Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત કનેકશન - પ્રકરણ 36 - છેલ્લો ભાગ

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૬
વિશ્વાસ રડતી કિરણ એકદમ શાંત થઈ તે જોઈ રહ્યો હતો અને એની નજર જ્યાં મિસ એન્જલ પર પડે છે ત્યાં તે ચોંકી જાય છે, આંખો ખુલીને ખુલી રહી જાય છે, હ્રદયની ગતિ તેજ થઈ જાય છે અને ઉત્સુકતાથી બોલી ઉઠે છે, ”અરે... જાનું તું. જાનકી તું અહીં ...
જાનકી નામ સાંભળી મિસ એન્જલ પણ પળવાર માટે ચોંકી ગયી, તેનો શ્વાસ અદ્ધર થઈ ગયો. તેણે કિરણને પારણાંમાં સુવડાવી આંખો બંધ કરીને તેની જુની સ્મૃતિ યાદ કરવા માંડી. રૂમમાં આસપાસ કોઈ ન હતું. “મિસ એન્જલ .... જાનકી ...મારી વાત તમને સંભળાય છે, તમને કંઇ યાદ આવે છે.” વિશ્વાસ ફરી હળવેકથી બોલ્યો, “હું વિશ્વાસ છું અને તું મને ઓળખે છે.”
મિસ એન્જલ જ વિશ્વાસની જુની મિત્ર જાનકી હતી. વર્ષોથી જેની યાદોને દિલમાં લઈને ફરતો હતો તે તેની જાનું આજે તેની સામે હતી તે જોઈને વિશ્વાસ ચોંકી ગયો હતો અને ખુશ પણ હતો.
“યાદ છે મને ..વિશ્વાસ....હું તને....” બોલતા બોલતા જાનકીને ડુમો ભરાઈ આવ્યો અને તેની આંખોમાથી આંસુ આવી ગયા.
જાનકીની વાત સાંભળી વિશ્વાસની આંખોમાં ચમક આવી ગઈ અને રિયાના ગયા પછી સતત દુખી રહેનાર વિશ્વાસના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. તેણે જાનકીની નજીક જઈ તેની નજર માં નજર નાખી અને અધીરાઈથી બોલ્યો, “તને યાદ છે, આપણી છેલ્લી મુલાકાત...આપણી છેલ્લી સફર...”
બંધ આંખોથી જાનકીએ તેનો ભૂતકાળ યાદ કર્યો અને થોથવાતા અવાજે બોલી,”હા ..મને આપણી એ છેલ્લી સફર ...ગોજારી ઘટના યાદ છે અને હું …..”
“તું ક્યાં હતી અને કેવી રીતે અહીં ....” વિશ્વાસે હળવેકથી પુછ્યું.
જાનકીએ ઊંડો શ્વાસ લઈને બોલવાનું શરૂ કર્યું,”તે રાતે ટ્રેન અકસ્માતમાં હું નદીના પાણીમાં વહેતી વહેતી ઘટના સ્થળથી દુર તણાઇ ગઈ હતી. મને એક ખેડૂતે તણાતા જોઈ બચાવી લીધી અને તેના ગામમાં લઈ ગયા. ગામ બહુ નાનું અને અંતરિયાર હતું પણ એક ઉમરલાયક નર્સનું ઘર ગામમાં હતું અને ગામના લોકો તેમની પાસે દવા કરાવતા હતા, મને પણ ત્યાં લઈ જવામાં આવી. હું બેભાન હતી અને મારી સારવાર કરીને નર્સે મને ભાનમાં લાવી મારો જીવ બચાવ્યો. મને તે સમયે કઈંજ યાદ ન હતું. મને યાદ કરાવવા ગામ લોકો અને નર્સે મહેનત કરી. મારી મળ્યાની જાણ પોલીસ સ્ટેશને પણ કરવામાં આવી. મારા પરિવાર કે મારા ખોવાયાની કોઈ ખબર ન મળતા તે નર્સે જ તેમની પાસે મને રાખી અને મારો ઉછેર કરવાનું શરૂ કર્યું. મને ગામના લોકો અને નર્સની મદદથી સ્ટડી કરવા મળ્યું. ધીમે ધીમે મને થોડું યાદ પણ આવવા લાગ્યું અને ....”
“તો તે તારા પરિવારનો સંપર્ક કેમ ના કર્યો ?”
“ગામવાળાએ મારા કહ્યા મુજબના એડ્રેસ પર તપાસ કરી પણ ત્યાં મારા મમ્મી અને પપ્પા ના મળ્યા. મને યાદ આવે પાંચેક વર્ષ થઈ ગયા હતા. તે દિવસ પછી મેં જુની વાતો યાદ કરવાને બદલે વર્તમાન લાઈફ જીવવાનું શરૂ કર્યું. મને ઉછેરનાર નર્સ એટલે ગીતાબા મારા માટે સર્વસ્વ હતાં, તેમના પરિવારમાં પણ કોઈ ન હતું અને મારા પરિવારમાં પણ ....”
“ઓહહ..જાનકી આપણાં મિત્રોમાથી માત્ર દશ જ બચ્યા હતાં અને બાકીના બધાએ જીવ ગુમાવ્યો હતો. ટ્રેનમાં ઘણા યાત્રીઓની લાશ નદીમાંથી મળી ન હતી અને તારી પણ ....” વિશ્વાસ બોલતા બોલતા અટકી ગયો.
“હા ..હું તણાઇને દુર જતી રહી હતી અને ગામ બહુ નાનું હોવાથી મારો સંપર્ક નહીં થયો હોય. મને ગીતાબાએ કાયદેસર દત્તક મેળવી, મારો ઉછેર કર્યો. મને ગીતાબા અને ગામના સહયોગથી સારું ભણવાની તક મળી અને મેં ગીતાબા ને નિવૃત થયા પછી પણ લોકોની સેવા કરતાં જોઈ નર્સ બનવાની પ્રેરણા મળી અને હું નર્સ બની. “
વિશ્વાસ શાંત ચિત્તે બધી વાત સાંભળી રહ્યો હતો .તેણે ધીમેથી પોતાની વાત પણ ટૂંકમાં કહી અને ધીમા સ્વરે પુછ્યું, “ પણ તે મને શોધવાનો કેમ પ્રયાસ ના કર્યો. અત્યારે તું ક્યાં અને કોની સાથે રહે છે ?”
“મને તારી યાદ આવતી હતી પણ મારા પરિવારનો કોન્ટેક ના થતાં મેં જુની યાદોને ભુલાવી નવી લાઈફ જીવવાની શરૂ કરી. હું ભણીને સિટીમાં જોબ માટે રહેવા આવી પણ ગીતાબા ગામમાં જ રહીને લોકોની સેવા કરતા હતાં અને ગયા વર્ષે તેઓ પણ મને છોડીને ... તે પછી હું એકલી જ આ સિટીમાં રહું છું અને આ બાળકોની કેર કરવામાં વ્યસ્ત રહીને બધા દુખ ભુલી જાઉં છું. ”
વિશ્વાસ અને જાનકીની વાત ચાલતી હતી ત્યાં રૂમ બહાર તેના મમ્મી પપ્પા અને ડોક્ટર પણ આવી ગયા હતાં. તેઓ બધી વાતો સાંભળી રહ્યા હતાં પણ તે બંન્નેને તેમની વાતોમાં ખબર જ ન હતી કે તેમની પાછળ કોઈ છે.
રડી રહેલી જાનકીને સાંત્વના આપતા વિશ્વાસે હળવેકથી પુછ્યું, “હવે આગળની લાઈફ માટે તે કંઇ વિચાર્યું છે ?”
જાનકી કઇં બોલે તે પહેલા મોના બેન બોલી ઉઠ્યા ,”હવે જાનકી એકલી નથી પણ આપણે તેની સાથે છીએ, કિરણ તેની સાથે છે.”
તે બંન્ને આ વાત સાંભળી ચોંકીને પાછળ જુએ છે અને ત્યાં હાજર બધાને જોઈને શાંત થઈ જાય છે. મોના બેન ડોક્ટરને વિશ્વાસ અને જાનકીની જુની મિત્રતા વિષે વાત કરે છે અને જાનકીને ગળે લગાડી વ્હાલ કરતાં કહે છે, ”બેટા તું એકલી નથી, હવે આપણે સાથે છીએ.”
રડી રહેલી જાનકી થોડી સ્વસ્થ થઈ, બધાને મળી અને મનોમન ખુશ થઈ. તેને ઘણા વર્ષે કોઇ પોતાનું મળ્યુ હોય તેવો ભાવ થયો.
"બેટા જાનકી, તે રીયા વગર કિરણને બહુ સરસ રીતે અહીં સાચવી છે પણ ...." મોનાબેન વાત કરતા કરતા અટકી ગયાં.
"પણ શું આંટી? "
"બેટા ઘરે જઇને ફરી કિરણ ...કેવી રીતે અમારી સાથે...તારા વગર રહેશે."
મોનાબેનની આ વાત સાંભળી વિશ્વાસ, ડોકટર, જાનકી વિચારવા લાગ્યા અને રુમમાં સન્નનાટો પ્રસરી ગયો.
વિશ્વાસે થોડી હિંમત એકઠી કરી અને જાનકીને કહ્યું, “જાનકી, તું એકલી નથી અને તે જે કોઈ તકલીફો ભોગવી તેનો હવે અંત આવશે. જો આપણે....”
જ્યાં વિશ્વાસ બોલતા બોલતા અટકી ગયો ત્યાં મોનાબેન બોલે છે,”જાનકી હું એવું ઈચ્છું છું કે તું અને વિશ્વાસ ફરી એકસાથે ....”
મોનાબેનની અધુરી વાત સાંભળી વિશ્વાસ અને જાનકીના ચહેરા પર થોડી ખુશી આવી ગઈ. મોનાબેન કિરણને હાથમાં લઈને જાનકી પાસે જઈને બોલ્યા, “જો બેટા, કુદરતે કિરણને મા ની ખોટ આપી છે, તે તું પુરી કરી શકે તેમ છે અને અત્યારે વિશ્વાસને પણ એક સાથની જરૂર છે તે પણ તું દુર કરી શકે તેમ છે. તું શાંતિથી વિચારજે અને યોગ્ય લાગે તે નિર્ણય કરજે.”
વિશ્વાસે પણ જાનકીને કહ્યું, “જો જાનકી મેં અને તે ઘણા કપરા સંજોગો જોયા છે. હાલ આપણી બંનેની લાઈફ એક નવા મોડ પર આવીને ઉભી છે. આપણે નાનપણથી જ એકસાથે રહેવાનુ મનોમન નક્કી કર્યું હતું પણ સંજોગો એવ ઉભા થયા અને આપણે જુદા થવું પડ્યું. પણ ...પણ કુદરતે કેવું આપણી બંનેનું કિસ્મત કનેક્શન સેટ કર્યું છે તે તો જો, આપણે ક્યાં અને કેવી પરિસ્થિતમાં મળ્યા છીએ.”
જાનકીએ વધારે કઈ વિચાર્યા વગર હળવેકથી કહ્યું, “હું વર્ષોથી જેને શોધતી હોઉ અને મનોમન ભગવાન જોડે જેના માટે મન્નત માંગતી હોઉ તે મારી સામે હોય અને હું ના કેવી રીતે કરી શકું. આજે ભગવાને મારી વાત સાંભળી એનો હું સ્વીકાર કરું છું.”
જાનકીની વાત સાંભળી વિશ્વાસ અને મોનાબેન ખુશ થયા. જાનકીએ આંખો લૂછતાં લૂછતાં બોલવાનું શરૂ કર્યું, “મેં મા વગરની જિંદગી જીવી છે પણ કિરણને એવી જિંદગી જીવવા નથી દેવી. કિરણને હું વધારે દુખી જોવા નથી માંગતી અને હું કિરણની મા બનવા તૈયાર છું. મને પણ પરિવારની હુંફની જરૂર છે એટલે હું વિશ્વાસ સાથે આગળની લાઈફ માટે રાજી છું.”
થોડા દિવસમાં કિરણ સ્વસ્થ થઈ જતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. વિશ્વાસે
રીયાની યાદ સાથે કિરણ અને જાનકી સાથે નવી લાઈફ જીવવાની શરૂ કરી.
વિશ્વાસે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું ,” ભગવાન, લાઈફમાં સુખ સાથે દુખ પણ આપજે અને દુખમાથી બહાર નીકળવાનો યોગ્ય રસ્તો પણ દેખાડજે. દુખ જીરવવાની શક્તિ પણ આપજે.”


પ્રકરણ ૩૬ પુર્ણ સાથે નવલકથા પુર્ણ .....
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
આપ સૌ વાચક મિત્રૌ એ મારી આ નવલકથાના દરેક એપિસોડ વાંચી રેટીંગ, રીવ્યુ આપ્યો તે બદલ દિલથી આભાર. આ નવલકથાના કેટલાંક એપિસોડ અમુક કારણોસર વિલંબ કરવા બદલ માફ કરશોજી.
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
આપ સૌ વાચક મિત્રૌ એ મારી આ નવલકથાના દરેક એપિસોડ વાંચી રેટીંગ, રીવ્યુ આપ્યો તે બદલ દિલથી આભાર. આ નવલકથાના કેટલાંક એપિસોડ અમુક કારણોસર વિલંબ કરવા બદલ માફ કરશોજી.

મિત્રો ટુંક સમયમાં જ નવી નવલકથા સાથે ફરી આપની સામે લઈને આવીશ ત્યાં સુધી કેબલકટ નવલકથા અને અન્ય ઇ બુક વાંચી વાંચી આપનો રિવ્યુ અને રેટિંગ આપજો.