Maa te Maa books and stories free download online pdf in Gujarati

મા તે મા.

               "અવની હું અમીષ ને ચાલવા લઈ જાઉં છું," બેટા. ! કહી ને  શ્રદ્ધાબેને અમીષ નો હાથ પકડયો અને ઘર નો દરવાજો બંધ કર્યો.....હાશ ......કહી ને  અવની બહાર ના રૂમ માં આવી .....નિમીત્ત સાથે પ્રેમ લગ્ન કર્યા અને એક વર્ષ થયું હતું, તે આ ઘરમાં એક વર્ષથી રહેતી હતી, પણ અમિષ ની સામે આવવાનું કે વાત કરવાનુ તે હંમેશા ટાળતી.... આમ તો અમિષ તેનો જેઠ કહેવાય..! પણ જન્મથી જ વિકાસ નહિ પામેલા બાળકો માં આવતો... જાતે પોતાના કોઈપણ કામ કરવા માટે અસમર્થ અને મંદબુદ્ધિ!!!!  30 વર્ષનો હોવા છતાં પણ પાંચથી દસ વર્ષના બાળકના જેટલો  જ વિકાસ ધરાવતો અમિષ અવની માટે હંમેશા  ઉપેક્ષા  નું પાત્ર જ રહ્યો હતો...શ્રદ્ધાબેન ની તો આખી દુનિયા જ અમિષ ની આસપાસ વીંટળાઈ રહેતી, તેઓ અમિષને નાના બાળકની જેમ સાચવતા હતા અને પતિ અને પુત્ર ના કહેવા છતાં પણ અમિશ ને કદી પણ સ્પેશ્યલ ચાઇલ્ડ સ્કુલ માં મૂક્યો ન હતો... તેઓ બધું જ જાતે જ શીખવતા , સાંજે થોડાક સમય માટે નિમિત્ત અને અમનભાઈ  અમીષ સાથે રમતા કે વાતો કરતા .... એથી વધારે તેઓ અમિષ ની બાબતમાં શ્રદ્ધાબેન સાથે વધુ માથાકૂટ નહીં કરતા ....
             શરૂઆતમાં અવનીએ કોશિશ કરી કે અમિષ ની સાથે વાત કરે ,તેને મદદ કરે પણ અમીષ કદાચ તેનો અણગમો પારખી જતો હોય એમ દૂર જ રહેતો... અને તેથી જ ક્યારેક ખૂબ ગુસ્સે થતો કે જીદે ચઢતો , વસ્તુઓ ફેંકી દેતો અને કદીક જમવાની થાળી ઉછાળતો  અમિશ   કદી અવની ની સમજ માં જ ન આવ્યો ..... એક જ ઘરમાં રહેતા હોવા છતાં પણ અવની અને અમિશ બે છેડા હતા.... શ્રદ્ધાબેન પણ અવની નો અણગમો પારખીને અમીષ ને અવની થી દુર જ રાખતા .
            આજે ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું ! અવની એ આજે સારા સમાચાર આપ્યા હતા ,અવની અને નિમીત માતા-પિતા બનવાના હતા ... અને ઘરમાં એક નાનકડા શિશુનું આગમન થવાનું હતું ...આખો પરિવાર ખૂબ જ આનંદમાં હતો .નિમિત બધા માટે મીઠાઈ લઈને આવ્યો હતો અને તેણે મોટાભાઈ ને ચોકલેટ આપી. ફેવરેટ ચોકલેટ મળવાથી અમિષ પણ ખૂબ ખુશ થઈ ગયો...
         ચોથો મહિનો પસાર થતા જ અવનીને  થોડી બેચેની જણાઇ . પ્રેશર વધુ આવતા ડૉ. એ તેને આરામ કરવાનું કીધુ ...શ્રદ્ધાબેન પર અત્યારે ઘણી બધી જવાબદારીઓ આવી ગઈ હતી ,ઘર ની અમિશની અને અવની ની પણ......
              ઘરના કામકાજમાં વ્યસ્ત શ્રદ્ધાબેન થી આજે અમિષ ને જમવાનું આપવામાં થોડું મોડું થઈ ગયું ,તેઓએ પહેલા અવની ની થાળી કરી તેવું અમિષ ની સમજમાં આવ્યું ...પોતાના જ કામ કરતી પોતાની મમ્મી બીજા કોઈ પાસે બેસે, એ અમીષ કેવી રીતે સાંખી લે !!!!આજે તેણે તોફાન મચાવ્યું ,જમવાની થાળી પણ ફેંકી દીધી ..શ્રદ્ધાબેન પર ગુસ્સો કર્યો અને વસ્તુઓ ફેંકવા લાગ્યો ... અવની આવી તો તેને પણ હળવો ધક્કો મારી દીધો... અમીષ ના આ પ્રકારના તોફાનથી અવની ખૂબ ડરી ગઈ.. હવે તો શ્રદ્ધાબેન ને અવની ના થોડા ઘણા કામ કરતા જોઇને પણ અમીષ ખૂબ તોફાને ચડે ...... અને તેને સમજાવતા સમજાવતા બધા થાકી જતાં...
              તો આમને આમ અવનીને છઠ્ઠો મહિનો બેઠો. થોડા દિવસથી અવની ની તબિયત સારી ન હોવાથી, શ્રદ્ધાબેન તેના ખાવા પીવાનું વધારે ધ્યાન આપતા હતા.. અમિષ ને બહાર રમવા લઈ જવાનું પણ ઓછું થઈ ગયું હતું તેથી ખૂબ રિસાયેલો અમિશ આજે ફરી તોફાને ચડ્યો ૩૦ વર્ષના અમીષ ના તોફાનો સામે શ્રદ્ધાબેન કેટલું ગજુ? અને અવની તો ગભરાઈને રૂમમાં જ ભરાઈ ગઈ ....નિમિત્ત ને ઓફિસેથી ફોન કરીને બોલાવ્યો અને ખાસ્સા ત્રણેક કલાક પછી અમિષ શાંત પડ્યો... ઘણા વખત થી વિચારી રાખેલ વાત આજે અવની એ નિમિત પાસે કરી..... તેણે આ જ શહેરમાં અમિષ જેવા સ્પેશિયલ લોકો માટેનું કેર સેન્ટર શોધી રાખ્યું હતું ....હવે તેને આ ઘરમાં અમીષ સાથે રહેવું તે પોતાના માટે અને આવનાર બાળક માટે ઘણું જોખમી લાગતું હતું ...નિમિત્તે આજ સુધી તેની આ પ્રકારની વાતો પર ધ્યાન આપ્યું ન હતું પણ આજે અવની જીદે જ ભરાઈ હતી ...તે પોતાના આવનારા બાળકની સલામતી ઈચ્છતી હતી. ખોળો ભરીને પોતાના પિયર જતી વખતે અવની એ નિમિત ને અંતિમ ચેતવણી આપી દીધી કે ,તે પોતાના બાળક સાથે ત્યારે જ આ ઘરમાં પાછી આવશે જ્યારે અમિષ માટે કોઈક વ્યવસ્થા થશે ...અવની ની આ પ્રકારની માંગણી સાંભળીને શ્રદ્ધાબેન લગભગ ધ્રુજી ગયા ,અમિષ તેમને જીવથી વહાલો હતો ,તે મોટે ભાગે પોતાના દરેક કાર્ય માટે શ્રદ્ધાબેન પર જ અવલંબિત હતો અને શ્રદ્ધા બેન આખો વખત અમિષ  ના  કામકાજ માં  .......
           અમિષ થી છૂટા પડવાનું તો તે  સ્વપ્ને પણ ન વિચારી શકે..... અવની ની વાત સાંભળીને તે  ખૂબ મૂંઝવણમાં આવી ગયા.... એક તરફ નિમિત્ત અને તેનું આવનાર બાળક અને બીજી તરફ અમિશ ......બે પુત્રો તેમને સરખા જ વહાલા  હતા ,પણ અમિષ.........!!!
               તેમણે બે ત્રણ વખત ફોન પર પણ અવની ની સાથે વાત કરતાં સમયે અમીશના ખાસ્સા વખાણ કર્યા ....તેની સુધરેલી આદતો ની માહિતી આપી પણ અવની એક ની બે ના થઇ ....શ્રદ્ધાબેને અમિષ માટે થઈને પતિ, નિમિત અને પુત્રવધુ બધા પાસેથી સહકારની આશા રાખી ...પણ કોઈ તેમની મદદે ન આવ્યું.

                      અને જે દિવસ નો આખો પરિવાર રાહ જોતો હતો તે આવી ગયો. નિમિત અને અવની ને ત્યાં નાનકડી પરીનું આગમન થયું .....આખું ઘર આનંદનો ઉત્સવ મનાવતું હતું. નાનકડી દીકરીને જોઈને શ્રદ્ધાબેન પણ ખૂબ જ રાજી થયા .....તેમણે નાનકડી પરી ને હાથ માં લઈ ને ફરીથી અવની ને વિનંતી કરી જોઈ ,પણ અવની એ કોઈ વાત માન્ય ન રાખી.... આવતીકાલે અવની પરી ને લઈને ઘરે આવવાની હતી તેનો મતલબ એ જ કે અમિષ નો આ ઘરમાં આખરી દિવસ હતો !!!!! શ્રદ્ધાબેન ની હાલત ખૂબ જ નાજુક હતી તેઓની આંખ ના આંસુ સુકાતા ન હતા ,નાનપણથી લઈને ૩૦ વર્ષ સુધી ફક્ત શ્રદ્ધાબેન ની પાસે જ રહેલો અમિશ હવે બીજા કોઈ પાસે કેવી રીતે રહેશે ?શું ખાશે ,અને શુ કરશે ?   તે ને તો કોઈ વાતની સમજ જ ન હતી ...આવા વિચારોથી એક માં નું હદય ખૂબ દુઃખી હતું..પરંતુ ઘરના  લોકોની આગળ તેમનું કાંઈ ન ચાલ્યું!!!!! ખૂબ ભારે હૃદય અને દુઃખ સાથે તેમણે નિમિતની સાથે જઈને અમિષ ને કેર સેન્ટર પર મૂક્યો ...
                 બીજે દિવસે અવની પોતાની નાનકડી પુત્રીને લઈને ઘરે આવી અને શ્રદ્ધાબેન ના ખોળામાં નાનકડી ઢીંગલી મૂકી દીધી .શ્રદ્ધાબેન ને આ દીકરી ખૂબ જ વહાલી હતી પરંતુ અમીષ પણ ...........તેઓનું મગજ હંમેશા અમીશ ના વિચારો માં જ પરોવાયેલું રહેતું,  દિવસમાં ઘણી બધી વખત તેઓ કેર સેન્ટર  ફોન કર્યા કરતાં ,અને કેર સેન્ટર વાળા પણ ઉચ્ચક જવાબ આપીને બધું ટાળી દેતા .. આથી શ્રદ્ધાબેન ખૂબ દુખી હતા ...અઠવાડિયામાં તો જાણે તેઓ ઓળખાય નહીં તેવા થઈ ગયા !!!અમિશ વગર તેમને કશું સુજતુ જ ન હતું, બીજી તરફ અમિશ ની હાલત પણ વધુ સારી ન રહી ,,શરૂઆતના દિવસો ખૂબ તકલીફમાં વિત્યા.... 

                 દસેક દિવસ બાદ વાતાવરણમાં ફેરફાર ને કારણે અવની ની નાનકડી દીકરી બીમાર થઈ ગઈ ...થોડા જ કલાકોમાં જાણે નાનકડી દીકરીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવું લાગ્યું ગભરાયેલી અવની અને શ્રદ્ધાબેન દોડીને તેને હોસ્પિટલ લઈ ગયા ...દીકરીને ફેફસામાં ઇન્ફેકશન હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે તેમ હતું !! અવની ના આંસુ રોકાતા ન હતા, નિમિત પણ ખૂબ ઢીલો પડી ગયો ,શ્રદ્ધાબેન પણ અધ્ધરજીવે ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ..ડોક્ટર ના અથાગ પ્રયત્નો અને ભગવાન ને કરેલી આજીજી ના પરિણામે, આખરે ત્રણ દિવસે નાનકડી પરી ને સારું થયું અને તે ફરી પહેલા જેવો જ કિલકિલાટ કરવા માંડી ,બધાના જીવમાં જીવ આવ્યો.. આજે તો અવની અને નિમિત દીકરીને લઈને હોસ્પિટલથી ઘરે આવવાના હતા .શ્રદ્ધાબેન એ બધી જ તૈયારીઓ કરી દીધી હતી તેમની નાનકડી દીકરીને આવકારવાની ....
            ઘરે આવતા જ અવનીએ પોતાની દીકરીને નિમિત ના હાથમાં સોંપી ...શ્રદ્ધાબેને ઘરનો દરવાજો ખોલતા જ અવની એ પોતાની સાથે લઈને આવેલ અમિષ નો હાથ શ્રદ્ધાબેન ના હાથમાં સોંપ્યો, અને બોલી ,"મા મને માફ કરી દો ! હું મારી દસ દિવસ ની દીકરી થી બે ત્રણ દિવસ પણ દૂર ના રહી શકી તેની તકલીફ થી મને ખૂબ દુઃખ થતું હતું તો મા તમે તો અમિષભાઈ સાથે ૩૦ વર્ષથી રહો છો ,હું તમને તમારા પુત્ર થી કેવી રીતે અલગ કરું,પોતાના સંતાન ની તકલીફ અને દુઃખ એક મા માટે અસહ્ય હોય છે ! એવું મને હવે સમજાયું ...અમીષ ભાઈને તમારી જરૂર છે માં ....અને તમને એમની. શ્રદ્ધાબેન આંખમાં આંસુ સાથે અમિષ ની તરફ જોઈ રહ્યા અને માએ વહાલથી બધા જ સંતાનોને ઘરમાં આવકાર્યા......
        

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED