Spiritual Intelligence books and stories free download online pdf in Gujarati

આધ્યાત્મિક બુદ્ધિ

નેલ્સન મંડેલા
મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાથી પ્રેરાઈને દક્ષિણ આફ્રિકામાં અશ્વેતો ( કાળા લોકો ) ના અધિકારો માટે લડનાર નેલ્સન મંડેલાને, તે વખતની વ્હાઇટ લોકોનું પ્રભુત્વ ધરાવતી સરકારે જેલમાં પૂર્યા હતા. 10 × 10 કરતાં પણ નાની નાની ઓરડીમાં તેઓ 27 વર્ષ સુધી રહ્યા.તે વખતે પ્રમુખ હતા પી. ડબલ્યુ. બોથા. 27 વર્ષ સુધી નેલ્સન મંડેલાને ત્યાંની સરકારે ઘણી યાતનાઓ આપી.યાતનાઓ પણ એવી કે જો કોઈ સામાન્ય માણસ હોય તો ગાંડો થઈ જાય.પરંતુ તેઓ એ યાતનાઓના સમયે પણ પોતાના આત્મબળના કારણે સ્થિર બુદ્ધિ રહ્યા અને તેમના વતી તેમના અનુયાયીઓએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું... આખરે જ્યારે તેમના આંદોલનને સફળતા મળી અને દક્ષિણ આફ્રિકામાં અશ્વેતોને નાગરિક અધિકારો મળ્યા ત્યારે તેમને જેલમાંથી મુક્તિ મળી. અશ્વેતોને ચુંટણી લડવાનો અને મત આપવાનો પણ અધિકાર મળ્યો..ત્યાં શ્વેત લોકો કરતાં અશ્વેતોની જન સંખ્યા વધુ હતી પણ તેમને સામાન્ય નાગરિક અધિકારો પણ ન હતાં મળ્યા એટલે શ્વેત અંગ્રેજો તેમના પર રાજ કરતાં હતાં. હવે અશ્વેતોને પણ નાગરિક અધિકારો મળતા એ નક્કી જ હતું કે નવા પ્રમુખ નેલ્સન મંડેલા જ બનવાના હતા.એટલે જ્યારે તેઓ જેલની બહાર આવ્યા ત્યારે પત્રકારો અને મીડિયા કર્મીઓ તેમને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યા કે હવે તમે પ્રમુખ બનશો તો દેશમાં કયા કયા નવા કાયદા લાગુ કરશો..શ્વેત લોકો એ તમને 27 વર્ષ સુધી જેલમાં પૂરીને જે યાતના આપી તેનો બદલો આપ કેવી રીતે લેશો? શું હવે શ્વેત લોકોએ આ દેશ છોડીને જવું પડશે.? પી. ડબલ્યુ. બોથા સાથે તમે શું કરશો? વગેરે અનેક સવાલો કરવા લાગ્યા.આમ પણ લોકોને એ વાતમાં વધારે રસ હતો કે હવે જેલની બહાર આવીને નેલ્સન મંડેલા પી.ડબલ્યુ.બોથાના કેવા હાલ કરશે? ગોરા અંગ્રેજો સાથે શું કરશે વગેરે વગેરે... પરંતુ મહાપુરુષોની વિચારવાની આવડત અનોખી હોય છે એટલે તો તેઓ મહાપુરુષ કહેવાય છે.પત્રકારો અને મીડિયા કર્મીઓને જવાબ આપતા તેઓ એટલું જ બોલ્યા કે ," મને કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી. અમને વહીવટનો અનુભવ નથી એટલે અમે અમારી સરકારમાં પી. ડબલ્યુ. બોથા અને તેમના મંત્રીઓને સાથે રાખીશું અને તેમનું માર્ગદર્શન લઈને સાથે મળીને દેશનો વિકાસ કરીશું." કોઈ સાધારણ વ્યક્તિને જો કોઈ સામાન્ય તકલીફ પણ આપે તો એ બદલો લેવાની તકની જ રાહ જોતો હોય.પરંતુ પોતાના અંગત મતભેદ કે અંગત સ્વાર્થ ભૂલીને એનાથી ઉપર ઊઠીને વિચારનાર જ મહાન બને છે.27 વર્ષ જેણે યાતનાઓ આપી હોય તેને દેશના ભલા માટે એક સેકન્ડની પણ રાહ જોયા વગર માફ કરી દેવું એ ખુબ જ અઘરું કામ છે.મહાપુરુષો આવા અઘરા કામ કરે છે એટલે જ બીજાઓથી નોખા તરી આવે છે.દેશહિત સર્વોપરી અને क्षमा विरस्य भूषणम ના સૂત્રને ચરિતાર્થ કરતાં નેલ્સન મંડેલા જ્યારે દેવલોક પામ્યા ત્યારે વિશ્વની આ મહાન વિભૂતિના અંતિમ દર્શન માટે વિશ્વના મોટા મોટા દેશના પ્રમુખો અને મોટા મોટા નેતાઓ ઉમટી પડ્યા અને એક સાથે એક મંચ પર ભેગા થયા હતા.

