yuniform books and stories free download online pdf in Gujarati

યુનિફોર્મ

ઓ!! ટેણી જરા ઉતાવળ રાખ!!! ટી સ્ટોલ વાળા રમેશ ભાઇનો અવાજ સાંભળતા જ અજય ના હાથ ઉતાવળે એઠા કપ રકાબી માં ફરવા લાગ્યા.. કપ રકાબી ધોઈ ને લુછતા ફરી તેણે સામે નજર કરી.. સ્કુલ ના પહેલા દિવસે બધા બાળકો સુંદર તૈયાર થઈને, નવો યુનિફોર્મ પહેરી ને નવી સ્કુલબેગ અને પાણીની બોટલ હાથમાં પકડીને મજાક મસ્તી કરી રહ્યા હતા ....તેમના ચહેરા ઉપર ઉત્સુકતા હતી , નવું વર્ષ, નવા મિત્રો બધું નવું!!!!અજય પણ જાણે આ બધા માં જ ખોવાઈ ગયો !!પોતાનું સઘળું કામ ભૂલીને એ આ બધા બાળકો માનો જ એક હોય એવો આનંદ તેના નાનકડા ચહેરા ઉપર આવી ગયો....... ફરી રમેશભાઈ એ બૂમ પાડી અલ્યા તને સમજાતું નથી સવારે ઘરાકી ટાણે જ ધીમો કેમ થઈ ગયો ????

અજય ફરીથી ભાનમાં આવ્યો ફટાફટ કપ-રકાબી લઈને કીટલી એ પહોંચી ગયો.... સ્કુલ બસ આવતા જ ખિલખિલાટ કરતાં બાળકો તેમાં રવાના થયા અને ફરી ચાર રસ્તા પાસે વહેલી સવારની શાંતિ વ્યાપી ગઈ ....આગળ વધતી બસને અજય જોઈ રહ્યો.... સવારે ચાની કીટલી ઉપર કામ કરતો અને બપોર પડયે માતા ને બે-ત્રણ ઘરના ઘરકામમાં મદદ કરાવતો અજય ,,,, કેટલાય સપના આંખમાં ભરી ને બેઠો હતો.... પણ બિમાર પિતા, નાની બહેન ને સાચવવા અને ઘર ચલાવવા મહેનત કરતી માતાને જોઈને 10 વર્ષની ઉંમરમાં જ અજય કામે લાગી ગયો હતો....

એ પણ આખરે તો એક બાળક જ હતો ને...... એની વર્ષોની ઈચ્છા ......આજે ફરી સળવળી ઉઠી હતી , તેને પણ આ બાળકોની જેમ નવો યૂનિફોર્મ પહેરવો હતો , અને સ્કૂલમાં જવું હતું..... ઉદાસ મને કીટલી ઉપર કામ પતાવીને ઘરે પહોંચ્યો ....આજે અજયનું મન જમવામાં પણ ન લાગ્યું ....તે માતાની સાથે કામે જવા નીકળી ગયો... બીજા બંગલામાં રહેતા શેઠાણીએ આજે થોડાક જુના કપડા અલગ તારવીને રાખ્યા હતા ....એમનો દીકરો પણ કદાચ અજય જેવડો જ હતો .....તેથી જ તેમણે જુના કપડા અજય ને આપ્યા..... કપડાં માં મુકાયેલ જુના યુનિફોર્મ ની એક જોડ જોઈને અજય નો આનંદ બેવડાઈ ગયો..... તેણે હળવે રહી ને યુનિફોર્મ પર હાથ ફેરવ્યો ,જાણે વર્ષોની ઝંખના આજે પૂરી થઈ.... અજયની ખુશી આજે સમાતી ન હતી ...બેય હાથ ફટાફટ કામ કરવા લાગ્યા .....ક્યારે બધું કામ પૂરું થાય એ ઘરે જાય અને આ યુનિફોર્મ ને પહેરી જુએ !!!!!!!બસ એજ લગન હતી..

ઘરે પહોંચીને મા પાસેથી તેણે યુનિફોર્મ ને જોડ માંગી પરંતુ , મા એ કીધું બેટા સવારે નાહી ધોઈને જ પહેરજે... અજયે અત્યારે વાત માની લીધી, પણ તેનું નાનકડુ મન યુનિફોર્મમાં જ અટવાયેલું રહ્યું .... થોડી થોડીવારે તે એની પર હાથ ફેરવી લેતો ..... જાણે પોતાના સ્વપ્નને પંપાળતો હોય... આખી રાત અજયને યુનિફોર્મ ના જ સપના આવ્યા ..... ""યુનિફોર્મ પહેરીને સુંદર તૈયાર થઈને સ્કૂલ જવા નીકળે છે"" ""દોસ્તો સાથે મજાક-મસ્તી કરતો ",અને બસમાં બેસીને સ્કૂલ જતો અજય.....તે ખૂબ આનંદથી બધા સપનાઓ માણતો રહ્યો .....

વહેલી સવારે મા એ ઉઠાડયો ,તો યુનિફોર્મ પહેરવાની ઉતાવળમાં ઝડપથી તૈયાર પણ થઈ ગયો.... નાહી ધોઈને યુનિફોર્મ પહેરવા જ જતો હતો કે માનો અવાજ સંભળાયો, """જલ્દી કર ,બેટા કામે જવાનું છે"""......અને અજય ખમચાઈને ઊભો રહ્યો .......યુનિફોર્મ ને પકડવા આતુર બનેલા તે નાં હાથ અચાનક અટકી ગયા , અને સપનાઓમાં થી તે હકીકતમાં પછડાયો!!!!!!! તેને તો કામે જવાનું હતુ, તો પછી યુનિફોર્મ કેમ ???????? ધીરે રહીને તેણે પોતાના જુના કપડા પહેરી લીધા ....યુનિફોર્મ ની જોડ હાથમાં લઈને તુચ્છકાર થી બાજુ પર મૂકીને અજય કામે જવા નીકળી ગયો.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED