બાળપણમાં સાંભળ્યું હતું કે
વિશ્વાસ એટલે વિશ્વ નો શ્વાસ...એ વખતે તો ના સમજાયું પણ જ્યારે સમજણ આવી તો સમજાયું કે વાત સાચી છે...
સાચી જ વાત છે, વિશ્વના દરેક વ્યવહારો આજે એક માત્ર શબ્દ વિશ્વાસ પર જ ચાલે છે...પછી તે આર્થિક હોય કે પછી સામાજિક...
કોઈ પણ સંબંધ ને ટકી રહેવા માટે એમાં વિશ્વાસ એક અનિવાર્ય સ્તંભ છે...વિશ્વાસ વગર વિશ્વનો કોઈ સંબંધ લાંબો ટકે નહિ..
મિત્રતા અને પ્રેમમાં પણ પાયાની વસ્તુ જો કોઈ હોય તો એ છે વિશ્વાસ...
તમને જેના પર વિશ્વાસ ન હોય એની સાથે તમે મિત્રતા જાળવી શકો નહિ અને બે પ્રેમી પંખીડા વચ્ચેનો પ્રેમ પણ આ વિશ્વાસ નામના પ્રાણવાયુ પર જ જીવિત હોય છે...જેવો વિશ્વાસ તૂટે કે તરત જ સંબંધ મરણ પામે છે...
પતિ અને પત્ની વચ્ચે પણ વિશ્વાસ જ ખૂબ મહત્વનો હોય છે...જો પતિ અને પત્નીને એકબીજા પર વિશ્વાસ ના હોય તો ઘરમાં કંકાશ અને વહેમનું વાવાઝોડું ફર્યા કરતું હોય છે અને એ વાવાઝોડું એમના વચ્ચેના પ્રેમ સંબંધને વેરણ છેરણ કરી મૂકતું હોય છે.એમના જીવનનું સુખ છીનવાઈ જાય છે અને સંબંધ પછી છૂટા છેડામાં પરિણમે છે...
પાનના ગલ્લાથી લઈને મોટી મોટી કંપનીઓમાં પણ બધો ધંધો વિશ્વાસથી જ ચાલે છે. આ વાત જેમને ગામમાં પાનના ગલ્લે ખાતાં ચાલતા હસે એ બરાબર સમજી જશે😂...
મોટી મોટી કંપનીઓમાં પણ જો વિશ્વાસના હોય તો આંતરિક કે પછી બાહ્ય લેવડ દેવડ લાંબી થઈ શકતી નથી... કરોડોના ચેક માત્ર વિશ્વાસ નામની સહી પર જ ફરતા હોય છે....
ગ્રાહક અને વેપારી વચ્ચે પણ વિશ્વાસનો એક સેતુ હોય છે..છૂટક અને જથ્થાબંધ વેપારી વચ્ચે પણ ધંધાકીય વ્યવહારો માત્ર વિશ્વાસથી જ ચાલતા હોય છે...
આતો કઈ નહિ પરંતુ બે દેશ વચ્ચેના કરારોનું મૂળ પણ વિશ્વાસ જ હોય છે...કોઈ પણ બે દેશ વચ્ચે ચાલતા આર્થિક વ્યવહારો માત્ર વિશ્વાસ પર જ ચાલે છે.આમ જોવા જઈએ તો આખા વિશ્વનું અર્થતત્ર આ વિશ્વાસ ના ટેકે ઊભું છે એમ કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નથી. કદાચ એટલે જ વિશ્વાસને વિશ્વનો શ્વાસ કહ્યો છે...
શિષ્ય ને પણ પોતાના ગુરુ ઉપર વિશ્વાસ હોય તો જ તે ગુરુ પાસેથી યથાર્થ જ્ઞાન મેળવી શકે છે.ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ પણ વિશ્વાસ રૂપી સ્તંભ પર ટકેલો છે.ભક્તિ તો શ્રદ્ધા વગર શક્ય જ નથી..જો શક્ય હોય તો બધા નરસિંહ મહેતા કે મીરાંબાઇ બની જાત...
અરે એતો નરસિંહ મહેતા જેવો વિશ્વાસ હોય તો જ શામળશાહ તેના બધા કામ પડતાં મૂકીને કુંવરબાઇ નું મામેરું ભરવા આવે...
મીરાંબાઇ જેવી અતૂટ શ્રદ્ધા હોય તો જ ઝેર નો પ્યાલો અમૃત બને...
ભક્ત બોડાણા જેવી અતૂટ શ્રદ્ધા અને ભક્તિ હોય તો જ દ્વારકા વાળો ડાકોરમાં વિરાજે અને વલ્લભ મેવાડાને માં બહુચર પર જેવો વિશ્વાસ હતો એવો વિશ્વાસ હોય તો જ માગશર માસમાં પણ કેરીનો રસ માતાજી ખુદ લઈને આવે અને ભક્ત ની લાજ રાખે...
વીરપુરમાં ચાલતું અખંડ સદાવ્રત આજે પણ ભક્ત જલારામની એના રામ પરની અતૂટ શ્રદ્ધા ના પુરાવા આજેય આપે છે...
વિશ્વમાં વિશ્વાસની મહત્તા વર્ણવાને માટે જેટલું લખીએ તેટલું ઓછું છે અને વિશ્વાસની મહત્તાને પુનઃ સ્થાપિત કરતાં ઘણાંય પ્રસંગો આજે જગ જાહેર છે...
પણ આ વિશ્વાસરૂપી અમૂલ્ય ધન એ જ વ્યક્તિ કમાઈ શકે છે જેને પહેલા પોતાના પર વિશ્વાસ હોય... આત્મવિશ્વાસ વગર આ ધન કમાવું લગભગ અશક્ય છે...કારણ કે, જે વ્યક્તિને પોતાના પર વિશ્વાસ ન હોય તેની પર કોઈ બીજો શું કામ વિશ્વાસ કરે...?
એટલે જ ગંગાસતી કહેતાં કે,
"મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે,
વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે."
અડીખમ પર્વત ડગી જાય પણ જેનું મન ના ડગે,આખું બ્રહ્માંડ ભાંગી પડે પણ જેનો ઇશ્વર પરનો વિશ્વાસ અડગ રહે એ પ્રકારની ભક્તિ હોય એને જ હરિ મળે છે... જેનો આટલી ઉચ્ચ કક્ષા નો પોતાના પર વિશ્વાસ હોય એ જ વ્યક્તિ જીવનમાં કંઇક અવનવું કરી જાણે છે...🙏