અબ્રાહમ લિંકન

ક્યારેક વ્યક્તિના દોષ, સ્વભાવ,કે પ્રકૃતિ તરફ ના જોતા તેના સદગુણો અને તેની ખાસિયતો તરફ પણ દ્રષ્ટિ રાખવી જોઈએ.જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા અને પોતાની કેબિનેટ નક્કી કરવા માટે બેઠા અને એમાં એમણે વોર સેક્રેટરીની પોસ્ટ માટે એક વ્યક્તિ એડવિન સ્ટેન્ટનનું નામ લખ્યું.ત્યારે એમના પર્સનલ આસિસ્ટન્ટ તેમની બાજુમાં હતા તેમણે અબ્રાહમ લિંકનને ચેતવ્યા અને કહ્યું કે, " સર, તમે અહીંયા ખોટું કરો છો. " એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું કે મને બતાવો કે મે ક્યાં ખોટું કર્યું? તો એમના પર્સનલ આસિસ્ટન્ટએ કહ્યું કે, " સર તમે આ વ્યક્તિને જાણો છો? " તો અબ્રાહમ લિંકને કહ્યું કે ," હા, હું જાણું છું ". એમના પર્સનલ આસિસ્ટન્ટએ કીધું કે, " આ વ્યક્તિ જાહેરમાં તમને જોકર કહે છે એ તમને ખબર છે? એ તમારી દરેક વિચારધારાનો વિરોધ જ કરતો હોય છે અને તમારા વિશે અપશબ્દો બોલે છે.આ બધું તમે જાણો છો? " અબ્રાહમ લિંકને કીધું કે, "હા, મને ખબર છે આ બધું." આ સાંભળીને તરત જ આશ્ચર્ય સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ બોલ્યા કે, " સર, તમે આ બધું જાણતાં હોવા છતાંય તેને આપણી કેબિનેટમાં આટલી મોટી પોસ્ટ આપો છો? " ત્યારે અબ્રાહમ લિંકને એમને વળતો પ્રશ્ન પૂછ્યો કે, " જે પોસ્ટ હું એડવિન સ્ટેન્ટનને આપવા માંગુ છું એ પોસ્ટ માટે એ સંપૂર્ણ લાયક છે? તો જવાબ ' હા ' માં મળ્યો.. અબ્રાહમ લિંકને બીજો પ્રશ્ન કર્યો કે, " તેની દેશભક્તિ પર કોઈને શંકા છે?" તો બધાએ એકીસાથે જવાબ આપ્યો , ' ના '. તરત જ અબ્રાહમ લિંકને કહ્યું કે ," થઈ ગયો નિર્ણય.મારે આ પોસ્ટ માટે જે બે લાયકાત જોઈએ છે એ એડવિન સ્ટેન્ટનમાં છે. અહી વાત દેશની ચાલે છે મારા અંગત પ્રશ્નોની નહિ.." આ અધ્યાત્મિક બુદ્ધિ છે..જે પોતાના મતભેદ ભૂલીને સામે વાળાના ગુણોને જુએ છે અને તે ગુણોની કદર કરતાં પણ જાણે છે...આપણી સાથે એની વિચારધારા મેળ નથી ખાતી અને મતભેદ છે પણ શું એ એક સંસ્થા કે પછી દેશ માટે ઉપયોગી છે. એ વિચારવું અને તેની કદર કરવી એ સાચી અધ્યાત્મિક બુદ્ધિ કહેવાય.

જ્યારે અબ્રાહમ લિંકનની હત્યા થઈ અને જ્યાં તેમનો મૃત દેહ હતો ત્યાં જો કોઈ સૌથી વધુ રડ્યું હોય તો તે એડવિન સ્ટેન્ટન રડ્યા હતા અને રડતાં રડતાં તેમના હૃદય માંથી અબ્રાહમ લિંકન માટે જે શબ્દો સરી પડ્યા હતા તે આજે પણ અબ્રાહમ લિંકનની કબર પર અંકિત કરેલા છે...
" અહીંયા જે વ્યક્તિ સુતો છે, આવો મહાન નેતા માનવજાતિ એ ક્યારેય જોયો નથી.
" The Greatest leader, mankind has never seen. "

મહાત્મા ગાંધી

આપણા દેશમાં પણ આવી આધ્યાત્મિક બુદ્ધિ ધરાવતા નેતા થયા અને તે હતા મહાત્મા ગાંધી...જ્યારે ભારતની આઝાદીની વાત ચર્ચામાં હતી અને આઝાદ ભારત માટે બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે પંડિત જવાહર લાલ નહેરુ અને સરદાર પટેલ બંને મહાત્મા ગાંધી પાસે બંધારણ સભામાં રાખવા લાયક સભ્યોની યાદી લઈને પહોચ્યા.મહાત્મા ગાંધીએ જ્યારે એ યાદી જોઈ ત્યારે એક જ પ્રશ્ન કર્યો કે આ યાદીમાં આંબેડકરનું નામ કેમ નથી? આ પ્રશ્ન સાંભળી સરદાર પટેલ અને પંડિત નેહરુ બંને આશ્ચર્યચકીત થઈને બોલ્યા કે, ડૉ. આંબેડકર સાથે તો આપના ઘણા મતભેદો છે. એટલે જ અમે તેમાં એમનું નામ નથી લખ્યું..મહાત્મા ગાંધી બોલ્યા કે અહી વાત મારા અંગત પ્રશ્નોની નથી..માનું છું કે મારી સાથે ડૉ. આંબેડકરને ઘણી બાબતોમાં મતભેદ છે પરંતુ એ અમારા અંગત પ્રશ્નો છે જ્યારે અહી તો દેશની વાત છે. જ્યાં વિશાળ ભારતના બંધારણ રચવાની વાત હોય અને એમાં ડૉ. ભીમરાવ આંબેડકર જેવા જ્ઞાની પુરુષના જ્ઞાનનો આપણે ઉપયોગ નહિ કરીએ તો આ દેશને ખુબ જ મોટું નુકસાન થશે જે ક્યારેય નહી ભરી શકાય. ડૉ આંબેડકર ખુબ જ જ્ઞાની છે અને તેમના અખૂટ જ્ઞાનનો લાભ આ દેશને મળવો જ જોઈએ.મારા જેવા એક વ્યક્તિ માટે તમે આ યાદીમાં એમનું નામ નથી લખ્યું એ બહુ ખોટું કહેવાય...સૌ પ્રથમ તો ડૉ. આંબેડકરનું જ નામ હોવું જોઈએ...ગાંધીજીના પ્રયાસોથી બંધારણ સભામાં બાબા સાહેબ આંબેડકરને સ્થાન મળ્યું જેઓ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ બન્યા અને આજે આપણે જે બંધારણ જોઈએ છીએ તે બંધારણ આપણને મળ્યું... આપણને ડો બાબા સાહેબ આંબેડકર જેવા જ્ઞાની પુરુષ મળ્યા એટલે આપણું બંધારણ માત્ર 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં તૈયાર ગયું અને આપણો દેશ 26 જાન્યુઆરી 1950 ના દિવસે ગણતંત્ર બન્યો..જ્યારે બીજી તરફ પાકિસ્તાનને તેનું બંધારણ ઘડતા 9 વર્ષ લાગ્યા અને 1956માં તેનું બંધારણ પૂર્ણ રૂપે ઘડાયું જે આજે પણ નિષ્ફળ છે..

મહાત્મા ગાંધીએ અંગત પ્રશ્નોને વધુ મહત્વ ન આપતા દેશહિતને મહત્વ આપ્યું અને ડૉ બાબા સાહેબ આંબેડકરને બંધારણ સભામાં સામાન્ય પદ અપાવ્યું.જો તેમણે પોતાના જ અંગત પ્રશ્નોની ચિંતા કરી હોત તો આજે આપણું બંધારણ આટલું સમૃદ્ધ ન હોત. આ જે વિચારધારા છે, જે બુદ્ધિ છે કે જ્યારે પણ દેશહિત કે સમાજના હિતની વાત આવે ત્યારે પોતાના અંગત પ્રશ્નોને વધુ મહત્વ ન આપીને સમાજના હિતને જ સર્વોપરી ગણવું તે અધ્યાત્મિક બુદ્ધિ છે.કોઈના પ્રત્યે દ્વેષભાવ ન હોવો, દરેક માટે સમભાવ હોવો એ જ મહાપુરુષોનું વિશિષ્ટ લક્ષણ છે.કદાચ એટલે જ વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા બોલ્યા હતા કે " આવનારી પેઢી એ વાત પર વિશ્વાસ નહિ કરી શકે કે હાડ માંસ ધરાવતો આવો પણ એક વિરલ પુરુષ આ ધરતી પર અવતર્યો હતો..."

પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED