Soubhagy books and stories free download online pdf in Gujarati

સૌભાગ્ય...

            અરીસા સામે ઊભેલી મૈત્રીએ અવાજ સાંભળ્યો અને જાણે તંદ્રામાંથી ઉઠી ,"મૈત્રી મોડુ થશે બેટા "!નીચેથી અમીબેન નો અવાજ સંભળાયો, તે સાથે જ દુપટ્ટો લઈ વાળ બરાબર કરી પર્સ હાથમાં લઈને મૈત્રી નીચે ઉતરી અમીબેન ના હાથ માંથી ટિફિન લઈને તે અંદર મનહરભાઈ પાસે ગઈ તેમને પગે લાગીને ઘરની બહાર નીકળી.


            મુંબઈ ની ગરમી અને બાફ ....મૈત્રીને આજે આ વાતાવરણ વધારે બોઝિલ લાગ્યું. મન ઉદાસ હતું છતાં આજે તેને ઘરે રહેવાની ઈચ્છા ન થઈ ,તે ફટાફટ સ્ટેશન તરફ ચાલવા લાગી .મૈત્રીનો આ નિત્યક્રમ હતો .મૈત્રી .....૨૮ વર્ષ ની સુંદર યુવતી હતી ,જે એક એડ એજન્સીમાં નોકરી કરતી હતી .ઘરથી થોડે જ દૂર આવેલા સ્ટેશને પહોંચી ને મૈત્રીએ ઘડિયાળમાં નજર કરી અને પગ ઉપાડ્યા. આ વિચારો માં ને વિચારો માં આજે ટ્રેન છૂટી ન જાય તો સારું.
              રોજની આદત પ્રમાણે ફટાફટ લેડીઝ ડબા માં ચડીને થોડીક જગ્યા માં બેસેલી મૈત્રીએ આંખો બંધ કરતા જ જાણે ભાવનગરની ગલીઓ જીવંત થઈ ગઈ .ભાવનગર મૈત્રીનું જન્મ સ્થળ હતું ,માતા રચનાબેન અને પિતા મયંકભાઈ મોટો ભાઈ અજય આમ નાનકડો અને સુખી પરિવાર .ઘરમાં સૌનો પ્રેમ પામેલી મૈત્રી નાનપણથી જ જિદ્દી સ્વભાવ ધરાવતી તે પોતાનું ધાર્યું બધા પાસે કરાવે જ છૂટકો. આ બધું યાદ આવતાં જ બંધ આંખે મૈત્રી ના ચહેરા પર નાનકડું સ્મિત આવી ગયું .આંખો ખોલીને ઘડિયાળ સામે જોઈ પસૅ ઠીક કરી ફરીથી તે આંખો બંધ કરીને સ્વપ્નમાં ખોવાઈ જવા મથી રહી.

               ગમે એટલા દૂર ભાગવા છતાં ય ફરી ફરી આંખ સામે ધ્રુવ નો ચહેરો આવીને ઊભો રહ્યો .મૈત્રી જાણે દૂર દૂર ભાગવા પ્રયત્ન કરતી હતી અને ગમે ત્યાંથી આવીને ધ્રુવ થપ્પો કરી દેતો .મૈત્રીને ગળામાં ડૂમો ભરાયો હોય તેમ લાગ્યું, અને તે આંખો ખોલીને બેસી ગઈ .બોટલમાંથી પાણી પીધું અને આસુ ખાળવાની કોશિશમાં હોઠદાંત નીચે દબાવી દીધો. સ્ટેશનને થોડી વાર હતી, છતાંય તે ઊભી થઈને ધીમે ધીમે આગળ વધીને દરવાજા પાસે આવીને ખુલ્લી હવા માં ઉભી રહી ગઈ ....એ અને ધ્રુવ પણ રોજ આમ જ આવજા કરતા હતા .વાતો કરતા કરતા ક્યાં સમય નીકળી જતો ખબર જ ન રહેતી  ,ઓહ...ફરી ધ્રુવ ??તેના મને વિચાર્યું?

