આત્મહત્યા કે સંઘર્ષ? Parth Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મહત્યા કે સંઘર્ષ?

માણસ જ્યારે આત્મહત્યા કરે છે, ત્યારે ઠેર ઠેર શિખામણ આપવા વાળા અને દુઃખ વ્યક્ત કરવા વાળા ઊભા થઈ જાય છે. પરંતુ માણસ જ્યારે તણાવપૂર્ણ જીવનમાંથી પસાર થઈ રહ્યો હોય છે ; ત્યારે આમાંથી કોઈ જ નજરે નથી પડતું.જ્યારે માણસ તણાવ ( ડિપ્રેશન ) માં હોય છે; ત્યારે એને કોઈની સલાહ કે શિખામણ યાદ નથી આવતી.એ સમયે એને બસ આત્મહત્યાનો જ વિચાર આવે છે. એ સમયે જો કોઈ મિત્ર કે પોતાના લોકોનો સાથ મળી જાય તો તેનું જીવન બચી શકે છે.

એક સીધું ગણિત છે કે જ્યારે આપણો મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર હેંગ થઈ જાય કે ઓવર લોડ થઈ જાય ત્યારે આપણે એને રીસ્ટાર્ટ ( બંધ કરીને ફરીથી ચાલુ ) કરીએ છીએ.તે જ રીતે આપણા મગજ પર પણ જ્યારે તણાવ ( ડિપ્રેશન ) વધી જાય ત્યારે મગજ વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે અને આત્મહત્યા કરવાનો જ સંદેશો ચેતાતંત્રને મોકલતું હોય છે.જ્યારે વ્યક્તિને જીવન કરતાં મોત વહાલું લાગે; ત્યારે તે આ પગલું ભરતો હોય છે જે અયોગ્ય છે. જીવન કાંઈ કોમ્પ્યુટર કે મોબાઈલ નથી કે તેને પોતાની રીતે રીસ્ટાર્ટ કરી શકાય !

શાસ્ત્રોમાં આત્મહત્યાને મહાપાપ ગણવામાં આવ્યું છે. વિશ્વમાં દર વર્ષે આઠ લાખ લોકો આત્મહત્યા કરતાં હોય છે અને એમાંય દોઢ લાખ લોકો માત્ર ભારતના હોય છે જે ખુબ જ દુઃખદ છે. જે ભારતે વિશ્વને યોગ, ધ્યાન, પ્રાણાયામ વગેરે માનસિક સ્થિતિને તંદુરસ્ત રાખવાની રીતો શીખવાડી એ જ ભારતમાં આજે આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. જ્યારે શરીર નબળું હોય ત્યારે તે વારંવાર બીમાર પડી જાય, હાડકાં નબળાં હોય તો વારંવાર ભાંગ તૂટ થતી રહે છે તેમ મન નબળું હોય ત્યારે નાના સરખા તણાવથી પણ ભાંગી જાય છે અને માનસિક રીતે ભાંગેલો વ્યક્તિ એક ઘોર અંધકારમાં ખોવાઈ જાય છે. મન એ મગજને દોરે છે અને ભાંગેલું મન માણસને ખોટી દિશામાં લઈ જાય છે. માણસ પાસે ધન , દોલત, માન- સમ્માન, મિત્રો, ફેસબુક, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ વગેરે જે પણ હોય એ ફક્ત તેની બાહ્ય ઈન્દ્રિયોને સંતોષ આપે છે.તેના બાહ્ય શરીરને જ સુખ આપે છે પણ જો મન નબળું હોય તો તે તેના અંતઃકરણમાં બસ એક ખાલીપાની અનુભૂતિ કરે છે.આ શરીરને તંદુરસ્ત રાખવા માટે જીમમાં હજારો રૂપિયા વેડફતો માણસ મન ને સ્વસ્થ રાખવાનું ભૂલી જાય છે અને ન કરવાનું કરી બેસે છે.

મનને પોષણ ક્યાંથી મળે?

સારા મિત્રોનો સંગ કે પછી સત્સંગ, સારા પુસ્તકો અને ધાર્મિક પુસ્તકોનું વાંચન, યોગ, ધ્યાન, પ્રાણાયામ આ બધા મનને પોષણ આપનાર મનાય છે.આ બધું કાંઈ સમયનો બગાળ નથી, પરંતુ જ્યારે તમે ક્યાંક અટવાયા હોય અને કોઈ રસ્તો ન જડે ત્યારે તમારી આ માનસિક શક્તિ જ તમને યોગ્ય માર્ગદર્શન આપે છે.યોગ તો શરીરની સાથે મનને પણ તંદુરસ્ત બનાવે છે અને માનસિક શક્તિમાં વધારો કરે છે.દર વર્ષે ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.લોકો આ એક દિવસે યોગ કરી અને ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે અને કોઈ બહુ મોટું કાર્ય કર્યું હોય એમ ગર્વની લાગણી અનુભવે છે.પરંતુ માત્ર એક દિવસ યોગ કરવાથી શો લાભ? યોગ એ લોકોને દેખાડા માટે નહિ, પરંતુ માનસિક શાંતિ માટે કરવાનો હોય છે. જો યોગ ના કરી શકો તો કંઈ નહિ પરંતુ માત્ર રોજ રાત્રે સૂતી વખતે ધ્યાન કે શવાસન કરવાથી અને શ્વાસોશ્વાસમાં ધ્યાન પરોવવાથી પણ માનસિક તણાવમાં ખુબ જ ઘટાડો થાય છે અને એક નવી જ તાજગીનો અનુભવ થાય છે.

માણસના જીવનમાં જ્યારે ચિંતા અને માનસિક તણાવ વધી જાય અને જો તેનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત ન હોય તો એ કા તો પાગલ થઈ જાય છે કે પછી આત્મહત્યાના વિચારો કરવા માંડે છે.જ્યારે પણ આત્મહત્યાના વિચારો આવે ત્યારે સરકારે આવા લોકોને આત્મહત્યા કરતાં રોકવા માટે ‘ જીવન આસ્થા હેલ્પલાઇન નં :- ૧૮૦૦ ૨૩૩ ૩૩૩૦ ‘ બહાર પાડેલ છે. આ નંબર પર ફોન કરવાથી તે લોકો વ્યક્તિનું કાઉંસેલીંગ કરે છે અને તેને આત્મહત્યા કરતો અટકાવે છે. પરંતુ જો તેનું મન પહેલેથી તંદુરસ્ત હોય તો તેને તણાવ ( ડિપ્રેશન ) ની એટલી બધી અસર નથી થતી, તેને કોઇ પણ પ્રકારના કાઉંસેલીંગની જરૂર પડતી નથી અને તે એમાંથી સરળતાથી બહાર આવી જાય છે.જ્યારે આત્મહત્યાના વિચારો આવે ત્યારે વ્યક્તિ પાસે બે જ રસ્તા હોય છે. એક કે તે આત્મહત્યા કરી લે અને બીજો કે તે તકલીફોનો સામનો કરીને જીવનમાં આગળ વધી સંઘર્ષનો માર્ગ અપનાવે.

વિશ્વમાં જેટલા પણ મહાપુરુષો થાય છે તેમના જીવન પર નજર નાખો તો જાણવા મળે કે તેમના જીવનમાં ફક્ત આનંદ કે પ્રમાદ ન હતો. તેમના જીવન પણ તકલીફો અને સંઘર્ષથી ભરેલા હતા. ભગવાન રામ, શ્રી કૃષ્ણ, રાજા હરિશ્ચંદ્ર, સંત કબીર, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, સંત તુકારામ, નરસિંહ મહેતા, મીરાં બાઇ, સાંઈ બાબા વગેરેનું જીવન પણ સંઘર્ષ અને તકલીફો થી ભરેલું હતું. એટલે જ મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવાથી આપણું મન મજબૂત થાય છે ,કારણ કે એમની તકલીફો આગળ આપણી તકલીફો ખુબ જ વામણી સાબિત થાય છે.

નેલ્સન મંડેલા ૨૭ વર્ષ સુધી જેલમાં રહ્યા અને અસહ્ય માનસિક યાતનાઓ તેમણે ભોગવી ; છતાં પણ તે પોતાના માનસિક બળે મનને સ્વસ્થ રાખી શક્યા અને સ્થિરબુદ્ધિ રહ્યાં. એમને જેટલું દુઃખ ભોગવ્યું એટલું જો કોઈ સાધારણ વ્યક્તિને મળે તો નક્કી તે પાગલ થઈ જાય કે પછી આત્મહત્યા કરી બેસે.પરંતુ તેમણે સંઘર્ષ કર્યો અને મહાન બન્યા.

એક માણસ ધંધામાં નિષ્ફળ ગયો. રાજકારણમાં આવ્યો તો વિધાનસભામાં હાર થઈ, ફરી ધંધામાં ગયો તો ત્યાં પણ નિષ્ફળ. ત્યારબાદ વિધાનસભામાં જીત્યો તો પ્રેમિકાનું મૃત્યુ થયું.ત્યારબાદ સતત સાત થી આઠ વખત ચુંટણીમાં હાર મળી. જીવનમાં આટલી બધી નિષ્ફળતાઓ કોઈ પણ સાધારણ પુરુષનું મનોબળ હલાવી નાખવા માટે સમર્થ હોય છે. કોઈ પણ માણસ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસે. પણ મહાન વ્યક્તિઓની વાત જ અલગ હોય છે. એ માણસ જ્યારે બધી નિષ્ફળતાઓ નો ટોપલો માથા પર મૂકીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે કાદવમાં પગ પડ્યો અને લપસી ગયો. જાણે ધરતી પણ એની ઉપર કાદવ ઉછાળીને અટ્ટહાસ્ય કરતી હોય એમ લાગ્યું ! પણ ત્યારે જ એના મનમાંથી અવાજ આવ્યો, " This is a slip, not a fall - લપસી ગયો છું, પડી નથી ગયો ". તેને હિંમત આવી અને સંઘર્ષ ચાલુ રાખ્યો. આખરે 30 વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ વર્ષ ૧૮૬૦ માં તે વ્યક્તિ અમેરિકાના પ્રમુખ બને છે. તે વ્યક્તિ એટલે ' અબ્રાહમ લિંકન '.

જો અબ્રાહમ લિંકને પોતાની નિષ્ફળતાઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોત તો શું અમેરિકાને એક મહાન પ્રમુખ તેમજ વિશ્વને એક મહાન રાજનેતા મળી શકત? તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો એટલે મહાન બન્યા.આજે પણ જ્યારે અમેરિકાના સૌથી મહાન પ્રમુખોની યાદી બને તો એમાં અબ્રાહમ લિંકનનું નામ સૌથી ઉપર આવે છે. આવા તો અનેક મહાપુરુષો થઈ ગયાં જેમનેં ખુબ જ નિષ્ફળતાઓ અને તકલીફો વેઠી ; છતાં પણ પોતાના મન પર સંયમ જાળવી રાખી અને સંઘર્ષ કરતાં કરતાં આગળ વધ્યા અને ઇતિહાસમાં અમર પદ ધારણ કર્યું.

મહાત્મા ગાંધીને પણ બાળપણમાં કુસંગ ને કારણે બીડી પીવાની એટલી બધી લત હતી કે ઘરેથી પૈસા ના મળતાં તેઓ પોતાની પરાધીનતા ને કારણે આત્મહત્યા કરવા પ્રેરાયા હતા અને જ્યારે આત્મહત્યા કરવા ગયા ત્યારે આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકીને બીડીને જ છોડવાનું નક્કી કર્યું. તે જ વ્યક્તિ આગળ જતાં વ્યસનમુક્તિ આંદોલન ચલાવે છે અને હજારો લોકોને વ્યસનમાંથી મુક્તિ અપાવે છે. દક્ષિણ આફ્રિકામાં સુખ સાહ્યબી ભોગવતાં અને એ જમાનામાં સવાલાખ ડોલર જેટલી વાર્ષિક કમાણી ( આજની તારીખે કરોડોની રકમ થાય ) કરતાં ગાંધી જ્યારે ભારત આવે છે અને અહીંયા ગરીબીના કારણે નગ્ન રહેતા લોકોને જુએ છે ત્યારે " જ્યાં સુધી મારા બધા ભારતીય ભાઈ બહેનો ના શરીર પર વસ્ત્રો ના આવે ત્યાં સુધી હું પણ વસ્ત્રો નહિ પહેરું " એવી પ્રતિજ્ઞા કરે છે અને ભયંકર ગરમી, કકળતી ઠંડી અને મુશળધાર વરસાદમાં પણ આજીવન અર્ધ નગ્ન રહીને ગરીબોને આત્મનિર્ભર બનાવવા માટે કર્યો કરે છે. તે ગાંધી પર આ દેશમાં ૨૦ વખત હુમલા થાય છે. જે લોકો માટે તેમણે પોતાનું સર્વસ્વ છોડી દીધું તે લોકોમાંથી જ જ્યારે કોઈ આવી રીતે હુમલા કરે તો કોઈનું પણ મનોબળ ડગી જાય. પરંતુ ગાંધી પોતાનું સેવાકાર્ય ચાલુ રાખે છે. જો આ જ ગાંધીએ બાળપણમાં માત્ર એક બીડીની લતના કારણે આત્મહત્યા કરી લીધી હોત તો શું એ એક સામાન્ય વ્યક્તિમાંથી મહાત્મા બની શકત?

જ્યારે જ્યારે વ્યક્તિને તકલીફ પડે અને માનસિક રીતે ભાંગી જાય છે ત્યારે તે બે માંથી એક જ રસ્તો પસંદ કરે છે. કેટલાક આત્મહત્યા કરીને જીવન સંકેલી લે છે તો કેટલાક એ જ તકલીફોનો સામનો કરીને, સંઘર્ષના પથ પર ચાલીને વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડે છે. જેમનું મનોબળ દરેક મુશ્કેલીમાં પણ સ્થિર હોય અંતે તો તે જ વિજેતા બને છે. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્‍ગીતામાં પણ સ્થિરબુદ્ધિ બનવાની સલાહ આપે છે.

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥

અર્થાત્ :-

દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણપણે નિઃસ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય બને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.” ( અધ્યાય ૨, શ્લોક :- ૫૬ )

ભગવાન મનુષ્યને દરેક સંજોગોમાં સ્થિરબુદ્ધિ રહેવાની સલાહ આપે છે. જે ખરેખર ખૂબ જ અઘરું છે પરંતું નિરંતર પ્રયત્ન વડે તે શક્ય થાય છે. બધા લોકો સંપૂર્ણપણે સ્થિરબુદ્ધિ તો નથી થઈ શકતા પરંતુ તેના માટે પ્રયત્ન કરવાથી મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ જરૂર મળી રહે છે.
આવી સશક્ત માનસિક સ્થિતિ વાળો માણસ દરેક પરિસ્થિતમાં સ્થિર રહી, સંઘર્ષ કરતો આગળ વધે છે અને શ્રેષ્ઠ જીવનનું ઉદાહરણ પૂરું પાડે છે.


પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )