અંગારપથ. - ૫૭ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ. - ૫૭

અંગારપથ.

પ્રકરણ-૫૭.

પ્રવીણ પીઠડીયા.

અભિમન્યુની નસેનસમાં કાળઝાળ ક્રોધ વ્યાપી ગયો, તેની આંખોમાં લાલ હિંગોળાક લોહી ધસી આવ્યું, ભયંકર ગુસ્સાથી તેનું શરીર થરથર ધ્રૂજવા લાગ્યું. તેની નજરોની સામે જ તેની બહેનને દોઝખ સમાન નર્કની યાતના આપનાર શખ્સ ઉભો હતો. જે વ્યક્તિને શોધવા તેણે આકાશ પાતાળ એક કર્યું હતું એ વ્યક્તિ લોબોનો બોસ… નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનો હેડ… સુશિલ દેસાઈ હશે એવી તો કલ્પના પણ ક્યાંથી કરી હોય.! અરે એવો વિચાર સુધ્ધા તેના કે લોબોનાં મનમાં ઉદભવ્યો નહોતો. અત્યાર સુધી સુશિલ દેસાઈને તેઓ એક ઈમાનદાર, ફરજપરસ્ત અને બીજા પ્રત્યે સહાનુભૂતી રાખનાર વ્યક્તિ તરીકે ઓળખતાં હતા. એ ઓળખાણ, એ માન્યતાં ક્ષણભરમાં ભાંગીને ભૂક્કો થઇ ગઇ હતી. આટલું ઓછું હોય એમ અત્યારે એ સાવ અજાણ હોવાનો ડોળ કરી રહ્યો હતો. જાણેકે એ કંઈજ જાણતો નથી. દેસાઈ આસ્તિનનો સાંપ બનીને તેમની દરેક ચાલ ઉપર નજર નાંખી રહ્યો હતો એ અહેસાસ અભિનાં ક્રોધની અગ્નિને ઔર ભડકાવી રહ્યો હતો. આખરે એવો તો શું અપરાધ કર્યો હતો રક્ષાએ કે તેને આટલી ક્રૂર સજા મળી હતી?

ભયાનક ગુસ્સાની આગમાં સળગતાં અભિમન્યુએ દેસાઈ તરફ ડગ માંડયાં. તેના ઈરાદાઓ ખતરનાક હતા. આજે દેસાઈને તેના હાથમાંથી કોઈ બચાવી શકવાનું નહોતું. તેનું મોત નિશ્વિંત હતું. દેસાઈની એકદમ નજીક પહોંચીને તેણે હાથ ઉઠાવ્યો જ હતો કે…

“અભિમન્યુ, સબૂર… તારે જાણવું નથી કે રક્ષાને મારવા પાછળનું કારણ શું છે? દેસાઈને ખતમ કરવાથી આપણને એ ક્યારેય જાણવાં નહી મળે. એનું જીવિત રહેવું જરૂરી છે.” લોબોએ એકાએક જ અભિમન્યુને અટકાવ્યો હતો. તેને ખબર હતી કે દેસાઈનો અંત સમય નજીક આવી પહોંચ્યો છે. અભિમન્યુનાં કહેરથી હવે તેને ખુદ ભગવાન પણ બચાવી શકવાનાં નથી. પરંતુ એ પહેલા ઘણાં સવાલોનાં જવાબ મેળવવાનાં હતા. હજું પણ તેના દિમાગમાં ભયંકર અસમંજસ પ્રસરેલી હતી. તેને ખુદને સમજાતું નહોતું કે શું ખરેખર તેના બોસે રક્ષાને ખતમ કરવાનું કાવતરું ઘડયું હશે? લોબોનું દિમાગ ચકરાતું હતું. દેસાઈ સર અભિની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઇ જાય અને તેના હાથ લોહીથી રંગાય એ પહેલા રક્ષાની હકીકત જાણી લેવી જરૂરી હતી. અને એ પણ જાણવું જરૂરી હતું કે આખરે તેમણે એવું કર્યું શું કામ? જોકે તેનું મન એ હકીકત સ્વિકારવા બીલકૂલ તૈયાર નહોતું કે દેસાઈએ આવું કંઇક કર્યું હોય, અંદરથી એક નકાર પડઘાતો હતો જે તેને મુંઝવી રહ્યો હતો. પરંતુ… સચ્ચાઈ તેની નજરો સામે હતી. બધાજ સબૂતો દેસાઈ તરફ ઈશારો કરતાં હતા. અને સૌથી મોટી વાત, રક્ષાએ બેભાન થતાં પહેલા ઉચ્ચારેલો શબ્દ ’જૂલી’ એ દેસાઈની યોટનું નામ હતું એને તે કોઈપણ સંજોગોમાં નકારી શકે એમ નહોતો.

“આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ આર યુ ટોકિંગ અબાઉટ?” ક્યારનો ખામોશ ઉભેલો દેસાઈ એકાએક બોલી ઉઠયો. તેના કપાળે ગભરામણનાં ચિન્હો અંકિત હતા.

“હવે એનો કોઈ મતલબ નથી સર, તમે કબૂલ કરી લો એમાં જ તમારી ભલાઈ છે.” લોબોએ નિશ્વાસ નાંખ્યો.

“કબૂલ કરી લઉં? પણ શું? એજ કે એ યોટ મેં ભ્રષ્ટાચારનાં પૈસાથી ખરીદી છે? હાં ખરીદી છે. તું સારી રીતે જાણે છે કે આપણાં પ્રોફેશનમાં કોઈ દૂધે ધોયેલું નથી. તેમાં મેં થોડીઘણી બેઇમાની કરી તો કયો પહાડ તૂટી પડયો! અને મારી વાત છોડ, તેં પણ ક્યાં ઘણી વખત મોકાનો લાભ નથી ઉઠાવ્યો? મને બધીજ ખબર છે પરંતુ એવી સામાન્ય બેઈમાની ગણીને ગાંઠે બાંધવાની ન હોય. એ બાબતે મેં આંખ આડા કાન કર્યાં જ છે એ તું બહું સારી રીતે જાણે છે.”

“હાં પણ, મારા હાથ કોઈનાં લોહીથી રંગાયેલા નથી.” લોબોએ ધમાકો કર્યો. દેસાઈની આંખો પહોળી થઈ.

“વોટ નોનસેન્સ, તું શું બોલી રહ્યો છે એનું ભાન છે? તું એમ કહેવા માંગે છે કે મેં કોઈનું ખૂન કર્યું છે? વોટ રબિશ!” દેસાઈ એકાએક જ ઉત્તેજિત થઈ ઉઠયો. તે સન્નાટામાં આવી ગયો હોય એવું તેના ચહેરા ઉપરથી ફલિત થતું હતું.

“કેમ, તમારી યોટ ઉપર ’જૂલી’ નથી લખ્યું? બેભાન થતાં પહેલા અભિમન્યુની બહેન રક્ષાએ ઉચ્ચારેલા શબ્દો યાદ કરો. એ તમારી યોટ વિશે જ કશુંક કહેવા માંગતી હતી તેમાં હજુંપણ કોઈ શંકા છે તમને?” લોબોનું લોહી ઉકળી ઉઠયું હતું.

“માયગોડ લોબો, તારી અક્કલ શું ઘાસ ચરવા ગઈ છે? આ અભિમન્યુ સાથે રહીને તારી બુધ્ધી પણ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. તું વાતને ક્યાંથી ક્યાં જોડી રહ્યો રહ્યો છે! આ જગતમાં શું ફક્ત એક જ ’જૂલી’ છે? અને એ પણ મારી યોટ? તું એવું વિચારી જ કેમ શકે?” દેસાઈનો અવાજ એકાએક જ ઉંચો થઇ ગયો હતો. તે અકળાતો હતો, મુંઝાતો હતો. “અને તારી જાણ ખાતર કહી દઉં, રક્ષાને હું ફક્ત એક જ વખત મળ્યો છું અને એ પણ આ જ હોસ્પિટલમાં. એ પહેલા ક્યારેય અમારી મુલાકાત થઈ નથી. તું જ વિચારને… મારી પાસે કોઈ કારણ છે ખરું તેને ખતમ કરવાનું?”

“તમારા ભ્રષ્ટાચારનાં કોઈ સબૂત તેના હાથ લાગ્યાં હશે એવું કેમ ન બને? એ તમારા માટે ખતરારૂપ બની હોય.” લોબોએ સોલિડ તર્ક દોડાવ્યો. દેસાઈ મુસ્કુરાઈ ઉઠયો.

“લોબો, નાના બાળક જેવી વાતો બંધ કર. તારા મોઢે આવું સાંભળવાની મને આશા નહોતી. અને ખરેખર જો એમ જ હોય તો પણ… હું તેના લોહીથી મારા હાથ ક્યારેય ન રંગું. અત્યારે હું જે પોઝીશન ઉપર છું ત્યાંથી એટલું તો ચોક્કસ કરી શકું કે મારું નામ ક્યાંય ન સંડોવાય. એ માટે મારે રક્ષાને મરાવવાની બીલકુલ જરૂર ન પડે. હું મુરખ નથી. મને ખબર છે કે ભ્રષ્ટાચાર કરતાં ખૂનની સજા વધું હોય છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઇ સે?”

લોબો શું બોલે? દેસાઈની દલિલોમાં દમ હતો. એ ધારે તો ચોક્કસ કોઈને પણ ખબર ન પડે એ રીતે રક્ષાને તેના માર્ગમાંથી હટાવી શક્યો હોત. તે ગુંચવાઈ ગયો. એવી જ હાલત અભિ અને ચારુની હતી. કંઈ સમજાતું નહોતું કે કોણ સાચું બોલે છે અને ખરી હકીકત શું છે? મામલો ઉકેલાવાનાં બદલે વધું ગુંચવાઈ રહ્યો હતો. એક જ ક્ષણમાં બાજી આખી પલટાઈ ગઈ હતી. દેસાઈની વાતમાં દમ હતો. તેની યોટનાં સરફેસ ઉપર લખેલા ’જૂલી’ નામ પરથી તે કંઈ ગુનેહગાર ઠરતો ન હતો એવી સમજણ રૂમમાં હાજર બધાને આવી હતી. વળી એ અહી દોડી આવ્યો હતો. જો ખરેખર તે ગુનેહગાર હોય તો શું આવી મુર્ખામી તે કરે? બીલકુલ નહી. ’જૂલી’નું કોકડું ક્ષણ-પ્રતીક્ષણ નવાનવા વમળો પેદા કરતું હતું જેમા બધા અટવાઈ પડયાં હતા. દેસાઈ જો સત્ય બોલતો હોય તો હવે એ જૂલી નામની યોટનો કોઈ મતલબ નિકળતો નહોતો.

પરંતુ ખરેખર શું એવું હતું? કે એ ફક્ત દેસાઈની છટકવાની ચાલ હતી?

“ઓહ ગોડ, વેઈટ અ મિનિટ… એ.. એ… બાબત મારા ધ્યાન બહાર કેમ રહી ગઇ! ઓહ… ચોક્કસ એમ જ બન્યું હશે.” દેસાઈને અચાનક જ કંઈક યાદ આવ્યું હોય એમ તે ચોંકી ઉઠયો. તેની ભ્રકૂટીઓ ખેંચાઈને તંગ બની અને ચહેરા પર અપાર ઉત્તેજના છવાઈ હતી. “રક્ષા ઘાયલ અવસ્થામાં મળી આવી હતી એ દિવસ ક્યો હતો, મતલબ કે એ દિવસે તારીખ શું હતી?” સાવ અસંબધ પ્રશ્ન હતો એ. કોઈને સમજમાં ન આવ્યું કે એકાએક દેસાઈને એ તારીખ જાણવામાં શું રસ પડયો! એકાએક એવું તે શું યાદ આવ્યું તેને? પરંતુ દેસાઈ તો જાણે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયો હતો. તેની આંખોમાં વિસ્મયનું વાવાઝોડું ફૂંકાતું હતું અને જાણે કોઈ ચળીતર જોઈ લીધું હોય એવી ગભરામણથી તેની છાતી ભયંકર વેગે ધડકવા લાગી હતી.

“સોળ જૂન. પણ એનું શું છે?” અભિ બોલી ઉઠયો. ભરઉંઘમાંથી જગાડીને પણ કોઈ પૂછે તો એ દિવસ તે ભૂલી શકે એમ નહોતો. હોસ્પિટલનાં બેડ પાસે લટકતી રક્ષાની ફાઈલમાં તેણે એ તારીખ વાંચી હતી.

“ઓહ મારા ભગવાન… એ… એ… તારીખે યોટ મારી પાસે નહોતી. મેં બીજા કોઈને આપી હતી. અરે નહી, મેં આપી નહોતી. તે મારી પાસેથી લઈ ગયો હતો. હું મૂર્ખો છું. મારે આ પહેલા જ સમજી જવું જોઈતું હતું.” દેસાઈએ ધમાકો કર્યો. તેનું જીગર ભયાનક ઉત્તેજનાથી ફાટફાટ થતું હતું. જાણે તેણે કોઈ અપરાધ કર્યો હોય એમ તેનું માથુ ઢળી ગયું હતું.

“વોટ? કોણ હતું એ?” કમરામાં જાણે બોમ્બ ફૂટયો હોય એમ બધા ઉછળી પડયા. અભિમન્યુ દેસાઈની ઓર નજદિક ધસી ગયો. તેનો અવાજ એકાએક જ ઉંચો થઇ ગયો હતો અને ભયંકર અધીરાઇભેર તે દેસાઈને તાકી રહ્યો. બધાનાં શ્વાસ તાળવે આવીને ચોંટયા હતા અને કમરામાં પીનડ્રોપ સાયલન્સ ફેલાઈ ગયું. સમય એ ક્ષણે જ થંભી ગયો અને જબરજસ્ત ઉત્તેજનાથી તમામનાં હદયની ધડકનો તેમનાં જ કાનમાં ગુંજતી હોય એવું લાગ્યું.

દેસાઈએ હળવેકથી એ નામ કહ્યું અને… રૂમમાં ભયાનક ભૂચાળ આવ્યો. બધાનાં પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ એજ નામ હતું જે પેલી ફાઈલમાં ધરબાયેલું હતું… એક નામ જે સૌથી વધું શંકાસ્પદ હતું… એક નામ જેના હોવાની ધારણાં તમામનાં મનમાં હતી… એક નામ જે ગોવા ઉપર આધિપત્ય ધરાવતું હતું… એક નામ જે રક્ષા સાથે સંકળાયું હતું. એ નામ હતું દુર્જન રાયસંગા…! સોળમી જૂને દેસાઈની યોટ દૂર્જન રાયસંગા પાસે હતી.

જો દેસાઈની વાત માનવામાં આવે તો જેનો ડર હતો એ સચ્ચાઈ અત્યારે વિકરાળ મોં ફાડીને બધાની સામે આવીને ઉભી હતી. અભિમન્યુની અધ્-બીડાયેલી આંખમાં જ્વાળામૂખીનો વિસ્ફાર સર્જાયો. તેનું રોમરોમ કંપી ઉઠયું.

“અત્યારે ક્યાં છે એ?” તેનો અવાજ ભયાનક ક્રોધથી થરથર ધ્રૂજતો હતો. રૂમમાં સોપો પડી ગયો અને બધાની નજરો દેસાઈ તરફ ખેંચાઈ. દેસાઈ નીચું જોઈ ગયો. તેણે આજે ફરીથી એક ભૂલ કરી નાંખી હતી.

“મને સહેજે ખબર નહોતી. બપોરે જ તે મારી પાસેથી યોટ લઈને ગયો. મારો વિશ્વાસ કર, આ બાબતનો ખ્યાલ હોત તો ફરીથી એ ભૂલ ન કરત. હું ક્યારેય તેને યોટ ન સોંપત.” દેસાઈનો શ્વર તરડાયો. લોબો તેના બોસને ઘુરકી રહ્યો. તેને બોસ ઉપર ક્રોધ ચઢયો પરંતુ અત્યારે એવો બળાપો કાઢવાનો સમય નહોતો. દૂર્જન રાયસંગાને કોઈપણ ભોગે રોકવો જરૂરી હતો. ચોક્કસ તે ભારત છોડીને ભાગવાની તૈયારીમાં હશે કારણકે ડગ્લાસનાં સમાચાર તેને મળી જ ગયા હોવા જોઈએ. અને બીજી પણ એક બાબત હતી જેનો ડર તેને ચોક્કસ લાગ્યો હશે. પેલી ફાઈલ…! જે અત્યારે ગોવાનાં પોલીસ કમિશ્નરનાં હાથમાં પડી ચૂકી હતી. કમિશ્નરે અત્યાર સુધીમાં તો તેને ભિડવવાનો જડબેસલાક પ્લાન ગોઠવી નાંખ્યો હશે. લોબોને આ બાબતની ગળા સુધીની ખાતરી હતી. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, શહેરની બહાર જતી સડકો… આ તમામ જગ્યાએ પોલીસનો સખત પહેરો લાગી ચૂક્યો હશે એટલે હવે તેની પાસે એક જ રસ્તો બચતો હતો… સમુદ્ર માર્ગેથી ભાગવાનો. દૂર્જન રાયસંગાએ એટલે જ કદાચ દેસાઈની યોટ પસંદ કરી હશે. લોબો ખૂબ ઝડપથી વિચારતો હતો અને સમગ્ર ઘટનાક્રમનો નિચોડ તારવવાની કોશિશ કરતો હતો. “ઓહ… તો એમ વાત છે.” એકાએક તેના મગજમાં ઝબકારો થયો હતો અને આગળ શું કરવું જોઈએ એ ક્લિયર થયું હતું. સૌથી પહેલા કમિશ્નર પવારને રોકવો જરૂરી હતો. તેને પાક્કી ખાતરી હતી કે પવાર એ ફાઈલનો ’મિસયુઝ’ કરશે જ. તેના માટે તો આ ગોલ્ડન ચાન્સ હતો અને એ ચાન્સ કોઈ કાળે તે ગુમાવે નહી જ.

“દેસાઈ સર, અભિમન્યુ, ચારું… પ્લીઝ કમ હિયર. હું જે કહું છું એ ધ્યાનપૂર્વક સાંભળજો. આ સમય ખુબજ ધીરજથી અને શાંત મનથી કામ લેવાનો છે. જો સહેજે ચૂક થઈ તો મામલો આપણાં હાથમાંથી ગયો સમજો.” તે બોલ્યો પરંતુ આભિમન્યુ તેની વાત સાંભળતો નહોતો. તે અચાનક આગળ વધ્યો અને દેસાઈનો કોલર પકડીને પોતાની તરફ ખેંચ્યો. દેસાઈ એ ચેષ્ઠાથી હડબડી ઉઠયો. તેની નજરોમાં ખૌફ છવાયો.

“રાયસંગા ક્યાં છે?” અભિનો ઘુંટાયેલો ભારેખમ અવાજ દેસાઈનાં શરીરમાં ભયનું લખલખું પેદા કરી ગયો. અભિની એક આંખે ભયંકર સોજો આવવો શરૂ થયો હતો એટલે એ ફૂલીને લાલઘૂમ દડા જેવી બની હતી જ્યારે બીજી અધખુલ્લી આંખમાં લોહી તરી આવ્યું હતું.

“એનો જવાબ કદાચ હું આપી શકીશ. તું બે મિનિટ ધીરજ ધર.” લોબો એકાએક જ વચ્ચે બોલી ઉઠયો. તેને કશુંક યાદ આવ્યું હતું અને તેણે કોઈકને ફોન લગાવ્યો. અભિને આશ્વર્ય થયું કે તે અડધીરાતે કોને ફોન કરે છે!

“ઓહ હલ્લો… વીલી. લોબો હીયર. તારું એક કામ પડયું હતું. જરા તપાસ કર તો… પેલી જૂલી નામની યોટ જેટ્ટી પર છે કે નહી?” લોબોને અચાનક જ પેલો વીલી યાદ આવ્યો હતો જે તેની સાથે વાગાતોર બીચવાળા મામલામાં બોટ લઈને સાથે આવ્યો હતો. તેને ખબર હતી કે વીલી એ બોટનું ધ્યાન રાખે છે અને નજીકમાં જ ક્યાંક રહે છે. વીલી તુરંત કામે લાગી ગયો. તેનો જવાબ આવતાં થોડો સમય લાગવાનો હતો. “દેસાઈ સર, તમારે એક કામ કરવાનું છે. કોઈપણ ભોગે અત્યારે જ તમારાં તમામ સોર્સ કામે લગાડો અને એવું ગોઠવો કે અર્જૂન પવાર આવતીકાલ સવાર સુધી ખામોશ રહે. એક દિવસ એ ખામોશ રહેવો જરૂરી છે એ પછી બાકીનું હું ફોડી લઈશ.” તેના સ્વરમાં એકાએક જોમ ભરાયું હતું.

“ઓકે, હું એ કરી શકીશ.” દેસાઈ બોલ્યો અને કમરામાં મુકાયેલા લેન્ડલાઈન ફોન તરફ લપક્યો. એ દરમ્યાન લોબોનો ફોન રણક્યો હતો. સામેની તરફ વીલી હતો. તેણે કંઈક કહ્યું અને લોબોની આંખોમાં ચમક ઉભરી.

“એ હજું જેટ્ટી ઉપર જ છે.” લોબો ચીખી ઉઠયો. મતલબ કે હજું તેમની પાસે સમય હતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે.