Ek stree books and stories free download online pdf in Gujarati

એક સ્ત્રી...

       બહાર હજી અંધારું હતું .આજકાલ ઠંડીનું જોર પણ વધ્યું હતું .ફાટેલી જીર્ણશીર્ણ અને થીંગડાવાળી ગોદડી માંથી બહાર આવતા જ જીવી કાપી ઉઠી .બહાર ના અવાજોથી અનુમાન કર્યું કે કદાચ છ વાગી ગયા હશે,ધીમેથી ઉઠીને બાજુમાં નજર કરી, ચાર વર્ષનો રઘુ અને મોટી દસ વર્ષની આશા બંનેની ઓઢેલી ગોદડી વ્યવસ્થિત કરીને ઉભી થઇ. આજે તેને ખૂબ વહેલું કામ પર જવાનું હતું, રમા શેઠાણીએ તેને વહેલી સવારથી જ બોલાવી દીધી હતી ..બાબાસાહેબ ની વરસગાંઠ હતી અને ખૂબ બધા મહેમાનો પણ હતા.

 જીવી ઉઠીને વાસણ અને ડોલ લઈને બહાર આવી. પાણી આવે તે પહેલાં જ મ્યુનિસિપાલટી ના નળ ઉપર  વાસણોની કતાર લાગી ગઈ હતી પોતાનું વાસણ મૂકીને તે ફરી ઘરમાં આવી, વિચાર્યું આજે તો ખૂબ ઠંડી છે આશા ને school જવાની ના પાડી દઈશ અને ફરી એક નજર બાળકો પર કરી કેવી ઠરેલ દીકરી હતી ....પોતાની ગેરહાજરીમાં ખૂબ સારી રીતે નાના ભાઈને સાચવતી હતી અને એટલે જ તો કામ કરીને જીવી ઘર ચલાવી શકતી હતી ,નહીંતર પોતાનું અને બાળકોનું શું થાત !!મનિયો તો આમ જ નોંધારા મૂકીને ચાલતો થયો હતો .મનિયા નો વિચાર આવતા જ મોમાં કડવાશ વ્યાપી ગઈ ....ક્યાં ભાગી ગયો હશે ?ખબર નહીં ?ત્રણ મહિનાથી કોઇ અતોપતો જ નહોતો. ભલું થજો આ રમા શેઠાણીનું એમણે આખા દિવસનું કામ આપ્યું..શેેેઠાણી યાદ આવતા જ જીવી ફટાફટ ઘરનું કામ કરવા માંડી... બે-ત્રણ રોટલા બનાવી દીધા, બહારથી પાણી ભરીને નાઈને ડેરીએથી થોડુંક દૂધ લાવીને પોતાની અને બાળકોની ચા તૈયાર કરી અને ઝટપટ પોતે પણ તૈયાર થઈ ગઈ ...આશા ને ઉઠાડી ઘરનું કામ સમજાવ્યું, ફટાફટ સાડલો સંકોરીને ઉપર જૂની શાલ ઓઢીને તે રમા શેઠાણી ના બંગલા તરફ દોડી.

           બંગલા પર સવારથી જ ભારે હલચલ હતી. દસ વાગ્યા માં કથા અને પૂજાપાઠ હતા ,ઘણા બધા મહેમાનો ની રસોઈ હતી ,અને તેથી જ સવારથી જ વર્ષોથી ઘરમાં રહેતા અને રસોડું સાચવતા ગોમતી બા આજે ઊભા પગે જ હતા. તેઓ અને મહારાજ મળીને રસોઈ અને પ્રસાદ બનાવવાની તૈયારીમાં લાગી ગયા હતા .જીવી ને જોતા જ ગોમતી બાએ તેને કામમાં જોતરી દીધી .રસોઈ વાસણ સઘળું કામ પતાવતા બે કેમ વાગી ગયા, જીવી ને ખબર જ ન રહી.ગોમતીબા એ બધાના ભેગી જીવી પણ થાળી કરી, ચાલ !આજે અહીં જમી લે અને પછી સાંજની તૈયારીમાં લાગી જઈએ .જીવી એ સવારે વિચાર્યું હતું કે ઘડી ભર બપોરે પોતાના ઘરે જઈને બાળકો ની ખબર લઈને ,થોડું ખવડાવીને પાછી આવી જશે ,પણ અહી તો એવી કોઈ આશા દૂર સુધી દેખાતી ન હતી .....અને ઉપરથી ગોમતી બાનુ ફરમાન  ...! ઘરે જવા માટે પૂછવાનું માંડી વાળીને જીવી જમવા બેસી ગઈ .ખૂબ સ્વાદિષ્ટ રસોઈ હતી પણ પોતાના બાળકોની યાદ આવતા જાણે કંઈ જ ગળા નીચે ઉતરતું જ ન હતું. તેને વારે ઘડીએ આશા અને રઘુ ના ગરીબડા ચહેરા દેખાતા હતા .લગભગ રઘુ જેટલી જ ઉંમરના બાબાસાહેબ ને જન્મદિવસે અછો અછો વાના થઇ રહ્યા હતા. જ્યારે પોતાનો પુત્ર કદાચ ભૂખ્યો પોતાની રાહ જોઈને બેઠો હશે !એવું યાદ આવતા જ એ થાળી પરથી ઊભી થઈ ગઈ, થોડાક લાડુ અને ફૂલવડી લઈને સાઈડમાં મુકતા જોઈને ગોમતી બાએ કહ્યું ,"રાખ હવે લે !આ ઢાકણ માં મુક અને જતા લેતી જજે ,આમ કેવી રીતે સાચવીશ"...

             જીવી એ બધું જ જુના ઢાંકણામાં કાઢ્યું ,અને તે ફરીથી કામે લાગી ગઈ ,પણ અત્યારે ગોમતી બાને થોડાક શાંત જોઈને હિંમત કરીને પૂછી લીધું",બા ...બાળકો ઘરે એકલા છે... સાંજે થોડોક વહેલો મેળ પડે તો જવા દેજો ને બિચારા ભૂખ્યા થશે ...."ગોમતીબા એ ઠીક ત્યારે! એમ કહીને બીજા કામ થમાવ્યયા.....જીવી એ પણ ઝડપ વધારી છતાંય થોડી થોડી વારે નજર બહાર ની ધમાચકડી અને બાબા સાહેબ તરફ જતી ,અને તેને રઘુ યાદ આવી જતો.ગોમતીબાએ ફરી ધોવા માટે ના વાસણોનો ઢગલો જીવી ને આપ્યો અને ધીમે થી સમજાવ્યું કે," સાંજે તો પાર્ટી છે ,જમવાનું બધું બહારથી જ આવશે તેથી છ વાગ્યા પછી આપણને કંઈ જ કામ નહીં રહે ....તું ઇચ્છે તો ત્યાર પછી જઈ શકે છે .પણ આમાં શેઠાણીએ બધા નોકરોને સાંજે જમવા નું કીધું છે !! પણ તેમાં તો દસ વાગી જ જશે ..પછી તારી ઈચ્છા "..આમ કહીને ગોમતી બા ફરીથી બધાને ચા નાસ્તો આપવામાં રોકાઈ ગયા

       જીવીએ બને તેટલી ઝડપે બાળકો પાસે જ જવાનો વિચાર કર્યો, આમ તો દરરોજ આશા સ્કૂલે જતી અને ઘણા દિવસે રઘુ જીવી ની સાથે જ કામ પર આવતો .પણ  રઘુ નાનું બાળક .......બાબાસાહેબ ની વસ્તુઓ જોઈ ને તે રમવા માટે જીદ કરતો હતો .અને જીવીને કામ પણ ન કરવા દેતો હતો, તેથી જ થોડાક દિવસથી જીવી તેને આશા ની સાથે શાળાએ મોકલી દેતી.... આમ નાનકડી આશા ઉપર રઘુ ની જવાબદારી આવી હતી .પણ શું થાય ઘર ચલાવવા માટે જીવીને કામ કરીએ જ છૂટકો હતો ...તે થોડી મનિયા ની જેમ બાળકોની જવાબદારી મૂકીને ભાગી શકશે ????બધા વિચારો ખંખેરીને જીવી ફરીથી કામે લાગી ગઈ .

          આમને આમ કામ કરતાં જ સાંજ પડી ગઈ હતી. હવે તો જીવી નું શરીર પણ થાક્યું હતું ,છ વાગી ચુક્યા હતા ગોમતી બા રસોડા નથી હમણાં જ પરવાર્યા હતા. બધા નોકરોને સાચવવાનું કામ ગોમતી બા કરતા હતા.... તેથી જ પોતાનું બધું કામ પરવારીને ,વાસણ ગોઠવી, હાથ લૂછતી જીવી ગોમતી બા પાસે જઈને ઉભી રહી ...."બા !સાડા છ થવા આવ્યા કંઇ કામ ન હોય ,અને તમે કહો તો હું જાઉ? રઘુ બચાડો સવારથી એકલો છે ...હવે તો આશા પણ એને સાચવીને થાકી હશે ?????આશા ભરી આખે જીવી ગોમતી બા તરફ જોઈ રહી !!! ગોમતી બા વિચારમાં પડ્યા .."જીવી! રમા શેઠાણી કહેતા હતા કે, સાંજ પડ્યે બાબાસાહેબ ના હાથે બધાને કંઇક બક્ષીસ આપવાની છે ..શું કહે છે તું ??થોડું રોકાઈને બક્ષિસ લઈને જા ."...હવે જીવી મૂંઝાઈ,, તેને હાથ જોડીને બા ને કીધું ,"બા તમે લઈ રાખજો ને !બાળકો ભૂખ્યા થશે અને ખાવા માટે કંઈ જ નથી .....ગોમતી બા ને દયા આવી ,ભલે કહીને તે અંદર ગયા અને સવારથી ઢાંકી મુકેલો લાડુ અને ફૂલવડી પ્લાસ્ટિકના ડબ્બામાં મૂક્યા. તેમાં બીજો એક લાડુ અને થોડીક ફૂલવડી ઉમેર્યા અને જીવી ને કહ્યું ,"આ તારા બે બાળકોને ખવડાવજે" !  જીવી ખૂબ ખુશ થઈ ગઈ ,બે હાથે ડબો પકડી ફટાફટ ઘરે જવા નીકળી....

         નહીં નહીં તોય સાત વાગી ગયા હતા. ઠંડી શરૂ થઈ ગઈ હતી ..જીવીએ ચાલવામાં ઝડપ વધારી તેણે વિચાર્યું, લાડુ જોઈને બાળકોના ચહેરા ખીલી ઉઠશે બિચારાઓએ ઘણા વખતથી કંઈક સારું ખાધુ જ નથી.... ઝડપથી ચાલીને મુખ્ય રસ્તા પર આવી ગઈ ભીડ અને ટ્રાફિક ....પણ જીવી નું બધું જ ધ્યાન હાથમાં પકડેલા પ્લાસ્ટિકના ડબ્બા પર હતું. પાછળથી ધસમસતી આવતી બસ.... ચિચિયારીઓ પાડીને બ્રેક મારી !અને જીવી હવામાં ફંગોળાઇ ને નીચે પડી. ! જાણે અચાનક બધું જ અટકી ગયું ........જમીન પર પડેલી જીવી એ આંખો ખોલી.... નજીકમાં ઊભેલી બસ.... લોકોનું ટોળું અને વહી જતું પોતાનું જ ગરમ ગરમ લોહી........્એ્ક નજર એણે પોતાના હાથ મા મજબૂતાઈથી પકડેલા પ્લાસ્ટિકના ડબ્બા તરફ કરી અને આંખો મીચી દીધી............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED