કિસ્મત કનેકશન , પ્રકરણ ૧ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કિસ્મત કનેકશન , પ્રકરણ ૧

કિસ્મત કનેક્શન

પ્રકરણ ૧

ધોરણ ૧૨ ની પરીક્ષા પુર્ણ થતા જાનકી અને વિશ્વાસે તેમની સ્કુલના બીજા ચાલીસેક મિત્રો સાથે મળીને એક વીક ફરવા જવાનું વિચાર્યું. બધા મિત્રો ની ફરવા જવાની પસંદ અલગ અલગ. કોઇને જવું હતું પહાડી સ્થળ પર તો કોઇને દરીયા કિનારે તો કેટલાંકને ગમે ત્યાં પણ ગુજરાત બહાર તો કોઇને મુંબઇ, કેરલ, રાજસ્થાન. ઘણી બધી માથાકુટ અને ચર્ચા ના અંતે મિત્રો સાથે મળીને વિશ્વાસે ગોવા ફરવા જવાનું ફાયનલ કર્યુ. વેકેશન નો સમય હોવાથી વિશ્વાસે રેલ્વેના એજન્ટ ને મળીને તત્કાલ માં ટીકીટો મેળવી પણ લીધી. ટીકીટો મળતાં બધા મિત્રો ખુશ હતાં અને સોથી વધુ વિશ્વાસ અને જાનકી ખુશ હતાં.પોગ્રામ નું તમામ આયોજન વિશ્વાસ ના હાથમાં હતું અને બધા મિત્રોને વિશ્વાસ ફરવાનો શોખીન હોવાથી તેના આયોજન પર પુરો વિશ્વાસ હતો. વિશ્વાસે ખાસ જાનકીની ઈચ્છા અને આગ્રહ ને કારણે જ ગોવા જવાનું ફાયનલ કરેલું.

સોમવારે વહેલી સવારે બધા મિત્રો તેમના માતા પિતા સાથે રેલ્વે સ્ટેશન ગોવા ની સફરે જવા આવી પહોંચ્યા હતાં. ટ્રેન સમય સર પ્લેટફોર્મ પર આવી ગઈ અને બધા મિત્રો ટ્રેનના S 2 ડબ્બા માં ગોઠવાઈ ગયા. વિશ્વાસે અગાઉથી નક્કી કરીને મિત્રોને કહ્યું હતું, “આપણા સૌની ટીકીટો S 2 ડબ્બામાં છે એટલે ટ્રેન ઉપડે ત્યાં સુધી આપણે પોતપોતાની ટીકીટ મુજબ ની સીટ પર જ બેસીશું જેથી આપણા પેરેન્ટ્સ ને બધું યોગ્ય લાગે અને ટ્રેન સ્ટેશન પરથી રવાના થાય પછી પોતપોતાની મનપસંદ સીટ કે મિત્ર સાથે ની સીટ પર ગોઠવાઈ જજો.” બધા મિત્રો જલ્દીથી ટ્રેન ઉપડે તેની રાહ જોતા હતાં અને ગોવા ની સફર માટે ઉત્સુક હતાં. સમયસર સિગ્નલ મળતાં જ ટ્રેનની વ્હીસલ વાગી અને ટ્રેન ઉપડવા માંડી. બધા મિત્રોએ પોતપોતાના પેરેન્ટ્સ ને હસતાં ચહેરે ગોવાની સફર માટે વિદાય લીધી.

ટ્રેન ઉપડતાં જ બધા ગેલ માં આવીને મોજમાં આવી ગયા. બધાએ પોતપોતાની અનુકુળ સીટ મેળવી લીધી. જાનકી અને વિશ્વાસે પણ સામ સામે બારી પાસે સીટ મેળવી લીધી. જાનકી અને વિશ્વાસ બાળપણ થી મિત્રો હતાં. બંને બાલમંદિર થી બારમા ધોરણ સુધી એકજ સ્કુલ અને એકજ ક્લાસમાં સાથે ભણ્યા. વિશ્વાસ જાનકીને પ્રેમ કરે છે આ વાત તેમના કેટલાંક મિત્રોને ખબર પણ હતી. જાનકી અને વિશ્વાસ ટ્યુશન પણ એક જ જગ્યાએ અને સાથે જ જતાં હતાં. જાનકી ભણવામાં અવ્વલ અને વિશ્વાસ છેલ્લી પાટલી નો વિધ્યાર્થી. જાનકી ને ભણવા સિવાય કશાય માં રસ નહી અને વિશ્વાસને ભણવા સિવાય તમામ પ્રવુતિઓમાં રસ. જાનકી ભણવામાં પ્રથમ સ્થાને તો વિશ્વાસ રમત ગમત અને ભણવા સિવાય ની તમામ પ્રવુતિઓમાં પ્રથમ જ હોય. જાનકીનું પ્રથમ લક્ષ્ય ઉચ્ચ શિક્ષણ અને પછીથી બીજું બધું તો વિશ્વાસ નું એક માત્ર લક્ષ્ય સમય આવે જાનકી ને પ્રપોઝ કરવું અને જાનકી સાથે જિંદગી જીવવી. જાનકી ને વિશ્વાસ તેને મનોમન પ્રેમ કરે તેનો ખ્યાલ હતો જ પણ તે ભણવા સિવાય વિશ્વાસની વાતો કે તેના પ્રેમ પર ધ્યાન નહોતી આપતી. વિશ્વાસ પણ ક્યારેય જાનકી ને કોઈપણ રીતે પરેશાન કરતો ન હતો અને જાનકી ભણે તે તેને પણ ગમતું.

ટ્રેનમાં મોજ મસ્તી અને ધમાલનું રંગીન વાતાવરણ હતું. રેલ્વે ટીકીટ ચેકર બેનર્જી S 2 ડબ્બામાં આવી છોકરાઓની મોજ મસ્તી જોઈ ખુશ થઇ જાય છે. રેલ્વે ટીકીટ ચેકર બેનર્જી એ વિશ્વાસ પાસેથી ટીકીટ લઇ ચેક કરી પરત કરે છે. વિશ્વાસ ટુર ઓપરેટરની ઓળખાણ આપે છે, વિશ્વાસ ના ટુર ઓપરેટર વર્ષોથી ટુર ઓપરેટ કરતાં હોવાથી રેલવેના ઘણા રેલ્વે ટીકીટ ચેકર સાથે સારો સંબધ બંધાઈ ગયો હતો. રેલ્વે ટીકીટ ચેકર બેનર્જી એ વિશ્વાસ ને કહ્યું,“ તમારી ટીકીટ કન્ફર્મ અને બરોબર છે એટલે કંઈ તકલીફ નથી પણ તમને કંઈ તકલીફ કે કંઇ જરુર પડે મને જાણ કરજો, હું તમારી આસપાસના ડબ્બામાં જ હોઈશ અને આજુબાજુના લોકોને તકલીફ ના થાય તે રીતે મજા કરજો “ વિશ્વાસે રેલ્વે ટીકીટ ચેકર બેનર્જી ને બધા મિત્રોને રસ્તામાં આવતાં સ્ટેશનો પરથી નાસ્તો પાણી જોઈએ તો કેવી રીતે મેળવી શકાય તે માટે મદદ કરવા ની વાત કરી તેના જવાબમાં રેલ્વે ટીકીટ ચેકર બેનર્જી એ કહ્યું,” મારી સાથે ચલો, હું તમને પેન્ટ્રી કારમાં એટેન્ડન તિવારી સાથે તમને ઓળખાણ કરાવી આપું. તિવારી તમને શક્ય મદદ કરશે.” રેલ્વે ટીકીટ ચેકર બેનર્જી એ તિવારી અને વિશ્વાસ ની મુલાકાત કરાવી દીધી અને વિશ્વાસનો નાસ્તા પાણી નો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. વિશ્વાસે રેલ્વે ટીકીટ ચેકર બેનર્જી નો આભાર માની પોતાના ડબ્બા માં પરત ફરે છે.

કોઈ સ્કુલની જુની યાદોને તાજા કરતું હતું તો વિશ્વાસ જેવા પ્રપોઝ કરવાના મુડમાં તો જાનકી જેવા બારી બહારના કુદરતી સૌન્દર્ય ને મનભરી ને માણવામાં તો કોઈ ચેસ, લૂડો, પત્તા ની ગેમ રમવામાં તો કોઈ ગ્રુપ બનાવીને અંતાક્ષરી રમવામાં વ્યસ્ત. જાનકી નું આખું વર્ષ માત્ર ભણવામાં જ પૂરું થઇ ગયું હતું એટલે તેના માટે આ વેકેશન ફ્રેશ થવા અને મોજ મજા કરવા માટે ખાસ હતું. જયારે વિશ્વાસ માટે આ વેકેશન અને આ પળ વર્ષ દરમ્યાન સતત ભણવામાં વ્યસ્ત રહેતી જાનકી ને પ્રપોઝ કરવા માટે ખાસ હતી.

વિશ્વાસે ટ્રેન ને વાતાવરણ ને રસપ્રદ બનાવવા બધાને ભેગા કરીને ટુર મેનેજર નો રોલ ભજવતા ભજવતા બોલવાનું શરુ કર્યું,” મિત્રો આપણે હાલ અમદાવાદ થી ગોવા જે ટ્રેન માં જઈ રહ્યા છે તે ટ્રેન લગભગ આપણને ગોવા સમયસર હશે તો ૨૦ કલાકે પહોચાડશે અને જો સિગ્નલ ના લોચા હશે તો રેલ્વે વાળા ને ખબર ક્યારે પહોંચાડશે.” વિશ્વાસ ની વાત સાંભળી ટ્રેનમાં હાસ્ય નું વાતવરણ છવાઇ ગયું. વિશ્વાસે ફરી આગળની વાત શરુ કરી,” અમદાવાદ ગોવા વચ્ચે લગભગ ૧૧૦૦ કિમી નું અંતર છે અને અમદાવાદ ગોવા વચ્ચે લગભગ ૧૮ સ્ટેશન આવશે પણ.. પણ ટ્રેન કેટલાંક સ્ટેશને જ ઉભી રહેશે તો કેટલાંક સ્ટેશને માત્ર પાંચેક મિનીટ જ ઉભી રહેશે એટલે કોઈને પણ હા મારે પણ નીચે સ્ટેશન પર ઉતરવાનું નથી. જે કોઈ સ્ટેશન પર સારી અને ફેમસ નાસ્તાની વસ્તુ મળતી હશે તે આપણને એટેન્ડન તિવારી આપણી સીટ પર પહોંચાડી દેશે. ” જાનકીએ પણ નીચે ઉતરવાનું નથી વાત પર ભાર મુક્યો અને વિશ્વાસ ને મગજ ઠંડું રાખવા નું પણ કહ્યું.

રસ્તામાં ક્યાં ક્યાં સ્ટેશન આવશે ના જવાબમાં વિશ્વાસે કહ્યું,” નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, બોરીવલ્લી, મુંબઈ સેન્ટ્રલ, થાણે, પનવેલ, ચિપલુન, રત્નાગીરી અને મડગાંવ એટલે ગોવા. બીજા સ્ટેશન ના નામ યાદ આવશે તો કહેતો રહીશ. “ આપણને આપણો ચા, નાસ્તો,પાણી અને જમવાનું સમયસર ટ્રેનમાં જ મળી રહશે એટલે કોઈપણ સ્ટેશન પર ઉતરવાની જરૂર જ નહિ રહે. ટ્રેન એસી હોવાથી કોઈ ફેરિયા પણ આપણા ડબ્બામાં ચડી આપણને હેરાન નહી કરે.” બધા મિત્રો એ વિશ્વાસ ની જાણકારી પર તાળીઓ પાડી અને તેના જોરદાર આયોજન માટે ખુશી પણ વ્યક્ત કરી. પણ વિશ્વાસ નું ધ્યાન જાનકી તરફ જ હતું કે તેની વાત પરથી જાનકી કેટલી ખુશ થઇ. જાનકીએ પણ કટાક્ષ માં વિશ્વાસ ને કહ્યું,” સરસ વિશ્વાસ, તારી ભણવાની જગ્યાએ નેટ પર ખાંખાખોળા કરવાની ટેવ અને રખડપટ્ટી ક્યાંક તો કામે લાગી.” હવે વિશ્વાસ ને પોતે કરેલી મહેનત કામે લાગી નો અનુભવ થયો.

પ્રકરણ ૧ પુર્ણ

પ્રકરણ ૨ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો...

આપનો અમુલ્ય પ્રતિભાવ અને રેટીંગ પણ આપજો

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 8 માસ પહેલા

Lata Suthar

Lata Suthar 2 વર્ષ પહેલા

Pushpa Patel

Pushpa Patel 2 વર્ષ પહેલા

Angel

Angel 2 વર્ષ પહેલા

Ranjan Jagirdar

Ranjan Jagirdar 2 વર્ષ પહેલા