Kismat Connection - 8 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન , પ્રકરણ ૮

આ નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.

પ્રકરણ ૮

નીકી પોતાની હોસ્ટેલની જગ્યાએ સીધી વિશ્વાસની હોસ્ટેલ પર પહોંચે છે. વિશ્વાસ નીકીને બેગ અને અન્ય લગેજ સાથે જોઇને ચોંકી જાય છે અને હસતાં હસતાં બોલે છે, “ શું વાત છે નીકી ? તું તો આખું ઘર ભેગી લેતી આવી છે. શું આ શહેરમાં જ વસી જવાનું પ્લાનીગ છે કે શું ?”

“વિશ્વાસ, હજુ તો બીજો સામાન તો બાકી છે તે પાછળ ટ્રકમાં આવે છે. તું અનલોડ કરવામાં હેલ્પ કરજે. ”

“બસ . બહુ ડહાપણ ના કર. શું સમાચાર છે આપણા શહેરના, મારી મમ્મી અને તારા મમ્મીના ? કેવી રહી તારી અને મારી મમ્મીની ગોસેપ ?”

“વિશ્વાસ, શાંતિ રાખ. હું તને બધી વાત નિરાંતે કહું છું.”

“નીકી વાત શોર્ટમાં પતાવજે, લાંબી સ્ટોરીમાં મને રસ પણ નથી અને મારી પાસે ફાલતુ સમય પણ નથી.”

“સમાચાર માં એવું છે ને ..”

“નીકી.. એવું છે ને તેવું છે નહી. સીધી વાત કર અને જલ્દીથી.”

નીકી વિશ્વાસની વાતથી અકળાઈને સડસડાટ બોલે છે, “તારી મમ્મી તને ખુબ યાદ કરે છે અને ખોટી ખોટી ચિંતાઓ પણ કરે છે. મોના આંટીએ તારા માટે તને ગમતો નાસ્તો મોકલ્યો છે. અરે વિશ્વાસ, મમ્મી પરથી યાદ આવ્યું. એક મીનીટ હું ઘરે મમ્મીને ફોન કરીને અહીં પહોંચ્યાના સમાચાર આપી દઉં પછી આગળની વાત કહું. ”

નીકી ફોન પર વાત કરવા રૂમ બહાર જાય છે ત્યારે વિશ્વાસ નીકીના લગેજમાં નાસ્તાનું બોક્ષ શોધતો હોય છે ત્યાં તે બે બોક્ષ મળે છે અને તેમાં એકસરખો નાસ્તો, મીઠાઈ, બિસ્કીટ જોઇને માથું ખંજવાળતો વિચારતો હોય છે.

નીકી ફોન પતાવીને રૂમમાં પાછી આવે છે ત્યારે વિશ્વાસને આવી રીતે વિચારતાં જોઈ હસીને બોલે છે, ”વિશ્વાસ કન્ફયુઝ થઇ ગયો ?”

“ના. પણ આ બોક્ષ જોઇને થોડો..”

“બોક્ષને જોઇને આટલું બધું શું વિચારે છે ? બધું તારું ફેવરીટ જ છે, પેટમાં પધરાવવા માંડ. બહુ દિવસે ઘરનો નાસ્તો મળ્યો છે, એન્જોય કર.”

“હા નીકી તારી વાત સાચી, બધું મારું ફેવરીટ જ દેખાય છે અને થોડા દિવસ મજા પડી જશે પણ આ બે બોક્ષ ? વધુ પડશે મારે... મમ્મીએ બહુ બધું મોકલ્યું છે મારા માટે.”

“ઓહ ! તારે વધુ પડશે એમ.”

“હા પણ એમ કર, આમાંથી થોડો નાસ્તો તું પણ લઇ જા. તારા માટે.”

“એય શું થોડો લઈજા.”

“અરે ! આમ એન્ગ્રી વુમન ના બનીશ. તને જોઈએ એટલો નાસ્તો લઇ જા. બસ.”

“અબે એ, આ બે બોક્ષ તારા એકલાં માટે નથી મોકલ્યાં મોના આંટીએ.”

“તો..તો કોના માટે..?”

“શું કોના માટે. હું આવડી મોટી તને દેખાતી નથી. એક બોક્ષ મારા માટે છે.”

“ઓહ્હ. એમ વાત છે. આ એક બોક્ષ તમારા માટે છે એમ.”

“હા. આંટીએ મારા માટે પણ સેમ ટુ સેમ નાસ્તો જ બનાવ્યો છે. એટલે એક બોક્ષ તારું અને એક મારું.”

“ઓકે ઓકે. હવે સમજાઈ ગયું.”

“વિશ્વાસ, લે આ ડબ્બો. નાસ્તાનો છે.”

“અરે શું વાત છે. એક બોક્ષ અને એક ડબ્બો. મમ્મીએ બહુ ભારે કરી આ વખતે.”

“વિશ્વાસ, વાત પુરી સાંભળવાની અને સમજવાની. ચાલુ નહી થઇ જવાનું. ”

“નીકી, તારે વાત પુરી કરવાની અને એ પણ જલ્દીથી, તો કો’કને જલ્દી સમજાય.”

“આ ડબ્બાનો નાસ્તો મારી મમ્મીએ તારી અને મારી માટે મોકલ્યો છે. તને અને મને ભાવે તેવો. આપણને બેય ને ગમતો નાસ્તો છે. આપણી બંનેની ચોઈસ એકસરખી જ છે નહીં ”

“ના. આપણી બંનેની ચોઈસ નહીં પણ ફૂડનો ટેસ્ટ થોડો સરખો છે, બાકી આપણે બે અલગ છીએ. સમજી.”

“હા સમજી ગઈ હોં.”

“અને થેન્ક્સ.”

“થેન્ક્સ, ફોર વોટ ?”

“થેન્ક્સ તને નહી આંટીને કહું છું, તું ફોન પર મારો મેસેજ આપજે.” વિશ્વાસે ટોન્ટમાં કહ્યું.

“હા કહી દઈશ.”

“ચલ બાય. તારે કોલેજ પહોંચવાનું મોડું થશે. મળીએ લંચ ટાઇમમાં. ”

વિશ્વાસ નીકીની વાત કાપીને કોલેજ બેગમાં બુક્સ મુકીને કોલેજ જવાની તૈયારી કરવા માંડ્યો. નીકીને વિશ્વાસની વાત સમજાઈ ગઈ અને મોં મચકોડી પોતાની હોસ્ટેલ જવા નીકળી ગઈ. નીકી રસ્તામાં વિશ્વાસના સ્વભાવ વિશે વિચારતી હતી પણ મોના આંટીએ કહેલ ટ્રેન એક્સ્ડીન્ટની વાત યાદ આવતાં હસીને ભુલી જાય છે. થોડી સ્વસ્થ થઇ જાય છે અને હવે સીરીયસલી સ્ટડી કરવું પડશે તેવું મનમાં એકલી એકલી બોલતી હતી. નીકી હોસ્ટેલ જઈ ત્યાં ફ્રેન્ડસને મળે છે. રૂમમાં જઈને લગેજ મુકી ફ્રેશ થાય છે. જલ્દીથી તૈયાર થઈને કોલેજ જવા નીકળે છે.

નીકી કોલેજ પહોંચતા વિશ્વાસને કોલેજના દરવાજા પાસે ઉભેલો જોઈ ચોકી ગઈ. નીકીએ ક્યારેય આવી રીતે કોલેજના દરવાજે કે કોલેજ કમ્પાઉન્ડમાં વિશ્વાસને ઉભો રહેલો જોયો ન હતો. નીકીના મગજમાં ફટાફટ પ્રશ્નો ઉઠવા મંડ્યા અને નીકી તરત જ વિશ્વાસ પાસે જઈ બોલી, “શું થયું વિશ્વાસ ? કોની રાહ જુએ છે તું ?”

“કંઈ થયું નથી નીકી . ક્યારની રાહ તારી જ જોઉં છું અનેવાતો બંધ કરી થોડી ઉતાવર કર નહિતર થોડીવારમાં જ લેકચર ચાલુ થઇ જશે.અને આપણે બેય રહી જઈશું. ”

“હા. ચલ જઈએ. અરે, એક મીનીટ હું કેન્ટીનમાં સોમાને મળી લઉં.”

“સોમાને લંચ ટાઇમમાં મળી લે જે.”

“તારે લેટ થાય છે તો તું જા હું આવું છું સોમાને મળીને આવું છું. ફટાફટ. ”

“ના થોડી વાર છે, પણ જલ્દીથી. આ બેગમાં શું છે ?”

“એ સોમા માટે છે.”

“હા ભલે સોમા માટે હોય, પણ છે શું ?”

“સરપ્રાઈઝ છે અને લંચમાં સોમાને જ પુછી લે જે. શું હતું બેગમાં ”

“ તું ક્યારેય સીધા અને શોર્ટમાં જવાબ નહીં જ આપે એમ ને.”

“હા. એવું જ સમજી લે.”

નીકી અને વિશ્વાસને એક સાથે ઘણાં દિવસે કેન્ટીનમાં જોઈ સોમો ખુશ થઇ જાય છે અને બોલે છે, “અરે આવો આવો. બહુ દિવસે તમને સાથે જોઈ આનંદ થયો.”

નીકી એ હસતાં હસતાં સોમાના હાથમાં બેગ મુકીને કહ્યું, “ સોમા તને બહુ દિવસે મળીને મને પણ આનંદ થયો. લે સોમા, તારા માટે અમારા તરફથી સરપ્રાઈઝ ગીફ્ટ.”

“અરે આની ક્યાં જરૂર હતી. શું છે આમાં.” સોમો વિશ્વાસની સામે જોઇને બોલતો હતો.

વિશ્વાસે ચોંકીને તરત બોલી નાખ્યું, “અરે આ સરપ્રાઈઝ ગીફ્ટ છે. એમ કહેવાય નહીં અને તું જોઇને લંચમાં કહેજે કેવી છે ગીફ્ટ.”

નીકીએ કન્ફયુઝ વિશ્વાસ સામે હસતાં હસતાં બોલી, “સોમા તું અમારો ફ્રેન્ડ છું એટલે તને ક્યારેક કોઈક ગીફ્ટ તો આપવી જ પડે ને અને તને આની જરૂર પણ છે. તને આ ગીફ્ટ ચોક્કસ ગમશે જ.”

વિશ્વાસ ઝડપથી કેન્ટીન બહાર આવીને જોરથી બોલતો હતો, “નીકી, વી આર લેટ ફોર ધ લેકચર.”

“હા હા.. વિશ્વાસ.”

નીકી ઝડપથી કોલેજ કેમ્પસમાં ચાલતાં ચાલતાં વિશ્વાસને ત્રાંસી નજરે જોઈ રહી હતી. વિશ્વાસ કોલેજ ગેટ બહાર તેની રાહ જોતો હતો એટલે અને વિશ્વાસના બદલાયેલ સ્વભાવ વિશે મનોમન વિચારી રહી હતી.

નીકી અને વિશ્વાસ લંચ બ્રેકમાં કોલેજ કેન્ટીન તરફ વાતો કરતાં કરતાં આવતાં હોય છે ત્યારે તે બંનેની વાત વચ્ચે સોમો એન્ટ્રી મારે છે અને વિશ્વાસ સોમાને જોઈ બોલી ઉઠે છે, “અરે વાહ, સોમા તું તો કંઈ અલગ જ લાગે છે રોજ કરતાં.”

“અરે ભાઈ અલગ લાગુ જ ને. ગીફ્ટ જ તમારી જોરદાર છે ને એટલે.”

વિશ્વાસ સોમાને નવા ટીશર્ટમાં ખુશખુશાલ જોઈ સમજી ગયો કે નીકી સરપ્રાઈઝ ગીફ્ટમાં શું લાવી છે.

સોમો બોલ્યો, “નીકી બેન, એક ટીશર્ટ તો ઘણી થઇ જાત. તમે તો ચાર ચાર લઇ આવ્યા અને એ પણ એક એક થી ચડીયાતી. આની ક્યાં જરૂર હતી.”

“સોમા તને ગમી ને. જલસા કરને યાર. જરૂર તો હતી જ ને. તારી પાસે ક્યાં નવા કપડાં છે.”

“તમને ક્યાંથી ખબર પડી કે મારી પાસે નવા કપડાં નથી.”

“તું પેલા દિવસ તારા ભાઈબંધ જોડે ઉદાસ થઈને શેઠે ઉપાડ નથી આપ્યો, કપડાં લાવવાની વાત કરતો હતો તે મેં સાંભળી હતી.”

“અરે હા. પણ તમે આટલું મારું ધ્યાન રાખ્યું તે માટે તમને શું કહું એ મને સુજતું નથી.”

“સોમા, થેન્ક્સ કહી દે.” વિશ્વાસ હસીને બોલ્યો.

“હા. તમારા બંનેને થેન્ક્સ અને બોલો આજે શું જમશો ?”

નીકી બોલી, ”સોમા આમાં થેન્ક્સ ના કહેવાય. તું અમારો ફ્રેન્ડ છે યાર અને ભુખ બહુ લાગી છે એટલે જલ્દીથી જે કંઈપણ તૈયાર હોય તે પેટ ભરવા લાવ. ”

“હા. હું ફટાફટ તમને ગમતું જમવાનું લઇ આવું. ”

સોમા ગયો એટલે વિશ્વાસ બોલ્યો, “નીકી તું ખરેખર સરસ ગીફ્ટ લાવી છે અને સોમો ખુશ થઇ ગયો તારી ગીફ્ટથી. પણ એ ગીફ્ટમાં તે મારું નામ કેમ એડ કર્યું ? અને એડ કર્યું તો મારે મારા ભાગના કેટલા મની આપવાના એ કહી દે.”

“અરે યાર, એમાં શું થયું. આપણે ફ્રેન્ડશીપમાં એવું બધું ના હોય. તારો અને મારો કોઈ ભાગ નથી પાડવો મારે. શું તારું અને મારું. તને ગમે કે ના ગમે.” નીકીએ હકથી કડક સ્વરે બોલી રહી હતી.

વિશ્વાસને નીકીની ઉંચા ટોનમાં કહેલી વાત અને તારા મારા ની જગ્યાએ આપણે આપણે કહેતી હતી તે ઓછુ ગમ્યું પણ તેણે હાલ પુરતું મન મનાવી લીધું. ગુસ્સો મનમાં ઓગાળી લીધો અને નીકીની વાતો પરથી માઇન્ડને ડાયવર્રટ કરી લીધું.

એટલામાં જ સોમો બે ડીશમાં પુરી ભાજી લઇ આવ્યો અને વિશ્વાસ તો તે જોઈ ખુશ થઇ ગયો. વિશ્વાસ તો ડીશ ટેબલ પર આવતાં જ ફટાફટ જમવા માંડ્યો. નીકી પણ જમવા લાગી. તે બંનેને જમતાં જોઈ સોમો પણ ખુશ થઇ ગયો.

વિશ્વાસ જમતાં જમતાં અટક્યો અને બોલ્યો, “સોમા કેન્ટીનમાં નવી ભાજી બનાવવી હોય તો સિક્રેટ રેસીપી નીકી પાસે છે. અખતરો... નહી નહી ટ્રાય કરજે ક્યારેક.”

સોમો તરત બોલ્યો, “શું વાત છે નીકી બેન, તમને આવડે છે ભાજી બનાવતાં. ”

“હા સોમા, મને આવડે છે. પણ એટલી બધી જોરદાર, ટેસ્ટી નહી. ક્યારેક હું તને એકલાને ભાજી બનાવી ટેસ્ટ કરાવીશ. તારા સિવાય બીજા કોઈને નહીં. ”

“સોમા, તું નસીબદાર છે. અખતરાનો ભોગ તું એકલો જ બનીશ.” વિશ્વાસ હસતાં હસતાં બોલતો હતો.

નીકી અને વિશ્વાસ બંને જમીને કેન્ટીનમાં બેઠાં હતાં એવામાં વિશ્વાસે નીકીનો સારો મુડ પારખીને ધીમા સ્વરે કહ્યું, ”નીકી, લંચ પછીના લેકચર ખાસ નથી. જો તું હા કહે તો... આપણે લંચ બ્રેક પછી મારી કે તારી હોસ્ટેલ જઈએ.”

“કોલેજ બંક કરીને ?”

“હા.”

નીકી વિશ્વાસની આવી વાત પરથી એકપળ વાર માટે ચોંકી ગઈ. વિશ્વાસ ક્યારેય આવી રીતે કોલેજ બંક કરીને હોસ્ટેલ કે બીજે ક્યાંક ગયો એવું નીકીએ જોયું કે જાણ્યું નહોતું. વિશ્વાસ ફ્રી ટાઈમમાં કોલેજ કેન્ટીનમાં કે લાયબ્રેરીમાં બેસીને રીડ કરતો હતો. નીકી વિશ્વાસની સામે જોઈ વિચારતી થઇ ગઈ કે, ‘વિશ્વાસને અત્યારે હોસ્ટેલમાં મારી સાથે શું કામ હશે ? તેને શું વાત કરવી હશે ? તેનો મુડ આમ એકાએક કેમ બદલાયો ?’

પ્રકરણ ૮ પુર્ણ

પ્રકરણ ૯ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED