GOLU PURAN books and stories free download online pdf in Gujarati

ગોલુ પુરાણ

*ગોલું પુરાણ*

સવારના દસ વાગ્યાનો સમય હતો. ગોલુ કાકા ઉંમરના ૮૭ વર્ષે પરમધામ સિધાવ્યા હતાં. સદીમાં ૧૩ બાકી હતાં. ઇનિંગ લાંબી અને કાંટાળાજનક હતી. બોલ બેટપર બરાબર આવતો નહોતો. ક્યારના ક્રિઝ પર અડીખમ ઉભેલા હતાં. બોલ બેટ પર આવે એટલે ધક્કો મારી દેતા. આખરે ઉપરવાળાના એક ના સમજમાં આવે એવા ફિરકિયે તેમની વિકેટ ઉડાડી. બપોરના ૩ વાગે સ્મશાને લઈ જવાના હતા. બધાજ સગા વહાલા ભેગા થઈ ગયા હતા પણ તેમની એક ના એક દીકરીની રાહ જોવાતી હતી. સફેદ વસ્ત્રોમાં મુલાકાતીઓ અંતિમ દર્શન કરવા આવ્યા હતા. શાંત ચહલ પહલ હતી. વાતાવરણમાં ગમગીની હતી. લોકો આપસમાં ધીમા અવાજે જાત જાતની વાતો કરી ટાઇમ પાસ કરતા હતા.

લાશને કેવી રીતે બાંધવી કોઈને સૂઝ પડતી નહોતી. ઠાઠડીને કેવી રીતે સજાવવી તેની કોઈને ગતાગમ નહોતી. હાજર બધાજ એકબીજાના મોં જોતા હતા. વડીલોમાંથી કોઈ આવવા તૈયાર નહોતું. દરેક જણ અલગ અલગ પ્રકારની સલાહ આપતા હતા. કોઈની પણ સલાહ સરખી નહોતી. બધાની નજર એક વડીલ ખુરશી પર બેઠેલા એક વડીલ પર પડી. એ વડીલ બેઠા બેઠા સ્થિર થઈ ગયા. એક સદગૃહસ્થએ આશંકાની નજરે જોયું. બાજુવાળાનાં કાનમાં કંઇક ધૂસપૂસ કરી.
એમને એમ થયું એક બોલમાં બે વિકેટ!!!! " હાઉઝ દેટટટટટ....."

લાશને સાતમા માળેથી લવાતી હતી. દાદરના ચોગાનમાં કોલાહલ થતી હતી. છેવટે પાર્કિગમાં લાશને લાવવામાં આવી. એક વડીલે શંખ ફૂકાય તેટલા જોરથી " જય શ્રીરામ" નો ઘોષ કર્યો. નીંદર માનતા વડીલ ખુરશીપરથી સફાળા જાગી ગયા.

" આવી ગયું સ્મશાન"? હાંફળા ફાંફળા થઈ બોલ્યાં.

બધાને હાશકારો થયો. હાશ!!!!! વિકેટ બચી ગઈ. ક્રીઝની અંદર જ બેટ ટેકાઈ ગઈ હતી . નહિતર રન આઉટ ચોક્કસ જ થઈ જતાં. થર્ડ એમ્પાયારે નોટ આઉટનો સિગ્નલ આપ્યો. ઉપરવાળાનો જબ્બર આત્મ વિશ્વાસ હતો. રિપ્લે જોયા વગરજ નોટ આઉટ ડિસ્પ્લે કર્યું.

" કાકા, હજુ સ્મશાને ગયા જ ક્યાં. અહીજ એટલે પાર્કિગમાં છીએ. હવે થોડાક સમયમાં લઈ જઈએ છીએ. " એક યુવાન ગેરસમજ દૂર કરતા બોલ્યો.

સ્મશાનમાં ગોલુ કાકા વિશે તરહ તરહની વાતો થતી હતી.

ગોલુ કાકા ( એમનું નામ એમની ફોઈબા એ ક્યાં હિસાબે રાખ્યું ખબર નથી) જાંબાઝ તરવૈયા. ઉંમરના ૬૦મી વર્ષે પણ કોમન વેલ્થ ગેઇમમાં તરણ સ્પર્ધામાં ભાગ લેવા દિલ્લી ગયા હતા. પણ કોમન વેલ્થ ગેઇમ કમિટીએ તેમને ક્વાલીફાય નહોતા કર્યા. મુંબઈના દરિયામાં તરવાવાળો આ તરણ કુંડમાં સ્પર્ધામાં ઉતરે તેમના શાનના ખિલાફ હતી. એમના જ એક સજ્જન મિત્રએ યમુના નદીમાં તરવાનું સૂચવ્યું. યમુના ૨૦૩ મીટરની સપાટીએ ધસમસતી હતી. ગોલુ કાકાને આ સૂચન ગમ્યું. એમને મેનેજર અને કોચ આગળ તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમની ઈચ્છા સાંભળી મેનેજર અને કોચને ચક્કર આવવા માંડ્યા. જાણે એ બેઉ પૂરમાં તણાઈ ગયા હોય તેવી અનુભૂતિ થતી હતી. ૩ કલાકની મેરેથોન ચર્ચા વિચારણા બાદ ગોલુ કાકાની જબાબદારીપર અનુમતિ આપી.
એમના સ્વહસ્તાક્ષરમાં સ્ટેમ્પ પેપર પર કાયદાકીય લખાણ લઈ લીધું હતું. તેમની સહી કરાવી લીધી.સાથે બે સાક્ષીઓની પણ સહી લીધી. સમય પર ગોલુ કાકાને શહેરના લોખંડી પુલ પર લઈ જવામાં આવ્યા. રેફરીયે એક હાથમાં સ્ટોપ વોચ પકડી રાખી હતી. " ઓન યોર માર્ક સે ગો ઓઓઓઓ ...." બીજી જ ક્ષણે ગોલુ કાકાએ પલભરનો પણ વિચાર કર્યા વગર ધસમસતી યમુના નદીમાં છલાંગ મારી. ધડા મમ મ્ મ્ મ્ મ્..
હાથ પગ હલાવવાની પણ જરૂર પડી નહોતી. નદીના તેજ પ્રવાહમાં આપોઆપ તરતા તરતા છેક બંગાળની ખાડી જ્યાં યમુના નદી મળે છે ત્યાં જઈને પહોંચ્યા. એતો સારું કે યમુના નદી દરિયાને જ્યાં મળે છે ત્યાં અગાઉથીજ બે જણાં ગોલુ કાકાને લેવા જઈ પહોંચ્યા હતા. ગોલુ કાકા બરફ જેવા ઠંડા થઇ ગયા હતા. ચામડી ઉપર ૯૦ વર્ષના ઘરડા માણસ જેવી કરચલીઓ પડી ગઈ હતી.

ગોલુકાકાને ન્યૂમોનિયા થઈ ગયો હતો. ૧૫ દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. માંડ માંડ બચ્યા. ૭૨ વર્ષની ઉંમરે અસ્થમા ખેં ખેં ખેં ખેં ખોક્યા કરે. ૨૯ દિવસ હોસ્પિટલના બિછાને પડ્યા રહ્યા. પોતાની આખી કમાણી હોસ્પિટલવાળાને ખર્ચ માટે ખર્ચી નાખી. સ્મશાનેથી આવ્યા ત્યારે મહિલા મંડળી નીચે જ પાર્કિગમાં બેઠી હતી.

એમના શ્રીમતીજીનુ હૈયા ફાટ રુદન.. "મા..કાલ સુધી તો સારા હતા. ખાધું,પીધું ફરવા પણ ગયા. આવીને ટી.વીમા " ઝલક દિખલાજા " જોયું. અમોને ઝલક દેખાડી ગયા.

એક માજી ઉંમર ૬૫ થી ૭૦ ની. " હા..મા..મુઆને નખમાંય રોગ નહોતો. આ ઉંમરે પણ યુવાનોને શરમાવે એવી બોડી હતી. કેવા પહેલવાન જેવા દેખાતા હતા. પેલા સનીમાના નટ જેવા. પેલા ધર્મિંદર જેવા બાવડા હતાં"

તેમના દીકરીની દીકરી ઉંમર આશરે ૮ થી ૧૦ વર્ષની. રમતા રમતા આવી સહેજ ભાવે બોલી." નાની..નાનાએ તો રવિવારે જ નખ કપાવ્યા હતાં. આજે તો મંગળવાર છે. એક દિવસમાં આટલા નખ વધી ગયા? નાનાને નખમાં રોગ કેવી રીતે થઇ ગયો? આ માજીને કેવી રીતે ખબર કે નાનાને નખમાય રોગ નહોતો?"

મરનાર ગોલુકાકાની દીકરી અકળાઈ ગઈ અને ગુસ્સામાં બોલી," એ ચૂપ રે ની!!!!! જા અહીંથી રમવા. વધારે બોલીશ તો બે તમાચા ચોડી દઈશ. સમજ પડે નહિ ને કઈ..બોલ બોલ કર્યા કરે છે."

બીજા એક માજી ," ભગવાનને બીજું કોઈ દેખાયું નહિ. આ કઈ ઉંમર હતી અમને છોડીને જવાની? " ( ૮૭ વર્ષની માંદી ઉંમર શેની હોય?)

બીજા માજી બોલ્યાં, " છોકરાનો સંસાર જોયો નહી.( આમ તો એમના દીકરાને પરણવાને ૨૦ વર્ષ થઈ ગયા હતા.૧૮ વર્ષનો દીકરાનો દીકરો પણ હતો)

એક સદ ગ્રહસ્તે જોયું રડવાનો વોલ્યુમ વધતો જાય છે. વિચારતા હતાં કે કેમ રોકવો? . રીમોટ હોય તો બટન દબાવી દઈએ. પણ બટન દબાવવાળા તો ઓલવાઈ ગયા. ..

છતાંય મન મક્કમ કરી એ ભાઈ ગભરાતા ગભરાતા ધીમા અવાજે બોલ્યાં, " જે થયું તે સારું થયું. દુનિયામાં આવવાવાળો એક દી દુનિયા છોડી જવાનો જ છે. સંસાર જોઈ લીધો. દીકરી પરણાવી. દીકરીના દીકરી દીકરા જોયા. દીકરાને પૈનાવ્યો. દીકરાના દીકરાને રમાડ્યો. ૧૮ વર્ષનો થયો ત્યા સુધી તો જોયો. પૈસે ટકે સુખી હતા. બધું સુખ તો ભોગવ્યું. માંદગીથી રીબાતા હતાં. એમના જીવને શાંતિ થઈ તે જોવાનું."
વોલ્યુમ ધીમો પડ્યો. હાશકારો થયો. કાન ફાટફાટ થતાં હતાં તે શાંત થયા.

"અલ્યા , આ કોણ? " ધીમેથી ગજા કાકા ગોટ્યા ના કાનમાં બોલ્યાં.

સ્ટીરિયોફોનિક અવાજે ગોટ્યો બોલ્યો, " ગજાકાકા આ તો પેલો ગમલો સે.પેલા અંબુભાઈ સે ને એમનો પોઇરો. જેનું સગપણ નરુ કાકાની પોઇરી જોડે ગોઠવાયું તે સે આ."

મરનારના શ્રીમતીજી બોલ્યાં," હા. ઈ તો પેલો મુઓ સે ગમલો અંબુભાઈનો. હમણાજ તો ચોખટું ગોઠવાયું નારુભાઈની પોઈરી જોડે. સનીમાની નટી જેવીજ પોઈરી સે હોં...."

વાતચીત તો એવી થતી હતી કે જાણે સારા પ્રસંગનો માહોલ. આપણી વિધાનસભા કે લોકસભામાં જેમ શ્વેત પત્રો બાહર પાડી દેશને માહિતી આપે તેમ ગોલુકાકા વિશેની માહિતી શ્વેત પત્ર બહાર પડતી હતી. ધીરે ધીરે બધી મંડળી પોતપોતાની ઘરે જવા માંડ્યા હતા.



ઘરથી થોડેક જ દૂર એક રિક્ષા ઉભી રહી. રિક્ષામાંથી લગભગ ૬૦ થી ૬૫ વર્ષના સદગૃહસ્થ ઉતર્યા એમની પાછળ એક ૬૦ ની આસપાસના બહેન ઉતર્યા. મરનારના સગા લાગતા હતા. બને પતિ પત્ની જ છે એવી બધાને ખાતરી થઈ ગઈ હતી. ( આવા દુઃખદ પ્રસંગે પતિ જોડે પત્નીજ હોવાની. " વો" થોડી હોવાની? હોય તો પણ) મરનારના ઘર તરફ આવતા હતાં. ઝડપથી કોકે ઘરમાં આવીને સ્વર્ગસ્થના પત્નીને જઈને જાણ કરી.

તરત માહોલ ગમગીન બની ગયો. મરનારના પત્નીને સાવધ કરવામાં આવ્યા.
આગંતુકો એપાર્ટમેન્ટમાં દાદરના પગથીયા ચઢતા હતા. મરનારના વિધવાનો રડવાનો વોલ્યુમ ધીમે ધીમે વધતો હતો. રાગ દુઃખડો ખેંચવા માંડ્યો.

મુલાકાતીને રાગ દુખડો ના છૂટકે સાંભળવો પડ્યો. ૧૧૦૦ રૂપડી ખર્ચીને રાગ દુઃખ ડો સાંભળવા આવું પડ્યું તેનો અફસોસ એમના ચહેરા પર સ્પષ્ટ જણાતો હતો. મરનાર વ્યક્તિ પત્નીના દૂરના સગા હતાં એટલે મોઢું બંધ રાખી ચૂપચાપ સહન કરતા હતા.
માણસ ગયો તેનું દુઃખ એટલું નહોતું પણ પૈસા ખર્ચ થયા તેનું પરમ દુઃખ હતું. તેમાં બસમાં કેટલી હાડમારી વેઠવવી પડી તે નુકસાની જુદી.

માણસોથી ખીચોખીચ ભરેલી બસ. જમનભાઈ માંડ માંડ બસમાં ચઢયા.
તેમના પત્ની ગોપીભાભી નીચે જ રહી ગયા. બસમાં ચઢવાનો મરણિયો પ્રયાસ કરતા હતા. બસમાં ચઢી ગયેલા મોટા ભાગના પ્રવાસીઓને ગોપી ભાભીની દયા આવતી હતી. બસમાં ઉભેલામાંથી કોઈકે બૂમ પાડી" બેનનનન ઉપર ચઢો જલ્દી......"

જમનભાઈનો પિત્તો ગયો. મગજની જાળી તપી. પેલા પ્રવાસી ભાઈને ગાલે એક તમાચો ઝીંકી દીધો.
" હરામખોર !! હું અહી જીવતો છું. તને બોલવાનું કઈ ભાન બીન છે કે નહી....કલાક સુધી જીભા જોડી ચાલી. ગાળમ ગાળી ચાલી. જમનભાઈના તો ૬૫ ની ઉંમરે સની દેઓલ જેવા બાવડા દેખાતા હતા. ખમીસની બાહી ઉપર ચઢાવી ,આંખો પહોળી કરી,લાલ ઘુમ ચહેરે સિંહની જેમ ત્રાડ પાડી " સાલ્લા...નીચે ઉતર તને બતાઉં"
"ગાળો શું કામ બોલો છો". એક સજ્જને ટીખળ કરી. "પેલા ભાઈ "બેન " જ બોલ્યાં તો એ હિસાબે ઇ ભાઈ તમારા સાળા કહેવાય કે નહી? તેમાં આટલા ગુસ્સે થવાનું શું કામ?"

" ઓ ભાય...તમે કોણ અમારી વચ્ચે ટાપસી પૂરવવાવાળા હમમ.તમારી તો બેન નથી ને? " પેલા ભાઈને જમનભાઈએ અડફેટે લીધા. " વટી જાઓ અહીંથી નહિતર તમને પણ એક કાનફટીમાં ચોડી દઈશ."

આ ઝપાઝપીમાં બસ અડધો કલાક મોડી ઉપડી. આ દરમ્યાન બીજા ૧૫-૨૦ મુસાફરો બસમાં ચઢવા ભેગા થઈ ગયા. છેવટે કોકે કંડકટરનું કામ હળવું થાય તે આશયથી ચૂપચાપ લગાતાર બે ઘંટડી મારી દીધી. ડ્રાઈવરને એમ કે કંડક્ટરે જ ઘંટડી મારી. તરતજ બસ ચાલુ કરી. બસને ગીએરમાં નાંખી ને હંકારી મૂકી. ગોપીભાભી બસમાં ચઢી ગયા હતા.
જમનભાઈને હાશકારો થયો. અથડાતા, કુટાતા મરનારની ઘરે આવવા રિક્ષા પકડી.

ઘરે આવતાની સાથે માહોલ ગમગીન જણાયો. શું બોલવું ને શું નહી . જમનભાઈને કઈ સમજ પડતી નહોતી. ક્યાંથી શરૂઆત કરવી? શું સાંત્વના આપવી? મગજ કામ કરતું નહોતું. કેવી રીતે મરનારના પત્નીના રડવાનો વોલ્યુમ ધીમો કરવો? કયું બટન દબાવવાથી વોલ્યુમ ધીમો થશે? મનમાં ને મનમાં ગડમથલ કરતા હતા.

સહાનુભૂતિના કંઇક ને કંઇક બે બોલ તો બોલવા જ પડશે. તો આવવાનું લેખે લાગે.

" શું થયું હતું ગોલુકાકાને"? આખરે જમનભાઈ બોલ્યાં.

" કશુંજ થયું નહોતું. સાજા માજા જ હતાં. કોઈજ રોગ થયો નહોતો. ૧૫ દિવસ પહેલાજ હોસ્પિટલમાંથી રજા આપી હતી. ન્યૂમોનિયા થઈ ગયો હતો.તેમાં અસ્થમાએ પણ કબ્જો લઈ લીધો હતો. આટલી જ અમસ્તી માંદગી હતી અને ભગવાને ટપકાવી દીધા. હાય....એવું કૃત્ય તો કોઈ આતંકવાદી પણ ના કરે મા.. એમના હૈયા ફાટ રુદનને સાથ આપવા બીજા એક માજીએ સાથ આપ્યો.પોતાનો વોલ્યુમ સહેજ વધાર્યો.જાણે મરનારના ઘરવાળી કરતા એમને જ પારાવાર દુઃખ થયું હોય તેમ.

બંનેની રાગ દુખડા પર આધારિત રુદનની જુગલબંદી જામી હતી. સાથે બીજા ખરાજ કોરસમાં સાથ આપવા. ફક્ત સંગીતની જ ખામી વર્તાતી હતી. દુઃખનો પ્રસંગ હોવાથી અવાજ પ્રદૂષણની પોલીસ ફરિયાદ કરાય તેમ નહોતું. કાન ફાટ ફાટ થતાં હતાં. વધારે રોકાઈશું તો કાનના સ્પેશીયાલીસ્ટ પાસે જવું પડશે .કાનના મશીન મુકાવવા પડશે તેનો ખર્ચ રૂ.૫૦૦૦ આશરે તો ખરોજ. તેમજ બેસણામાં આવવા જવાનો બે જણાંનો ખર્ચ રૂ.૧૧૫૦/- જુદો. લૌકિક રિવાજ મુજબ ખર્ચ રૂ. ૧૦૦૦/- ( મરનાર વ્યક્તિના દીકરી અને દીકરાને ૫૦૦-૫૦૦ તો ખરાજ) એટલે જમનભાઈએ અંદાજ લગાવ્યો કે બેસણું કેટલામાં પડશે. મનમાં સરવાળો લગાવ્યો આંકડો આવ્યો..આશરે ૭૦૦૦ થી ૭૫૦૦ જો કાનના મશીન મૂકવાનો વારો આવે તો. ( મરનાર વ્યક્તિની નજીકના સગા વહાલા કે વારસદારો જો આડ કાતરી રીતે કહે કે મોંઘવારી એ તો માઝા મૂકી છે. બધી જ ચીજોના ભાવો ભડકે બળે છે. આટલામાં શું થાય? એટલે શરમને મારે નેગોશિયેશન કરી ૫૦૦ની જગ્યાએ પ્રત્યેકી ૭૦૦-૭૦૦મા સોદો કરવો પડે)

ગોલુ કાકા વિશેના વિરોધાભાસી નિવેદનો થતાં હતાં.

ધીમે ધીમે વોલ્યુમ ઓછો થવા માંડ્યો. મરનાર વ્યક્તિની પત્ની ધીમે ધીમે શાંત મોડપર આવતા હતાં. મે ત્રાંસી આંખે ધારીને એમની સામે જોયું. આંસુઓનું નામોનિશાન નહોતું. કદાચ સૂકા દુકાળને લીધે આંસુઓનો દરિયો સુકાઈ ગયો હશે એવું જ્મનભાઈએ માની લીધું હતું.

" વહુ કેમ છે? બાબલો તો મોટો થઈ ગયો હશે. રમાડવા જેવો થઇ ગયો હશે. મરનાર વ્યક્તિની વિધવા બીજા આવેલા મુલાકાતીને પૂછતી હતી.

મુલાકાતી બાહુકની જેમ આમે તેમ જોતા હતા. ઘડીભર વિચારવા લાગ્યો કે કોના માટે પૂછ્યું હશે?
મુલાકાતીના શ્રીમતીજી બોલ્યાં," હમમ બાબલો તો બહુ ધમાલિયો થઈ ગયો છે. માર બેટો હાથમાં ઝલાયલો રહેતો જ નથી ને. આખું ઘર માથે લઈ લે છે.
મંદિરમાં લઈ જઈએ ત્યારે મંદિરના પહેલાં પગથિયા થીજ બંને હાથ જોડી જે જે કરવાનું ચાલુ થઈ જાય છે. ઘરે કે મંદિરે દીવો પ્રકટાવીએ એટલે જે જે કરશે.

તમે નહી માનો ઘરે રસોઈ માટે ગેસ પ્રકટાવીએ ત્યારે ગેસની જ્વાળા ,જ્યોત જોઈને ભઈલો તરતજ...
મુલાકાતી શ્રીમાન વચ્ચેથી જ બોલ્યાં," જે..જે"
મુલાકાતીના શ્રીમતીજી ભડક્યા," હું વાત કરું છું ને"?
પૌત્ર કેટલો આજ્ઞાંકિત છે તેનો આ ખાસ પુરાવો આપતા આપતા શ્રીમતીજી ગૌરવ અનુભવતા હતા. આગળ ઉમેરતા બોલ્યાં," ભઈલો તો એટલો હોસ્સ્યાર સે ને..કે ન માનો ,રસોઈનું ગરમ વાસણ ગેસ પરથી હેઠે ઉતારીએ એમાંથી વરાળ નીકળે એટલે બંને નાનકડા હાથ પોતાના મોંપર મૂકી બોલશે " હા..હા..સે"

મૃતકના વિધવા જાણે નવાઈ પામતાં હોય તેમ બોલ્યાં," એ હા સાચેજ કેટલો હોસ્યાર અને શિખાઉ પોઈરો સે."

મુલાકાતી શ્રીમાન બોલ્યાં," ઘરમાનો કોઈ પણ વ્યક્તિ ફ્રિઝમાંથી બરફની ટ્રે કાઢે ,બરફની ટ્રેમાંથી નીકળતી વરાળ જોઈને બંને નાનકડા હાથ પોતાના મોડાપર મૂકી બોલશે" હા.હા.સે"

મુલાકાતી શ્રીમતીજી તાડુંક્યાં ," તમને કોઈએ કીધું વચ્ચે બોલવાનું? હું વાત કરી રહી છું ને"?

થોડીવારમાં બીજા આધેડ ઉંમરના બહેન આવ્યાં..એટલે રાગ દુખડાનો બીજો રાઉન્ડ શરૂ થયો.

પાછા દુખડા રાગની એક કડી ખેંચાઈ.." મા આવું કૃત્ય કોઈ આતંકવાદી પણ ના કરે.તેવું કૃત્ય આ ભગવાને કર્યું છે. મા." એમના હૈયા ફાટ રુદનને સાથ આપવા આવેલ બીજા બહેને સહેજ વોલ્યુમ વધાર્યું. જાણે એમને પણ મરનારના ઘરવાળી કરતા એમને પારાવાર દુઃખ થયું હોય તેમ.

" મુઆ કેવા હસમુખી ગોલુ ભાઈ...મસ્તી ખોર હતાં. ઉપરવાળાને પણ એવાજ માણસો જોઈતા હોય. બીજા નફ્ફટોને નથી લઈ જતા. ભ્રષ્ટાચારિઓ નથી દેખાતા.ગોલુભાઈ જેવા પહાડી માણસને ઉંચકી લીધા."

દીકરીની દીકરીથી બોલ્યાં વગર રહેવાયું નહિ. ચાપલીની જેમ વચ્ચેથી બોલી, " મમ્મી, ઉપરના માળ ઉપર તો શીલા આંટી રહે છે ને? તો એ આંટી લઈ ગયા નાનાને?"

"ચાપલી ! ચૂપ બેસ છાણી માણી.હવે વધારે પડતું બોલીશ તો બધાની સામે એક લાફો ચોડી દઈશ ગાલે." લાલચોળ થતાં દીપાની મમ્મી બોલી.

" ગોલુભાઇ કેવા મજાકિયા ને મસ્તી ખોર હતાં. મિલનસાર હતાં. મને હજુય એ દિવસ યાદ છે. " આજથી વીસ વર્ષો પહેલા ..." બોલતા બોલતા ગોપીભાભી અટકી ગયા. તેમના આ વાક્યે બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. આ સાંભળી બધા અવાક પામ્યા. ગોપીભાભીની આગળની વાત જાણવા ઉત્સુક બન્યા હતા.
બધાના દબાણને વશ થઈ શરમાયા મોડ પર ગોપીભાભી આવી અટકતા અટકતા બોલ્યાં, " હું એમના ફળિયામાં જ રહેતી હતી. ધુળેટીના દિવસે ગોલુભાઈએ મારા ગાલ પર ગુલાલ ચોપડી દીધો હતો. હું એમના પકડમાંથી છૂટવાનો મરણિયો પ્રયાસ કરતી રહી પણ ગોલુભાઈની પકડ તો એવી મજબૂત હતી કે મને ગૂંગળામણ થવા લાગી. પણ અચાનક ગોલુભાઈની પકડ ઢીલી પડી .મારા ધ્યાનમાં આવતા તરતજ જોર લગાડી હું એમના પકડમાંથી છટકી અને બાજુવાળાના ઓટલા ઉપર ચઢી ગઈ. હું શરમાઈ ગઈ હતી. ગોપીભાભીના મગજના સ્ક્રીન ઉપર રોમેન્ટિક દૃશ્ય આવવા માંડ્યું. "

ગોપીભાભી આ જણાવતા મરક મરક હસતા હતાં. તેમને ભાણ થયું અને જોયું તો બધાજ એમની વાત ધ્યાનથી સાંભળતા હતા. કંઇક જુદું જ કહેવાયું એમ સમજી વાતને વાળતા ગોપીભાભી બોલ્યાં, ખરેખર તો ગોલુ ભાઈ ફળિયાના બીજા યુવાન મિત્રો જોડે ધુળેટી રમતા હતા. પણ અચાનક હું દેખાઈ એટલે હલકેશથી બંને ગાલ પર ગુલાલથી રંગાઈ ગયેલી બે આંગળીઓ મારા ગાલે ચોપડી."

" ઓ.કે " ગોપીભાભી. મરનારના વિધવા બોલ્યાં. ગોપીભાભીને થોડી રાહત થઇ.
એમના ઉપર વહેમના કાળા ડીબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા પણ સમય પર મરનારના વિધવાએ ઓ.કે કહી વાતને પૂર્ણ વિરામ આપી દીધો.
ગોપી ભાભીની વાળી દેવાયેલી વાતથી મરનારના વિધવા ને રાહત થઈ. જો ગોપી ભાભી હજુ કઈ બોલ્યાં હોત તો અશુભ પ્રસંગે મરનારના વિધવા કદાચ રણચંડી બની ગયા હોત.

" બહુ અચ્છા તરવૈયા હતાં ગોલુ કાકા.ઓલમ્પિક દર્જાના તરણવીર હતાં." જમનભાઈ પોતાનો અભિપ્રાય આપતા હતા.

" હું બોલી રહી છું ને ? ગોલુ ભાઈ વિશે તમને વધારે ખબર કે મને ખબર.?" ગોપીભાભી ફરી ત્રાટુક્યાં.
બધાની નજર ફરી ગોપીભાભી તરફ વળી.
આજે કેમ મારી જીભ લથડા મારી રહી છે? દરેક જણ મારા બોલવા પર કેમ અવાક થઇ રહ્યા છે.? ગોપીભાભી મનમાં બબડતા હતાં.

" ખાવાના તો બવ શોખીન હતાં મુઆ. મારા ઘરે આવવાના હોય ત્યારે અગાઉથી જ મને જાણ કરી દેતા હતા. એટલે તો એમના માટે એમની ભાવતી વાનગીઓ તૈયાર રાખવી પડતી." બીજા એક આધેડ ઉંમરના બહેન ગોલુકાકા વિશેની પુષ્ટિ આપતા હતા.

" આમ તો સ્વભાવથી તામસી હતાં. ઝટ ગુસ્સે થઈ જતાં." બીજા. એક ભાઈ બોલ્યાં.

નવા આવેલ બીજા એક આધેડ ઉંમરના બહેનને કંઇક ખુંચ્યું.એમના દિલને કંઇક ઠેસ પહોંચી હોય તેમ અંદરથી ધુમાડો ઓકતા હતાં. બોલનારને આખ્ખો ગળે ઉતારી લઉં એટલી હદે વિફર્યા હતાં પણ માહોલ દુઃખનો હતો એટલે માંડ માંડ કાબૂમાં રહ્યા હતા. કાલે તને બતાઉ ગોલુ કેવા હતા એટલે ગોલુભાઈ કેવા હતાં તે.

" ગોલુભાઈ એટલા શાંત હતાં ને કે બસ વાત ના પૂછો. ગાંધીજી અને તેમના વિચારોની અસર તેમના ઉપર થઈ હતી. તદ્દન અહિંસાવાદી. કોઈ તેમના ગાલ પર એક તમાચો મારે તો વિચાર્યા વગર ઝટ બીજો ગાલ ધરી દેતા. તામસી સ્વભાવની વાત કરનાર ભાઈના વાતનું ખંડન કરતા એક બહેન બોલ્યાં






" પણ નાનીનું નામ તો રતનબા છે પ્રેરણા થોડી છે? આંટીને શી ખબર કે નાનાને પ્રેરણા મળી?" પાછી દિપાએ વચ્ચેથી ટાપસી પૂરી હતી.

તડાકકકક.......!! એક સણસણતો તમાચો દિપાની મમ્મીએ માસૂમ દિપાના ગાલ પર ચોડી દીધો. " ના પાડી હતી ને મે કે વચ્ચે ટાપસી નહી પૂરવવાની?

" પણ મમ્મી આ બધા ઝૂઠું કેમ બોલે છે? નાનાને પ્રેરણા મળી, નાના આમ ને નાના તેમ.એક કે મસ્તીખોર હતાં, એક કહે શાંત હતાં તો બીજા કહે તામસી હતાં, ગાંધીવાદી હતાં. આ આંટી જોવા ગયા હતાં શું ગાંધીજી એ બીજો ગાલ ધરી દીધો તે? નાનીને વધારે ખબર કે આ લોકોને વધારે ખબર તે કહે મને પહેલા" રડતા રડતા માસૂમ દીપા તેની મમ્મીને કહેતી હતી.

જમનભાઇ કલાકથી બેઠા હતા. આ બધાના વાતોથી બોર થઇ ગયા હતા. બેસણામાં તો માંડ માંડ પંદર વીસ મિનિટ બેસવાનું હોય અહી તો બેસણાની જગ્યાએ ગોલુપુરાણ જ સાંભળવા મળ્યું. કોઈ મહારાજ કે પંડિત વિનાનું ગોલુ ચરિત્ર બોલાતું હતું.

એક સજ્જન ગ્રહસ્થની એન્ટ્રી પડી. હાથમાં ધોતીનો એક છેડો પકડ્યો હતો. પ્રદર્શનીમાં જેમ વસ્તુઓ ખુલી મૂકે તેમ જમણો પગ ઘૂંટણથી સહેજ ઉપર ખુલો મૂક્યો હતો. કદાચ વેન્ટીલેશન રહે એ હેતુથી ખુલો મૂક્યો હોવો જોઈએ એવું બધાએ વિચાર્યું. ખેર. એ તો એમનેજ ખબર. પણ એ સજ્જન મહિલાઓની બહુમતી ધરાવતા સ્વ.ગોલુ કાકાના નજીકના સ્વજન હતાં. મહિલાઓનો ધરખમ ઘસારો જોતા તેમને ધોતીનો પકડેલો છેડો ઝટ નીચે ઝૂલતો કરી દિધો. ( શરમના મારે કે અન્ય કોઈ કારણ સર)

" અરે ભાઈઓ, આવતા સોમવારે ગોલુભાઈની બારમાં ને તેરમાંની વિધિ આવે છે. આપણે ભઈ સારી રીતે આ બંને વિધિઓ કરવી છે." એ સજ્જન ગૃહસ્થે પ્રસ્તાવ મૂક્યો.
વિના વિલંબ હાજર મહિલાઓએ મંજૂરીની મહોર મારી દીધી. મરનારના વિધવાનું મત શું છે તે જાણવાની પણ દરકાર લીધી નહી.

" ગોલુભાઈને પાત્રા બવજ ભાવતા હતાં. પાત્રા તો હું જ બનાવીશ" એક બહેન બોલ્યાં.

" ગોલુભાઈ તળેલી વસ્તુઓ ખાતા નહોતા. ડોકટરે તળેલી વસ્તુઓ ખાવાની મનાઈ કરી હતી." ગોપીભાભી બોલ્યાં.
જમનભાઇ પત્ની ગોપીભાભીને ઘુરતી આંખે જોતા હતા. ગોપીભાભીની નજર એમના પર પડી ને તરતજ તાડૂકી ઉઠ્યા," કેમ મને આ રીતે ઘુરીને જુઓ છો? મને કદી જોઈ નથી? હું નવી સવી છું? મારી ઉપર હીરા મોતી જડેલા છે?"
પત્નીની ડણક સાંભળી નત મસ્તક થઈ ગયા.

" કેળાના ભજીયા હું બનાવીશ.મને ખબર એમને કેળાના ભજીયા બહુજ ભાવતા હતાં.મારા ઘરે આવે ત્યારે મને કેળાના ભજીયા બનાવવાનું કહેતા. મારા હાથમાં બનાવેલ કેળાના ભજીયા ખાધા વગર જતા નહોતા." ગજરાકાકીએ મમરો મૂક્યો. ગોપીભાભી અંદરથી ધુઆંપૂઆ થઈ ગયા હતા.પણ બધા બેઠેલા એટલે ધુમાડો અંદરજ રહેવા દીધો.

ગોલુકાકાની વહુને આવતા સાથે જમનભાઈએ મરનારની વિધવાને પૂછ્યું" આ કોણ છે"
" આ મારી બહુ સે.દીકરાની પત્ની"
" શું કામકાજ કરે છે? નોકરી કરે છે? કે પોતાનો કઈ ઘરગુથી વ્યવસાય કરે છે? જાણ ખાતર જમનભાઈ બોલ્યાં.
" જમનભાઈ એ તો પેઇન્ટર સે"
જવાબ સાંભળી જમનભાઈ સહેજ નવાઈ પામ્યા. બનાવટી ખુશી બતાવતા બોલ્યાં" વાહ..ખૂબ સરસ હોં...આજકાલ તો દરેક ક્ષેત્રમાં મહિલાઓએ ઝંપલાવ્યું છે. અને પ્રગતિ કરી રહ્યા છીએ. લેડી ડોકટર,વકીલ,પાયલટ,રેલવે એન્જિન ડ્રાઈવર, હવે તો રિક્ષાઓ પણ ચલાવે છે. ભારી વાહનો પણ ચલવે છે,લેડી ઇલેક્ટ્રીશિયન પણ છે. હવે લેડી પેઈન્ટર પણ..વાહ સરસ ..!! જમનભાઇએ ગોલુ કાકાની વહુના વખાણ કર્યા.

આ કામમાં તો સારું એવું વળતર મળી રહે છે. હવે તો જાતજાતની પેઇન્ટિંગ કળાઓ વિકસી છે. સાઈન બોર્ડ પેઇન્ટિંગ, રેડિયમ પેઇન્ટિંગ, મલ્ટી કલર પેઇન્ટિંગ વગેરે વગેરે. મહિલાઓ માટે તો અત્યાર સુધી શાળા ,કોલેજ સુધી આ કલા સીમિત હતી.હવે તો રોજગારીનું સાધન તરીકે વિકસાવ્યું છે. વાહ ખરેખર સારી વાત છે" વધુ ઉમેરતા જમનભાઈ બોલ્યાં.

હા..સાચી વાત છે. પણ મારી વહુ બે જ કલર વાપરે સે. કાળો અને લાલ. એ કઈ બોર્ડ નથી રંગવા જતી. એનું આ કામ તો મોટેભાગે સિઝનલ છે. આમ તો ચાલુ દિવસોમાં પણ કામ મળી રહે છે. પણ ઓછું મળે છે. " મરનારના વિધવા વહુના વખાણ કરતા બોલ્યાં.

આ બંનેની વાતો નાનકડી દીપા ધ્યાનથી સાંભળતી હતી. એના મગજમાં કંઇક ગડમથલ ચાલતી હતી. પણ નાના મોડે મોટી વાત કેવી રીતે કરે? સિવાય તેને મમ્મીનો તમાચો યાદ આવતા ચૂપ રહી.બોલીશું તો ગાંધીજીના કહેવા પ્રમાણે બીજો ગાલ મમ્મી આગળ ધરવો પડશે. બંને વચ્ચે ગેરસમજ થઈ ગયો હતો. કોઈ પણ ભોગે એ ગેરસમજ તો દૂર કરવો જ પડશે ને એમ દીપાના નાના મગજમાં વિચાર આવતો હતો. ભલે બીજો ગાલ ધરવો પડે.છેલ્લે તો મમ્મીનાં ઈજ્જતનો સવાલ છે.

ગોપીભાભીએ જોયું કે એમના "એ" ગોલુ કાકાના વહુના વધારે રસ દાખવી રહ્યા છે એમનાથી સહન થતું નહોતું.જીભ સળવળ થયા કરતી હતી. છેલ્લે ઉઘાડો લીધો જ." કેમ તમને શું કામ પડ્યું આટલી પંચાત કરવાનું? એ પેઈન્ટર છે તેથી તમને શું લાભ થવાનો?"

જમનભાઇ એ અવાજનું બટન મ્યુટ કરી દીધું. મૂંગા મંતર થઈ ગયા.
દિપાથી નથી રહેવાયું અને મોં ખોલ્યું," અંકલ, મારી મમ્મી તો છે ને બ્યુટીશિયન છે. એ તો બૈરા ઓના ખાસ કરીને દુલ્હનના હાથ પગ પર જાતજાતની ડીઝાઈન વાળી મહેંદી મૂકે છે. અને ધોળા વાળને મહેંદીથી કલર કરી આપે છે. " વાતનો ફોડ પાડતા જમનભાઇએ જમણો હાથ કપાળે અફાળ્યો. પોતાની મૂર્ખતા પર પોતેજ મનમાં મરક મરક હસ્યાં.

ગોલુકાકાના બારમાં દિવસે બધી મંડળી ભોજન પ્રસાદી આરોગવા બેઠી હતી. અમુક યુવાન છોકરીઓ અને બૈરાઓ પીરસતી હતી. આ મંડળીમાં મોટે ભાગે યુવાનો. અને પરિણીત યુવાનો અને આધેડ ઉંમરના પુરુષો હતાં. વૃદ્ધ મહિલાઓ અને પુરુષો આમતેમ આંટા મારતાં હતાં. માર્ગદર્શન,સલાહ સૂચનોનો મારો ચલાવતા હતા.શિખામણ આપતા હતા. ગોલુકાકાના ગુણ ગવાતા હતાં. તેમાં પણ મહિલાઓ ખાસ મોખરે હતી.
" અલી શાલું, પેલો સફેદ શર્ટ અને કાળી પેન્ટ પહેરેલ મુઓ કોણ છે? બિલકુલ ' એમના ' જેવોજ દેખાય છે. હું તો જોઈને હેબતાઈ જ ગઈ. મનમાં ઘડીભર એમજ થયું કે " એ" ક્યાંથી જીવતા થઈ ગયા!!"
ગોલુ કાકાની વિધવા એક ૨૨ થી ૨૫ વર્ષના યુવાનને જોઈ નવાઈ પામતા બોલ્યાં.

" બહેન, ઇ ..ઇ ..સે ને મારો પોઈરો સે... ટીકુડો. હુબેહુબ ગોલુ ભાઈ જેવોજ દેખાય સે ને..એણે જોઈને મને ગોલુભાઈની જ યાદ આવે છે. એણે જોઈ હું ગોલુભાઈને યાદ કરી લઉં સુ.." શાલુબહેન સહેજ ભાવે બોલ્યાં.
" શું ..શું કહ્યું શાલી?" બાવીસ તેવિસ વર્ષે તેં તારું કૌભાંડ બહાર પાઇડું?.તને સરમ નો આવી એવી વાહિયાત વાત કરતા? એટલેજ તારો પોઇરો એમના જેવો દેખાય છે. આવી હિન કક્સાનું અને નીચા જોનું કામ તે કર્યું અને સેક આજે કબૂલે છે હરામખોરી!!!! " ગોલુ કાકાની વિધવાની મગજની કમાન છટકી હતી. એમનું દિમાગ એમની નિયંત્રણ રેખા ઓળંગી ચૂકી હતી. મન ફાવે તેમ ગાળા ગાળી કરવા માંડી.

" અરે પણ મારી પૂરી વાત તો સાંભળો બહેન" શાલુ બહેન બોલ્યાં.
" સલી નકટી , હવે સુ સાંભળવા જેવું છે? હજુ કઈ બાકી છે કહેવાનું? હમમ..બોલ હજી સુ ગુલ ખિલાવ્યાં હતા મારા ભોળા નાથ જોડે? બોલી દે..." ગોલુ કાકાની વિધવાનું ફાયરિંગ ચાલુજ હતી. જખમી શેરની ની જેમ ભાસતા હતા. કલાક સુધી બંનેનું વાક્યુદ્ધ ચાલ્યું. બે વડીલોએ આ વિશ્વ વાક્યુદ્ધ નું બંધ કરવા માટેના શંખ ફૂંકવાની કોશિશ કરી પણ જોરદાર ફૂંક મરાતી નહોતી. શંખને જોરદાર ફૂંક મારવા શંખ મોઢે લગાવ્યો ગાલ ફૂલાવી જોરદાર ફૂંક મારવાની કોશિશ કરી પણ હોઠોની આજુબાજુથી હવા લીક થતી હતી. પણ કોશિશ જારી હતી. કેમે કરીને વાક્યુદ્ધ શાંત કરવું પડે તેમ હતું.

" એક કામ કરીએ. આ મસમોટું કૌભાંડ છે.આપણે આ કૌભાંડની ઝીણવટ ભરી તપાસ કરવા એક તપાસ સમિતિની રચના કરીએ"? જમન ભાઈનો પ્રસ્તાવ.

" એ તમે ચૂપ રહો ને? તમને કોઈએ કહ્યું વચ્ચે ચાપલાઈ કરવાનું? કેટલી પેચીદી સમસ્યા પેદા થઈ છે તેનું તમને ભાન છે ખરું? તમને તો મજાક સુચે છે." આગ ઓકતા ગોપીભાભી જમનભાઈ ઉપર વરસી પડ્યા.
જમનભાઈ પાછા મ્યુટ અવસ્થામાં પહોંચી ગયા.

ભઈ,..આ જમનભાઈની વાત સાથે હું સહમત છું.આ પેચીદી સમસ્યાનો ઉકેલ લાવવા એક સમિતિની રચના કરવી જ ઘટે હોં..." એક અતિ વરિષ્ઠ કાકા ખોખતા ખોખતાં આગળ આવી બોલ્યાં. આટલું એક વાક્ય બોલવા લોકલ ટ્રેનની માફક દરેક સ્ટેશનો પર ગાડી ઉભી રહે તેમ કેટલા સ્ટોપ લીધા. જુવારના સોટા જેવા હાથ પગ. બંને ગાલોનું નામોનિશાન દેખાતું નહોતું. બંને હોઠોંનું જાણે મિલન થઈ ગયું હતું. કોઈને ચુંબન કરવા હોઠોને બીડી દીધા હોય તેમ. શરીરે "યુ" વળાંક લઈ લીધેલું. આટલું એક વાક્ય બોલતા બોલતા દમ નીકળી ગયો. બોલતા બોલતા શરીરમાંથી કેટલીક હવાનું ઉત્સર્જન થઈ ગયું હતું.

" ડી. એન. એ ટેસ્ટ કરવી લ્યો પેલા ટિકોડાનું .સમસ્યાનો તરત નિકાલ થઈ જશે." એક પરિણીત યુવાન બોલતા બોલી ગયો.

" અલ્યા, એકલા ટિકોડાનું ડી. એન. એ ટેસ્ટ કરવાથી શું હલ થવાનું છે? એનું ડી. એન. એ કોના ડી.એન. એ જોડે તપાસીશું? કૌભાંડી......મારો મતલબ ગોલુકાકા તો ટેસ્ટ થાય પહેલા જ છટકી ગયા. જાણે એમને અંદર ખાનેથી આ કૌભાંડની ગંધ આવી ગઈ હોય તેમ.કોની જોડે ડી. એન. એ ટેસ્ટ કરાવીશું?" એક આધેડ સદગૃહસ્થ પોતાનું મંતવ્ય કહેતા હતા.
" મમ્મી, આ ડી. એન. એ ટેસ્ટ એટલે શું?" આ તમાશો જોઈ નાનકડી દીપાના
મગજમાં અનેક તરંગો પેદા થઈ ગયા.પણ આ સવાલનો જવાબ તેને મળ્યો નહોતો. ચૂપ ચાપ બેસી રહી.
બીજા એક ભાઈ જે ગોલુ કાકાના નજીકના સંબંધી હતાં. અંતિમ ક્રિયાના દિવસે નહોતું અવાયું એટલે બારમાં તેરમાંની વિધિમાં હાજર રહ્યા. દસ વર્ષથી કેનેડા સ્થાયી થયા હતા. આવતાની સાથે ફાટ ફાટ અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરી દીધું. ગમલો મનમાં બબડતો હતો કે કેટલું સાચું અંગ્રેજી બોલી રહ્યો છે. કોને ખબર પડે અહીં? દરેક શબ્દ ક્રિકેટ ના દડા ની જેમ ઉછળતો હતો. ગમલાને જોઈ એ ભાઈ ખમીસની કોલર કડક કરતા બોલ્યો, " હે..યુ મેન..વ્હોટ ઈઝ યોર નેઇમ"?

ગમલો પણ જાય એવો નહોતો.એણે પણ સામે એજ સવાલ કર્યો.

જવાબ ન મળ્યો એટલે એ કેનેડિયન ભારતીય ભાઈ બીજા એક બેઠેલા ભાઈ ને એજ સવાલ કર્યો." હે મેન, વોટ ઈઝ યોર નેઈમ"?

માય નેમ ઇઝ " ડાયમંડ રેડ ટાઇગર કિલર"

" વોટ? મેન આઇ આસ્કડ યુ યોર નેમ"
" યા.. આઇ ટોલ્ડ યુ માય નેમ"

પેલા એન .આર .આઈ. ભાઈ માંથુ ખજવાળતા રહી ગયા. કેવું ઇન્ડિયન નેમ છે?
ગમલાની બાજુમાં એક સજ્જન ગુમસુમ બેઠા હતા.તેમની જોડે ખપાવવાની ચળ ઉપડી. એન. આર ઈ ભાઈ એમની નજીક જઈ વાત કરવા બેઠા.
" હે મેન, વોટસ યોર નેમ" કોલર કડક કરતા એન. આર. આઈ બોલ્યો.

" માય નેમ ઈઝ ઓરીજીનિયલ મૂન સ્વીટ સ્પીકર" સજ્જને જવાબ આપ્યો.

" હે વોટ હપ્પેનેડ ટુ ઇન્ડિયન? યુ ઇન્ડિયન પીપલ ચેન્જડ નેમ? હાઉઝ્ દેટ!!!!" એન આર આઈ બબડતો હતો. એની કોઈએ ખાસ દખલ લીધી નહી.એક આધેડ ઉંમરના કાકાની બાજુમાં એન.આર.આઇ.જઈને બેઠો. શુદ્ધ ગુજરાતીમાં એને બોલવાનું ચાલુ કર્યું.
" અંકલ, કેમ છો"?
કાકાએ મંદ સ્મિત દર્શાવ્યું.
એણે સવાલ કર્યો," કાકા, ઇન્ડિયન લોકોના નામ બદલાઈ ગયા છે"?
" ના ભઈ..કેમ"?
સહુથી પહેલાં જે ભાઈને સવાલ કર્યો હતો તે ભાઈ તરફ આંગળી ચીંધતા એન. આર.આઈ.બોલ્યો," પેલા ભાઈને મેં એમનું નામ પૂછ્યું હતું તો એ ભાઈએ એમનું નામ કહ્યું" ડાયમંડ રેડ ટાઇગર કિલર". અને એમની બાજુમાં બેઠેલા ભાઈને પણ મે એમનું નામ પૂછતા એ ભાઈએ કહ્યું, ઓરીજીનલ મૂન સ્વીટ સ્પીકર" .

ભાઈ તમે કેનેડા ગયા. અંગ્રેજી બોલતા સમજતા થયા પણ આ નામના અર્થ ન સમજી શક્યા.પહેલાં તમે જે ભાઈને નામ પૂછ્યું તેમનું નામ તમને " ડાયમંડ રેડ ટાઇગર કિલર" કહ્યું. ડાયમંડ એટલે હીરા. રેડ એટલે લાલ , ટાઇગર એટલે વાઘ અને કિલર એટલે મારે.આખું નામ " હીરાલાલ વાઘમારે" મરાઠી માનુસ છે ભાઈ.
અને બીજાનું નામ તમને કહ્યું " ઓરીજીનલ મૂન સ્વીટ સ્પીકર"
ઓરીજીનલ એટલે "મૂળ" મૂન એટલે" ચંદ" સ્વીટ એટલે" ગોડ" અને સ્પીકર એટલે " બોલનાર "બોલે" એ હિસાબે એનું આખું નામ થયું" મૂળચંદ ગોડ બોલે" એ પણ મરાઠી માનુસ છે. નામની ફોડ પાડતા કાકા બોલ્યાં.
એન.આર.આઇ. ઓશાળા બની ગયા.

બંને મરાઠી ખાનદાનના છે પણ એમના બાપ દાદાઓ લગભગ ૫૦_૬૦ વર્ષોથી અહીં આવીને વસ્યા છે. તમે ગુજરાતીમાં વાત કરી હોત તો તમને ગુજરાતીમાં જવાબ મળી જાત પણ તમે રોબ જમાવવા અંગ્રેજીમાં બોલ્યાં એટલે તમને જવાબ પણ અંગ્રેજીમાં જ મળ્યો.સમજ્યા?

ગોર મહારાજે બારમાં અને તેરમાની વિધિ સંપન્ન થયાની ઘોષણા કરી અને બધાને ભોજન પ્રસાદી આરોગવા કહ્યું. મહિલાઓ અને પુરુષોએ સાથે જ ભોજન અને પ્રસાદી લઈ પોતપોતાની ઘરે વળતા થયા. જમનભાઈ ગોપીભાભી પણ બાકાત નહોતા રહ્યા.

_________________
સમાપ્ત..

(ભરતચંદ્ર શાહ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED