ક્લિનચીટ - 13 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્લિનચીટ - 13

પ્રકરણ- તેર/૧૩

થોડી ક્ષણો પહેલાંની વાતચીત દરમિયાન સાવ સામાન્ય વર્તુણકમાંથી અચાનક અદિતી ના બદલાયેલા ચહેરા પરના હાવભાવથી એવું પ્રતિત થઇ રહ્યું હતું ,જાણે કે કોઈ ધરાર ધરબેલી લાગણીના બહાર આવવા મથતા પ્રહારના શૂળની પીડાથી પીડાતી હોય એ હદે અદિતીના અસ્તિત્વને અસ્વસ્થ થતાં જોઇને થોડીવાર માટે શેખર પણ ડઘાઈ જતા વિચારવા લાગ્યો કે એવી તે કઈ વાત હશે કે આટલુ મક્કમ મનોબળ પણ એક ક્ષણમાં ડગી ગયું ?
તરત જ શેખર પણ બાલ્કનીમાં તેની સાથે ઊભો રહીને તેના સ્વસ્થ થવાની પ્રતિક્ષા કરતાં થોડી વાર પછી બોલ્યો,
‘વ્હોટ હેપન્ડ અદિતી. એનીથિંગ સીરીયસ ?’
પ્રત્યુતરમાં અદિતી એ માત્ર ના ની સંજ્ઞામાં ડોકું ધુણાવ્યું. શેખરને લાગ્યું કે હજુ નોર્મલ થવા માટે થોડો સમય લાગશે એટલે તે ચુપચાપ ઊભો રહ્યો. અદિતી ક્યાંય સુધી તેના ઊંડા મૌન અને ઊના અશ્રુઓની વચ્ચેની જુગલબંધીમાં દરદના સરગમની સુરાવલી સાંભળતી રહી. અને શેખર અટવાયો અસમંજસમાં.
પછી અશ્રુ ભરેલા ચહેરા પર કૃત્રિમ સ્માઈલ સાથે એક ઊંડો શ્વાસ ભરતાં શેખરની સામે જોઇને માત્ર આટલું જ બોલી શકી..

‘ચાઈ મળશે ?’
ગળગળો થયેલો શેખર પણ હસતાં ચહેરે માત્ર એટલું જ બોલી શક્યો ..

‘ચાઈની સાથે બીજું શું લઈશ ?’
મંદ સ્માઈલ સાથે અદિતી બોલી,

‘તારું દિમાગ’

અને પછી બન્ને હંસતા હંસતા રૂમમાં આવીને સોફા પર બેઠા અને આલોકને પણ અદિતી એ તેની પડખે બેસાડ્યો.
‘પ્લીઝ શેખર હું પહેલાં પાપા જોડે વાત કરી લઉં.’
એમ કહેતા અદિતી એ તેના પપ્પા વિક્રમ મજુમદાર સાથે વાર્તાલાપ શરુ કર્યો. આશરે ૨૦ મિનીટ ડીટેઇલમાં પપ્પા સાથે કોલ પર વાતચીત કર્યા પછી હવે અદિતી અલમોસ્ટ રીલેકસ ફીલ કરવા લાગી હતી.
ચાઈ પીતા પીતા અદિતી કૈક કહેવા જાય એ પહેલાં તેને લાગ્યું કે આલોક કૈંક કહેવા જઈ રહ્યો છે એટલે અદિતી એ પૂછ્યું, ‘હા, આલોક શું કહે છે તું ?’
‘આપણે જ્યાં ગયા હતા ત્યાં ફરી ક્યારે જઈશું ?’
‘ક્યાં આલોક ?’
‘મેં તમને રસ્તો બતાવ્યો’તો હતો ત્યાં ?’
‘પેલા ભાઈ એ તને કહ્યું’તું કે.. સલામ સાબ, ત્યાં ?’
‘હા, હા .. ત્યાં ?’
‘પણ તારે ત્યાં શા માટે જવું છે ?’
‘મને .. મને ત્યાં .. કામ હોય ને.’
અદિતી એ શેખરની સામે જોઇને સ્માઈલ કરતા આલોકને પૂછ્યું. ‘
હા, પણ શું કામ હોય ?’
‘એ.. તને ન ખબર પડે. પણ તું નહી લઇ જાય તો હું જતો રહીશ.’
‘અચ્છા ઠીક છે આપણે જઈશું ઓ.કે.’
‘હા, પણ આપણે બન્ને જ, પેલી છોકરી નઈ ?
‘કોણ, સંજના ?’
‘હા.’
‘કેમ ?’
‘તેને તો કઈ રસ્તાની ખબર જ નથી પડતી.. હું આમ કહું તો તે ઉંધી બાજુ જ ગાડી દોડાવે. સાવ ડોબી છે એ તો.’
ખડખડાટ હસતાં હસતાં બોલી...
‘ઓહ માય ગોડ. મારા આલોકડા હવે તને શું કહેવું ?
અદિતીને આટલી ખુશખુશાલ થઈને ખડખડાટ હંસતા જોઇને શેખર ખુશ થઈને બસ જોતો જ રહ્યો અને પછી પૂછ્યું, ‘અદિતી.’
‘હા, બોલો શેખર’
‘સાચું કહેજે. શું થયું છે કે તું કોલમાં વાત કરતાં કરતાં આટલી અપસેટ કેમ થઇ ગઈ ?’
થોડી સેકન્ડ્સ માટે ચુપ થઈને અદિતી બોલી, ‘ આજે ઘરની બહુ યાદ આવી રહી છે. એટલે... અને એક તરફ મારા ને આલોક વચ્ચેના આ અનબીલીવેબલ સિચુએશનને લઈને સૌ બહુ ટેન્શનમાં છે. માત્ર થોડા જ કલાકમાં મારા અને આલોકની વચ્ચે જે કેમિસ્ટ્રી ક્રિયેટ થઇ છે એ હું કોઈને કઈ રીતે સમજાવું ? હું ખુબ જ આસાનીથી તેઓને અમારાં બન્નેના રીલેશનની ગંભીરતા અને પરિપક્વતા ને સમજાવવામાં સફળ થઇ શકી હોત જો આલોક સંપૂર્ણ રીતે સભાન હોત તો. અત્યારે પણ લેશમાત્ર કોઈ જ ડીસ્પ્યુટ કે મનદુઃખ નથી. મારાં ને મારી ફેમીલી વચ્ચે આ સંબંધને લઈને તલભારના મતભેદને સ્થાન નથી પણ.. જો હું મારાં અતિવિશ્વાસની આડોળાઈમાં અંટાઈ ને શરતના રવાડે ચડી ન હોત તો આજે આલોક મારી પડખે ઊભો હોત. આ બધું જ મારી શેતાની શરતોનું પરિણામ છે’
ધીમી ધારે સરકતાં અશ્રુથી બન્ને ભીનાં ગાલને હથેળીથી લૂછતાં ગળગળા સ્વરે બોલી, ‘ અને આજે પપ્પા સાથે હું નહી અમે વાત કરતાં હોત. અને બન્નેના સહિયારા એકાકાર થયેલાં સંવાદના પડઘામાં પડઘાતી હોત અમારાં પ્રેમના ગરિમાના ગર્વની ગુંજ.’
અદિતી રડતી રહી અને શેખર એ અદિતીને પોતાની રીતે શાંત પડતી તેની અવસ્થાની વ્યવસ્થામાં ખલેલ કરવું યોગ્ય ન લાગ્યું.
થોડી વાર પછી શેખર બોલ્યો,
‘અચ્છા અદિતી એક વાત મારી સમજણમાં નથી આવતી કે અત્યાર સુધી તું ...’
આટલું બોલીને અટકી જતા શેખરને અદિતી એ કહ્યું.. ‘
‘શેખર તું ન કહે તો પણ મને તારા દિમાગમાં અવારનવાર અથડાતા અનેક સવાલો થી હું અજાણ નથી. મને અંદાજો છે. પણ.. શેખર હું કોઈને આધીન નહી પણ સ્વયં મારી જાતને શરતોમાં બાંધીને અહીં લઇ આવી છું. પણ આઈ એમ સોરી શેખર તારા પ્રશ્નોના પ્રત્યુતર માટે સમયમર્યાદા સુધી તો થોભવું જ પડશે, હું તારા એક નહી દસ સવાલોના જવાબ આપીશ પણ અત્યારે તું મારી મનોસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર બસ.’

બન્ને ની વાતો સંભળાતા સંભળાતા આલોક સુઈ ગયો.

૨૯ એપ્રિલની એ રાત્રે આલોક અને અદિતી બન્નેની સંવેદનાના શબ્દાર્થની લગભગ લગોલગ ચાલી રહેલા સંવાદો પર બંનેની મૂક સમંતિની મહોરને પ્રથમ અધિકૃત રીતે કોણ અંકિત કરે ? એવી અસમંજસને સંક્ષિપ્ત સમય માટે હાંસિયામાં હડસેલીને એક અડગ આત્મવિશ્વાસથી માત્ર એક શરતના રૂપમાં રચેલી એ અલ્પવિરામની વ્યૂહ રચના હવે આજે સૌને ફંસાવેલાં એક વિરાટ ચક્રવ્યૂહના સ્વરૂપ માં દેખાઈ રહી છે. હુકમના પાના જેના તાબેદાર હતા તે આજે હુકમના ગુલામ બની બેઠા છે.

થોડીવાર બાદ શેખર વાતનો વિષય બદલાવતાં બોલ્યો,

‘અદિતી આજે આલોકની આ રીતની પોઝીટીવ સાઈનને ધ્યાનમાં રાખીને આપણે કોઈ સોલીડ આઈડીયાનો પ્લાન ન ઘડી શકીએ ? ’
‘હ્મમ્મ્મ્મ..., ચલ બન્ને મળીને કૈક વિચારીએ. પણ શેખર એ પહેલાં આજે મને તારા વિષે જાણવાની ઈચ્છા છે. તો કૈંક કહે.

અને એ બાબતે તો આપણી વચ્ચે કોઈ શરત અથવા ટર્મ એન્ડ કંડીશન એપ્લાય નથી ને ..’
બોલતા અદિતી હસવા લાગી .
‘શું કહું બોલ ? શું જાણવું છે ?’
‘અચ્છા ચલ એ કહે કે માની લે આલોકની જગ્યા એ તું હોય તો શું કરે ? સાચે સાચું કહેવાનું હો.’
‘જો તું અને હું મળ્યા હોત તો તું બીલીવ નહી કરે અત્યારે આલોકની જગ્યા એ તું પડી હોત. ’
‘ઓહ માય ગોડ..’ બન્ને પણ ખુજ હસ્યા .. અદિતી માંડ માંડ હસવું રોકીને બોલી
‘પણ કેમ એવું ?’
‘એનું કારણ છે કેમ કે હું લાઈફમાં ખુબ જ પ્રેક્ટીકલ છું. આ પ્રેમ નામનું ભૂત તો મારું નામ સાંભળીને જ છુમંતર થઇ જાય.અને આમ પણ મારી લાઈફનો ફંડા કૈક હટકે જ છે. મેં મારી લાઈફની ડીસ્ક્નરીમાં થી ટુમોરો વર્ડ હંમેશ માટે ડીલીટ કરી નાખ્યો છે. હું કાયમ આજમાં જ જીવું છું. આ પળમાં જીવું છું. શું ખબર કે એક ક્ષણમાં પણ શું થઇ જાય ? જો લાઈફને સમજવા જશો તો માણશો ક્યારે ? જ્યાં છો જે હાલમાં છો, બસ એ ક્ષણ ને જીવી લો. બાકી બધું એ ઉપરવાળો જાણે.’
‘અરે..પણ તો તું લગ્ન કોની જોડે કરીશ ?’
‘કોઈ ને કોઈ તો ઘડી હશે ને ઈશ્વરે મારાં જેવી પાગલ કે જેના નામથી પણ પ્રેમનું ભૂત ભાગતું હશે આવી કોઈ ભટકાઈ જશે તો કરી લઈશ લગ્ન હા.. હા.. હા.
પ્રેમ થાય તો ક્ષણમાં થાય અને ન થાય તો સદીઓમાં પણ ન થાય.’
પણ અદિતી તને આ એલિયન સાથે કઈ રીતે પ્રેમ થઇ ગયો ?’

‘બસ તે જે રીતે જેમ તે હમણાં કહ્યું એમ... એક પળમાં.આલોકની સાથે કોને પ્રેમ ન થાય ?
એટલો હેન્ડસમ અને માસૂમ છે કે કોઈપણ આલોકમાં સ્વયંના પ્રેમનું પ્રતિબિંબ આસાનીથી જોઈ શકે. કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પ્રેમ કરે એ એક સામાન્ય ઘટના છે. પણ કોઈ પુરુષ માત્ર બે-ચાર કલાકોની મુલાકાતમાં પોતાનું અસ્તિત્વ મિટાવવાની હદ પાર કરીને પ્રેમ કરે એ તો પ્રેમની દુનિયાની એક સૌ થી મોટી વિરલ ઘટના કહેવાય શેખર. પહેલાં હું આલોકને ફક્ત પ્રેમ કરતી હતી હવે પૂજા કરું છું.’
‘સાચું કહું અદિતી, તમારાં બન્નેનો પ્રેમ જોઇને આજે મારા મતે પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ ખરેખર. માન ગયે ગુરુ. પણ જેટલી પ્રતિક્ષા આલોકના નોર્મલ થઇ જવાની છે એથી વધુ પ્રતિક્ષા મને એ વાતની છે કે તે જે મક્કમતાથી એટલી મોટી શરત રાખ્યા પછી તે એકવાર પણ આલોક વિશે કશું જાણવાની કોશિષ ન કરી અદિતી..... આઈ એમ સોરી. ’

‘પ્લીઝ ડોન્ટ સે સોરી. તારાં દરેક સવાલના જવાબમાં હું અત્યારે માત્ર એટલું જ કહીશ કે તું જે સાંભળી રહ્યો છે, જે જોઈ રહ્યો છે અને જે સમજવાની મથામણ કરી રહ્યો છે, એ બધું જ એક અર્ધસત્ય છે. આલોકની માનસિક અવસ્થાની માફક. જે દિવસે એ સંપૂર્ણ માનસિક રીતે સ્વસ્થ થઇ જશે તે દિવસે કદાચ તું સત્ય સાંભળી કે સ્વીકારી નહીં શકે. કારણ કે આલોકના નોર્મલ થઇ ગયા બાદ પણ કૈક સવાલ એવા સામે આવશે કે જેનો જવાબ ઈશ્વર પાસે પણ નહી હોય. તું તારી જગ્યા એ સાચો જ છે પણ પ્લીઝ ટ્રસ્ટ મી ફોર મોર ફયુ ડેય્સ.’

‘ઠીક છે અદિતી આજ પછી હું તને કોઈ સવાલ નહીં પૂછું. એ એટલાં માટે કે હવે મને એવો ભાસ થઈ રહ્યો છે કે રહસ્યના સત્યનું કદ મારી વિચારશક્તિથી અનેક ગણું વિરાટ છે. ઠીક છે અદિતી, તુ આરામ કર, ગૂડ નાઈટ.’
‘ગૂડ નાઈટ શેખર.’

નેક્સ્ટ ડે રાત્રે ૯ વાગ્યાના સમયની આસપાસ શેખરએ ઘરે આવતાં જ અદિતી સાથે મળીને બન્ને એ નક્કી કરેલી વ્યૂહરચના મુજબ બધી તૈયારી પૂરી કરી લીધી.

અદિતી એ આલોકના રૂમમાં જઈને જોયું તો આલોક તેના રૂમમાં સોફા પર આંખો બંધ કરીને બેઠો હતો ત્યાં હળવેકથી નજદીક જઈને અદિતી એ જ્યાં તેના રેશમી દુપટ્ટાથી આલોકનો ચહેરો ઢાંકયો ત્યાં જ આલોક બોલ્યો...
‘અરે આ શું કરે છે ?’
‘કેમ, બસ તને હેરાન કરવાનું મન થયું એટલે .. એ પણ મારે તને પૂછીને કરવાનું એમ ?’
પછી આલોકના ખોળામાં બેસીને બોલી.
‘આલોક ચાલને આજે ડીનર માટે કોઈ રોમેન્ટિક ડેસ્ટીનેશન પર જઈએ.’

અદિતીના આ નવા રૂપની અસમંજસને સમજવા અને સમજાવવાની આલોકની અસમર્થતાની ગડમથલને અદિતી, આલોકની આંખોમાં સ્પષ્ટ જોઈ રહી હતી. આલોક એ જયારે તેની અવ્યક્ત ઉર્મીઓના શબ્દાર્થને સહજતાથી અદિતીની મુલાયમ હથેળીઓમાં હળવા સ્પર્શના સ્વરૂપમાં સરકાવી ત્યારે અદિતીને તેના સ્વપ્નના અનુમાનિત સ્નેહચિત્રને સ્પન્દનો થકી એક સરસ મજાનું મનગમતું સાનિધ્ય સાંપડી ગયાનો સંદેશ અદિતીની ભીની આંખોની કોરમાં વંચાઈ રહ્યો હતો.
હવે મૌનની પાશ્ચાત્યભૂમિમાં આલોક અને અદિતી બન્ને પરસ્પર ધીમે ધીમે એકબીજાના અવિરત ચક્ષુ વાર્તાલાપથી એક અનન્ય અનંત પ્રેમકથાના પ્રસ્તાવનાની પૂર્વભૂમિકાના પ્રારંભની પહેલ ચુક્યા હતા.
એક એક ક્ષણ જોડીને સજાવેલા આ અસંખ્ય ક્ષણોના એક વિરાટ સંપુટ સમાન ભવ્ય અને દિવ્ય સ્નેહાધીન પ્રથમ મધુર મિલનનું આ દ્રશ્ય દ્રષ્ટિમાન થતાં શેખરની ગતિ ને મતિ પણ થોડી ક્ષણો માટે સ્થિર થઇ ગઈ.

અચાનક અદિતીની નજર શેખર તરફ જતા તરત જ તે પોતાના તન અને મનની સ્થિતિને સામાન્ય કરવાની ચેષ્ઠા કરવા જ જતી હતી ત્યાં જ શેખર આ ગતિવિધિથી પોતે જાણે સાવ જ અજાણ્યો છે એમ વર્તન કરતાં બોલ્યો..
‘અરે ભાઈ ચલો ને હવે કેટલી વાર છે ? ડીનર માટે મોડું થઈ રહ્યું છે હવે. ભૂખ નથી લાગી કે શું ?’
‘શેખર ડોકટર અવિનાશ સાથે તારી વાત થઇ ગઈ છે ને ?’આવું અદિતી એ પૂછ્યું
‘હા હા થઇ ગઈ છે હવે ચલો’
‘હા..ચલો ચલો.’
શેખર ડ્રાઈવીંગ સીટ પર ગોઠવાઈને અદિતીની સામે સ્માઈલ સાથે ઈશારો કરીને બોલ્યો,
‘આલોક તું અહીં આગળની સીટ પર આવીજા મારી જોડે.’
‘હું .. હું અહીં પાછળ બેસીશ અદિતીની બાજુમાં.’
એટલે શેખર અને અદિતી ખુબ હસ્યા.આલોક અને અદિતી બેક સીટ પર બેઠા પછી કાર સ્ટાર્ટ કરતાં શેખર બોલ્યો, ‘સાલા કમીના યાર હૈ ?’
જવાબ આપતાં અદિતી બોલી..
‘કમીના હૈ, ફિર ભી પ્યારા હૈ. ઔર મેરા હૈ.’

‘અદિતી તારાં પર પેલી એડ પરફેક્ટ સુટ થાય છે હો.’ શેખર બોલ્યો
‘કઈ ?’
‘ટેઢા હૈ પર મેરા હૈ.’

બન્ને હસ્યા.
રેસ્ટોરેન્ટ પહોચ્યા ત્યાં સુધી આલોક એ અદિતીનો હાથ પકડી રાખ્યો.
સાઉથ ઇન્ડિયન સ્વાદ રસિકોની ફર્સ્ટ ચોઈસ એટલે બેન્ગ્લુરુ શહેરની “તાઝા થીન્ડી” રેસ્ટોરેન્ટ. શેખર એ અગાઉ થી કોલ કરીને સ્પેશિયલી એક કોર્નરનું ટેબલ ગાર્ડનમાં બૂક કરાવ્યું હતું. ત્યાં અદિતી અને આલોક એ સ્થાન લીધું અને શેખર એ કહ્યું,
‘હું જસ્ટ આવ્યો. ત્યાં સુધીમાં તમે ઓર્ડર આપો.’
૧૦ થી ૧૫ મિનીટ પછી પણ શેખર ન આવ્યો એટલે આલોક એ અદિતીને પૂછ્યું, ‘શેખર કેમ નથી આવતો. બોલાવને એને ?’
‘એ આવશે હમણાં મને કહીને ગયો છે કે કઈ કામ છે એટલે આવું છું થોડી વારમાં’
થોડી જ ક્ષ્રણોમાં રેસ્ટોરેન્ટના એક સ્ટાફ મેમ્બરે આવીને આદર અને વિવેકથી આલોકના હાથમાં મેરીગોલ્ડ ફ્લાવરનું બૂકે આપતાં કહ્યું..
‘વેલકમ સર, વેલકમ મેડમ.’
‘થેંક યુ,’ અદિતી એ આભાર માનતા કહ્યું
‘આ.. આ.. તો મેં આપ્યું હતું એ જ છે ને, અદિતી ?’
‘તેં ? તેં ક્યારે આપ્યું હતું ? કોને આપ્યું હતું ?’
‘તને જ તો આપ્યું હતું કેમ ભૂલી ગઈ ? તે દિવસે.’
‘ક્યા ? રેસ્ટોરેન્ટ માં ?’
‘એ કદાચ હા.. પણ યાદ નથી પણ આપ્યું’તું પણ તું કેમ ભૂલી ગઈ ?
કઈ રેસ્ટોરેન્ટમાં ?’
આલોક એ તેની યાદદાસ્તને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો પણ કશું જ સુજ્યું નહી
ત્યાં જ વેઈટર એ આવીને રેડ બૂલ ડ્રીંક્સના બે ટીન સર્વ કર્યા ત્યારથી બસ... અદિતી એ નોટ કર્યું કે આલોકના એક્સપ્રેશ્ન્સ બદલાઈ ગયા થોડા સમય પહેલાં સાવ નોર્મલ લાગતો આલોક થોડો નર્વસ અને મુંજાયેલો લાગવા માંડ્યો. થોડી થોડી વારે બસ રેડ બૂલ ડ્રીંક્સના ટીનને જ ટગરટગર જોયા કર્યો. એટલે બંને ટીન ઓપન કરીને અદિતી એક ટીન આકોલના હાથમાં આપી અને તેનું ટીન ટચ કરીને બોલી,

‘હેય્ઈઈઈ.. ચીયર્સ આલોક.’’

હવે ધીમે ધીમે આલોકને વર્તમાન સમય અને સ્થળની વિસ્મૃતિ થઇ રહ્યાનો આભાસ થવા લાગ્યો અને ભૂતકાળના કોઈ ભયંકર ભૂતાવળની માફક વિચારોનું એક ઝુંડ તેના મન મસ્તિસ્ક પર તાંડવ કરતું હોય એવી ફીલિંગ્સથી તેના શરીરમાં એક ઝીણી કંપારી પસાર થવા લાગી.
‘આલોક, આર યુ ઓ.કે. ? શું થાય છે તને ?’
‘આપણે ક્યાં છીએ, અદિતી ?’
‘રેસ્ટોરેન્ટમાં ?’
‘આપણે પહેલાં પણ આવ્યા હતા અહીં’
‘કયારે ?’
‘ત્યારે તું..’ આલોક આગળ કશું બોલે ત્યાં જ મ્યુઝીક સીસ્ટમ પર સોંગ પ્લે થયું..
”આગે ભી જાને ના તું .. પીછે ભી જાને ના... “
રેડબૂલનું ટીન આલોકના હાથમાં એમ ને એમ જ રહી ગયું એ જ મુદ્રામાં આલોક થંભી ગયો.

મસ્તિષ્કમાં ધીમી ગતિએ શરુ થયેલા દર્દની માત્રા હવે ગતિ પકડી રહી હતી.
‘અદિતી મને.. મારા માથામાં કૈંક... મને હવે... કોઈ મને..’ આલોક કોઈ એક વાક્ય પુરું નહતો કરી શકતો. કોઈ તેને એક તરફ તો કોઈ બીજી તરફ ઢસડી રહ્યું હોય અને કોઈ જાયન્ટ વ્હીલમાં બેસાડીને અનિયંત્રિત ગતિથી ઉપર નીચે ફંગોળતું હોય એવી પ્રતિતી થવા લાગતા તેના બન્ને હાથ લમણા પર પૂરી તાકાતથી દબાવીને માથું ટેબલ પર ઢાળી દેતા એક ચીસ પાડી.. ‘અદિતીતીતીતીતી.................’.

એ ચીસ સાથે જ શેખર દોડતો આવ્યો અને આજુબાજુના કસ્ટમર્સ પણ ચોંકી ઉઠ્યા.
હોટલનો સ્ટાફ પણ મદદ માટે દોડી આવ્યો. અદિતી અને શેખરે આલોકને ઉઠાડવાની કોશિષ કરી પણ સફળ ન થયા એટલે સ્ટાફને આરામથી તેની કાર સુધી આલોકને લઇ જવાની સૂચના આપતાં હળવેથી સાંચવીને કારની બેક સીટમાં સુવડાવ્યો અને અદિતી ફ્રન્ટ સીટ પર આવતાં શેખર એ કાર ઘર તરફ હંકારી મૂકી.
શેખર અને અદિતી એ ડોકટર અવિનાશ સાથેના કરેલાં કન્વર્શેશન બાદ સુનિયોજિત રીતે ઘડી કાઢેલા પ્લાન મુજબ ટાઈમ મશીનના કાંટાને ઉલટી દિશામાં ઘુમાવીને અદ્દલ ૨૯ એપ્રિલની ઘટનાને અનુરૂપ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ વાતાવરણના માહોલ થકી સ્ક્રીપ્ટેડ પ્રિપ્લાનના એક એક દ્રશ્યને બેકવર્ડ કરવાની કોશિષના અંજામના અંતે આલોકની આ પરિસ્થિતિ સર્જાયા બાદ હવે શું પરિણામ આવશે તેના માટે શેખર અને અદિતી બન્ને એક અજંપા ભર્યા ઉચાટમાં ક્યાંય સુધી સાવ ચુપ રહ્યા.
પછી અદિતી બોલી, ‘શેખર તને લાગે છે કે અત્યારે ડોક્ટર અવિનાશને કોલ કરવો જોઈએ ?’
‘ના, હમણાં નહીં જ્યાં સુધી આલોકનું કોઈ રીએક્શન ન આવે ત્યાં આપણને કઈ રીતે ખબર પડશે કે આપણે આપણા મિશનમાં સકસેસ થયા છે કે નહીં, અને થયા છીએ તો ફોરવર્ડ કે બેકવર્ડ, પ્લસ કે માઈનસ શું ખબર ? હવે આલોક ભાનમાં આવીને કશું બોલે ત્યારે જ ખ્યાલ આવે. આપણે હિંમત કરીને અંધારામાં તીર તો છોડી દીધું છે. હવે ધાર્યું ધણીનું જે થાય એ સાચું.’

ઘરે આવીને આલોકને એ જ પરિસ્થિતિમાં તેના બેડ પર સુવડાવ્યો. હવે આવનારા કોઈ પણ હદના પ્લસ, માઇનસ પરિણામ માટે માનસિક તૈયારી સાથે અદિતી તેના રૂમમાં જવા લાગી અને શેખર એ પણ આલોકના રૂમમાં જ માનસિક થાક સાથે સુવાનો પ્રયત્ન કર્યો.

અદિતી અને શેખર બન્નેને હતું કે આવતીકાલનો સૂર્યોદય માત્ર સવાર નહી પણ સવારની સાથે સાથે કૈક સવાલોનો પણ સૂર્યોદય લઈને ઉગશે. અને જો ઈશ્વરકૃપા થાય તો કદાચ તમામ સવાલોને હમેંશ માટે સુર્યાસ્તનું સ્વરૂપ પણ આપી શકે. ક્ષણ પ્રતિક્ષણ ધારણા, શંકા- કુશંકા, ભય, અજંપો, વિમાસણ, જેવા આડેધળ ઉગી નીકળતા અસંખ્ય વિચારોના ઘનઘોર વનમાંથી બન્ને રાતભર પસાર થતાં રહ્યા.

વહેલી સવારે ૬:૧૦ ની આસપાસ અચનાક શેખરની આંખ ઉઘડતા જ પહેલી નજર આલોકના બેડ તરફ જતા જ ફાળ પડી. આલોક બેડ પર નહતો એટલે સફાળો બેડ પરથી ઉઠીને આજુબાજુ નજર કરી પણ ન દેખાયો.

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.