तमसो मा ज्योतिर्गमय :- અંધકારથી પ્રકાશ તરફ Parth Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

तमसो मा ज्योतिर्गमय :- અંધકારથી પ્રકાશ તરફ

૧૯ મી સદીની વાત છે. સૌરાષ્ટ્રના એક મોટા રાજ્યમાં દિવાનપદ ધરાવતા પિતાને ત્યાં ' મોહન ' નો જન્મ થયો. સ્વભાવે શરમાળ પ્રકૃતિ ધરાવતો મોહન એક સાધારણ છોકરો હતો. તે કોઈની સાથે વાત કરતા પણ ડરે, જલ્દી કોઈની સાથે હળેમળે નહિ, પોતાના પડછાયાથી પણ ડરનાર આ છોકરાને જોઈને બધાને એમ જ લાગે આ પોતાના જીવનમાં કંઇ જ નહિ કરી શકે..પેલું કેહવાય છે ને કે, ' માથે પડ્યો ' એમ એના માટે પણ કહેવાતું. પરંતુ તેની મદદે આવે છે તેને પોતાના પરિવાર તરફથી મળેલા સંસ્કાર.

વૈષ્ણવ પરિવારમાં જન્મ થયો હોવાને કારણે ઘરમાં નિરંતર ધાર્મિક વાતાવરણ રહેતું, ઘરમાં ધાર્મિક પુસ્તકોનો ભંડાર રહેતો, પિતાની સાથે મંદિરે જાય અને જૈન દેરાસરમાં પણ જાય, ઘરનું વાતાવરણ જ એવું કે ઘરમાં તો માંસ, મચ્છી, કે ઈંડાની વાત કરવા પર પણ પ્રતિબંધ હતો. એ વખતે ટીવી કે મોબાઈલ તો હતા નહિ, એટલે એ જમાનામાં લોકો ધાર્મિક પુસ્તકો બહુ વાંચે, અને નાટક પણ ભજવાતાં હતા. મોહને બાળપણમાં ' શ્રવણ પિતૃ ભક્તિ નાટક ' નામનું પુસ્તક વાંચ્યું અને એના કોરા કાગળ જેવા માનસપટલ પર એની એ અસર થઈ કે, " હું પણ શ્રવણની જેમ માતા પિતાની સેવા કરીશ ". એવો સંકલ્પ કરે છે. એના પરિણામ સ્વરૂપ જ્યારે પિતા માંદા પડ્યા ત્યારે ત્રણ ભાઈઓમાંથી સૌથી નાનો મોહન જ પિતાની ખુબ સેવા કરે અને કાળજી રાખતો.બીજા એક પ્રસંગ પ્રમાણે એણે ' રાજા હરિશ્ચંદ્ર ' પુસ્તક વાંચ્યું.એની પણ એના માનસપટલ પર ઊંડી અસર પડી.એ પુસ્તક એણે ઘણી વાત વાંચ્યું, અને જેટલી વાર વાંચે એટલી વાર રાજા હરિશ્ચંદ્ર ને સત્યની સેવા કરતાં પડેલી મુશ્કેલીઓ અને પીડાઓ જાતે ભોગવતો હોય એમ અનુભવીને રડ્યા કરતો...


પરંતુ તેના જીવનમાં એક વળાંક આવે છે. શાળામાં તેની મિત્રતા એક એવા મિત્ર સાથે થાય છે જેને સભ્યતા અને સંસ્કાર સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી..આ જ મિત્રની સંગતમાં તેના મોટાભાઈ પણ પડ્યા હતા અને તેની કુસંગત અને તેની અસર જોઈ ચૂક્યા હતા. ઘરનાં બધાએ તેને ખુબ સમજાવ્યો કે એ સારો છોકરો નથી, તેની સાથે મિત્રતા તોડી નાખ. પણ મિત્રતાના રંગે રંગાયેલો મોહન કહે કે," મે તો તેને સુધારવા માટે તેની સાથે મિત્રતા કરી છે. તમે મારી ચિંતા ન કરો, મને કોઈ જ અવગુણ નહિ સ્પર્શી શકે." પણ મોહન એ સમજી નથી શકતો કે મિત્રતા એ તો અદ્વૈતભાવના છે, એમાં સુધારને કોઈ જ અવકાશ નથી. એટલે જ જો વ્યક્તિને ઓળખવો હોય તો પહેલાં તેના મિત્રોને ઓળખી લેવા જોઈએ. અહી પણ એ જ થયું, મિત્રને સુધારવા નીકળેલો મોહન જાતે જ તેની કુસંગત નો શિકાર બન્યો.


માંસ, મચ્છી અને ઈંડાનું નામ પણ લેવું એ પાપ ગણાય એમ માનનારા પરિવારના આ છોકરાંના મનમાં પેલા મિત્રએ એ બેસાડી દીધું કે માંસાહાર જ શ્રેષ્ઠ છે.જો હું કેવો શક્તિશાળી છું અને તું કેવો નિર્બળ અને પાતળો છે. માંસાહાર કરવાથી તાકાત આવે.આ અંગ્રેજો આપણા પર રાજ કરે છે એનું એક કારણ છે કે તેઓ માંસાહાર કરે છે અને આપણે દબાઈને રહીએ છીએ કેમ કે આપને તેમના જેવું નથી ખાતા..એટલે જો તારે પણ શક્તિશાળી બનવું હોય તો મારી જેમ માંસાહાર કર. એ જમાનામાં ઘણાંય હિંદુઓ અને તેની શાળાના માસ્તરો પણ છૂપી રીતે માંસાહાર કરતાં હતાં..એટલે તેને લાગ્યું કે મિત્ર સાચું જ કહે છે..આખરે માંસાહાર કરવાનું નક્કી થયું.

મિત્રની વાત માનીને રાત્રે એક જગ્યાએ ભેગા થઈને માંસાહાર કરવાનું નક્કી થયું. તેર કે ચૌદ વર્ષનો મોહન એ સમજવા માટે હજુ નાનો હતો કે તેની સાથે શું થઈ રહ્યું છે..તેની પાસે એટલી બુદ્ધિ પણ ન હતી કે મિત્રના તર્ક સાથે વિતર્ક કરી શકે.આખરે માંસાહાર કર્યો. શરૂઆતમાં તો થોડું જ ખવાયું, રાત્રે ઊંઘ પણ ના આવે, જો ઊંઘે તો રાત્રે સપનામાં બકરું પેટમાં રડતું દેખાય, એટલે પાછો જાગી જાય, આમ પણ હતો તો ડરપોક જ. પણ પાછો વિચારે કે જો હું હિંમત હારીને માંસાહાર નહિ કરું તો નબળો સાબિત થઈશ..મારે માંસાહાર કરવો જ પડશે.. શક્તિશાળી બનવું જ પડશે, નહિ તો આ અંગ્રેજો મને પણ દબાઈને રાખશે. છેવટે માંસાહાર ચાલુ રાખ્યો અને પાછળથી તો એમ વિચારતો થયો કે દરેકે માંસાહાર કરવો જ જોઈએ..

ઘર બહાર માંસાહાર થતો એટલે પેટ ભરાઈ જતું. રાત્રે ઘરે આવતો અને માતા જમવાનું પિરશે તો બહાનું બનાવતો કે પેટમાં ગરબળ છે કે પછી ભૂખ નથી એમ.આ રીતે અસત્ય બોલવાનું તેને ગમતું ન હતું.માતા સામે અસત્ય બોલતાં તેના હૃદયમાં એક છરી ઘુંસી ગઈ હોય એટલી પિડા થતી.માતા આગળ અસત્ય કઈ રીતે બોલાય. રાજા હરિશ્ચંદ્ર એના માનસપટલ પર બિરાજમાન હતા એટલે અસત્ય નહિ બોલવાનો સંકલ્પ વચ્ચે આવતો હતો.છેવટે માતા આગળ અસત્ય ન બોલવું પડે એટલે માંસાહાર નો હાલ પૂરતો ત્યાગ કર્યો. અને વિચાર્યું કે મોટા થઈને આરામથી માંસાહાર કરીશું પણ ક્યારેય અસત્ય નહિ બોલું.પણ આગળ શું થવાનું છે એની મોહનને ક્યાં ખબર હતી?


મોહનને તેના એક સગા પાસેથી બીડી પીવાનો શોખ જાગેલો. શરૂઆતમાં તો મિત્રોએ પોતાના ખર્ચે પીવડાવી, પણ એ ક્યાં સુધી? ક્યારેક તો પોતાના ખર્ચે પીવી જ પડે ને ! એટલે જ્યાં સુધી પૈસાની સગવડ ના થાય ત્યાં સુધી લોકોએ પીધેલી બીડીના અડધા ઠુંઠા પીવાના ચાલુ કર્યા, પણ એમાં કંઈ મજા ના આવી. ઠુંઠા માંથી ધુમાડો પણ માંડ માંડ નીકળતો અને એ રીતે પીવામાં આત્મસન્માન ઘવાતું હતું.ઘરેથી પણ પીવા માટે પૈસા મંગાય એવું હતું નહિ, કેમ કે માંગે અને કોઈ પૂછે કે શેના માટે જોઈએ તો અસત્ય તો બોલાય નહિ, સંકલ્પ કર્યો હતો એટલે...અને પૈસા મળી પણ જાય તો વડીલોના જોતાં તો પીવાય જ નહિ ; અને ઘરમાં તેને સંતાડવાની ક્યાં? આત્મસન્માન એવું કે મોહનને આ પરાધીનતા ખૂંચવા લાગી, આ રીતે તો ના જીવાય, એટલે આત્મહત્યા કરવાનું વિચાર્યું.પણ આત્મહત્યા કઈ રીતે કરવી? તો સાંભળ્યું હતું કે ધતુરાના બીજ ખાવાથી મોત નીપજે.એટલે એક દિવસ સારું મુહર્ત જોઈ ને કેદારજીના મંદિરે જઈને ઘી ચડાવ્યું, દર્શન કરીને એકાંતમાં જોઈને બીજ ખાવાનું નક્કી કર્યું. પણ એક કે બે જ બીજ ખાધા હશેને પછી હિંમત ના ચાલી.આખરે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો અને આત્મહત્યા કરવા કરતાં બીડી છોડવાનો નિશ્ચય કર્યો. એ વખતે બીડી છૂટી એ છૂટી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી બીડીને અડ્યો પણ નહિ...

મોહનના જેમ તેના ભાઈ પણ પેલા મિત્રની સંગતમાં આવીને માંસાહાર કરવા લાગ્યા હતા અને એ કારણે તેમને ૨૫ રૂપિયાનું દેવું થઈ ગયું હતું.. એ જમાનામાં ૨૫ રૂપિયા બહુ મોટી રકમ ગણાતી.દેવું ભરવા પૈસા તો હતા નહીં, કઈ કમાતા પણ ન હતા, હજુ તો શાળામાં ભણતા હતા.ઘરે પૈસા મંગાય નહિ, તો કરવું શું? છેવટે મોટાભાઈનું સોનાનું કડું હતું એમાંથી સોનું કાપીને અને વેચીને એમાંથી દેવું ભરવાનું બંને ભાઈઓએ નક્કી કર્યું.

કડું કપાયું અને દેવું પણ ભરાયું પરંતુ આ વાત મોહન માટે અસહ્ય થઈ પડી.હવે પછી ચોરી ન કરવાનો નિશ્ચય કર્યો અને પિતાની પાસે કબૂલ પણ કરવું જોઈએ એમ મોહનને લાગ્યું.તેના બાળપણના સંસ્કારો તેને કબૂલ કરવા માટે મજબૂર કરતા હતા.પિતાની પાસે જવાની હિંમત ના ચાલે અને સામે જાય તો પિતા સામે જીભ પણ ના ઉપડે..છેવટે ચિઠ્ઠી લખીને કબૂલ કરવાનું નક્કી કર્યું..બીમાર પિતા ખાટ પર સુતા હતા અને મોહન તેમની પાસે જઈને એક ચિઠ્ઠી તેમની ખાટ પાસે મૂકીને પાછો આવી ગયો .તે પિતાને છૂપાઈને જોઈ રહ્યો.પિતા એ ચિઠ્ઠી વાંચી અને ફાડીને ફેંકી દીધી અને પાછા ખાટ પર સુતા પણ એ સમયે પિતાની આંખોમાં આંસુ હતા. મોહને ચિઠ્ઠીમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને પિતા પાસે સજાની માંગણી કરી.પિતા પોતાની ઉપર દુઃખ ન વહોરી લે તેવી વિનંતી પણ કરી અને ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ કે ગુનો ન કરવાની સત્ય પ્રતિજ્ઞા કરી હતી....

મોહન પિતાની આંખમાંથી ટપકેલા અશ્રુબિંદુને જોઈ રહ્યો હતો..તે પિતાનું દુઃખ સમજી ગયો હતો.આ બધું તે છુપાઈને જોઈ રહ્યો હતો અને જોઈને તેની આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી.તેની આંખોમાંથી વહેતા અશ્રુ તેનું હૃદય શુદ્ધ કરી રહ્યા હતા..તેના આંસુ તેના પ્રાયશ્ચિતનું પ્રમાણ આપતાં હતાં.તેને હતું કે પિતા તેને ઠપકો આપશે પણ પિતાના અહિંસક વર્તને મોહનને તેની ભૂલનો અનુભવ કરાવ્યો.તેનું હૃદય હવે અણીશુદ્ધ બની ગયું હતું. અહીથી મોહન પિતા પાસે અહિંસા ના પાઠ શીખ્યો અને સાક્ષાત અહિંસાની શક્તિને એણે આજે પહેલી વાર અનુભવી.બાળપણમાં મળેલા સંસ્કારના પ્રતાપે મોહન અંધકારમાં ધકેલાતા બચ્યો..તેનો પુનઃ જન્મ થયો હોય એવું લાગ્યું.તેનું અંધકારમાંથી પ્રકાશ તરફ ( तमसो मा ज्योतिर्गमय) પ્રયાણ થયું ત્યારબાદ તેણે જીવનમાં અનેક અધ્યાત્મિક અને સદ્‍પુરુષોનો સંઘ કર્યો અને આગળ જતાં આ જ મોહન, મોહનદાસ કરમચંદ ગાંધીના નામથી જગવિખ્યાત થયો.જેને આપણે ‘ ગાંધીજી’ ના હુલામણા નામથી ઓળખીએ છીએ.. સત્ય અને અહિંસા એ ડરપોક મોહનને એટલો બધો નીડર બનાવ્યો કે જ્યારે તે માન, સમ્માન, અને પ્રતિષ્ઠાના શિખર પર હતો અને જ્યારે સમગ્ર દેશ તેનું સમ્માન કરતો થયો ત્યારે તેણે પોતાની સર્વ હકીકત સમાજ આગળ ઉજાગર કરી અને તે પણ અપમાન કે તિરસ્કારની ચિંતા કર્યા વગર.. તેણે એ પણ પરવા ના કરી કે તેણે જે બાળપણમાં કુકર્મો કર્યા હતા તે જાણીને કોઈ તેનું સમ્માન કરશે કે કેમ? તેને તો બસ સત્ય જગત આગળ ઉજાગર કરવું હતું.આજકાલ તો લોકો પોતાની નાની ભૂલ પણ સ્વીકારતા ખચકાતા હોય છે પરંતુ જ્યારે કોઈ પ્રતિષ્ઠાના શિખર ઉપર હોય ત્યારે પોતાના જીવનનો અંધકારયુક્ત પ્રકરણ ઉજાગર કરવાનું કામ કોઈ નીડર અને ગાંધીજી જેવા મહાત્મા જ કરી શકે.મહાત્મા ગાંધી વિશ્વની એકમાત્ર એવી વિભૂતિ છે કે જેમના ઉપર એક લાખ કરતાં પણ વધુ પુસ્તકો લખાઈ ચૂક્યા છે અને હજુ પણ લખાવાનું ચાલુ જ છે..( સંદર્ભ :- ગાંધીજીની આત્મકથા ‘ સત્યના પ્રયોગોમાંથી)

અહી એ વાત સમજવાની છે કે બાળકને બાળપણમાં આપેલા સંસ્કારો,ઘરનું વાતાવરણ તેને અંધકાર તરફ જતા રોકી શકે છે..જો ગાંધીજી એ નાનપણમાં ' શ્રવણ પિતૃ ભક્તિ નાટક ' અને ' રાજા હરિશ્ચંદ્ર ' જેવા પુસ્તકો ના વાંચ્યા હોત; જો તેને ઘરમાં જ ધાર્મિક અને સંસ્કારી વાતાવરણ ના મળ્યું હોત; તો આપણે જે મોહનને ઓળખીએ છીએ તે ક્યારેય મહાત્મા ના બનત અને ક્યાંય અંધકારમાં ખોવાઈ જાત... બાળપણમાં બાળકના કોમળ માનસપટલ પર કરેલા સંસ્કારોનું સિંચન અને તેને કરાવેલા અધ્યાત્મિક અને સારા પુસ્તકોનો સંઘ એ નક્કી કરે છે કે તમારું બાળક આગળ મોહન બનશે કે મહાત્મા? એ બાળપણમાં મળેલા સંસ્કારોનું જ પરિણામ હોય છે કે જે બાળકનો હાથ પકડીને તેને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.

પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )