Aaruddh an eternal love - 29 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૨૯

એક પછી એક રહસ્ય ખૂલી રહ્યા હતા અને આર્યા અચંબિત થઈ રહી હતી. હવામાં તણખલું ફંગોળાતું હોય એમ એનું અસ્તિત્વ અહીંથી તહીં ફંગોળાઈ રહ્યું હતું. એક ક્ષણે તે અનાથ હતી અને બીજી જ ક્ષણે તેની સગી માતા એની સામે ઉભી હતી. પોતાના પરિચયને વારંવાર નવી વ્યાખ્યાઓ મળી રહી હતી. પોતાના કરતાં પણ વિશેષ એને અનિરુદ્ધ ની ચિંતા થતી હતી, એને જ્યારે બધી ખબર પડશે ત્યારે ગુસ્સો કરશે કે ચૂપ થઈ જશે?

"હવે હું તમને મમ્મીજી નહીં કહું માત્ર મમ્મી કહીશ, તમે તમારા હૃદય પર જરા પણ બોજ રાખશો નહીં. મને છોડતી વખતે તમારી પરિસ્થિતિ હશે તે હું સમજી શકું છું. કોઈપણ માતા તમે જે કર્યું એ જ કરે. હું અત્યારે જીવિત છું તો તમે મને પેલા ઝાડ નીચે મૂકી દીધી એના કારણે જ છું." આર્યા પોતાની સગી માતાને વળગી પડી.

"જોયું ને તમે બહેન, આર્યા નાની હતી ત્યારથી જ આટલી સમજદાર છે. એ કોઇપણ પરિસ્થિતિને સમજી શકે છે. એને જોઈ ને જ લાગતું હતું કે એની નસોમાં કોઈ સમજદાર માતા પિતા નું લોહી વહે છે."

આર્યાની માતા પાસે જવાબમાં માત્ર આંસુઓ અને હરખ હતો.

"હું તો ખૂબ ભાગ્યશાળી છું મમ્મી, કે જેને બે માતાઓ સાંપડી છે. અને હવે વ્હાલ પણ બે માતાઓ કરશે. પરંતુ તમને બંને ને મારી એક વિનંતી છે, આ વાતની ચર્ચા આપણે હવે પછી કરીશું નહીં. હું નથી ઈચ્છતી કે અનિરુદ્ધ કોઈ પણ વાતે પરેશાન થાય. આ વાત આપણા ત્રણ સિવાય કોઈ ચોથી વ્યક્તિ જાણવી ન જોઈએ. અનિરુદ્ધ આ ઘરના પુત્ર નથી પરંતુ ભાણેજ છે એ સાચું પરંતુ છે તો આ ઘરનું જ સંતાન. માટે હવે આ વાત આગળ ખેંચવી જરૂરી નથી."

આર્યાની બંને માતાઓ સસ્મિત એને હા પાડી રહી, એક વાવાઝોડું આવ્યું અને શાંત પડી ગયું હતું, એ ત્રણેયને લાગતું હતું કે આ વાત કોઇ જાણી શકશે નહીં પરંતુ એમને ખબર ન હતી કે ચકોર અનન્યા આ બધું સાંભળતી ઉભી હતી. આ માહિતીનો એ ક્યારે અને કઈ રીતે ઉપયોગ કરશે એ તો એ જ જાણતી હતી પરંતુ એના ચહેરા પરનું સ્મિત બતાવતું હતું કે એ કંઈ નવું કરવાની છે. એનામાં ધીમે ધીમે ગાંડપણ આવી રહ્યું હતું.

***

આર્યા અને રીવા અનાથાશ્રમની છોકરીઓ સાથે આનંદ કરતી હતી, એ બધી વાતો કરી રહી હતી. આર્યા અને અનિરુદ્ધના લગ્નને માત્ર અડધો દિવસ જ બાકી રહ્યો હતો. બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આર્યા અને અનિરુદ્ધ આરુદ્ધ બની જાય.

લગ્નની તૈયારીઓ એમના અંતિમ ચરણમાં હતી, અનન્યા જાણે પોતાના માટે મંડપ શણગાર રહી હોય એમ જીવ રેડીને કામ કરાવી રહી હતી. આર્યા માટે મેકઅપ આર્ટિસ્ટ આવી ગયા હતા અને આર્યા તેમની સાથે ઉપરના માળે જતી રહી.

મેકઅપ આર્ટિસ્ટો એમનું કામ શરૂ કરે એ પહેલા જ બારણે ટકોરા પડ્યા અને આર્યાએ જોયું તો અનિરુદ્ધ હતો. અનિરુદ્ધ ને જોઈને આર્યાના મોં પર દરેક વખતે અલગ જ સ્મિત તરી આવતું. એ જોવા માટે જ એ કંઈ ને કંઈ સરપ્રાઈઝ આપ્યા કરતો.

"આર્યા.... આ તારા માટે. સરપ્રાઈઝ."બે માણસો મોટું બોક્સ લઈને અંદર આવ્યા.

"એમાં શું છે?"

"તારા માટે કપડા. હું ઈચ્છું છું કે આપણા લગ્ન થાય ત્યારે તું આ જ વસ્ત્રો પહેરીને આવે. અત્યારે હું કોઈ અરજન્ટ કામ થી બહાર જાઉં છું. કદાચ આપણા લગ્નનું મુહૂર્ત હોય એ સમયે જ આવીશ. હું જાણું છું કે એ બાબતે તું મને કોઈ પ્રશ્ન નહીં પૂછે, છતાં પણ તને કહી દઉં કે કંઈક અર્જન્ટ મિલિટરી બાબત નું કામ છે. જલ્દી આવી જઈશ. આવીશ ત્યારે મારા સપનાની રાણી મારી સામે ઊભી હશે."

"હું તમારી રાહ જોઇશ."

અનિરુદ્ધ ગયો અને રીવા આવી.

"શું વાત છે ભાભી? જાદુ તો છે જ તમારી પાસે. મારો ભાઈ કે જે પોતાના કામ સિવાય કોઈ બાબત જાણતો ન હતો એણે તમારા માટે ડ્રેસ તૈયાર કરાવ્યો? હું નહીં પણ ઘરના કોઈ પણ સભ્ય માટે નવાઈ લાગે એવી બાબત છે."

આર્યા સાથે થોડી વાતો કરીને રીવા પણ બહાર ગઈ. મેકઅપ આર્ટિસ્ટો અને આર્યા માટે ડ્રીંક આવ્યું અને બધાએ પીધું. એ લોકો એમનું કામ શરૂ કરે એ પહેલા ફરી બારણે ટકોરા પડ્યા અને એક માણસ આવીને કહી ગયો કે દાદીજી આર્યાને થોડી વાર માટે નીચેના માળે કોમન રૂમમાં બોલાવે છે.

આર્યા ચાલતી ચાલતી જઈ રહી હતી ત્યારે એને માથું ભારે લાગ્યું, દાદીજીએ નીચેના માળે શા માટે બોલાવી હશે એ વિચારતી હતી કારણ કે આવી જ રીતે એક વાર એને બોલાવીને પાછળથી કોઈએ અનિરૂદ્ધના ખોરાક સાથે છેતરપિંડી કરેલી.

એણે નીચે જઈને રૂમમાં જોયું તો દાદીજી ન હતા પરંતુ જય હતો.

"જય.... તમે? શું વાત છે!"

"અરે વાહ આર્યા! મને તો એમ હતું કે મારે આવવામાં મોડું થયું છે એટલે હવે તમે બંને લગ્ન મંડપમાં જ મળશો. એના બદલે તું તો સામેથી જ આવી ગઈ મળવા માટે! અનિરુદ્ધ ક્યાં છે? એને ફોન લાગતોતો નથી."

"એ જરૂરી મિટીંગમાં ગયા છે, ફોન બંધ હશે. મને તો કોઈએ કહ્યું કે અહીં મને દાદીજી બોલાવે છે એટલે હું આવી છું."

"મને તો અહીં બેસવાનું કહેવામાં આવ્યું છે. કોઈ માણસે કહ્યું કે અહીં મને અનિરુદ્ધ મળવા માટે આવશે એથી હું અહીં બેઠો છું."

"એક મિનિટ... જય.... આપણે અહીંથી નીકળી જવું જોઈએ. નક્કી કોઈનું ષડયંત્ર છે. સામાન્ય રીતે આ ત્રીજા માળે કોઈ આવતું જ નથી. ઘરના સભ્યો પહેલા અને બીજા માળે રહે છે. ચોથા માળે હું અને રીવા બે જ હોઈએ છીએ. હું પણ વિચારી રહી હતી કે દાદીજીએ મને અહીં શા માટે બોલાવી. ઓહ... હું પહેલા કેમ ન સમજી? પણ હવે મને સમજાય છે.... આપણે... આપણે.." આર્યાના ડ્રીંકમાં રહેલી દવાએ અસર કરી અને એ ઢળી પડી.

જયંત મંકોડીએ જે કર્યું હતું એ જ વાતનું પુનરાવર્તન થઇ રહ્યું હતું. ક્લિક... ક્લિક.... ક્લિક....

મેકઅપ આર્ટિસ્ટ પાસે રીવાનો નંબર હતો અને એમણે આર્યા છેલ્લા એક કલાકથી આવી ન હોવાનું રીવાને કહ્યું. મોટાઓને કહેવાથી બધા ચિંતિત થશે એ વિચારે રીવાએ જાતે જ શોધખોળ આદરી. ઉપરના માળમાં કોઈપણ જગ્યાએ આર્યા ન મળતાં એની ચિંતા વધી.

પહેલા અને બીજા માળે તો એણે ચોરીછૂપીથી પોતે કંઈ શોધે છે એમ કોઈને ખબર ન પડે એ રીતે આર્યાની શોધ કરી. ત્યાં પણ ન મળતાં એને લાગ્યું કે હવે મોટાઓને જાણ કરવી જોઈએ. અચાનક એને ત્રીજા માળે જોઈ આવવાનો વિચાર થયો. શક્યતા તો નહીવત હતી છતાં પણ એક વાર એને આંટો મારવાનું યોગ્ય લાગ્યું.

એના આશ્ચર્ય વચ્ચે આર્યા ત્યાં જ હતી, એ કંઈક અર્ધજાગૃત અવસ્થામાં હોય એવું લાગતું હતું.

"રીવા... રીવા.... જય ક્યાં છે?"

"કોણ જય? આર્યા તારી તબિયત ખરાબ લાગે છે. મારે ડોક્ટર ને ફોન કરવો જોઈએ."

"ના.... કંઈક થયું છે રીવા. મને ઊંડે-ઊંડે ડર લાગે છે કંઈક થયું છે. હું અહિ આવી હતી ત્યારે જય અહીં હતા અને અત્યારે નથી. હું બેભાન થઈ ગઈ હતી જાણે. આવું મારી અને અનિરુદ્ધ ની સાથે પણ બની ચૂક્યું છે." આર્યા એકદમ ભયભીત થઈ ગઈ હતી.

"રીલેક્સ, આર્યા, આમ મારી સામે જો.... કશું થયું નથી... શાંત થઈ જા. હું તને આપણા રૂમમાં લઈ જાઉં. તું આરામ કર અને પછી તૈયાર થજે. કશું થયું નથી."

"કશું કેમ થયું નથી? ઘણું બધું થયું છે." અનન્યા નો અવાજ સંભળાયો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED