વાચકમિત્રો,
ઘણા સમય પછી માતૃભારતી પર મળવાનું થયું છે, સૌ કુશળ હશો. આપના માટે આ નવી નવલકથા લઈને આવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે, આશા છે કે સૌને પસંદ આવશે.
આર્યા અને અનિરુદ્ધ= આરુદ્ધ. એક રેખાએ જોડાયેલા બે વિરુદ્ધ ધ્રુવો. વધુ કંઈ નહીં કહું. વાંચવાની મજા બગડી જશે.
ભાગ-૧
ઈબાદત કિયે એક અરસા હો ગયા,
મેરા ખુદા જબસે હૈ બિછડ ગયા.
. કેદારનાથના એ દુર્ગમ રસ્તે જઈ રહેલા તીર્થયાત્રીઓનું ધ્યાન એના તરફ ખેંચાયા વગર રહેતું નહીં. એના ગૂંચવાઈ ગયેલા લાંબા વાળ વડે તેનો મોટાભાગનો ચહેરો ઢંકાયેલો રહેતો. વાળમાંથી દેખાતી તેની આંખો કોઈકવાર ઊંચે તાકતી તો કોઈક વાર નીચે નમેલી રહેતી. એના કપડાં પણ ધૂળ ખાઈ ગયેલા અને જર્જરિત હતાં. એ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો એ કોઈ જાણતું ન હતું.
આ રસ્તે પ્રાણીઓ પણ ટકવાની હિંમત કરતા નહીં, એટલે અટૂલા એવા આ માણસને જોઈને બધાને ખૂબ નવાઈ લાગતી. કોઈ દયાથી એની પાસે પૈસા મૂકી જતું તો કોઈ ઠંડી સામે રક્ષણ આપે એવા વસ્ત્રો. વળી કોઈ એને બોલાવવાનો પ્રયત્ન કરતું પરંતુ એ કોઈને પ્રત્યુતર આપતો નહીં.
એના ચીંથરેહાલ વસ્ત્રો ઉપર ઓઢેલી ચાદરમાંથી પણ એનું શરીરસૌષ્ઠવ બધાનું ધ્યાન ખેંચતું. એના વિશે વિચારવા માટે દરેક રાહદારી મજબૂર બની જતો.
એ કોઈ વિચારમાં રહેતો. એની ખુલ્લી આંખો કોઈ ને જાણે જોયા કરતી. એ સુંવાળા રેશમી વાળ એના મોં પરથી પસાર થતા, એ આંખો એની સામે જાણે ખડખડાટ હસતી. લાલચટ્ટક ગુલાબ જેવા એ હોઠ વચ્ચેથી દેખાતી સુંદર દંત પંક્તિ પોતાને આહ્વાન આપી રહી હતી જાણે! એ હોઠમાંથી જ પોતાનું નામ એણે પહેલીવાર સાંભળ્યું હતું. આહ!!! એનાથી આંખો બંધ થઈ ગઈ.
પોતાનું ધ્યેય કેમ નબળું પડી રહ્યું હતું? કેમ એ વારંવાર યાદ આવી જતી હતી?
***
“તને છેલ્લી વાર કહું છું આર્યાડી…. આવે છે કે નહીં? હવે જો તું ઊભી ના થઈ તો હું એકલી જતી રહીશ.”
“થોડી વાર ઉભી રહે…બસ હવે આ નવલકથા પૂરી થવા આવી છે…. કેટલું સરસ લખે છે આ કુન્દનિકા કાપડિયા મેડમ…. પૂરું થાય એટલી વાર…. પછી જઈએ….” આર્યાએ અવની સામે જોયા વગર જ કહ્યું.
“એ પુસ્તકની ઈયળ…. એ પુસ્તક કશે ભાગી જવાનું નથી. આવીને શાંતિથી પૂરું કરજે ને! પણ જો અત્યારે મોડું થશે તો ઘણું બધું ચૂકી જશું. પેલી જલ્પાડી, રેખાડી અને સૌમ્યાડી ક્યારની પહોંચી ગઈ હશે. તું તો મારો જીવ જ લઈને બેસીશ.”
“મને ખબર છે તું શું ચૂકી જવાની વાત કરે છે.” હવે આર્યાએ પુસ્તકમાંથી નજર હટાવીને અવની પર ઠેરવી. “તમે બધીઓ ખરેખર ગાંડી છો. એ કલેક્ટર છે અને તમારી જેવી હજારો ત્યાં હશે! એનું ધ્યાન ખેંચવા નખરા કરવાને બદલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પર ધ્યાન આપો તો સારું.”
“તારો ઉપદેશ રહેવા દે…. અને ચાલ હવે…. અમે થોડા તારી જેવી અપ્સરા છીએ તે અમારે કશું કરવું ન પડે અને છોકરાઓ અમારી તરફ આપોઆપ ખેંચાઈ જાય….”
“એટલી સસ્તી ના બનીશ…. કે બધું તારે છોકરાઓનું ધ્યાન ખેંચવા જ કરવું પડે… એવું કંઈક કરી બતાવ કે બધાનું ધ્યાન તારી તરફ ખેંચાય…. શરીર તો માત્ર આકર્ષણ છે…સાચું તો પવિત્ર હ્રદય જ છે.”
જવાબમાં અવનીની આંખોમાં આંસુ આવી ગયા, “અમે બધીઓ સારા છોકરાઓનું ધ્યાન ખેંચવા માટે આવું કરીએ છીએ એનો અર્થ એવો નથી કે અમને શરીરનું જ મહત્વ છે. પણ આર્યા, આખી જિંદગી આ અનાથાશ્રમમાં રહેવું નથી. કદી કુટુંબ કેવું હોય એ જોયું જ નથી. હૃદયથી થાય છે કે આપણું પણ એક કુટુંબ હોય.”
આર્યા વહાલથી અવનીના માથે હાથ પસવારી રહી.
ક્રમશઃ