              મન ને બીજી તરફ વાળવા તે ફરી ભૂતકાળમાં પોતાના ઘરે પહોંચી ગઈ ....કેવી જીદ કરીને તેણે મુંબઈની j j school of arts ના એડમિશન લીધું અને ભાવનગરથી મુંબઈ જેવા મહાનગરમાં ભણવા આવી .૨૨ વર્ષની મૈત્રીને મુંબઈમાં એકલી મુકતા મા-બાપનો જીવ તો ન ચાલ્યો પણ મૈત્રી ની જીદ આગળ એમનું કશું ન ચાલ્યું ,અને આખરે મોટો ભાઈ બધી જ ગોઠવણ કરીને મૈત્રીને મુંબઈ મૂકી ગયો. ગમતી જગ્યા અને મનગમતું માહોલ મળતા મૈત્રી ઓર ખીલી ઉઠી .બીજા જ વર્ષે ક્રિએટિવ એડ એજન્સી માંથી સારા પગારની નોકરીની ઓફર આવતા મૈત્રી એ સ્વીકારી લીધી .અહીં જ તો મળ્યો હતો ધ્રુવ એને.

              સ્ટેશન આવવાની તૈયારી થતાં જ હલચલ મચી ગઈ પોતાનું પસૅ સંભાળતી મૈત્રી ફટાફટ ટ્રેનમાંથી ઉતરીને એજન્સી તરફ ચાલવા લાગી ખૂબ મક્કમતાથી તેણે પોતાનું મન ધ્રુવ તરફથી વાળવાની કોશિશ કરી અને આજ ના બાકી કામ પર ધ્યાન આપવા વિચાર્યું. અચાનક મોબાઈલ રણક્યો જોયું તો તેની મમ્મી રચના બેન હતા. ખબર અંતર પૂછ્યા રોજ ઘણી બધી વાતો કરતી મૈત્રીએ આજે ધીમે સ્વરે હાં અને ના મા જ જવાબો આપ્યા ,જાણે કશુક દબાવવાની કે છુપાવવાની મૌન સમજૂતી હતી ,પિતા અને ભાઈ વિશે પૂછીને તેણે ફોન મુક્યો પાંચ મિનિટના અંતરે આવેલી ઓફિસે પહોંચી કામકાજમાં ધ્યાન આપવાની કોશિશ કરી ..આખો દિવસ ખૂબ કામ કર્યું, પોતાને એક મિનિટ પણ ન આપી ,જેથી કરીને અવળચંડુ મન બીજી દિશામાં દોડી જાય.

              દિવસ પત્યો બધા જ ઘર તરફ વળવા માંડ્યાં મૈત્રીએ પણ ધીમે પગલે પર્સ ઉઠાવ્યું ,પણ આજે તેને ઘરે જવાનું મન ન થયું ,તેના પગ આપોઆપ નજીકમાં આવેલા નાનકડા અને સુંદર માતાજી ના મંદિર તરફ વળ્યા એ અને ધ્રુવ ઘણીવાર અહીં આવીને બેસતા. તેણે મોબાઈલ કાઢ્યો અને સાસુ અમીબેનને ફોન કર્યો મૈત્રી એ કહ્યું," મમ્મી થોડું કામ છે આજે મોડું થશે". "હા વાંધો નહીં શાંતિથી આવ પણ જમવાના ટાઈમ સુધી આવી જજે." સારુ, મમ્મી....કેટલો પ્રેમ કરતા હતા અમીબેન તેને. કદી તે કહી ન શકી કે એના સાસુ છે .મા કરતાં વધુ હેતથી આ ઘરમાં આવકારવા વાળા અમીબેન જ હતા ,અને વહુ નહીં પણ દીકરી મળી હોય તેવા ઉમળકાથી તેનું ધ્યાન રાખતા ..આ બાબતે મૈત્રી ખૂબ જ નસીબદાર હતી ,તેને બે-બે માતા-પિતાનો સારો પ્રેમ મળ્યો હતો અને ઉપરથી ખૂબ પ્રેમાળ ધ્રુવ.

               મૈત્રી ઊભી થઈ મંદિરમાં દર્શન કરી ઘર તરફ ચાલી નીકળી ,એ જ ભીડ દોડતા લોકો ,સૌને ક્યાંકને ક્યાંક જવાની ઉતાવળ .....પણ આજે મૈત્રી ના પગલા ખૂબ ધીમા હતા સ્ટેશને પહોંચી ઘર તરફ જવા ટ્રેનમાં બેઠી, અને હવે આમ જ ધ્રુવ ની યાદ સાથે જીવવાનો નિર્ધાર કરીને ચાલતી ટ્રેન ના ધીમા હલકારા સાથે એણે આંખો બંધ કરી દીધી .આખ સામે ફરી પ્રેમાળ ધ્રુવ આવીને ઉભો રહી ગયો ધ્રુવ સાથેની પહેલી મુલાકાત.... ધ્રુવ નો પ્રેમ લગ્નનો પ્રસ્તાવ ,અમીબેન ,મનહરભાઈ, પોતાના માંબાપ ધ્રુવ સાથેના લગ્નનાં વર્ષો...... આ બધું જ ચલચિત્રની જેમ મૈત્રીની આંખ સામેથી ફરવા માંડ્યું જાણે ..ઊંડી ઊંડી ઉતરી ગઈ.

                 સ્ટેશન આવવાની હલચલથી તેણે આંખો ખોલી અને દરવાજા તરફ આગળ વધી. ઘરે પહોંચતાં જ અમીબેન એ દરવાજો ખોલ્યો હાશ....આવી ગઈ બેટા થાકી ગઈ હશે ,ચલ તો ફ્રેશ થઈ જા હવે જમી લઈએ..... રોજ ખૂબ બધી વાતો કરતા અમીબેન પણ આજે થોડાક શાંત લાગ્યા ,જાણે બધા જ એકબીજા સાથે આંખો મેળવતા ગભરાતા હતા .કોઈપણ એક બીજાને દુઃખી કરવા ન માંગતા હતા .ચૂપચાપ જમીને રસોડું સમેટી લીધું .સાથે બેસીને ટીવી જોવાને બદલે મૈત્રીએ આજે પોતાના રૂમની વાટ પકડી ...આટલા સન્નાટા નો જવાબદાર પણ ધ્રુવ જ હતો ને મેઈન રૂમમાં લટકતી ધ્રુવની સુંદર તસવીર, નવો ચઢાવેલો હાર અને તેમાં લખેલી આજની તારીખ અને ત્રણ વર્ષ પહેલાંનું વર્ષ   હા ........આજે તો ધ્રુવની ત્રીજી મરણતીથી હતી .પણ પોતાને તકલીફ ન પડે તે માટે થઈને ધૃવ ના માતા પિતા ચૂપચાપ હતા. ગયેલા પુત્ર કરતા ઘરમાં રહેલી પુત્ર વધુનું દુખ તેમને તકલીફ આપતુ હતું .અને તેથી જ તો ધ્રુવ ના જવાના આઘાતમાં પક્ષઘાતનો હુમલો થતાં પથારીવશ થયેલ મનહરભાઈ અને અમીબેન આજે કોઈપણ વાતમાં મૈત્રીને ધૃવ યાદ ન આવે એમ કામ કરતા હતા .પણ શું આમ થાય?? મૈત્રી ધ્રુવ ને યાદ કર્યા વગર એક દિવસ પણ  રહી શકે???

                        પોતાના રૂમમાં પહોંચીને મૈત્રી ધ્રુવ ના રાઈટિંગ ટેબલ પર બેઠી .આજે તેને ધ્રુવ ખૂબ યાદ આવતો હતો .સામે પડેલી ધ્રુવની હસતી તસવીર સામે જોઈને તે કેટલીય ફરિયાદો કરતી રહી અને રડતી રહી... આમ જ અડધી રાત થઈ ગઈ, મૈત્રી ક્યારે સુઈ ગઈ તેને ખબર જ ન રહી. સવારે ઉઠવામાં મોડું થતાં અમીબેન ઉઠાડવા આવ્યા .મૈત્રી શું થયું ????તબિયત ઠીક નથી? મૈત્રીની લાલઘૂમ આંખો અને ચહેરો જોતાં જ તે સઘળું સમજી ગયા અને પોતે પણ ડુસકા ન ખાળીશક્યા .બે સ્ત્રીઓ એકબીજાના સહારે ક્યાંય સુધી રડતી રહી. અમીબેને પોતાને અને મૈત્રીને સંભાળવાની કોશિશ કરી. ચલ બેટા આજે તો રજા રાખ આમ પણ મોડું થયું છે ,તું શાંતિથી નહાઈ ને આવ હું તારા માટે મનપસંદ નાસ્તો બનાવું .મૈત્રેને સાંત્વના આપી અમીબેન નીચે ઉતર્યા,પણ છતાં મૈત્રીની આ હાલત થી તેઓ વ્યથિત થઈ ગયા ,અને વિચારવા મજબૂર બન્યા..... ક્યાં સુધી આમજ ધ્રુવની યાદો ને લઈને મૈત્રી જીવ્યા કરશે?તેમના મને સવાલ કર્યો ?મૈત્રી નો શું વાંક? શું તેને ખુશ રહેવાનો અધિકાર નથી?

