Angarpath - 58 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૫૮

અંગારપથ.

પ્રકરણ-૫૮.

પ્રવીણ પીઠડીયા.

દૂર્જન રાયસંગા હજું ગોવામાં જ હતો એ સમાચારે કમરામાં ઉત્તેજના ભરી દીધી. વીલીએ સચોટ માહિતી પહોંચાડી હતી કે ’જૂલી’ નામની યોટ હજું જેટ્ટી ઉપર જ બંધાયેલી છે અને તેમા કંઈક ગડમથલ ચાલી રહી છે. લોબોએ વીલીને સુચના આપી કે તે સાવધાની પૂર્વક યોટ ઉપર ધ્યાન રાખે અને એ લોકોની નજરે ચડયાં વગર ત્યાંની પળપળની ખબર આપતો રહે.

હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું કે રક્ષાને દોઝખની યાતના આપનાર દેસાઈ નહી પરંતુ દૂર્જન રાયસંગા હતો. તેણે દેસાઈનો અને તેની યોટનો બરાબર ઉપયોગ કર્યો હતો.

સમગ્ર ઘટનાક્રમ અભિમન્યુનાં મનમાં સ્પષ્ટ રીતે ઉજાગર થયો હતો. રક્ષાની મિત્ર જૂલીયાએ ’ગોલ્ડનબાર’માં રક્ષાને રાયસંગા વિશે જણાવ્યું હતું જેના કારણે તે બન્ને ઉપર જીવનું જોખમ ઉભું થયું હતું. જૂલીયાને તો રાયસંગાએ રોબર્ટ ડગ્લાસ દ્વારા મરાવી નાંખી હતી પરંતુ એ દરમ્યાન રક્ષા ચેતી ગઈ હતી અને ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. ડગ્લાસે તેની જબરી શોધખોળ આદરી હતી પરંતુ એ તેના હાથ લાગી નહોતી. પછી કંઈક એવું બન્યું હશે કે જેના કારણે રક્ષા રાયસંગાની ચંગૂલમાં ફસાઈ ગઈ હશે અને એણે તેને બેરહમીથી મારીને સમૃદ્રમાં ફેંકી દીધી હશે. એ કેમ કરતાં થયું અને રક્ષા કેવી રીતે રાયસંગા સુધી પહોંચી એ તો હવે ખુદ રાયસંગા જ કહી શકે તેમ હતો અને એ જાણવાં માટે અત્યારે તેના સુધી પહોંચવું જરૂરી હતું. જો એક વખત તે ગોવા છોડીને ભાગી ગયો તો પછી તેને પકડવો મુશ્કેલ બનવાનું હતું કારણ કે આવાં લોકોનાં છુપાવાનાં ઘણાં ઠેકાણાં હોય છે. ભારતની સિમાની અંદર તેને દબોચી લેવો જરૂરી હતો નહીતર પછી એ કામ અઘરું બનવાનું હતું અને અભિમન્યુ એવું કંઈ થાય એ સાંખી લેવા બીલકુલ તૈયાર નહોતો.

“હું તેની પાછળ જઈશ.” તેણે ફેંસલો સુણાવ્યો અને ઉભો થયો. તેના તેવર ડરામણાં હતા. તે હવે કોઈના રોકયેથી રોકાવાનો નહોતો. અને એ બાબતની સૌથી વધારે બીક લોબોને હતી.

“હું પણ સાથે આવીશ.” એકાએક ચારું પણ ઉભી થઇ ગઇ હતી.

“તમને બન્નેને આ કોઈ રમત લાગે છે? અને અભિ, તારી હાલત તો જો! સરખો ઉભો પણ નથી રહી શકતો અને દૂર્જન રાયસંગાનો સામનો કરવાની વાત કરે છે. અરે એ બધું છોડ, તને એવું કેમ લાગ્યું કે હું તને તેની પાછળ જવા દઈશ? જે કરવાનું છે એ હું અને દેસાઈ સર આપસમાં મસલત કરીને નક્કી કરીશું, તમારે હવે કંઈ જ કરવાનું નથી. તમારે લીધે ગોવાએ ઘણું ભોગવ્યું છે પણ હવે નહી. સમજ્યાં?” લોબોનો પારો એકદમ જ ઉછળી પડયો. તેને આ જ બીક હતી. અભિમન્યુનું રાયસંગાની પાછળ જવું મતલબ વધું એક ભયાનક જંગનાં મંડાણ થવા… વધું એક કમઠાણ સર્જાવી.

“તેની વાત સાચી છે. એ મામલો અમારા પર છોડી દે.” દેસાઈએ પણ લોબોનાં સૂરમાં સૂર પુરાવ્યો. અહી થતી ચર્ચાઓ તેને અકળાવતી હતી કારણ કે આ કોઈ સામાન્ય મસલો નહોતો. એક ખોટું પગલું તેની નિવૃત્તી બગાડવા સક્ષમ હતું.

પરંતુ અભિમન્યુ એ સાંભળીને તપી ગયો હતો. તેણે એવી ધારદાર નજરોથી લોબો સામું જોયું કે લોબો સહમી ગયો. એ નજરોમાં સ્પષ્ટ સંદેશ હતો કે તે હવે કોઈનું માનવાનો નથી. તેને રોકવાની તાકત પણ કોઇનામાં નહોતી. એક જંગ તેણે શરૂ કરી હતી એનો ખાત્મો પણ તે પોતેજ કરવાં માંગતો હતો. લોબો વિચારમાં પડયો. એક રીતે એ ઉચિત જ હતું કારણ કે રાયસંગા જીવતો પકડાયો તો ચોક્કસ તે પોતાની લાગવગ અને દાવપેંચ વાપરીને ટૂંક સમયમાં બહાર નિકળી આવે અને ગુનાખોરીની દુનિયાનો એક અધ્યાય નવેસરથી શરૂ થાય. દૂર્જન રાયસંગા જેવા વિક્રૃત માનવીઓ માટે તો અભિમન્યુ જ એક અક્સિર હથીયાર હતો. વળી એવું કરવામાં જો કોઈ તકલીફ ઉદભવે તો તે ક્યાં નહોતો! કોઈપણ ભોગે તે અભિમન્યુને બચાવી શકવાં સમર્થ હતો જ ને.

“હું કોઈ સુઝાવ આપું?” દેસાઈ થોડો આગળ આવ્યો અને બધા ઉપર નજર ફેરવી. કોઈ બોલ્યું નહી એટલે તેણે ગળું ખંખેર્યું. તે કંઈક જુદુ વિચારતો હતો. “આઈ થિંક કે અભિમન્યુ યોગ્ય કહે છે. થોડા સમય માટે ક્યારેક આપણે કાયદો, કાનૂન, નીતીમત્તા જેવી ચીજોને સાઈડ પર મૂકીને પણ વિચારવું જોઈએ. રાયસંગા જેવા હાથીને પછાડવાં માટે તેની સામે ’મેમથ’ જોઈએ જ. તે ભલે જતો. આપણે અહીનું સંભાળીશું અને અભિમન્યુ રાયસંગાને સંભાળી લેશે.”

“માયગોડ સર, આ તમે કહો છો?” લોબો પોતાના બોસ તરફ અવિશ્વાસભરી નજરોથી તાકી રહ્યો. પહેલા પોતાના પક્ષે હાં પાડી અને હવે તેઓ પાટલી બદલી રહ્યાં હતા એની તાજ્જૂબી તેને થતી હતી.

“ક્યારેક આઉટ ઓફ ધ વે જઈને પણ વિચારવું જોઈએ લોબો. જો દૂર્જન ભાગી ગયો તો પછી ક્યારેય તે આપણાં હાથમાં આવવાનો નથી. નાહકનાં તેને પકડવાની જહેમત ઉઠાવવી અને પછી અદાલતમાં તેના ગૂનાહ સાબિત કરવાની કસરતમાં પડી સમય બગાડવો તેના કરતાં અભિને જ એક તક આપીએ એ સારું રહેશે. બરાબરને અભિં” દેસાઈએ અભિમન્યુની સામું જોયું.

અભિમન્યુ શું બોલે? તેને એટલું જ જોઈતું હતું. તેના જડબા સખ્તાઈથી ભિંસાયા અને તેણે ચારુનો હાથ પકડ્યો. એક નજર લોબો અને દેસાઈ ઉપર નાંખી નાખીને… મક્કમ ચાલે કમરાની બહાર નિકળી ગયો. બીજી કોઈ બહેસ થાય અને તેમનો નિર્ણય ફેરવાઈ જાય એ પહેલા તેણે અહીથી ચાલ્યાં જવું મુનાસીબ માન્યું. દેસાઈ અને લોબો તેની પીઠને જોઈ રહ્યાં. એ બહાર નિકળ્યો પછી દેસાઈ લોબો તરફ ફર્યો. તેના ચહેરા ઉપર હળવી મુસ્કાન હતી.

“સર, આ યોગ્ય નથી થયું.” લોબોને દેસાઈનો નિર્ણય સહેજે પસંદ આવ્યો નહોતો.

“લોબો… તારો આ મિત્ર મને પસંદ છે. આવાં મર્દ માણસો આપણાં ડિપાર્ટમેન્ટમાં હોવા જોઇએ. જેના નામ માત્રથી દુશ્મનો થરથર કાંપવાં લાગે એવા ઝાંબાજ સિપાહીઓની આપણાં દેશને સખત જરૂરત છે. અને તું શું માને છે, એ તારા અને મારા કહ્યાંથી એ રોકાયો હોત? તું એની ફિતરત જાણે છે છતાં ફિકર કરે છે?”

“હું તેની ફિતરત જાણું છું એટલે જ કહું છું કે પછી તેને રોકવો અઘરો પડશે. તેના કારણે જે વંટોળ ઉદભવશે એ સામાન્ય નહી હોય. એનો જવાબ આપવો પડશે.”

“એ જવાબ આપણે આપીશું, હું અને તું ભેગા થઇને આપીશું! જે ક્યારેય નથી થયું એ હવે કરીશું. તું અત્યારથી જ તૈયારીમાં લાગી જા. બાકીનું બધું મારાં પર છોડી દે. તને અને અભિમન્યુને ઊની આંચ પણ નહી આવે એનું હું વચન આપું છું. ડિપાર્ટમેન્ટની નોકરીમાં એટલો રૂતબો તો કમાયો જ છું કે તમને બન્નેને બચાવી શકું.” દેસાઈનો સ્વર આત્મવિશ્વાસથી છલકાતો હતો. તેણે એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને લોબો તરફ જોયું. એ નજરોમાં કંઈક એવું હતું કે લોબોએ આગળ દલીલો કરવાનું માંડી વાળ્યું. દેસાઈનાં અવાજમાં જે રણકો હતો એ ઘણાં લાંબા સમય બાદ તેણે અનુભવ્યો હતો. દેસાઈની ગરદન ટટ્ટાર હતી, ચહેરા ઉપર મક્કમતા તરવરતી હતી. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટમાં તેણે લગભગ ત્રીસ વર્ષ ગાળ્યાં હતા. આ ત્રીસ વર્ષોમાં તે એક સામાન્ય વ્યક્તિમાંથી ડિપાર્ટમેન્ટનો હેડ બન્યો હતો. આ સમય દરમ્યાન ગોવાની આબોહવાને તેણે બહું નજીકથી મહેસૂસ કરી હતી અને શહેરની ફિતરતથી બરાબર વાકેફ થયો હતો. આજે સમય આવ્યો હતો જ્યારે તે પોતાની ઓળખાણ, પોતાની લાગવગનો યોગ્ય ઠેકાણે ઉપયોગ કરી શકે. તે પોતે કોઈ નખશિખ ઈમાનદાર વ્યક્તિ ન હતો. તેણે પણ આ ધંધામાં પોતાના હાથ કાળા કર્યાં જ હતા અને શક્ય હોય એટલી દોલત એકઠી કરી જ હતી પરંતુ, દિલનાં કોઈક ખૂણે તેને આ બધું ચચરતું હતું. એક અપરાધભાવ સતત તેના મનને કોરી ખાતો હતો. એ અપરાધભાવમાંથી મુક્ત થવાનો એક સોનેરી અવસર અત્યારે અચાનક તેની સામે આવીને ઉભો હતો. તે મુરખ નહોતો કે આ અવસરને ગુમાવી દે. તેણે મન મક્કમ કરી લીધું હતું. ગોવા ઉપર ચાલતી ડ્રગ્સ કાર્ટેલની હુકુમતને નેસ્તો-નાબૂદ કરવાનો મનસૂબો તેના મનમાં ઘડાઈ ચૂક્યો હતો. અભિમન્યુનાં કારણે વર્ષો બાદ તેમને પોતાની નોકરી ઉપર ગર્વ મહેસૂસ થાય એવું કામ કરવાનો મોકો મળ્યો હતો જે હવે તેઓ ગુમાવવા માંગતા નહોતાં.

“આપણી પાસે એવા કેટલાં અફસરો છે જેની ઉપર સંપૂર્ણપણે ભરોસો મૂકી શકાય?” તેમણે લોબોને પૂછયું. એ પ્રશ્ન સાંભળીને લોબો હસ્યો. એ હાસ્યનો મતલબ દેસાઈ સમજ્યો. “તારી ટીમને કહે કે રેડી થઈ જાય. આજનો દિવસ બહું બિઝી રહેવાનો છે.”

“ઓકે સર.” લોબોનો ચહેરો ખીલી ઉઠયો. તેના જીગરમાં પણ જોમ ઉભરાયું. પલંગ ઉપરથી ઉભા થઇને નાચવાનું મન થતું હતું પરંતુ પછી પોતાની હાલત જોઈને એ વિચાર માંડી વાળ્યો. તેણે પોતાની ટીમના સભ્યોને ફોન કરવાનું શરૂ કર્યું અને જ્યારે ફોન મૂકયો ત્યારે લગભગ બાવીસ અફસરોનો કાફલો તૈયાર થયો હતો. તે ખૂદ એ ટીમને લીડ કરવાનો હતો. તેણે પલંગ ઉપર બેઠા બેઠા જ ક્યાં ક્યાં રેડ પાડવાની છે અને કોને કોને ગિરફ્તમાં લેવાનાં છે એ આખો પ્લાન તૈયાર કર્યો. સવારનાં લગભગ સાત વાગ્યાં સુધી એ ગડમથલ કરતો રહ્યો અને પછી ઉભો થયો ત્યારે તેના ચહેરા ઉપર એક મક્કમતા તરવરતી હતી… ગોવાને ડ્રગ્સની ચૂંગલમાંથી છોડાવવાની મકકમતા. તેણે તેનો જખ્મ તપાસ્યો અને ડોકટર પાસે તેનું પરફેક્ટ ડ્રેસિંગ કરાવ્યું. દુખાવો ન થાય એ માટે પેઈન કિલર ઈન્જેકશન લીધું. હવે કમસેકમ એક દિવસ માટે તે ગમે તેવી જંગ લડવા તૈયાર હતો.

એ દરમ્યાન દેસાઈએ પોતાના સોર્સ કામે લગાડ્યાં હતા. સૌથી પહેલો ફોન તેમણે દિલ્હી લગાવ્યો હતો. દિલ્હી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનાં હેડ મનપ્રીત ચઢ્ઢાને સમગ્ર હકીકતથી વાકેફ કરીને તેમની પાસેથી ફૂલ પરમીશન માંગી. મનપ્રીત ચઢ્ઢા આ બાબતમાં કટ્ટર આદમી હતો. તેણે દેસાઈને પોતાનાથી શક્ય હોય એટલી મદદની ધરપત આપી. મામલો બહું નાજૂક હતો અને સહેજે માહિતી ’લીક’ થાય તો તેમનો હોદ્દો દાવ પર લાગે એમ હતો છતાં તેમણે એ જોખમ ઉઠાવ્યું હતું. દેસાઈને તો એટલું જ જોઈતું હતું. ફોન મૂક્યો ત્યારે તેમનો ચહેરો આત્મવિશ્વાસથી છલકાતો હતો. લોબોએ એ જોયું અને જોશભેર એક ઉંડો શ્વાસ લીધો. તે કમરાની બહાર નિકળ્યો ત્યારે ગોવાની ધરતી ઉપર એક નવા અધ્યાયની શરૂઆત થવાનાં બ્યૂગલો ફૂંકાઈ ચૂક્યા હતા.

@@@

“મને એમ હતું કે તું મને સાથે આવવાની નાં પાડીશ.” ચારું બોલી ઉઠી. તેઓ લોબોની કાર લઈને નિકળ્યા હતા અને એ તેને ડ્રાઈવ કરતી હતી. ખૂલ્લા રોડ ઉપર ફૂલ સ્પીડમાં તે કાર ચલાવી રહી હતી કારણ કે જેટ્ટીનો રસ્તો ઘણો લાંબો હતો.

“તને લાગે છે કે આ હાલતમાં હું કાર ડ્રાઈવ કરી શક્યો હોત?”

“અચ્છા, તો તેં મને એક ડ્રાઈવર તરીકે સાથે લીધી છે?” ચારુનું મોં ફૂલી ગયું. અભિમન્યુનાં ચહેરો એ સાંભળીને ખીલી ઉઠયો. તે એકલાં એકલાં ઘણું જીવ્યો હતો. એક રક્ષા જ હતી જેના સહારે તે જીવી રહ્યો હતો પણ જ્યારથી ચારુને તેણે જોઈ હતી ત્યારથી કોણજાણે કેમ પણ તેના જીગરનો એ ખાલીપો એકાએક દૂર થયો હતો. ચારું વગરની પોતાની હસ્તી શું હોઈ શકે એ વિશે તે વિચારી પણ શકે તેમ નહોતો. કદાચ તેને ચારું સાથે પ્રેમ થઈ ગયો હતો. એક રુક્ષ સિપાહી જીવને એકાએક જ જીવવાની સંજીવની બૂટી મળી ગઈ હતી જે કોઈપણ સંજોગોમાં હવે ગુમાવવા નહોતો માંગતો. તે જાણતો હતો કે ચારુંને સાથે લેવામાં જોખમ છે પરંતુ તેને એ પણ ખ્યાલ હતો કે એ સાથે આવ્યાં વગર રહેવાની નથી.

“તું એમ માની શકે છે.” તે હસ્યો. હસતી વખતે તેનો તૂટેલો ચહેરો ઓર બેડોળ લોગતો હતો.

“યુ બ્રૂટ…” ચારુંએ મુઠ્ઠી ઉલાળી અને આંખોનાં કિનારેથી અભિનો ચહેરો નિરખ્યો. અને પછી તે બન્ને સાથે જ હસી પડયાં. આલ્સફાટનાં કાળા ખૂલ્લા રસ્તા ઉપર કાર તેના ફૂલ થ્રોટલમાં ભાગી રહી હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED