે તે આપણને કોલ કરી દેશે.’
‘હા.... અલ્યા આ તે ખુબ સારું કર્યું લે, હવે તું મારો પાક્કો દોસ્ત ખરો હો. પણ યાર બહુ ભૂખ લાગી છે, શેખર તેનું કૈક કરને યાર.’
શેખર એ કહ્યું. ‘ચલ હવે ઘરે જઈએ.’ શેખરને થોડી નિરાંત થઇ. એક સારી રેસ્ટોરેન્ટ માંથી લંચનું પાર્સલ લઈ આલોકને થોડી ઘણી સૂચનાઓ આપ્યા પછી ફ્લેટ પર મુકીને શેખર નીકળી ગયો.

હવે શેખરના મગજમાં અસંખ્ય વિચારોની ગડમથલ ચાલતી હતી. ક્યાં જવું ? કોને કહેવું ? શું કરવું ? એક તરફ સાઈડમાં કાર પાર્ક કરીને ડો, અવિનાશને મેસેજ સેન્ડ કર્યો. “વ્હેન આઈ કેન કોલ યુ.- શેખર શર્મા. ફ્રોમ શર્મા ટ્રાન્સપોર્ટ” પછી આવ્યો ટ્રાન્સપોર્ટની ઓફીસ પર.
પહેલા વીરેન્દ્રને વાત કરવી જરૂરી લાગ્યું. એટલે વીરેન્દ્રની કેબીન તરફ ગયો. પણ વીરેન્દ્ર કેબીનમાં નહતા. તપાસ કરતાં માલૂમ થયું કે ટ્રાન્સપોર્ટ એશોશિએશનની મીટીંગમાં ગયા છે. અને ત્યાં થી સીધા ઘરે જ જશે.

શેખર તેની કેબીનમાં દાખલ થયો. એક, બે પાર્ટી તેની રાહ જોઇને બેઠી હતી. દરેક માટે માટે ચા, કોફીનો ઓર્ડર આપ્યો. બિઝનેશને લગતી વાતચીત પૂરી કરીને સૌ રવાના થયા. ત્યાં જ આલોકના પપ્પા, ઇન્દ્રવદનનો કોલ આવ્યો. શેખરની શંકા સાચી પડી.
શેખરને હતું કે કોલ આવશે જ.
શેખર એ કોલ ઉપાડ્યો, ‘જય શ્રી કૃષ્ણ,અંકલ. કેમ છો ?’
ઇન્દ્રવદન બોલ્યા, ‘જય શ્રી કૃષ્ણ બેટા. હું ઠીક છું, તું કેમ છો ?’
‘હું પણ એકદમ ફાઈન, આંટી કેમ છે ?’
‘હા.. બેટા એ પણ ઠીક છે . દીકરા મેં કોલ એટલા માટે કર્યો કે આલોકને બે વાર કોલ કર્યા પણ તેણે ઉપાડ્યો નહી એટલે એમ થયું કે તને પૂછી લઉં બધું ઠીક છે ને ?’
‘અંકલ ક્યારે કોલ કરેલો તમે ?’
‘જી હમણાં દસ મિનીટ પહેલાં જ.’
‘હા, અંકલ મેં પણ કર્યો હતો તેણે રીસીવ ન કર્યો એટલે મેં તેની ઓફીસના એક સ્ટાફ મેમ્બેરને પૂછ્યું તો કહ્યું કે મીટીંગ ચાલે છે. કઈ ખાસ કામ હતું અંકલ ?’
‘ના શેખર, ખાસ તો કઈ નથી પણ ગઈકાલે રાત્રે કોલ કર્યો ત્યારે કોઈ અદિતી વિશે કઈ ગોળગોળ વાતો કરી રહ્યો હતો. પણ મારી તો સમજમાં કઈ ન આવ્યું એટલે થયું કે તને પૂછી જોઉં.’
સ્વસ્થ થઈને શેખર એ પૂછ્યું, ‘શું વાત થઇ તમારી જોડે ?’
‘બોલી રહ્યો હતો કે કોઈ અદિતીને શોધવા ગયો હતો અને આજે ફરી જવાનું છે. મેં પૂછ્યું કે કોણ અદિતી ? તો મને કે એ તમે ન ઓળખો એને. જયારે મળશે ત્યારે મુલાકાત કરાવીશ એવું કૈક આડું અવળું બોલતો હતો.’ કોણ છે આ અદિતી ?
ઘડીકમાં કલ્પના શક્તિના ચક્રો ગતિમાન કરીને શેખર એ પરિસ્થિતિ સંભાળતા કહ્યું, ‘અદિતી.. અરે.. હા.. હા.. યાદ આવ્યું અંકલ. એ આલોકની સામેના ફ્લેટમાં જે પાઠક જી રહે છે ને તેની ૮ વર્ષની દીકરીનું નામ છે અદિતી. એ ગઈકાલથી ગુમ થઇ ગઈ છે તો બધા તેને શોધવામાં પડ્યા હતા. હું પણ આલોકની સાથે જ હતો. એમાં ચિંતા કરવા જેવું કઈ જ નથી, બોલો બીજું કઈ કામકાજ હોય તો.’
‘બસ બેટા ત્યાં ઘરે સૌ મજામાં ?’
‘હા,, અંકલ સૌ મોજમાં મમ્મી આપ બન્ને ને યાદ કરતી હતી.’
‘અચ્છા બેટા, સૌ ને અમારા પ્રણામ હું ફોન રાખું છું.’
‘જી અંકલ. જયશ્રી કૃષ્ણ.’
ફોન મુકતા જ શેખર એ એક ઊંડો શ્વાસ લીધો. શેખરને ભાસ થયો કે હવે આ મામલો રોજ નીતનવા ઉખાણાં ઊભા કરીને એક ગંભીર વણાંક તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. અને કોઈ પણ સમયે કંઈપણ અજુગતું બનાવ બનવાની પૂર્વ માનસિક તૈયારી માટે અત્યારથી સજાગ રહેવું અત્યંત જરૂરી લાગ્યું. શેખરને અહેસાસ થઇ ગયો કે હવે આ મેટરને ટેકલ કરવા તે એકલો અસમર્થ છે. વધુ વિચારે ત્યાં જ ડોકટર અવિનાશનો મેસેજ આવ્યો. “યુ કેન કોલ મી આફ્ટર નાઈન પી.એમ.”
શેખરે ‘થેંક યુ સર’ નો રીપ્લાઈ મેસેજ આપ્યો.

થોડા સમય માટે શેખર આંખો બંધ કરીને આલોકની સમગ્ર ઘટનાનું ફરી એકવાર ઊંડાણ પૂર્વક અધ્યન સાથે મનોમંથન કરવા લાગ્યો.

અદિતી... અદિતી... અદિતી... આ નામથી તો હવે શેખરના મગજમાં હથોડા લાગવા માંડ્યા. કોણ હશે ? આટલા મોટા શહેરમાં કોઈ એક વ્યક્તિ માત્ર ચાર જ દિવસના સમયગાળામાં બે વખત, માત્ર દુરથી જ દેખાય છે અને એ પણ થોડા જ સમય માટે ? અને બન્ને વખત એક સરખી જ ઘટનાનું પુનરાવર્તન ? પ્રથમ મુલાકતથી અત્યાર સુધીના દરેક બનાવના અંતની સાથે સાથે એક નવા નાટકીય અનુસંધાનના અધ્યાયની શરૂઆત કેમ થાય છે ? કૈક તો ગરબડ જરૂર છે. શેખરને આલોકની પીઠ પાછળ કોઈ સુનિયોજિત કાવતરુ રંધાઈ રહ્યું હોય તેવા અનુમાનની ગંધ આવવા લાગી. પણ આવું કરીને કોઈને પણ આલોક પાસેથી શું મળવાનું ? સ્વપનમાં પણ આલોકનો તો કોઈ શત્રુ નથી. આલોકની છબી તો સાવ સીધી લીટી જેવી સ્વચ્છ, બેદાગ અને સાવ ઉઘાડી કિતાબ જેવી છે. પણ જેટલા થોડા દિવસોના અંતરમાં અચાનક જ જે રીતે નાટકીય અંદાઝમાં વારંવાર આ અદિતીના કેરેક્ટરની જે રીતે એન્ટ્રી અને એક્ઝીટ થઇ રહી છે એ શંકાસ્પદ તો છે જ . અંતે રહસ્ય કંઈપણ હોય પણ હવે શેખરનું અનુમાન એવું કહી રહ્યું છે કે આ અદિતીનું કેરેક્ટર આંશિક રીતે રહસ્યસભર ખરું જ. જો અદિતી ખરેખર આલોક માટે ગંભીર હોત તો આલોકને આ રીતે શંકાસ્પદ ચક્રવ્યૂહમાં શા માટે ફસાવી રહી છે ? શું કાવતરું હોય શકે ? પણ આ સમયે તો હવે શક્ય એટલું જલ્દી કોઈ ઈશ્વરીય ચમત્કાર જ આ કોકડું અને આલોકની જિંદગી બન્ને ને ઉકેલી અને ઉગારી લ્યે એવી ઈશ્વરને આજીજી કરવા સિવાય શેખર પાસે કોઈ ઉપાય નહતો.

વધુ આવતીકાલે...

© વિજય રાવલવધુ આવતીકાલે....

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.