કેરળની હાથણ અને માનવતા Parth Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

કેરળની હાથણ અને માનવતા

દિવાળી પર બધાએ ફટાકડા તો ફોડવાનો આનંદ તો માણ્યો જ હશે..પરંતુ જ્યારે કોઈ ફટાકડો હાથમાં જ ફૂટી જતો તો કેવી પીડા થતી? હવે વિચારો કે જો એ ફટાકડો આપણા મોઢામાં કે પછી પેટમાં ફૂટે તો કેવો અસહ્ય દર્દ થાય.કલ્પના કરતાં પણ રૂંવાડા ઊભા થઈ જાય છે ને !

કેરળના મલ્લપુરમ જિલ્લામાં પણ એક આવો જ કિસ્સો બન્યો...એક ભૂખી હાથણ ભોજનની શોધમાં ભટકતી ભટકતી માનવ વસાહત તરફ આવી ગઈ. પણ એને શું ખબર કે આ માનવ વસાહતમાં માનવોના વેશમાં રાક્ષસો પણ રહે છે. એ હાથણ ગર્ભવતી હતી.એને ત્યાં કોઈ વિકૃત માનસિકતા ધરાવતા રાક્ષસે ( તેને માણસ કહેવું એ માણસાઈનું અપમાન થશે ) ફટાકડા ભરેલું અનાનસ ખાવા માટે આપ્યું. થોડી વારમાં એ હાથણના મોઢામાં એક વિસ્ફોટ થયો અને તેના મોઢાના સ્નાયુઓ બળી ગયા. એ હાથણને અસહ્ય પીડા થઈ. કહેવાય છે કે જ્યારે હાથીનું મગજ જાય ને ત્યારે એ બધુજ તહેસનહેસ કરી મૂકે, પણ અહી આ હાથણે કોઈને પણ નુકસાન ન પહોંચાડ્યું અને નજીકમાં આવેલી વેલ્લિયાર નદીમાં જઈને ઉભી રહી, ત્યાંજ થોડીવારમાં એ હાથણે અસહ્ય પીડાને કારણે દમ તોડી દીધો.આ હાથણના મોતના સમાચારે આજે બધાને વિચારવા મજબુર કરી દીધા કે આપણે સાચે જ માણસ જ છીએ ને?

આજે એક જંગલી જાનવરની સામે માનવતા હારી ગઈ. આવી તો અનેક ઘટનાઓ સમાજમાં બનતી હોય છે જેમાં મૂંગા પ્રાણીઓ પર અત્યાચાર થાય છે કારણકે એ મૂંગા પ્રાણીઓ એ અત્યાચાર સામે અવાજ નથી ઉઠાવી શકતા કે નથી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોધાવી શકતા ! . તે વિસ્તારના ફોરેસ્ટ અધિકારી કૃષ્ણનએ જો આ ઘટનાની જાણ પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા ના કરી હોત તો કોઈને જાણ થાત જ નહિ અને લોકોને ટ્વીટર પર ટ્રેન્ડ ચલાવવાનો મોકો જ ના મળત !


આજ કાલ બે વેબ સિરીઝ ખુબ ચર્ચામાં છે.' અસુર' અને ' પાતાલલોક '. અસુર નામની વેબ સિરીઝ સમાજને એ દર્શાવે છે કે સમાજમાં મનુષ્યના વેશમાં આસુરી તત્વો પણ છુપાઈને રહેલા હોય છે જે સમય સમય પર બહાર આવતા હોય છે..ભગવદ્‍ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે અધ્યાય ૧૬ ના છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે કે,

" द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च | "
અર્થાત્ :- આ મનુષ્ય સમુદાયમાં બે પ્રકારના માણસો રહે છે.એક દૈવી પ્રકૃતિ ધરાવતા અને બીજા આસુરી પ્રકૃતિ ધરાવતા લોકો.

આવા અસુરો સમાજમાં ક્યાંય ને ક્યાંય છુપાઈને રહેતા હોય છે અને પોતાના કાંડ દ્વારા પ્રકાશમાં આવતા હોય છે..આવા લોકો સમાજના દુશ્મન હોય છે.
બીજી વેબ સિરીઝ છે પાતાલલોક. આ સિરીઝ પ્રમાણે આ ધરતી પર જ દેવલોક, પૃથ્વીલોક અને પાતાલ લોક હોય છે....
પાતાલલોકના અસુરો ગુનાઓ કરવામાં વ્યસ્ત છે..પૃથ્વીલોક ના મનુષ્યો આવા ગુનાઓને ટ્વીટર પર ટ્રોલ કરવામાં વ્યસ્ત છે અને આશા રાખે છે કે દેવલોકમાંથી દેવો આવશે અને પાતાલ લોકના અસુરો ને સજા કરશે વર્ષોથી સમાજમાં ન્યાય વ્યવસ્થા છે, આવા લોકોને સજા પણ થઈ જાય તો એની શું ખાતરી કે કોઈ બીજો અસુર આવી ઘટનાને અંજામ નહિ આપે? અહી ફક્ત પ્રાણીઓની જ વાત નથી. આવા લોકો માનવી સાથે પણ ક્રૂરતા આચરતા થાકતાં નથી. આપણા દેશમાં પ્રાણીઓને લગતા ઘણાંય કાયદાઓ છે અને તેમને કનડગત કરવા બદલ યોગ્ય સજાની પણ જોગવાઈ છે જ..પણ ક્યાંક તો કાયદાનું પાલન નથી થતું કે પછી ક્યાંક કાયદાઓ ની નબળાઈનો લાભ ઉઠાવવામાં આવે છે.

ભારતીય બંધારણમાં અનુચ્છેદ 48 (A) પ્રમાણે રાજ્ય પર્યાવરણનું જતન અને તેમાં સુધારણા કરવાનો તેમજ દેશના જંગલો તેમજ વન્યજીવો ની રક્ષા કરવાનો પ્રયત્ન કરશે.
આ અનુચ્છેદ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારી 22 ઑક્ટોબર 2010 ના રોજ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કર્યો છે...હાથી એ આપણા દેશની રાષ્ટ્રીય વિરાસત છે અને આ વિરાસતને નુકસાન પહોચાડવી એ સજાપાત્ર ગુનો બને છે.આ જ રીતે મોર, વાઘ, સિંહ, ડોલ્ફિન, જેવા અનેક પ્રાણીઓને કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું છે. કાયદાનું રક્ષા કવચ ધારણ કરેલું હોવા છતાંપણ ગુના તો થાય જ છે...એટલે કાયદા ને હવે વધુ કડક બનાવવાની જરૂર છે...ટ્વીટર પર #saveanimal કે પછી #keralelephant જેવા ટ્રેન્ડ ચલાવવા માત્રથી કઈ ફર્ક નથી પડતો.જો ટ્રેન્ડ ચલાવવો જ હોય તો પશુઓની રક્ષા માટે કડકમાં કડક કાયદા આવે અને તેનો ચુસ્ત અમલ થાય એ માટે ટ્રેન્ડ ચલાવવો.કેમ કે સરકારની નજર ટ્વીટર પર વધારે હોય છે..કાયદાઓ કેટલાં પણ ઘડાય, પણ જ્યાં સુધી તેનો ચુસ્ત અમલ નહિ થાય ત્યાં સુધી કંઇજ ફર્ક નહિ પડે..એટલે કાયદાઓના અમલ માટે નાગરિકોએ પણ જાગૃત થવું જ રહ્યું. એ જ દેશ આગળ વધે છે જેનો નાગરિક જાગૃત હોય, નહિ તો દેશ ક્યાંય અંધકારમાં ધકેલાઈ જશે એની કોઇને ખબર પણ નહિ પડે.આજે દેશમાં દરેક ગુના માટે સજાની જોગવાઈ કરતા કાયદા છે જ, પરંતુ નાગરિકોની ઉદાસીનતા અને જાગૃત ન રહેવાની ટેવના કારણે કાયદાઓનો ચુસ્ત અમલ નથી થતો.

કેરળ એ ૧૦૦% સાક્ષરતા ધરાવતું રાજ્ય છે.પરંતું ફક્ત સાક્ષર થવાથી સંવેદંશીલ નથી થઇ જવાતું. સંવેદનશીલ થવા માટે પહેલા હ્રદયમાં કરૂણા પ્રગટ થવી જોઇએ.આ માટે બાળકોને શાળામાં જ દયા,પ્રેમ, સહિષ્ણુતા, અને સંવેદનશીલતાના પાઠ ભણાવવા પડશે.હવે ફક્ત સાક્ષર બની જવાથી કામ નહી ચાલે.બાળકોને શિક્ષણની સાથે માનવીય મુલ્યોનું જતન કરતાં પણ શિખવવું પડશે.કાયદા દ્વારા ગુનેગારોને સજા તો મળશે પણ નવા ગુનેગાર પેદા ના થાય એ આપણી જવાબદારી છે.બાળકોને જો બાળપણમાં જ માનવીય મુલ્યોનું શિક્ષણ આપવામાં આવે અને દરેક નાગરિક તેની સામાજીક જવાબદારી સમજે તો કદાચ સમાજ એક નવા અસુરથી બચી જશે.


આજે જે પણ ગુના થાય છે એ જોતા તો એવું જ લાગે છે કે માનવનું તેની મૂળ સ્થિતિથી પતન ચાલુ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોના મતે માનવ એ પૃથ્વી પરનું શ્રેષ્ઠ પ્રાણી છે. જે પ્રાણીમાંથી આદિમાનવ બન્યો અને ત્યારબાદ આદિમાનવમાંથી આજનો આધુનિક માનવ બન્યો. આજનો માનવ વિકાસની ટોચ પર ઊભો છે..અને હવે એ ટોચ પરથી માનવતાને નીચે ઉતારી રહ્યો છે..જેમ જેમ માણસનો વિકાસ થયો તેમ તેમ તે તેના મૂળ ધર્મ માનવતા થી દુર થતો ગયો છે. શ્વાન આજે પણ તેની વફાદારી નથી ભૂલ્યો પણ માનવ તેની માનવતા ભૂલી ગયો છે.લેખને અંતે હું મારી રચના ' ક્યાંથી શીખ્યો ' થી મારી વાતને વિરામ આપીશ.

ક્યાંથી શીખ્યો

માનવી એ ખબર નહિ ક્યાંથી શીખી લીધું,
માનવતા ભૂલી ને હેવાનિયત ક્યાંથી શીખી લીધી,
સત્ય ભૂલી ને અસત્ય બોલવાનું ક્યાંથી શીખી લીધું,
યજ્ઞ દાન અને તપનો મહિમા ભૂલીને,
ઉઘાડી લુંટ કરવાનું ક્યાંથી શીખી લીધું,
માનવી એ ખબર નહિ ક્યાંથી શીખી લીધું,
સરસ મજાની પ્રકૃતિનું જતન કરવાનું ભૂલીને,
તેનો વિનાશ કરવાનું ક્યાંથી શીખી લીધું,
આદિમાનવ માંથી આધુનિક માનવ બન્યો,
પરંતુ આદિમાનવ ને પણ શરમાવે તેવી જંગલિયત ક્યાંથી શીખી લીધી,
સર્જન ને ભૂલી ને વિનાશ કરવાનું ક્યાંથી શીખી લીધું,
માનવી એ ખબર નહિ ક્યાંથી શીખી લીધું
માનવતા ભૂલી ને હેવાનિયત ક્યાંથી શીખી લીધી....

પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )