ક્લિનચીટ - 14 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્લિનચીટ - 14

પ્રકરણ – ચૌદમું /૧૪

વહેલી સવારે ૬:૧૦ ની આસપાસ અચનાક શેખરની આંખ ઉઘડતા જ સૌર પ્રથમ નજર આલોકના બેડ તરફ જતા જ ફાળ પડી. આલોક બેડ પર નહતો એટલે સફાળો બેડ પરથી ઉઠીને આજુબાજુ નજર કરી પણ દેખાયો નહીં એટલે બાલ્કની તરફ જઈને નજર કરી તો બાલ્કનીમાં લોંગ ચેર બેસીને લંબાવેલા બંને પગને બાલ્કનીની પાળ પર ટેકવીને આંખો બંધ કરીને બેઠેલાં આલોકને જોઇને શેખરના શ્વાસ નીચે આવ્યા.

એક અજાણ્યા ડર સાથે હળવેકથી આલોક પાસે જઈને માંડ માંડ બોલ્યો,
‘ગૂડ મોર્નિંગ, કેમ આટલો વહેલો ઉઠી ગયો, આર યુ ઓ.કે ?’
આંખો ઉઘાડીને શેખરની સામે થોડીવાર સુધી જોયા જ કર્યા પછી પ્રત્યુતર આપતાં માત્ર એટલું જ બોલ્યો,

‘ગૂડ મોર્નિંગ.’

આલોકના આવા વિચિત્ર બિહેવિયર પરથી શેખર તેની મનોસ્થિતિનું કઈ જ અનુમાન ન લગાવી શક્યો એટલે કહ્યું, આગળ શું બોલવું ? બોલવું કે ન બોલવું ? મુંજાયો, કઈ ન સુજ્યું એટલે બોલ્યો,
‘અચ્છા હું આપણા બન્ને માટે કોફી લઈને આવું છું ઠીક છે.’ તેમ છતાં આલોક તરફથી કોઈ જ રીએક્શન ન આવ્યું.
એ પછી રૂમમાંથી બહાર નીકળીને પેસેજ માંથી કિચન તરફ જતા જતા સેકંડ ફલોરની સીડીના પગથીયા પર અદિતીને બેસેલી જોઇને શેખરને નવાઈ લાગી મનોમન બોલ્યો આટલી વહેલી સવારમાં, અહીં આ રીતે ?

‘ગૂડ મોર્નિંગ અદિતી, આટલી વહેલી સવારે, પણ અહીં કેમ બેઠી છો ? શું થયું ?’

‘અરે પાંચ વાગ્યાની જાગુ છું. આલોકના પ્રતિભાવ સાંભળવાની ઇન્તેજારીમાં. ઘડીભર પણ ચેન નથી પડ્યું આખી રાત ગભરાહટ અને બેચેનીમાં વિતાવી છે.એ શું કરે છે ? સૂતો છે હજુ ?’
‘નહી, એ તો મારાં પહેલાંનો ખબર નહી કયારનો ઊઠી ગયો છે,ચુપચાપ બેઠો છે બાલ્કનીમાં.’
‘કઈ બોલ્યો એ ?’
‘હા, ફક્ત ‘ગૂડ મોર્નિંગ’ એ પણ સાવ વિચિત્ર રીતે મારી સામુ જોઇને.’
'તું ક્યાં જાય છે ? '
'હું કોફી બનાવવા જઈ રહ્યો હતો ત્યાં જ તારી પર નજર પડી.'
‘શેખર તું બેસ તેની જોડે હું કોફી લઈને આવું છું.’
આટલું કહીને અદિતી કિચન તરફ ગઈ અને શેખર આલોક પાસે.
અપેક્ષિત કે અનપેક્ષિત સંભાવના ના પરિણામની પ્રતિક્ષાનું સ્વરૂપ વિરાટ હશે કે સુક્ષ્મ,? સફર અનંત છે કે સફરનો અંત.? જો અને તો ની તુલાના ના સંતુલિત માધ્યસ્ત્તાની સંજ્ઞાનું પરિમાણ કેમ નક્કી કરવું ? આ સઘળા અને અઘરા સવાલોનું આયુષ્ય નિર્ધારિત હતું એક માત્ર આલોકના હવે પછીના સંવાદની સંવેદના ના શબ્દાર્થ પર.
આલોક હજુ પણ બિલકુલ ચુપચાપ એ જ મુદ્રામાં કોઈ ગહન વિચાર કરતો બાલ્કનીમાં બેઠો હતો.
અદિતી કોફી લઈને આવે ત્યાં સુધી શેખર એ ચુપ રહેવાનું મુનાસીબ સમજ્યું. શેખરને ખુદની સીચ્યુંએશન અત્યારે એવી લાગી રહી હતી કે પોતે કોઈ સુષુપ્ત લાવારસના ખડક પર બેઠો હોય. જાતજાતની ચિત્ર-વિચિત્ર ધારણાઓની હારમાળા દિમાગમાં ધમપછાડા કરી રહી હતી. કદાચ ને આલોકની વર્તણુક અપેક્ષાથી વિપરીત દિશામાં ફંટાઈ તો, હવે પછીની રણનીતિ ને કેવી રીતે ઓપ આપવો તેવા અનેક વિચારોના વંટોળમાં વીંટાઈને એકીટસે આલોકની અકળ મુદ્રાઓનું અવલોકન કરતો રહ્યો. આલોકનું કંઈ રીએકશન આવે એ પહેલાં અદિતી આવી જાય એવું શેખર વિચારતો જ હતો ત્યાં જ...આલોક બાલ્કની માંથી રૂમમાં પ્રવેશ્યો અને આ તરફથી
અદિતી કોફી લઈને રૂમમાં એન્ટ્રી કરીને કોફીની ટ્રે ટેબલ પર હજુ મૂકીને અદિતી, આલોકની સામે આવતાં જ વ્હેત જ હજુ અદિતી કઈ બોલે કે એ પહેલાં તો આલોક અચાનક જ છળી ઉઠ્યો અને ડોળા ફાટી ગયા હોય એમ અતિશય ભાવુક અને અનહદ ખુશાલી ભર્યા અશ્રુઓ સાથે અદિતીને બાહુપાશમાં જકડીને બોલ્યો.,

‘ઓહ માય ગોડ અદિતી..તું અહીં ? ઓહ..નો ઓહ નો.’

આ દ્રશ્યની સાથે સાથે શેખર અને અદિતીની વિચાર અને સમજણ શક્તિ પણ થોડી ક્ષણો માટે સ્થિર થઈને ચોંટી ગઈ. આલોકની વાણી વર્તન જોઇને તો શેખર અને અદિતી એવા દિગ્મૂઢ થઈને ડઘાઈ ગયા કે જાણે કોઈ આર.ડી.એક્ષ.નો ધડાકો સાંભળીને થોડા સમય માટે પોતાનું અસ્તિત્વ એ રીતે ભૂલી જાઈએ કે જીવિત છે કે મૃત્યુ પામ્યા. એ સમજવાની અસમર્થતાની મનોદશામાં હોય એવો અનુભવ થઇ ગયો. આલોકના શબ્દો સાંભળ્યાનો વિશ્વાસ નહતો. આલોકનું નહીં પણ હવે શેખર અને અદિતીનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું.

‘તું.. તું .. હતી, ક્યાં... ક્યાં..હતી ? અરે... અદિતી જો પૂછ પૂછ આ શેખરને પૂછ ક્યાં ક્યાં કેવી રીતે કઈ હાલતમાં તને શોધવાની મથામણ કરી હતી અમે બન્ને એ અને તું ? ક્યાં હતી અત્યાર સુધી આટલાં દિવસથી અને..’ અને પછી અચાનક કશું યાદ આવતાં આગળ બોલતા અટકી જઈને માથું પકડીને સોફા પર બેસીને બોલ્યો..
‘પણ શેખર હું અહીં તારા ઘરે શું કરું છું ? અને આ અદિતી કેમ, ક્યારે, અને કેવી રીતે આ... આ.. બધું શું ચાલી રહ્યું છે.. કોઈ મને કઈ કહેશે નહી તો ફરી મારું માથું’

આલોકના ગાલ પર પડતાં સુર્યપ્રકાશના કુણા તડકાની લાલી સાથે સાથે આવેલી ખુશાલી અને અચનાક આવેલા અનેરા અનહદ આશ્ચર્યના પ્રવાહમાં તણાઈ ને આલોક તેની કઈ કેટલીય મિશ્રિત લાગણીઓને તેની અસ્ખલિત વાણીના રૂપમાં એકસામટું એકધારું બોલ્યા પછી ખુદ, સુખદ અશ્રુઓથી પલળેલાં તેના ગાલ ને લુંછવા જાય એ પહેલાં અદિતી ચુપચાપ રડતાં રડતાં આલોકના ગાલને પંપાળવા લાગી.
અદિતી એ બન્ને આંખોથી છલકાતા હરખના આંસુઓને રોકવાની સ્હેજ પણ તસ્દી ન લીધી. ગાલેથી સરકીને ટપકતા આંસુઓ સાથે ગળગળા અવાજમાં બોલી

‘એક.. એક.. મિનીટ આલોક પ્લીઝ રીલેક્સ, બેસ, તું પહેલા કોફી પી લે પછી આપણે ત્રણેય કોફી પીતા પીતા આરામથી વાત કરીએ ઓ.કે.’
ભીની આંખે આલોક પણ બસ અદિતીને જોતો જ રહ્યો. અદિતી એ શેખર સામે જોયું
શેખરને હજુ પણ માન્યામાં નહતું આવી રહ્યું કે સ્વપ્ન જોઈ રહ્યો છે કે હકીકત. બસ ત્રણેય આંસુઓ સારતાં ચુપચાપ રડી રહ્યા છે.
આલોકે એ બંને ને પૂછ્યું, ‘શું થયું હતું મને ?’
‘આલોક તને કઈ યાદ છે ? છેલ્લાં ૨ થી ૩ અઠવાડિયામાં જે કઈ પણ બની ગયું એ ?’ શેખર એ પૂછ્યું
‘એક મિનીટ..’ આલોક દિમાગ પર જોર લગાવવાની કોશિષ કરીને વિચારવા લાગ્યો.
ફરી શેખર એ પૂછ્યું, ‘કઈ યાદ આવે છે ?’
‘કદાચ આપણે ..’ બોલીને આલોક અટકી ગયો.
‘હું યાદ અપાવવાની કોશિષ કરું.. આપણે સૌ મારાં અંકલની એનીવર્સરીની પાર્ટીમાં હતા અને ....’
‘હા.. હા..હવે યાદ આવ્યું આવ્યું .. તે દિવસે આપણે અદિતીને લીફ્ટમાં જોઈ હતી અને પછી આપણે બધાં ગાંડાની માફક તેની પાછળ દોડતાં રહ્યા અને પછી પછી શું થયું હતું શેખર ?’
‘એ પછીનું કઈ યાદ આવે છે આલોક.”
‘પછી .. પછી કઈ યાદ નથી આવતું. કદાચ.. ના નથી યાદ આવતું ?’

‘ખુબ લાંબી સ્ટોરી છે દોસ્ત. સાંભળીશ તો તને વિશ્વાસ પણ નહીં. એક એક દિવસની એકે એક ઘટના તને કહી સંભળાવીશ. બસ એટલું સમજી લે કે આ તને એક નવી જિંદગી મળી છે. અને તે અદિતીને આભારી છે.’
આ તમામ વાર્તાલાપ દરમિયાન અદિતી ચુપચાપ એકીટસે બસ આલોકને જોતી જ રહી.
‘તારી એક એક હરકતના ફોટોગ્રાફ્સ અદિતી એ ક્લિક કરીને એક કલેક્શન બનાવ્યું છે. અને મેં તમારાં બન્નેના ફોટોસ ક્લિક કર્યા છે એ અલગ. એટલા માટે કે તને ખ્યાલ આવે કે અમે તને કેટલો ગુમાવ્યો હતો અને ક્યાંથી પાછો લાવ્યા છીએ. આ યુનિક આઈડિયા અદિતીનો હતો .
‘પણ આ તને મળી ક્યાંથી ? ક્યાંથી શોધી આને તે ?’ આલોક એ પૂછ્યું
‘અમે તેને નહી, તેણે આપણને શોધી કાઢ્યા છે અને એ પણ શરતો રાખીને.’
‘શરત કેવી શરત ?
‘કહું છું.’
જ્યાંથી આલોકના યાદદાસ્તની કડી તૂટી ગઈ હતી ત્યાં થી લઈને ગઈકાલ રાત સુધીની બધી જ ઘટનાના સ્થળ, સમય અને સંજોગો સાથેનો ચિતાર વિસ્તારથી શેખર અને અદિતી એ વારાફરતી આલોકને કહી સંભળાવ્યો. એ સાંભળીને આલોકના શરીર માંથી એક કંપારી છુટી ગઈ. એ સાથે અદિતી અચાનક ઝડપથી ઊભી થઈને તેની હથેળીને મોં પર દબાવી, ડુસકાને ડામીને બાલ્કની તરફ દોડી ગઈ અને તેની પાછળ આલોક અને શેખર બંને દોડ્યા.

‘અરે અદિતી પ્લીઝ હવે શા માટે આટલું રડે છે ? તું તો મારાંથી પણ બહાદુર છો અને હવે તો આપણ ને આપણો પહેલાં વાળો આલોક મળી ગયો છે. ટ્રાય ટુ કંટ્રોલ યોર સેલ્ફ પ્લીઝ લે, હું પાણી લઈ આવું.’

શેખર આટલું બોલીને અદિતી માટે પાણી લેવા ગયો એટલે અદિતી આલોકને વળગીને ફરી અતિશય રડવા લાગી.

‘અદિતી પ્લીઝ યાર. હેય, આમ જો મારી સામું જો તો. આ એ બહાદુર અદિતી છે
જેને હું પ્રથમ વાર મળ્યો હતો.? તું અને આ રીતે સાવ આમ ભાંગી પડે ? પ્લીઝ’

શેખર પાણી લઈને આવ્યો, માંડ અદિતીને શાંત પાડીને ફરી ત્રણેય સોફા પર બેઠા.
સમય થયો ૭: ૫૫. શેખરે બોલ્યો,
‘પહેલાં આપણે સૌ એક કામ કરીએ ત્રણેય ફટાફટ તૈયાર થઇ બ્રેકફાસ્ટ કરીને અવિનાશની ૧૦:૩૦ ની એપોઇન્ટમેન્ટ છે એટલે તેણે મળવા માટે નીકળવું પડશે.’
આલોક એ પૂછ્યું, ‘અવિનાશને ત્યાં કેમ ? હવે તેનું શું કામ છે?’

‘હવે જ કામ છે મારાં ભાઈ,’
આવું શેખર બોલ્યો એટલે અદિતી એ હળવા સ્મિત સામે શેખરની સામે જોયું. જે મુદ્રામાં શેખર સામે જોઇને અદિતી એ સ્માઈલ કર્યું તેની શેખર એ નોંધ લીધી એ પછી આગળ બોલ્યો,

‘એ બધું ત્યાં જઈ ને કહીશ.અને સાંભળ આલોક તારા પેરન્ટસ ગયા અઠવાડિયે એક મહીના માટે જાત્રા પર નીકળ્યા છે. સૌ થી પહેલાં તારે તેની જોડે વાત કરી લેવી જરૂરી છે. અને અદિતી તું પણ તારાં પેરેન્ટ્સ જોડે વાત કરીને બ્રેકફાસ્ટ માટે રેડી થઇ જાઓ બન્ને. ડીનર ટેબલ પર મળીયે. ઠીક છે.’
આટલું બોલીને શેખર ફ્રેશ થવા તેના રૂમમાં જતો રહ્યો.
અદિતી એ પૂછ્યું, ‘આલોક મને જાણવું છે કે ૨૯ એપ્રિલની એ ઘટનાક્રમના ક્યા ક્યા અંશ તને યાદ છે ?’
કોલેજ કેમ્પસથી શરુ કરીને છેક છુટ્ટા પડ્યા બાદ અદિતીને ઓઝલ થતાંની અંતિમ ઘડી સુધીની એક એક મુવમેન્ટને શબ્દાંકિત કરીને અદિતીની નજર સમક્ષ આલોક એ એક તાદશ ચિત્ર ખડું કરી દીધું.

શેખરના ગયા પછી હજુયે અદિતી અશ્રુ નીતરતી આંખો એ એક પુતળું બની ને બસ આલોકને જોતી જ રહી.
આનંદ વિભોર ચહેરા સાથે અદિતીની નજર માં નજર પરોવીને આલોક બોલ્યો,
‘શું આમ ક્યારની એકીટશે જોયા જ કરે છે અદિતી ? જો આમ જ જોયા કરીશ તો નજર લાગી જશે.’

એક અરસાથી હોંઠો લગી આવીને પ્રવાહિત થવાને માટે ટળવળતી લાગણીની શબ્દસરીતાના પ્રવાહને અજાણ્યા થઈને અવળી દિશામાં ફંટાવીને...

‘આલોક્મય થયેલી અદિતી મનોમન જ જવાબ આપતાં બોલી, ‘તને કોઈની નજર ન લાગે એટલે નજર ઉતારું છું. અને હું તને માત્ર જોતી નથી તને પીવાનો પ્રયાસ કરું છું. તારી માયાના માધ્યમથી મારી કાયામાં તારી છાયાને અંકિત કરવાનો પ્રયાસ કરું છું.’ કૈક આવું અદિતી મનોમન બોલી પછી જવાબ આપ્યો..

‘ના ના કઈ નહી બસ એ જ વિચારું છું કે એક શરત જીતવાની જીદમાં હું તને ખોઈ બેસત. આ એક શરતમાં ઘણું બધું મેળવ્યું અને ઘણું ગુમાવ્યું અને સમજાયુ છે. હવે
સૂર્યોદયની સાથે જ સૂર્યાસ્તનું કાઉંટ ડાઉન પણ શરુ થાય છે.’

‘હેય.. અદિતી કેમ આવું બોલે છે યાર, કૈંક મને સમજાય એવું બોલને.’

અદિતીને લાગ્યું કે તેની ભાવનાઓની સંભાવના અને સંવેદના ના વેદનાની વ્યથાકથા ને શબ્દો માં રૂપાંતરિત કરવા માટે કદાચ સમય સાથે એક પૂરો શબ્દકોશ પણ વામણો પડે એટલે એક ક્ષણમાં જ આલોકની બંને હથેળીમાં પર ચુંબન કરીને અદિતી એ તેના હોઠોની લાલી અને ચહેરાની લાલસ સાથે સાથે હૈયાની લાલસાને પણ ને ન્યાય આપી દીધો.

એક અદમ્ય દિવ્ય અનુભૂતિ ભર્યા આ રોમાન્સના રોમાંચનો પ્રત્યુતર આપતાં આલોક એ હળવેકથી પોતાની બંને હથેળીઓમાં અદિતીનો ચહેરો તેના ચહેરાની નજીક લઈને તેના કપાળ પર આલોક એ ચોડેલા એક ચુંબનની ચુંબકીય અનુભૂતિમાં અદિતી તેના સમગ્ર અસ્તિત્વના થઇ રહેલા વિસ્મરણના એક અનન્ય પ્રથમ અનુભવની
પ્રતિતી ને કયાંય સુધી મમળાવતી રહી.

અવિનાશ સાથે શેખરની એપોઇંટમેન્ટના સમયની વાતચીત થયા મુજબ ૧૦:૩૦ વાગ્યે કેર યુનિટ પર જવાનું નક્કી કર્યા પ્રમાણે શેખર, વીરેન્દ્ર,
આલોક અને અદિતી રવાના થવાની તૈયારીમાં જ હતા અને અદિતી એ સંજનાને કોલ કરી ને ડાયરેક્ટ કેર યુનિટ આવવાની સૂચના આપી દીધી.

વીરેન્દ્રને તેની ઓફીસના કોઈ નીકટના કર્મચારીનું નિધન થઇ ગયું હોવાથી ત્યાં જવાં રવાના થઇ ગયા હતાં.
ત્યાર બાદ શેખર, આલોક અને અદિતી કેર યુનિટ તરફ જવા રવાના થયાં

સવારે આલોકની માનસિક અવસ્થા સાવ સામાન્ય થઈ ગયા બાદ પણ અદિતીનું વર્તણુક શેખરને કૈંક સાવ અજુગતું જ લાગતું હતું. વિચારમગ્ન અને શાંત અને બેધ્યાન. એ વિષય પર શેખર એ નિરાંતે ચર્ચા કરવાનું વિચાર્યું. અને એ સિવાય પણ શેખરના મગજમાં હજુ ઘણાં સવાલો ઘુમરાયા કરતાં હતા. .

૧૦:૪૦ એ ડોક્ટર અવિનાશ તેમના વાઈફ સ્મિતા જોશી, શેખર, આલોક અદિતી અને સંજના અવિનાશની ચેમ્બરમાં અરસ પરસ ગોઠવાઈ ગયા પછી ચાઈ કોફીનો દૌર પૂરો થઇ ગયો એટલે...
અવિનાશે આલોકને પૂછ્યું, ‘હાઉ આર યુ જેન્ટલમેન ?’
‘આઈ એમ ફાઈન સર. બટ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ ટેલ યુ. મારી સારવાર દરમિયાન મારાથી જો કંઈપણ મિસ બિહેવિયર થઇ ગયું હોય તો તેના માટે હું આપની માફી માંગી લઉં.’
આલોકની વાતને રમુજમાં લેતા અવિનાશ બોલ્યા,
‘અમે તેનો જ ચાર્જ લઇએ છીએ.’
‘હા.. હા.. હા.. બધા હસવા જ હતા ત્યાં અચાનક જ કોઈ કઈ સમજે વિચારે એ પહેલાં તો અદિતી ઊભી થઇને એક કોર્નર તરફ જઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતા અલોક એકદમ ડઘાઈ ગયો અને શેખર પણ વિચારમાં પડી ગયો.
અલોક અને સંજના તેની નજીક ગયા સાથે સાથે સંજનાની આંખો પણ ભરાઈ આવી.
‘શું થયું અદિતી અચાનક તને, કેમ આટલું રડે છે, કૈંક બોલ તો ?’
સંજના અદિતીને પાણી પીવડાવતા શાંત થવા કહ્યું અને ફરી ચેર પર બેસાડી અને આલોક પણ અદિતીને આશ્વાસન આપતા તેની નજીક બેઠો અને ફરી પૂછ્યું,
‘અચાનક શું થયું, અદિતી ?’
હજુ આલોક માટે અદિતીનું આં બિહેવિયર તેની સમજણ બહારનું હતું.
આલોકે પૂછ્યું, ‘ઘરની યાદ આવે છે ? મમ્મી પપ્પા પાસે જવું છે ?’
ન અદિતીનો કોઈ પ્રતિભાવ કે ન કોઈ પ્રત્યુતર. બસ ચુપચાપ નીચી નજરો ઢાળીને બેઠી રહી.
આલોકની આકુળ વ્યાકુળ પરિસ્થિતિની વચ્ચે અવિનાશ બોલ્યા,
‘લીસન આલોક હું કહું છું.....’
અવિનાશ હજુ આટલા શબ્દો પુરા કરે એ પહેલા તો ફરી અદિતીનું અતિશય રુદન શરુ થયું અને સાથે સાથે હવે સંજનાના સંયમનો બાંધ પણ હવે તૂટી ગયો.
શેખરને પણ અદિતીનું અચાનક આવું વિચિત્ર વર્તન સમજણ બહારનું લાગ્યું.
અવિનાશ બોલ્યા,
‘પ્લીઝ, તેને રડી લેવા દ્યો.’
આલોક વિચારે ચડી ગયો કે શું થઇ રહ્યું છે કઈ કોઈને સમજાઈ નથી રહ્યું.
માંડ માંડ અદિતી એ પોતાની જાત ને કાબુ કર્યા બાદ.
થોડીવાર પછી અવિનાશ બોલ્યા, ‘પ્લીઝ સાઈલેંટ લીસન કેરફુલી.’
સંજના અને મિસિસ જોશી અદિતીને સોફા પર બેસાડી માથા પર હાથ ફેરવ્યા બાદ આગ્રહ કરીને પાણી પીવડાવ્યું એ પછી અદિતી થોડી સ્વસ્થ થઇ.
સૌ ચુપ હતા એટલે ચુપકીદીને તોડતાં શેખર અવિનાશને સંબોધીને બોલ્યો,
‘સર આઈ થીંક કે હવે જે શરતોને આધીન આપ અદિતીને આપણી વચ્ચે લઇ આવ્યા હતાં એ શરતોની સમય મર્યાદા પૂરી થઇ જતાં હવે હું પૂછી શકું કે આપે અદિતીનું પગેરું કઈ રીતે શોધ્યું ?
અદિતી ક્યાં મળી આપને ?
કેવી રીતે ?’

એક ઊંડો શ્વાસ લઈને અવિનાશ થોડીવાર સુધી સૌની સામે જોયા કર્યું. પછી છેવટે અદિતીની સામે જોયું. પછી શેખરની સામે જોતા બોલ્યા...

‘હું અદિતીને નથી ઓળખતો.’

‘હું અદિતી ને નથી ઓળખતો.’

માત્ર આ પાંચ જ શબ્દના વાક્ય પછી સન્નાટાનો એક એવડો મોટો વિસ્ફોટ થયો જાણે કે આલોક અને શેખરના કાન બધિર, હ્રદયના ધબકારની ગતિ અનિયંત્રિત અને વિચારશક્તિ શૂન્ય થઇ ગઈ. સબ્ધતાથી શિથિલ થઈને આલોક થીજી ગયો. આલોક અને શેખર એક પુતળાની માફક સ્થિર બેઠેલી અદિતી ને બસ જોતા જ રહ્યા. શું બોલવું એનું કોઈને ભાન સુદ્ધા ન રહ્યું.
ડો. અવિનાશના શબ્દો કયાંય સુધી શેખર અને આલોકના કાનમાં પડઘાતા રહ્યા છતાં તેઓ સ્વીકારી નહતા શકતાં એટલે શેખરે કહ્યું,
‘સર આપ જે બોલ્યા એ ફરી બોલશો પ્લીઝ,’

‘હું અદિતીને નથી ઓળખતો અને હું ક્યારેય અદિતીને મળ્યો પણ નથી.’ ડો. અવિનાશ બોલ્યા.

વધુ આવતીકાલે.....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.