રાજકારણની રાણી - ૨ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૨

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨

જતિન અડધી રાત્રે રવિના સાથે જ વાત કરી રહ્યો હતો એ તેના શબ્દો પરથી સુજાતાને સમજાઇ ગયું. જતિનના શબ્દો રવિનાના કાનમાં મીઠાશ ઘોળે એવા હતા. આ તરફ એ શબ્દોને કારણે સુજાતાના કાનમાં ઉકળતું તેલ રેડવામાં આવ્યું હોય એવા પીડાદાયક હતા. જતિન કહી રહ્યો હતો:"ના-ના, વાંધો નહીં. તારા માટે ચોવીસે કલાક હાજર છું. તારા માટે હું ગમે તે કરવા તૈયાર છું. રાજકારણમાં મારે તને ટોચ પર જોવી છે. તારી વાત જાણીને લાગે છે કે તારું અને મારું નસીબ ખૂલી જવાનું છે. આટલી રાત્રે તેં ખુશીના સમાચાર આપ્યા છે. તું કાલે સવારે જ પાટનગર જવા નીકળી જા. આવી તક મળશે નહીં...."

સુજાતા જતિનની વધારે વાત સાંભળવા બારણાની ઓથે ઊભી રહી નહીં. જતિન ગમે ત્યારે વાત પૂરી કરીને આવી શકે એમ હતો. એ સિવાય તે હવે વધારે વાર તેની વાત સાંભળી શકે એમ ન હતી. તેને જતિનના રવિના સાથેના કૂણી લાગણીના કે હવસના સંબંધની શંકા ઘણા દિવસથી આવી જ ગઇ હતી. તેણે સવારે જતિન સાથે આ બાબતે વાત કરવાનું નક્કી કરી લીધું.

સુજાતા સવારે ઊઠી ત્યારે જતિન ઊંઘતો હતો. જતિન કેટલીવાર સુધી વાત કરીને આવ્યો હશે એની કલ્પના કરીને તેનું મન બેચેન થઇ ગયું. પોતે પંદર મિનિટ સુધી તો જાગતી જ હતી. ત્યાં સુધી જતિન આવ્યો ન હતો. આટલી વાત તો તેણે પોતાની સાથે ફોન તો શું રૂબરૂમાં પણ કરી ન હતી. જતિન ઊઠ્યો એટલે તેને ચા આપી તે પોતાના કામ પરવારવા લાગી. જતિન તૈયાર થઇને બેઠો પછી સુજાતાએ તેને પૂછ્યું:"રાત્રે કોનો ફોન હતો?"

"તને ખબર જ છે તો પછી શું કામ પૂછે છે?"

"મને કેવી રીતે ખબર?"

"કેમ? મારી વાત સાંભળી નહીં?"

"હેં?"

"આટલા મોટેથી વાત થતી હતી તો તારા કાન સુધી સંભળાતી જ હશે ને? અને બરાબર સંભળાઇ ના હોય તો કહી દઉં કે અમારા પક્ષની અતિ સક્રિય કાર્યકર રવિનાનો ફોન હતો. તેને નગરપાલિકાની આગામી ચૂંટણીમાં કાઉન્સીલરના પદ પર લડવા ટિકિટ મળે એમ છે. રાત્રે એને ફોન આવ્યો હતો એક નેતાનો. કહેતા હતા કે કાલે જ આવી જાવ તો બે દિવસમાં ઇન્ટરવ્યુ લઇને પાકું કરી આપું."

"એમાં તમને ફોન કરવાની શું જરૂર પડી..."

"હું પક્ષનો સક્રિય અને સમજદાર કાર્યકર ગણાઉં છું. એ મારી સલાહ પૂછતી હતી...મેં જ નેતાજીને ભલામણ કરી હતી...."

"મારા નામની ભલામણ કેમ ના કરી?"

"હું નથી ઇચ્છતો કે તું આ ગંદા રાજકારણમાં આવે. તને ખબર છે રવિનાનો કેવો ઇન્ટરવ્યુ થવાનો છે?"

"ના...પણ તમે કેમ દાવેદારી નોંધાવી નથી?"

"સારું છે તને ખબર નથી કે ટિકિટ મેળવવા મહિલાઓ માટે અને પુરુષો માટે રાજકારણમાં કેવી "લાયકાત" જરૂરી છે. રહી વાત મારી તો હું આવા નાના હોદ્દા માટે રાજકારણમાં આવ્યો નથી. મારું ધ્યેય ઊંચું છે..."

"પણ નાના નાના પગથિયા ચડીને જ તો મંઝીલ પર પહોંચાય છે. તમારે મોટો કૂદકો મારવો છે?"

"રાજકારણમાં ઝડપથી આગળ વધવું હોય તો પહેલો મોટો કૂદકો મારવો પડે. આટલા વર્ષોથી અમસ્તો મહેનત કરી રહ્યો નથી. અને જો તને કહી દઉં. અમારા પક્ષની સ્ત્રી કાર્યકરો વિશે તું મને બહુ પૂછતાછ કરતી નહીં. રવિના જેવી બીજી ઘણી છે. જે હું બોલાવું તો ફોન પર નહીં ઘરે પણ અડધી રાતે આવી શકે છે..."

રવિના જતિનની વાતોને સાંભળીને ચોંકી ગઇ. જતિને તેને ગર્ભિત ધમકી આપી દીધી કે તે ગમે તે કરી શકવા સ્વતંત્ર છે. સુજાતાએ કંઇક વિચારીને રાજકારણ બાબતે પોતાનું મોં બંધ રાખવાનો નિર્ણય કરી લીધો.

છેલ્લા ત્રણ મહિના જતિન બહુ જ વ્યસ્ત રહ્યો એ બાબતે સુજાતા કંઇ બોલી જ નહીં. એમના જીવનમાં મોટું પરિવર્તન આવી ગયું. રવિનાને કાઉન્સીલર તરીકે ચૂંટી લાવવા જતિને પોતાની તાકાતને ઝોંકી દીધી. આમ તો તેના પક્ષના બધા જ કાઉન્સીલરો ચૂંટાઇ આવે એ જરૂરી હતું. તે રવિનાને પોતાના વોર્ડમાં સૌથી વધુ મતથી જીતાડવા માગતો હતો. જતિનનું આયોજન જડબેસલાક હતું. તેણે રવિનાની સુંદરતા અને પોતાના સેવાકાર્યોનો સંગમ કરીને નાવને મુકામ પર પહોંચાડી દીધી. રવિના સૌથી વધુ મતથી ચૂંટાઇ આવી અને એ કારણે જ તેને પ્રમુખપદની દાવેદાર બનાવી દીધી. આ વખતની નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં સામાન્ય બેઠક હતી. અને તેમના જ પક્ષના બીજા બે પુરુષો દાવેદાર હતા. જતિન જાણતો હતો કે ચૂંટાયેલા કાઉન્સીલરોનો ગજ વાગવાનો ન હતો. મેન્ડેટ પાટનગરથી પક્ષ તરફથી આવવાનો હતો. તેણે બે દિવસ પહેલાં જ રવિનાને પક્ષના અગ્રણીઓની સેવામાં પાટનગર મોકલી આપી. રવિનાએ એવી સરભરા કરી કે તેના નામનો જ મેન્ડેટ નીકળ્યો અને તે શહેરની પહેલી મહિલા પ્રમુખ બની ગઇ. રવિના સાથે મળીને જતિને રૂપિયા ભેગા કરવાનું શરૂ કરી દીધું. થોડા જ દિવસોમાં જતિને એક બંગલો લઇ લીધો. હવે સુજાતાને આરામ થઇ ગયો. ઘરમાં કાર હતી અને તેનો ડ્રાઇવર હતો. ઘરકામ માટે ડ્રાઇવરની જ પત્ની હતી. એમને બંગલાની પાછળના રેસ્ટ હાઉસમાં રહેવાની જગ્યા આપી દીધી હતી.

રવિના ત્રણ મહિનાની ઝડપી જીવનયાત્રા અને જતિનની પ્રગતિને જોઇ આભી જ બની ગઇ હતી. તેના માનપાન વધી ગયા હતા. પણ તે જતિનથી વધુને વધુ દૂર થઇ રહી હતી. રવિના સાથેના જતિનના સંબંધની ખાનગીમાં ચર્ચા વધી ગઇ હતી. કોઇ તો સુજાતાને કહેતું હતું કે જતિનને પારકી સ્ત્રીઓમાં વધારે રસ છે. તે તેમનો ઉપયોગ કરીને એમને આગળ લઇ જતો હતો. પક્ષની કેટલીક મહિલા કાર્યકરો રવિનાની પ્રગતિ જોઇને જલતી હતી. એ પણ આગળ વધવા માગતી હતી અને એ માટે જતિનની પાછળ ફરવા લાગી હતી. જતિન તેમની મજબૂરીનો લાભ ઉઠાવતો હતો અને પોતાનું નિશાન પાર પાડવા એમનો સહારો લેતો હતો. આ બધું પક્ષના કેટલાક સંનિષ્ઠ કાર્યકરોને ગમ્યું ન હતું. વર્ષોથી પક્ષ માટે કામ કરતા સિનિયર કાર્યકરોને બદલે રવિનાને ટિકિટ કેમ મળી એ તેઓ જાણતા હતા. બે કાર્યકરો તો આ કારણે જ નિષ્ક્રિય થઇ ગયા હતા. કેટલાક કાર્યકરો સુજાતાને આ બધી ખાનગી વાતો કરીને જતા હતા. સુજાતા એમની વાત સાંભળીને બેસી રહેવા સિવાય કંઇ કરી શકે એમ ન હતી.

એક દિવસ જતિન બહુ ખુશ હતો. સુજાતાએ પૂછ્યું ત્યારે એણે એટલું જ કહ્યું કે બહુ મોટો દાવ રમવા જઇ રહ્યો છે. હવે તેને તેની સેવાનું ફળ મળશે એમ લાગે છે. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે એક પછી એક નાના-મોટા ઘણા રાજકીય પદોનું બલિદાન આપ્યું હતું. જોકે, એણે એ સ્થાનો પર પોતાના માનીતાઓને જ બેસાડી તેમના પર અહેસાન કર્યું હતું. એટલું જ નહીં પોતાનું સ્થાન પક્ષમાં મજબૂત અને ઊંચું કર્યું હતું. સુજાતાને સમજાતું ન હતું કે જતિન કયો દાવ રમવા માગે છે. હમણાં તો કોઇ મોટા હોદ્દાની ચૂંટણી પણ ન હતી કે તેના માટે તે તૈયારી કરી રહ્યો હોય. પણ જ્યારે તેમના પક્ષના ધારાસભ્ય રતિલાલ જતિનને મળવા આવ્યા ત્યારે સુજાતાને નવાઇ લાગી. આગામી ચાર મહિના પછી તેમના જિલ્લાના સંસદ સભ્યની ચૂંટણી આવવાની હતી. અને એ માટે રતિલાલ જતિનને દાવો કરવા આગ્રહ કરી રહ્યા હતા.

"જતિનભાઇ હું છેલ્લા ઘણા વર્ષોથી જોઇ રહ્યો છું કે તમે ક્યારેય કોઇ પદની લાલસા વગર પક્ષ માટે કામ કર્યું છે. હવે દેશને તમારા જેવા સાંસદની જરૂર છે. પક્ષના સિનિયર સભ્યો ઇચ્છે છે કે તમારા જ્ઞાન અને કાબેલિયતનો આખા દેશને લાભ મળે એ માટે તમારે સંસદ સભ્યની બેઠક પર ચૂંટણી લડવા દાવો કરવો જોઇએ. મને વિશ્વાસ છે કે તમારા નામ પર મહોર મારવામાં આવશે. હું તમારી ખાસ ભલામણ કરીશ...."

"રતિલાલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. મારા પ્રત્યે આપને હંમેશા લાગણી રહી છે. પણ હું દેશની સંસદમાં બેસીને સમય પૂરો કરવાને બદલે સ્થાનિક સ્તર પર લોકોની મદદ અને સેવા કરવા માગું છું. આટલા મોટા પદને લાયક હું નથી. હું જમીન સાથે જોડાયેલો નેતા બનીને રહેવા માગું છું. મને મારા ભાઇઓ-બહેનોથી દૂર જવાનું પસંદ નથી. હુ અદનો કાર્યકર છું. આટલા મોટા પદને લાયક છું કે નહીં એની ખબર નથી પણ લોકોનો પ્રેમ મારા માટે સર્વોપરી છે...."

"જેવી તમારી ઇચ્છા. જ્યારે પણ તમને લાગે કે તમે મોટા હોદ્દા પર બેસીને લોકોની વધુ સેવા કરવા માગો છો ત્યારે મને જરૂર કહેજો. હજુ આપણી પાસે દોઢ મહિનો છે...." રતિલાલ નિરાશ થઇને જતા રહ્યા.

રતિલાલ એક તીરથી બે શિકાર કરવા આવ્યા હતા. પણ એમને ખબર ન હતી કે જતિન કોનો શિકાર કરવાનો હતો!

વધુ ત્રીજા પ્રકરણમાં...