Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 7

નવમાસિક પરીક્ષા સરસ રીતે પૂર્ણ થઈ હતી, હવે પરિણામ આવવવાનું હતું, પણ આ વખતેનું પરિણામ ધાર્યા કરતા વિરુદ્ધનું હતું.

પરિણામ સાથે આ વખતે શાળામાં વાલી મીટીંગનું પણ આયોજન કરાયું હતું. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ખુબ જ ઉત્સાહિત હતા. સાથે તમામ વાલીઓ પણ ચિંતામાં હતા. અક્ષર, ઓમ અને દીપ બી-1 ગ્રેડથી પાસ થયા હતા. કિશન, કાજલ, અમિત, મનાલી અને નયન બી-2 ગ્રેડથી પાસ થયા હતા. આ વખતે પ્રિયાએ એ-1 ગ્રેડ મેળવી પોતાની ગણતરી ટોપ માં કરાવી હતી. જ્યારે ધારાને એ-2 ગ્રેડ મળ્યો. વાલી મીટીંગમાં બધા શિક્ષકો સાથે જરૂરી ચર્ચાઓ કરી અને આ વખતે નબળું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓને જે-તે વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપવા કહ્યું. સાથે નબળાં વિદ્યાર્થીઓ માટે અલગથી સ્પેશીયલ ક્લાસનું આયોજન કરાયું છે એ પણ જણાવ્યું.

ધારા પોતાના પરિણામથી જરા પણ સંતુષ્ટ નહોતી, પરિણામ હાથમાં આવતા જ ધારાનું મૂડ ઓફ થઈ ગયું હતું. ધારાના પપ્પા એના પરિણામથી ખુશ હતા, ધારા પોતાના ઘરે પહોંચીને પોતાને પોતાના રૂમમાં બંધ કરીને ખુબ રડી. એટલામાં જ ધારાનો ફોન વાગ્યો.

“એ અમારા ટીચરને કોન્ગ્રેચ્યુલેશન” કોન્ફરન્સ કોલ પર અક્ષર અને કિશન બંને એક સાથે બોલ્યા.

“હમમ, થેંક્યું” ધારાએ રડતા અવાજે કહ્યું.

“અરે યાર, તારું આટલું મસ્ત રીઝલ્ટ આવ્યું અને તું રડે છે! મારું કે કિશનનું આવું પરિણામ આવ્યું હોત તો અમે તો સ્કૂલમાં બધાને કેન્ટીનમાં પાર્ટી આપી હોત.”

“યાર, મારે કોઈ જ વાત નથી કરવી, મેં આ વખતે એ-1 ગ્રેડ ધાર્યો હતો.”

“ઓહ! તારું પરિણામ સારું જ છે હવે, જો તું આમ ઉતરેલી કઢી જેવું મોઢું બનાવીશ તો અમે તારી સાથે વાત નહીં કરીએ.”

“અક્ષર, પણ મેં આવું રીઝલ્ટ ધાર્યું જ નહોતું, મારે હવેથી સ્કૂલે જ નથી આવવું.”

“પણ પહેલા તો તું રડવાનું બંધ કર, આ વખતે ઓછા માર્ક્સ આવ્યા તો શું થયું, ફાઈનલમાં સ્કોર કરી લેજે.”

“બાય, મારે વાત નહિ કરવી.”

“અરે, અરે પણ સંભાળ તો....”

ધારાએ ફોન કાપી નાખ્યો. અક્ષર અને કિશન પણ ધારા માટે ખુબ ચિંતિત હતા. બંને એ જ વિચારતા હતા કે ધારાને કઈ રીતે મનાવવી. આ તરફ ધારાના મમ્મી – પપ્પાએ પણ તેણીને ખુબ સમજાવી, પણ અંતે એ ના જ સમજી અને રડતાં રડતાં સુઈ ગઈ. આખો દિવસ એને કશું ખાધું જ નહતું.
બીજે દિવસે સવારે પણ તેણીને સ્કૂલે જવું ના હતું. મમ્મીએ ધરારથી તેણીને મોકલી હતી.

ક્લાસમાં પણ ચુપ ચાપ બેઠી હતી, કોઈને પણ જવાબ ના આપતી, બ્રેકમાંપણ ઉતરેલી કઢી જેવું મોઢું બનાવીને જ ક્લાસ રૂમમાં બેઠી રહી. થોડી વાર પછી અક્ષર અને કિશન અંદર આવ્યા.

“જો ધારા, અમને ખબર નથી કે તું કઈ રીતે માનીશ, માટે અમે પણ નક્કી કર્યું કે જ્યાં સુધી તું કશું ખાઇશ નહિ ત્યાં સુધી અમે પણ નહિ ખાઈએ.” અક્ષરે કહ્યું.

“હા, આમ પણ મેં આજ સવારે નાસ્તો નથી કર્યો, એટલે મારે તો આજ ફૂલ ડે ઉપવાસ” કિશન બોલ્યો.

“યાર, તમે બંને આમ શા માટે કરો છો? મને ભૂખ નથી.” ધારાએ ચિડાઈને કહ્યું.

“એ અમને નથી ખબર, પણ તું નહિ ખાઇશ તો અમે પણ નાસ્તો નહિ કરીએ.” કિશને કહ્યું.

“આજ નાસ્તામાં લાવેલ પકવાન પેલા રાજને આપતો આવું.” અક્ષરે ધારા સામે જોઇને કહ્યું.

“તે નક્કી કર્યું છે કે મને ચીડાવીશ?”

“ના, અમને પણ ભૂખ નથી લાગી એટલે એ પકવાન રાજને આપવાની વાત કરે છે,” કિશને રીસાતા કહ્યું.

“ચાલો ઠીક છે બસ, તમે જીત્યા અને હું હારી. પેલા પકવાન લાવ તો” ધારાએ હળવા હાસ્ય સાથે અક્ષરને કહ્યું.

“આ થઈને વાત, હવે તું અમારી ફ્રેન્ડ ઓરીજીનલ ધારા છે.”
ત્રણેય ખડખડાટ હંસી પડ્યા. ધારાને સમજાયું કે જીવનમાં મિત્રો છે તો બધું જ ટેન્શન એક ક્ષણમાં ગાયબ થઇ શકે.

ધારાએ પોતાનો આ ઉપવાસ તોડ્યો અને અક્ષરે નાસ્તામાં લાવેલ પકવાન ત્રણેયે પેટ ભરીને ખાધા.

મિત્રો, ચાલો યાદ કરીએ, આપણા જીવનમાં પણ આવા અનેક કિસ્સાઓ બન્યા હશે. આપણી સ્કૂલ લાઈફ દરમિયાન પાક્કા મિત્રો સાથે રિસામણાં, ક્લાસમાં સાથે બેસીને નાસ્તો કરવો, ગ્રુપ બનાવીને શેરીંગ ઈઝ કેરીંગનું સુત્ર સાર્થક કરવું. છેલ્લે વધેલા મમરાના દાણા મિત્રોને મારવા, રીસેસ વખતે કરેલી એ ધમાલ મસ્તી, જો કોઈ નાસ્તો લાવવાનું ભૂલી ગયું હોય તો બધાના લંચબોક્ષમાંથી થોડો થોડો નાસ્તો આપી ચવાણું બનાવી આપવું, સ્કૂલના ગ્રાઉન્ડમાં લંચબોક્ષથી કેચ કેચ રમવું, જો આપણો નાસ્તો પતિ ગયો હોય તો બીજા ટોળામાં જઈને હાથફેરો કરવો, મિત્રો સાથે મળીને રમેલી રમતો અને આવું તો ઘણું બધું જ.

નવી સવારે સ્કૂલમાં એક જાહેરાત કરવામાં આવી હતી, બધા હોંશિયાર વિદ્યાર્થીઓ આ જાહેરાત સાંભળીને ખુબ જ ખુશ થયા હતા.

શું લાગે છે મિત્રો?

શું હશે આ જાહેરાત?

આપના મંતવ્યો ચોક્કસ જણાવો અને આપને આ સ્ટોરી કેવી લાગી એ પણ ચોક્કસ જણાવો.

હજુ આ તો શરૂઆત છે, આપ વાચકો મારી આ નોવેલને સારો પ્રતિસાદ આપી રહ્યા છો, તો આપ સૌને આપણી સ્કૂલની એ ક્ષણો યાદ તો કરાવીશ જ.

આગળ જાણવા માટે વાંચતા રહો....

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com