                 ધ્રુવ ના ગયા બાદ પોતાની જવાબદારી એવી મૈત્રી માટે કંઈક કરી છૂટવાનો નિર્ધાર અમીબેનેલીધો અને શાંતિથી વિચાર કરીને તેમણે મૈત્રી નામાતા-પિતાને ફોન લગાવ્યો.. અંદર અંદર વાતો કરી તેમણે ફોન મુક્યો. આજનો આખો દિવસ મૈત્રીએ અમીબેન અને જાતે ચાલી શકવા અસમર્થ એવા મનહર ભાઈ જોડે વિતાવવાનું નક્કી કર્યું...

                   ત્યાર પછીના અઠવાડિયા ના બીજા બે-ત્રણ દિવસ પણ ઓફીસ ના કામકાજ માં નીકળી ગયા. શનિવારે મૈત્રી થોડીક વહેલી ઘરે આવી. બેલ વગાડતાં જ જોયુ તો અમીબેન ના બદલે રચનાબેન એ દરવાજો ખોલ્યો. માતા-પિતાને જોતા જ મૈત્રી ખૂબ ખુશ થઈ, માતાને વળગીને અમીબેન તરફ નજર નાખતા "સરપ્રાઇઝ"... એમ અમીબેન બોલ્યા. જમી પરવારીને સૌ સાથે બેઠા. કોઈની વાતો ખૂટતી ન હતી, અને થોડા દિવસથી ચુપ મૈત્રીને તો પાંખો જ આવી હતી ..સમય જોઇને મયંક ભાઈએ ધીમે રહીને વાત મૂકી ,મૈત્રી તું મારા મિત્ર જય ને તો ઓળખે જ છે. વર્ષોથી યુએસમાં છે .તેઓ આવ્યા છે, તેમના પુત્ર ધૈર્ય સાથે.... તુરંત જ મૈત્રી બોલી હા! પપ્પા, જય અંકલ તો મને યાદ છે અને ધેર્ય પણ ..હા બેટા પૂરો પરિવાર અમેરિકામાં જ સેટલ હતો ,પણ એક જીવલેણ અકસ્માતમાં જય ના પત્ની અવનીબેન અને ધૈર્ય ના પત્ની નંદિની મૃત્યુ પામ્યા અને પરિવાર વિખાઈ ગયો .જય ના મતે તેમના જીવનમાં અવની બેન ની ખોટ તો નહીં પુરાય પણ ધૈર્ય ને માટે તેઓ વિચાર કરે છે. મૈત્રી તુરંત ઊભી થઈ ગઈ..." હવે ખબર પડી તમે બધા કેમ આમ ભેગા થયા છો, મમ્મી પપ્પા તમે બધા જ સાંભળી લો ધ્રુવ સિવાય હવે કોઈ જ નહીં,, મારે કોઈની વાતો નથી સાંભળવી ."કહીને ઉભી થઈને જતી રહી સૌ સ્તબ્ધ હતા... પોતાના રૂમમાં પહોંચીને ટેબલ પર મુકેલા ધ્રુવ ફોટા ને જોઇને, પૂછ્યું ધ્રુવ! શું કરું કંઇ સમજમાં નથી આવતું ?અને જાણે ધ્રુવ એ સાંભળ્યું હોય એમ અમીબેન અંદર આવ્યા ..આજે અમીબેન અને રચના બેને હવાલો સંભાળ્યો હતો .કલાકની મથામણ પછી બે માતાઓ ને સધિયારો આપવા કમને મૈત્રીએ હા કહી અને બીજા દિવસે ધૈર્ય ને મળવાનું નક્કી કર્યું.

