કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા અને તેના ઉપાય Parth Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા અને તેના ઉપાય

ધોરણ 10 નું માર્ચ - 2020 ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ આવી ગયું છે.કેટલાક ઘરમાં ખુશીનો માહોલ હશે અને પેંડા વહેંચાતા હશે તો કેટલાક ઘરમાં દુઃખ અને નિરાશાનું વાવાઝોડું ફરી વળ્યુ હશે.આ વાવાઝોડું ગુજરાતના સવાચાર લાખ ઘરોમાં ફરી વળશે અને તેટલા જ વિદ્યાર્થીઓને માનસિક રીતે હતાશ કરી મૂકશે.ધોરણ 10 નું પરિણામ જે માત્ર 60.64 ટકા જ આવ્યું છે જેમાં 10,83,000 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી અને માત્ર 6,56,731 વિદ્યાર્થીઓ પાસ થયા અને લગભગ 4,26,269 ( સવાચાર લાખ ) વિદ્યાર્થીઓ નાપાસ થયા છે😱. ગુજરાતની આ કથળતી જતી શિક્ષણ વ્યવસ્થાનું રહસ્ય શું અને તેને સુધારવા આપણે અને સરકાર શું કરી શકે ? ચાલો જોઈએ..
આપણે શું કરી શકીએ ?
આ વિષય પર ખુબ જ ચર્ચા થઈ ચૂકી છે અને મોટા ભાગે બધાને ખબર જ છે. એટલે હું ટુંકમાં જ વાત કરીશ. નાપાસ થયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષાના ડરને કારણે નાપાસ થાય છે.વાંચ્યું ખુબ હોય પણ પરિક્ષાનો ડર એટલો હોય કે જેવું પેપર હાથમાં આવે કે બધું જ વાંચેલું બાષ્પીભવન થઇ જાય.આનું બીજું એક કારણ છે આંધળી મહેનત. આંખે પાટા બાંધીને ભાગશો તો ઠોકર તો વાગશે જ એમાં કોઈ બે મત નથી. રાત્રે મોડી રાત સુધીના ઉજાગરા અને પૂરતી ઊંઘ ન લેવાથી મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે.મગજની કાર્યક્ષમતા ઘટી જવાથી યાદશક્તિ ઘટે અને વાંચેલું ભૂલી જવાય. ત્યારબાદ એક કારણ એ પણ છે કે રાત્રે મોડે સુધી જાગીને વાંચવું અને સવારે મોડા સુધી સૂઈ રહેવું. પરીક્ષાનો સમય સવારનો હોય અને બાળકને સવારે મોડા સુધી સૂઈ રહેવાની ટેવ પડી જાય તો ચાલુ પરિક્ષાએ ઊંઘ જ આવે અને મગજ બરાબર કામ ના કરે. આ બધા કારણો ના લીધે પરિણામ ક્યાં તો ઓછું આવે કે પછી નાપાસ જ થવાય. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયના 16માં અને 17માં શ્લોકમાં કહે છે કે,
नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः ।
न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ॥ ૧૬
અર્થાત્ :-
હે અર્જુન ! આ યોગ ખુબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ન ખનારનો પણ સિદ્ધિ થતો નથી તથા ઘણું ઊંઘનાર નો સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારનોય સિદ્ધ થતો નથી.
( અધ્યાય ૬, શ્લોક - ૧૬ )
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ ૧૭
અર્થાત્ :-
દુઃખોનો નાશ કરનાર આ યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય જાગનારનો જ સિદ્ધ થાય છે...
( અધ્યાય ૬, શ્લોક - ૧૭ )
ભગવાન કહે છે કે કોઈ પણ કાર્ય કરો તો યથાયોગ્ય આહાર વિહાર અને પૂરતી ઊંઘનું ધ્યાન રાખો.કારણ કે જો શરીર અને મન તંદુરસ્ત નહિ હોય તો એ કાર્યની નિષ્ફળતાનું કારણ બની જાય છે.યથાયોગ્ય આહાર વિહાર, નિયમ અને સંયમ અને આત્મવિશ્વાસથી કરેલી મહેનત અવશ્ય ફળ આપે જ છે. માતાપિતાની એ નૈતિક ફરજ છે કે તેઓ બાળકોને ઘરે યોગ્ય વાતાવરણ પૂરું પાડી, તેમનો પરિક્ષા પ્રત્યેનો ડર દૂર કરી તેમજ તેમને સ્માર્ટ વર્ક કરતાં શીખવીને તેમની સફળતામાં સહભાગી થાય.......
સરકાર શું કરી શકે ?
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સુધારવાનું કામ સરકાર જ કરી શકે એમ છે. ગુજરાતનું વર્ષ 2020-21 નું બજેટ 2,17, 287 કરોડનું હતું જે ગતવર્ષ કરતા લગભગ 12,472 કરોડ જેટલું વધારે હતું. દર વર્ષે ગુજરાતના વાર્ષિક બજેટમાં થતો ઉતરોત્તર વધારો એ દર્શાવે છે કે ગુજરાત વિકાસના પંથે અગ્રેસર છે. પરંતુ આ જ બજેટમાં શિક્ષણ માટે 31,955 કરોડ રૂપિયા અને સ્વાથ્ય માટે ફક્ત 11,243 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ રકમ યોગ્ય રીતે ખર્ચાય એ જોવાની જવાબદારી પણ સરકારની જ છે.
આજે ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં એવી શાળાઓ આવેલી છે કે જ્યાં પહોંચવું એ પણ એક સાહસિક કાર્ય ગણાય.આવી શાળાઓમાં કોઈ જ પ્રકારની સુવિધાઓ હોતી નથી.મે આવી ઘણી શાળાઓની રૂબરૂ મુલાકાત લીધેલી છે એટલે આ વાત કરી શકું છું. 20×10 ના ઓરડામાં પણ બે વર્ગો ( ધોરણ ૫ અને ૬ ) એકસાથે ચાલતા હોય અને વરસાદમાં છત ટપકતી હોય ત્યાં બાળકો કેવી રીતે એકાગ્રચિત્તે ભણી શકે? આવી નાની નાની શાળાઓમાં ફક્ત બે કે ત્રણ શિક્ષકો જ ભણાવતા હોય અને એમાં પણ એક તો માનનીય આચાર્યનું પદ ગ્રહણ કરીને બેઠા હોય છે..ત્યાં પટાવાળા અને ક્લાર્ક થી લઈને દરેક નાની મોટી કામગીરી, વહીવટી અને શૈક્ષણિક કામગીરી પણ આ બે - ત્રણ ગણ્યા ગાંઠ્યા શિક્ષકોના માથે હોય છે..આ બધાથી સમય મળે તો બાળકોને ભણાવે ને ! આવી શાળાઓમાં કોઈ પણ પ્રકારની ઈતર પ્રવૃતિઓ નથી થતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિ એટલે શું એમ કોઈ બાળકને પૂછો તો માથું ખંજવાળે ! આ જ એક કારણ છે કે અંતરિયાળ ગામના બાળકોનું શૈક્ષણિક અને માનસિક સ્તર મોટા ગામના કે શહેરના બાળકો કરતાં ખુબ જ ઓછું હોય છે. શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવુતિઓ જેવી કે નાટક, નૃત્ય, ગાયન, વાદન, વકતૃત્વ સ્પર્ધા તેમજ રમત ગમત જેવી પ્રવૃત્તિઓ થાય તો બાળકની અંદર રહેલી પ્રતિભા ખીલી ઊઠે અને તેનો શારીરિક તેમની માનસિક વિકાસ થાય..મોટા ગામ કે શહેરની શાળાઓમાં સમયાંતરે આવી બધી પ્રવુતિઓ થતી રહે છે પરંતુ જ્યાં માંડ માંડ બાળકો આવતા હોય અને માત્ર બે કે ત્રણ જ શિક્ષકો હોય ત્યાં આવી પ્રવુતિઓ કઈ રીતે શકાય છે એ એક મોટો પ્રશ્ન બની ગયો છે.ઘણાને એમ થતું હોય કે અમારા બાળકો ખાનગી શાળામાં ભણે છે એટલે અમારે શું? એમ માનવા થી જ આજે ખાનગી શાળા વાળા મનમાની કરીને ફી વસૂલી રહ્યા છે અને વાલીઓએ ફી ઘટાડવા માટે વારંવાર અરજીઓ કરવી પડે છે.આજે પણ દેશનો ગરીબ વર્ગ સરકારી શાળા અને સરકારી હોસ્પિટલો પર જ નિર્ભર છે.એટલે લોકોને ગરીબી માંથી બહાર કાઢવા હોય અને દેશનો વિકાસ કરવો હોય તો સરકારી શાળા અને સરકારી હોસ્પિટલોનો વિકાસ કરવો જ રહ્યો. આજે કોરોનાએ સરકારી હોસ્પિટલોનું મહત્વ બધાને સમજવી જ દીધું છે.
સમાધાન
આનું એક સમાધાન છે કે જો સરકાર આવી નાની નાની શાળાઓને નજીકની કોઈ મોટી શાળા સાથે મર્જ કરે અને ત્યાંના શિક્ષકોને પણ નજીકમાં કોઈ મોટી શાળાઓમાં ટ્રાન્સફર કરી આપે તો નાના ગામના બાળકોને ઘણો મોટો લાભ મળી શકે એમ છે..હવે સવાલ થાય કે આવા અંતરિયાળ ગામના બાળકોને નજીકની મોટી શાળાઓમાં કેવી રીતે લઈ જવાય? તો એનો જવાબ છે કે સરકાર પોતાના શૈક્ષણિક બજેટમાં થોડો વધારો કરી આવા બાળકોને મોટી શાળામાં પહોંચવા તેમજ ઘરે મૂકવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપે તો નાના ગામના બાળકો પણ પોતાની પ્રતિભા બહાર લાવી મોટી શાળાના બાળકો સાથે હરીફાઈમાં ઉતરી શકે.સરકાર જો સુવિધા આપે તો નાના ગામના બાળકો પણ મોટી શાળા કે શહેરના હોશિયાર બાળકો સાથે અભ્યાસ કરી તેમજ અલગ અલગ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવુતિઓ દ્વારા પોતાની પ્રતિભાને ખીલવી શકે અને પોતાના માનસિક સ્તરમાં વધારો કરી શકે એમ છે..આ બધી સુવિધાઓ કરવા માટે સરકાર પર થોડો ખર્ચ વધી શકે એમ છે પણ અહીં એક વાત નોંધવાની જરૂર છે કે ગુજરાતનું બજેટ સતત નવ વર્ષથી પુરાંત વાળું આવે છે એટલે કે જાવક કરતા આવક વધુ વાળું બજેટ છે. સરકાર આવી વધારાની રકમનો પણ ઉપયોગ કરી શકે છે.વિકાસના પંથે અગ્રેસર ગુજરાત સરકાર બાળકો માટે આટલું તો કરી જ શકે છે.. આ વખતના ધોરણ 10 ના પરિણામ અનુસાર 1744 શાળાઓ એવી છે કે જ્યાં 0 % પરિણામ આવ્યું છે.એટલે કે કોઈ જ વિદ્યાર્થી પાસ નથી થયો,બધા જ નાપાસ 😱. આ બધી એ જ શાળાઓ છે કે જેમનું વર્ણન હું આગળ કરી ગયો છુ.બીજો એક ઉપાય છે કે સરકાર જાપાન કે જર્મની જેવા દેશોને ઉદાહરણરૂપ સ્વીકારી સરકારી શાળાઓનો વિકાસ કરે તો પણ શિક્ષણ વ્યવસ્થામાં ખુબ જ સુધાર થઈ શકે એમ છે....
સરકાર ગરીબી દૂર કરવા અથાગ પ્રયત્ન કરે છે અને સમયાંતરે ગરીબીમાં રાહત મેળવવા માટે રાહત પેકેજ પણ આપતી હોય છે.આજે લોકોની આવકનો એક ખુબ જ મોટો ભાગ શિક્ષા અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચાઈ જાય છે.જો સરકાર સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રે પણ બીજા ક્ષેત્રોની જેમ વિકાસ કરે તો ઘણાંય લોકો ગરીબીમાંથી બહાર આવી શકે એમ છે.જેટલા વધુ લોકો ગરીબીમાંથી બહાર આવશે દેશ એટલો જ વિકાસના પંથ પર આગળ વધશે. સ્વાસ્થ્ય, શિક્ષા અને રોજગાર આ ત્રણેય કોઈ પણ દેશના વિકાસ માટેના મહત્વના સ્તંભ છે. આ ત્રણેય સ્તંભ જેટલા મજબૂત હશે દેશ પણ એટલો જ મજબૂત થશે.. સુશિક્ષિત, તંદુરસ્ત અને કમાઉં નાગરિકો જ દેશના અર્થતંત્ર અને વિકાસના પ્રાણ હોય છે...🙏
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
નોંધ:- આ લેખમાં મે મારા અંગત વિચારો વર્ણવ્યા છે.શાળાઓના મર્જરની વાત દેશમાં કેટલાક સમયથી ચર્ચામાં છે એટલે અહીંયા ફક્ત તેના પડકારો અને સમાધાનની ચર્ચા કરવામાં આવી છે. શાળાઓના મર્જરને ત્યારે જ સફળતા મળશે જ્યારે સરકાર વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ આપે..
જો તમને મારી વાત ગમે છે તો આ લેખને પોતાના મિત્રો સાથે શેયર કરવા વિનંતી છે.🙏