તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, બધું જ બરોબર ચાલી રહ્યું હતું. ધારા, કિશન અને અક્ષર પાક્કા મિત્રો હતા. કિશન અને અક્ષર ભણવામાં પહેલેથી જ નબળાં હતા, જ્યારે ધારા પહેલેથી જ ખુબ મહેનતુ હતી.
ધારા તો હંમેશા ટોપ 5 માં જ હોય. પરીક્ષાને એક માસની વાર હોય ત્યારથી જ ધારા બંનેની ટીચર બની તેમને પરીક્ષા માટે તૈયારી કરાવતી.
નયનની ટોળીમાં કાજલ, પ્રિયા અને અમિત ગ્રુપ સ્ટડીને પ્રાધાન્ય આપતાં, જ્યારે નયન અને મનાલી હંમેશા સ્કૂલ બંક કરી રખડવાનું પસંદ કરતા, નયન પોતાની ટુકડીનો લીડર હતો, સ્વભાવનો થોડો અકડુ અને તીખો, નયન અને મનાલી પણ સારા મિત્રો હતા. એસ.વી.પી. અકેડમીના સમગ્ર વિદ્યાર્થીઓ આ બંનેથી પરેશાન હતા, ક્લાસના અમુક વિદ્યાર્થીઓ નયનથી ખુબ ડરતા. ના તો પોતે ભણવામાં ધ્યાન આપતાં, કે ના તો અન્ય લોકોને ભણવા દેતા, બંને પરીક્ષાની આગલી રાત્રે જ ચોપડીઓ ખોલતા.
પરીક્ષાના આ ઉત્સવની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી હતી, પરીક્ષાને ત્રણેક દિવસની વાર હતી. શાળામાં પણ પુનરાવર્તન ચાલતું હતું, પાર્થ સરનો લેક્ચર હતો, આ સમય દરમિયાન નયન અને મનાલી સ્કૂલ બંક કરીને લોંગ ડ્રાઈવ પર ગયા હતા. હાઇવે પરથી પાછા ફરતી વખતે નયનનું એક જીપ સાથે અકસ્માત થયું, નયનને ખુબ જ ગંભીર ઈજા થઈ હતી અને મનાલીનો હાથ ક્રેક થઈ ગયો હતો. બંને લોકો શાળાના યુનિફોર્મમાં હોવાથી ત્યાં જમા થયેલી ભીડમાંથી કોઈએ શાળામાં ફોન લગાવ્યો.
“હેલો,” આચાર્ય વિકાસ સરે ફોન ઉપાડીને કહ્યું,
“હેલો, હું ન્યુ હાઇવે પરથી વાત કરું છું, મારું નામ મિહિર છે, આપની શાળાના બે વિદ્યાર્થીઓનું અકસ્માત થયું છે, બંને મોટી જીપ સાથે ટકરાયા છે, બંનેને અર્પણ હોસ્પીટલે એમ્બ્યુલન્સ મારફતે મોકલ્યા છે, તમે ત્યાં પહોંચો.” મિહિરભાઈએ કહ્યું.
“ઓ.કે. અમે હમણાં જ પહોંચીએ છીએ.”
વિકાસ સર વીરેન સર સાથે બાઈક પર હોસ્પિટલ પહોંચ્યા, ડોક્ટર રૂમમાંથી બહાર આવ્યા.
“ચિંતાનો વિષય નથી, પરંતુ બંનેએ સતત એક મહિના સુધી આરામ કરવો પડશે.” ડોકટરે કહ્યું,
વિકાસ સર અને વીરેન સર અંદર પ્રવેશ્યા.
“સોરી સર, અમને નહોતી ખબર કે આવી ઘટના બનશે.” નયને વિલા મોઢે કહ્યું.
“જુઓ, જે થવાનું હતું, એ થઇ ગયું, હવે તમે ધ્યાન રાખજો, અત્યારે તમને ખીજાયને માત્ર સમય વેડફવા જેવું જ થશે. તમારી પરીક્ષાને હવે ત્રણ જ દિવસની વાર છે, પણ તમે બંને પરીક્ષા આપી શકો એવા કોઈ સંકેત દેખાતા નથી. આ વખતે ચલાવી લઈશું. હવે સ્કૂલ બંક કરી તો તમને સ્કૂલમાં થી કાઢી મુકવામાં આવશે.” વિકાસ સરે કહ્યું.
નયન અને મનાલીના વાલીઓ ત્યાં આવી ગયા, વીરેન સરે તેમને આ ઘટના વિષે જણાવ્યું અને ત્યાંથી શાળા માટે રવાના થયા.
આ અકસ્માત પછી નયનને સમજાયું કે મમ્મી – પપ્પા આપણા ભલા માટે જ કહે છે, જો નયને બાઈક ધીમે ચલાવી હોત તો કશું જ ના થાત, બંને સલામત રીતે ઘરે પહોંચી ગયા હોત. આ સમયે મનાલીને લેક્ચર ન ભર્યાનો ખુબ જ અફસોસ થયો.
વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ, નવું સત્ર શરુ થયે દસેક દિવસો વીતી ગયા હતા, નયન અને મનાલી હવે સ્કૂલે આવવા લાગ્યા હતા, પણ અકસ્માત પછી નયનના તોફાનોએ શેર બજારમાં ઓચિંતી એકધારી આવેલી મંદીની જેમ સરેન્ડર કર્યું હોય તેવું લાગી રહ્યું હતું. લોકોને એ વાતથી આશ્ચર્ય પણ હતું.
પરીક્ષાનું પરિણામ પણ આવી ચુક્યું હતું. આ વખતે પરીક્ષામાં ધારાએ ટોપ કર્યું હતું. બીજા ક્રમે પ્રિયા અને અમિતે ત્રીજો નંબર મેળવ્યો હતો. બધા વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ હતા.
“યાર, આ કિશન કેમ આજ રીઝલ્ટ લેવા નાં આવ્યો,” ધારાએ અક્ષરને પૂછ્યું.
“મને પણ કશું જ ખ્યાલ નથી.”
“તો એને ફોન લગાવીને પૂછને”
“અરે મેં એને ત્રણ ફોન કર્યા, એ ઉપાડતો જ નથી.”
“ઓ.કે. ચલ તો હું નીકળું છું, આજે સાંજે તમે બંને મારા ઘરે આવી જજો, બાય.”
અક્ષર બાય કહે એ પહેલા જ તેનો ફોન રણક્યો, એ કિશનનો ફોન હતો.
“હેલો, અક્ષર, તું અને ધારા જલ્દીથી મારા ઘરે આવો, અરજન્ટ છે, જલ્દી પહોંચો.” કિશને આટલું કહી ફોન કાપી નાખ્યો.
અક્ષરે ધારાને આ વિશે જણાવ્યું, બંને તરત જ રીક્ષા મારફતે કિશનના ઘરે પહોંચ્યા.
ધારા : શું થયું ?
અક્ષર : હા, બોલ તો, શું વાત છે ?
કિશન : અરે, તમે બંને શાંત થાવ. આજે મમ્મીએ આપણા માટે પકવાન બનાવ્યા છે. મને ખબર જ હતી કે ધારા આ વખતે ટોપ કરશે, એટલે મેં મમ્મીને કાલે જ કહ્યું હતું કે આજ ધારાના ફેવરીટ પકવાન બનાવે.
ધારા : ઓહ ! તે તો અમને ડરાવી જ દીધા હતા.
કિશન : ચાલો, વાતો પછી કરશું. પહેલા પકવાનનો તો આનંદ લઈએ,..
ત્રણેય મિત્રોએ પક્વાનનો ભરપેટ આનંદ લુંટ્યો. ધારા ખુબ જ ખુશ હતી, રાતની ડીનર પાર્ટી ધારાના ઘરે હતી જેમાં સ્કૂલનો સ્ટાફ અને ધારાના બંને મિત્રો આમંત્રિત હતા.
અક્ષર અને કિશન પણ સારા માર્કસથી પાસ થયા હતા.
આમ આ દિવસ બધા માટે સારો રહ્યો.
નવી સવાર એક નવી જ એનાઉન્સમેન્ટ લાવવાની હતી.
શું હશે આ એનાઉન્સમેન્ટ ?
આગળ જાણવા માટે વાંચતા રહો....
ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી
મારી બીજી નોવેલ "પ્રેમનો પાસવર્ડ" matrubharti પર વાંચો.
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com