              ધૈર્ય અને મૈત્રી વડીલોની સાથે એકબીજાને મળ્યા, બે તૂટેલા હૈયા જાણે વડીલોની ઈચ્છા પૂર્તિ કરતા હતા, તેઓને મૌન બેઠેલા જોઇને અમીબેન એ કીધું ,"મૈત્રી તમે બંને થોડે દૂર સુધી જઈને વાતચીત કરતા આવો થોડુ ચાલી આવો,,ઊભા થઇને નીકળતા ફરી એ જ મૂંઝવણ, શું વાતો કરવી ....?સમજદાર મૈત્રીએ ધીરે રહીને બાળપણની વાતો ઉકેલી અને ધીમે ધીમે ધૈર્ય પણ ખૂલતો ગયો. મૈત્રીની દરેક વાતચીતનો ખૂબ જ ઓછા શબ્દોમાં અને શાંતિથી જવાબ આપતા ધૈર્ય સાથે અચાનક જ ધ્રુવ ની સરખામણી થઈ ગઈ. આ તરફ ધૈર્ય એ પણપોતાના અને નંદિની વિશે જણાવ્યું ,અને એક જુના દોસ્ત ની જેમ મૈત્રી સાથે વાતો કરવા માંડ્યો.. પોતાના જીવનનો ખાલીપો તો ઠીક પણ હવે પિતા અને ખાલી લાગતા ઘર નો પણ પોતાને વિચાર કરવો રહ્યો ...તો સામે મૈત્રી એ જે પળ ની પૂરી તૈયારી કરી હતી તે આવી ..તેણે જણાવ્યું ,,ધૈર્ય મારા માતા-પિતા તો ઠીક પણ ધ્રુવ ના માતા-પિતાને હવે મારા સિવાય કોઈ નથી, તેઓ મારી જવાબદારી માં આવે છે ,મારી ઈચ્છા હવે અહીંથી ક્યાંય જવાની નથી અને ધ્રુવ એ આપેલી જવાબદારી મારે પૂરી રીતે નિભાવી છે .તેથી જ જો આમ જ એકલા જીવવું પડે તોપણ હું તૈયાર છું .આ સાંભળી ઘડીભર ધૈર્ય વિચારમાં પડી ગયો ..  મૈત્રીએ ખૂબ જ મક્કમતાથી જણાવ્યું તમારી ઈચ્છા તો નથી ખબર પણ હુ અગર બીજા લગ્ન કરીશ તો ધ્રુવ ના માતા-પિતાની જવાબદારી લઈ ને જ...

                     ધૈર્ય ઘડીભર મક્કમ લાગતી મૈત્રીને જોઈ રહ્યો. આ બધી બાબતોનો પછી શાંતિથી વિચાર કરીશું, ,કહીને, ફરી જૂની બાળપણની વાતો શરૂ કરી... અને ઘર પહોંચતા તો બે અજાણ્યા લોકો જુના દોસ્ત અને સમદુખિયા બની બેઠા હતા. થોડા દિવસ આમ જ પસાર થયા કોઈક વાર ફોન કરી એકબીજા સાથે થોડીક વાર વાતચીત કરી લેતા આમ બંને એકબીજાને ઓળખવા લાગ્યા .લાગણીશીલ છતાં દ્રઢ નિશ્ચયી, સુંદર અને સંસ્કારી મૈત્રી, ધૈર્ય ને પોતાના માટે યોગ્ય લાગી પરંતુ તેની અહીં જ રહેવાની શરત.. શું કરવું તેને સમજાતું ન હતું.. ફરી થોડા દિવસ આમ જ પસાર થયા. તેનું પાછા જવાનો દિવસ નજીક આવી ગયો, છતાં મૈત્રી અને ધૈર્ય કોઈ એક નિર્ણય પણ ન પહોંચી શક્યા.. યુએસ પાછા જવાના બે ત્રણ દિવસ અગાઉ સાંજે જમતી વખતે જ જય ભાઈ એ ધૈર્ય ને પૂછી લીધું, "શું કહે છે ધૈર્ય તું મૈત્રી વિશે"? અહીં સુધી આવ્યો અને મૈત્રીને મળ્યા પછીતો તું બીજા કોઈને મળ્યો પણ નહીં, તો કંઈક તો નિર્ણય કરી લે..  ધૈર્ય એ આજે પિતા પાસે પોતાનું મન ખોલ્યું," પપ્પા મૈત્રી મને પસંદ છે પણ એક મુશ્કેલી છે .  પિતાએ પૂછ્યું શું બેટા?  પપ્પા એની માંગણી છે કે તે ધ્રુવના માતા પિતાની જવાબદારી નહીં છોડે અને પોતાનો દેશ પણ નહીં છોડે. .  તમે જ કહો હવે હું શું કરું? થોડીક વાર વિચાર કરીને જય ભાઈ બોલ્યા બેટા જરાક વિચાર કર... જે છોકરી પોતાના મૃત પતિના માતા-પિતાને પોતાની આજીવન જવાબદારી સમજે છે તે કેટલી સુંદર રીતે દરેક સંબંધો નિભાવી લેશે.  મને તો મૈત્રીના આ નિર્ણયમાં તેની મહાનતા જ દેખાય છે . અને સાચું કહું તો આમ પણ હવે મને યુએસ જવાની ઈચ્છા નથી. હું તો ફક્ત તારે કારણે જ ......જય ભાઈના શબ્દ અધૂરા રહ્યા.  તેઓ બોલ્યા ,"બેટા સાચું કહું તો એ દેશે આપણું બધું છીનવી લીધું ,એક તારી નોકરી સિવાય હવે આપણા બંને માટે અમેરિકામાં રહ્યું છે જ શું ?  જય ભાઈ ની વાતો સાંભળીને ધૈર્ય થોડીક વાર વિચારમાં પડ્યો ,સારું પપ્પા હું શાંતિથી વિચારીને જવાબ આપીશ. કહી ઊઠીને બાલ્કની માં પહોંચ્યો .

                    ધૈર્ય જાણે મઝધારમાં હતો.   યુએસ જઈને ફરી એ જ એકલતા job અને ભાગદોડ મા જીવવું કે બધી લાલચ છોડીને અહીં ઘર વસાવવું . .. લાંબા મનોમંથનને અંતે યુએસ જવાના આગલા દિવસે વહેલી સવારે 8:30 વાગે તે મૈત્રીના ઘરે પહોંચ્યો,  દરવાજો ખૂલતાં જ અમીબેનને આશ્ચર્ય થયું, ધૈર્ય ! બેટા શું થયું આમ અચાનક ધૈર્ય એ સીધા જઈને મનહરભાઈ ના રૂમ માં જગ્યા લીધી અને કહ્યું આંટી તમે પણ બેસો અને મૈત્રી ને પણ બોલાવો મારે ખૂબ જરૂરી વાત કરવી છે.   મૈત્રી ના આવતા જ ધૈર્ય એ ક્યારની ગોઠવી રાખેલી વાતશરૂ કરી... પણ બસ, આ જ શબ્દો નીકળ્યા," મૈત્રી  જો તારી ઈચ્છા હોય તો, હું તારી સાથે ઇન્ડિયામાં સેટલ થવા અને સાથે જ તારી બધી જ જવાબદારી માં સાથ આપવા તૈયાર છું! તારી શું ઈચ્છા છે? ઘડીભર માટે ડઘાયેલી મૈત્રીએ ધ્રુવ ના ફોટા તરફ નજર કરી અને ત્યારબાદ અમીબેન સામે જોયું  …..અમી બેન ની આંખમાં એ જ હેત  અને લાગણી હતા.. મૈત્રીએ થોડાક સમય માટે આંખો બંધ કરી, જાણે બધું વિચારી લીધું અને ધીરેથી હા માં માથુ ઢાળ્યું.  ધૈર્ય મનહર ભાઈ પાસે જઈ પહોંચ્યો ,અને કહ્યું અંકલ મેં પૂરો વિચાર કરી લીધો..  હું યુ એસ જોબ છોડીને, ત્યાં બધું જ સેટ કરીને બે મહિનામાં પાછો આવું છું .. પછી અહીં જ એક સુંદર ઘર લઈને આપણે બધા, તમે ,મૈત્રી ,હું અને મારા પિતા બધા સમદુખિયા ભેગા રહી ને એકબીજાને ખુશ રાખવાની કોશિશ કરીશું. તમે શુ ઈચ્છો છો ?મનહરભાઈ એ ગર્વ થી ધ્રુવ ના ફોટા તરફ નજર કરી અને આંખમાં ભીનાશ સાથે હા કહી . આજે તેમને ફરીથી પોતાનો ધ્રુવ મળી ગયો.  અમીબેન ઉઠ્યા દેવ મંદિરમાં જઈને કંકાવટી ઉઠાવી અને ધૈર્ય ને અને ત્યારબાદ મૈત્રીના કપાળે લાલ ચટક કંકુનો ચાંદલો કરી દીધો.
           

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED