ફાંકો Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ફાંકો

ફાંકો

લોકડાઉનવાળું સાલુ ચાલ્યું તો લાંબુ હંઅઅઅ..? જાણે કે રિમાન્ડ ઉપર લઇ નાંખ્યા. ભલભલાના ફુગ્ગામાંથી ફાંકાની હવા નીકળી ગઈ. ફેશનેબલ વાળ વાળા તો ઓળખાતા બંધ થઇ ગયા કે ભાઈ નરમાં આવે કે નારીમાં..? બરમૂડામાં ફરનારા મોર્ડન સાધુબાવા જેવાં થઇ ગયા. શેરબજારના આંકની માફક વધતો આંક જોઇને અમુક તો જીભ કાઢીને શ્વાસ લેતા થઇ ગયા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એમ, કોને ખબર હતી કે, કોરોના પણ માણસની જેમ આડો ફાટશે..?

એવો તો ફાંકો ઉતારી દીધો કે, વગર માંદગીએ હોસ્પિટલને બદલે ઘરે આડા પડવાનું આવ્યું. અમુક પતિ-દેવના તો પાટિયાં બેસી ગયા. જાણે જંગલના સિંહ રીંગ માસ્ટરના હવાલે આવી ગયાં. પોપસોંગ છોડી, સ્વ. મુકેશસાહેબના ગીતો લલકારતા થઇ ગયાં, “જાને કહાં ગયે વો દિન....!” સાલો ફાંકો તો ઉતરી ગયો. પણ પેટ વધી ગયું. મઝા વિદ્યાર્થીઓને આવી. નિશાળ પણ ડૂલ, લેશન પણ ડૂલ ને ટીચર પણ ગુલ..! અસ્સલ વડીલો સ્કૂલને બદલે ‘ઈસ્કુલ’ બોલતા, એમ ‘ઈસ્કુલ’ ચાલુ થઇ ગઈ..! કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં ચાર કાબરા ને ચાર ધોળિયાની માફક બસ, ટાચકધિન્ના..! “બે છોકરા વાત કરે કે, એકાદ કોરોનાનો દર્દી મળે તો સંતાડી રાખવા જેવો છે, નહિ તો આવતા વરસે પરીક્ષાની જફા આવશે તો કરીશું શું..? સાલી આજની પેઢી તો સમજાતી જ નથી કે, જન્મે છે કે પ્રગટ થાય છે..!

લોકડાઉનમાં હાલત બગડી ગઈ યાર..! આઝાદ ભારતમાં આઝાદ વાઈફની સામે ફોટો પડાવતા હોય એમ ઢોલીએ બેસીને ઢીલ્લા થઈને પડી રહેવાનું કેટલા દિવસ ફાવે? એમાં વાઈફ આગળ જેની સા.છા. (સામાન્ય છાપ ) ડામાડોળ હોય, એની તો હાલત ખરાબ થઇ જાય દાદૂ..! સિંહણ સામે બકરી બાંધી હોય એમ એવો હોલોલુલું થઇ જાય કે, શ્વાસ કાનથી લેવાય છે કે, નાકથી એનું પણ ભાન નહિ રહે. સંતો ભલે કહેવાનું ચુકી ગયા હોય, બાકી વાઈફ આગળ સા.છા. (સામાન્ય છાપ) સારી નહિ રાખી હોય ત્યારે આવું કોરોના જેવું ફાટી નીકળે ત્યારે, ફાટી મરવાનો વારો આવે. બાવળીયુ હોય તો બાવળની ઓળખમાં જ રહેવાનું. ચંદનના ઝાડ જેવી હવા ફેલાવવાનો ફાંકો નહિ બતાવવાનો. પનારે પડવાના દહાડા આવે ત્યારે, ભગવાન નારાયણની માફક ગણતરીમાં રહેવાય, બીજું શું..?

ફાફડા જલેબી લોચો ખાયને ભુંસાનો ફાંકો રાખું છું

વાઘ મેં માર્યો નથી પણ વાઘણને ઘરમાં રાખું છું

કોરોનાના કપરા કાળમાં શું કામ ધક્કે ચઢાવો છો યાર..? ઉપરની બને પંક્તિ લખવાનું સાહસ મારું નથી. બિલાડીના મ્યાઉંમાં પણ જેને વાઘણની ત્રાડ સંભળાતી હોય, એ આવું લખવાની હિમત કરે ખરો..? આ પંક્તિ મારા ગુરુવર્ય, હાસ્યકાર સ્વ. દાસબહાદુર વાઈવાલાએ વરસો પહેલાં ફાંકો રાખીને લખેલી. એમની હાઈટ નીચી હતી, પણ ખુમારી તગડી રાખતા. આ બંને પંક્તિ ચમનીયાને ગમતી. વાઈફ આગળ એની સા.છા. એટલી ખરાબ કે, આજે પણ એ વાઈફને ‘હની’ કહેવાને બદલે હન્ટરવાલી જ કહે..! એટલે તો, છીંક આવે તો ખુલ્લા મનથી દેવી-દેવતાનું નામ લેવાની પણ ચમનીયાને છૂટ નહિ. ઘરવાળીનું નામ બોલીને જ છીંક ખાવાની. છીંક આવે એટલે એની વાઈફ એના કાંઠલે આવી જ જાય, ને ચમનીયાથી બોલાય પણ જાય કે, “હાંઆઆઆક છીઈઈઈ.....‘જય ચંચીદેવી..!’ ઘણીવાર તો નામને ટાળવા બિચારો છીંકને પણ ગળી જતો. એમાં આંખે ઝળહળીયાં પણ આવી જતાં. ઈમ્યુનિટી પાવર પણ જોઈએ ને યાર..? આવો પણ ફાંકો હોય દાદૂ..!

બાકી ફાંકો એટલે ફાંકો..! એ પણ ભગવાન જેવો. કોઈને દેખાય નહિ પણ મહેસુસ થાય. ભગવાન હૃદયમાં વસે ને ફાંકો ભેજામાં વસે..! દેખાતો નથી, પણ સમય આવે ત્યારે એવી ફેણ કાઢે કે, ભલભલાના સમય ફેરવી નાંખે. ધ્રુજાવી નાંખે યાર..! નાનો-મોટો-જાડો-પાતળો અનેક પ્રકારનો ફાંકો હોય. કોઈને ઓછા ગેજનો, તો કોઈને જાડા ગેજનો. તુંડે તુંડે મતિર ફાંકા..! અમુક તો ફાંકાના સ્ટોકીસ્ટ જેવાં હોય, છતાં સાલા પૂછે કે, ‘આ ફાંકો શું બલા છે..?’ એના કપાળમાં કાંદા ફોડું, ફાંકો શું ચોકલેટી કેક છે કે, તને વાડકામાં લાવીને બતાવું..?

એક વાત છે, કોરોનાની રસી જ્યારે શોધાવાની હશે ત્યારે શોધાશે, પણ આ ફાંકાનું મારણ શોધવા કોઈ વૈજ્ઞાનીકને ભાડે કરવાનો સમય હવે પાકી ગયો છે. લોકોને અલ્યા કેવાં કેવાં ફાંકા..? કોઈને આર્થિક ફાંકો હોય, ધાર્મિક ફાંકો હોય, સાત્વિક ફાંકો હોય ને સ્વાર્થીક ફાંકો પણ હોય. ફાંકાનું એક જ કામ, શાંત હોય ત્યાં ધુમાડો કરવાનો, ને ધુમાડો હોય ત્યાં ભડકો કરવાનો. જેવી જેવી પીચ તેવી તેવી બોલિંગની માફક, ફાંકેબાજ લોકો પીચ જોઇને જ ફાંકો ફેંકે..! ક્યાં તો પછી પોતાનું કુરુક્ષેત્ર પોતે જ બનાવે. ભારતમાં સાલી બધા પ્રકારની વસ્તી ગણતરી થાય છે, કોઈપણ સરકારને એવો વિચાર આવ્યો કે, લાવ એકાદવાર ફાંકેબાજોની પણ વસ્તી ગણતરી કરીએ..? નકુચામાં આંગળી આવે ત્યારે જ ખબર પડે કે, ભાઈનો ફાંકો કેટલાં વોલ્ટનો હતો..? હજી સુધી ‘ફાંકા મીટર’ શોધાયા નથી. જેથી સામેવાળાને ખબર કેમ પડે કે, મજકુરમાં કેટલા ફેરનહીટનો ફાંકો છે..? દરેક પ્રકારની ટોચને આંબવાનો સૌને ફાંકો છે. એને સમજાવે કોણ કે, ટોચ ઉપર તો એકલાએ જ મંજીરા ટોચવાના આવે. મેળા તો બધાં તળેટીમાં હોય..!

સમજાતું નથી કે, માણસના ભેજામાં આ ફાંકો કઈ સદીમાં આવ્યો હશે..? માનવીના પૂર્વજો વાંદર હતાં એ વાત બરાબર, પણ વાંદરાઓને તો માત્ર ભગવાનશ્રી રામનો જ ફાંકો હતો. પુંછડું હતું, પણ ફાંકો ન હતો. પછી ખબર નહિ, આગળ જતાં પુંછડું ઘસાય ગયું ને ફાંકો આવ્યો હોય..? ક્યાં તો પુંછડું ગીરવે મુકીને ફાંકો વસાવ્યો હોય..! જે હોય તે, બંદરને જેમ પુંછડા વગર નહિ ફાવે, એમ ફાંકેબાજને આજે ફાંકા વગર નહિ ફાવે એ વાત નક્કી..! અમુકના ફાંકા તો એવાં હાઈ વોલ્ટેજવાળા હોય કે, અડફટમાં આવ્યો તો, આપણું પણ ટ્રાન્સફોર્મેર ઉડાડી દે. એક ભાઈ કહે, હું હતો, એટલે આ ભાઈના હાડકે પીઠી લાગેલી. હું વચ્ચે ના પડયો હોત તો હજી એ વાંઢેશ હોત.,! “ એના કપાળના કાંદા ફોડું, લોકો શું કામ આવાં ફાંકા રાખતા હશે ? તું ન હતો છતાં તારા ફાધરના લગન થયેલા. ત્યારે તને કોઈ શોધવા આવેલું લુખ્ખા..? ભોંચું..?

ફાંકો મોઢાની આખી ડીઝાઈન બદલી નાંખે. ફાંકો ક્યારેય સંતાયેલો રહેતો નથી. હાલ-ચાલ ને બાલની સ્ટાઈલ ઉપરથી ઓળખાય જાય, કે ભાઈ ફાંકેબાજ છે..! ફાંકા વગરના ચહેરા દૈવિક હોય. આપણને એવાં માસુમ લાગે કે, દ્રેક્યુલાને પણ મોઢાં ઉપર બે બચી કરવાનું મન થાય. ફાંકાવાળાએ ગળામાં ‘ખતરા’ નું પાટિયું લગાવવું જ પડતું નથી. ભાઈને જોઈ એટલે જ ખબર પડી જાય કે, જાતક ‘ડેન્જર’ છે. ફાંકાને કોઈ આકાર નહિ કે પ્રકાર પણ નહિ. મામલે-મામલે ફાંકા અલગ. એ હદમાં પણ હોય, ને હદ બહારનો પણ હોય..! એના હદનિશાન કાયમી હોતા નથી. ન્યાત-જાત કે ભણતરના ભેદ, ફાંકાને નડતાં નથી. મગજને ગરમ કરવું હોય તો ગરમ થાય, ઠંડુ કરવું હોય તો ઠંડુ થાય. એને વેજીટેરીયન કે નોન વેજીટેરીયનનો પણ ભેદ નડતો નથી. ચુસ્ત વેજીટેરીયન હોય તો પણ માણસનું ‘મગજ’ એ ખાવાનો એટલે ખાવાનો..!

ભગવાને ફાંકો રાખીને માણસની મૂર્તિ બનાવી, તો માણસે ડબલ ફાંકો રાખીને ‘ભગવાન’ ની મૂર્તિ બનાવી. માણસે બનાવેલી મૂર્તિમાં કોઈ ફરિયાદ હજુ સુધી આવી નથી. એવી શાંત કે, જ્યાં બેસાડી હોય ત્યાં બેસી રહે. નહિ બોલવાની, નહિ ચાલવાની, નહિ વિચારવાની. નહિ તો એ કોઈ ભગવાન બદલે, ગુરુ બદલે, ધરમ બદલે, પાર્ટી બદલે, કે ને નહિ કોઈ પાર્ટીનો ખેસ બદલે. ત્યારે ભગવાને બનાવેલી મૂર્તિમાં હજાર પ્રોબ્લેમ..! એ પક્ષ બદલે, જુઠું બોલે, સત્તા માટે મરણીયો બને, પ્રેમ કરે ને વિશ્વાસઘાત પણ કરે. મગજનું ફાટક ખુલ્લું જોયું,. એટલે ‘ ફાંકો ‘ એનું રેશન કાર્ડ કઢાવીને વસવાટ કરતો થઇ જ જાય. ત્યાં સુધી કે, પછી તો ખુદ માણસ જ ભગવાન બનવાના ધાંધિયા કરવા માંડે. બાકી સિંહને ખબર છે કે, હું જંગલનો રાજા છું..? પણ એનામાં બળવાન હોવાનો ફાંકો છે એટલે એ રાજા કહેવાયો. રાજા હોય તો, બખ્તર, ટોપો કે તલવાર લઈને ઔરંગઝેબની માફક શહેરમાં આંટો મારવા નહિ નીકળે..? શું કામ ઉઘાડો ફરે..? આવો ફાંકેબાજ હોવા છતાં, કોઈ દિવસ ફાંકો રાખીને એણે આપણા ઘરનો ડોરબેલ દબાવ્યો નથી..! બાકી જે દીપડા જંગલથી તડીપાર થયાં હોય, ને આંગણે આંટો મારવા આવે એ અલગ વાત છે..!

------------------------------------------------------------------------------------------------------------------------

11-06-20