જે વાતનો ડર હતો એ જ થવા જઈ રહ્યું હતું, અનન્યા આવી અને સોફા પર પગ ફેલાવીને બેસી ગઈ. એની બોડી લેંગ્વેજ પરથી જણાઈ આવતું હતું કે એ સોદો કરવા જ આવી છે.
"હેલ્લો ગર્લ્સ, એની પ્રોબ્લેમ? શું હું તમારી મદદ કરી શકું, આઈ જસ્ટ લવ ટુ હેલ્પ અધર્સ."
"તું આવી છે ત્યારથી જ મને નથી ગમતી, તારે અમારી વાતમાં વચ્ચે પડવાની જરૂર નથી. તું અહીંથી જઈ શકે છે." રીવા એ કહી દીધું.
"જવાનું તો છે હવે આર્યાએ, નણંદ બા... એને તમારા ઘરમાંથી કાઢો અને મારો માર્ગ મોકળો કરો. આ તમારા સતી સાવિત્રીએ તો નિર્લજ્જતાની બધી હદો વટાવી છે. લગ્ન થવાના છે તમારા ભાઈ સાથે અને..."
" અને શું...સાચું બોલજે અનન્યા, તે મારી સાથે શું કર્યું છે?"
"તું તો બહુ હોશિયાર થઈ ગઈ છે ને અનિરુદ્ધ ની સાથે રહીને. હા, બધું મેં જ કર્યું છે. તું કોની દીકરી છે એ પણ મને ખબર છે,પણ.... પણ... પણ... હવે તારે અંહીથી જવાનો સમય થઈ ગયો છે. મને ફોટા પાડતા બહુ સારા આવડે છે. આ એક ફોટો જો."
આર્યા અને રીવા એ ફોટો જોઇને દંગ થઈ ગઈ, આર્યાના ધાર્યા મુજબ એનો અને જયનો ફોટો હતો.
"આ બધી શી રમત છે એ હું જાણતી નથી પરંતુ આટલું નીચ કામ તો તું જ કરી શકે એ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું. આવા હજારો ફોટા લઈ આવ, તો પણ હું નહીં માનું. આર્યા પવિત્ર છે અને રહેશે."
"અનન્યા, તું એમ માનતી હવે કે આ ફોટાઓ વડે તું અનિરુદ્ધ અને મને અલગ કરી શકશે તો તું ભૂલે છે. અનિરુદ્ધ કોઈ કાળે આ ફોટા ઉપર વિશ્વાસ કરી જ ન શકે, અમારો સંબંધ એટલો નબળો નથી કે તારા એક ફોટા થી તૂટી જાય. અને જય ક્યાં છે?"
"એ બધો તારો વિષય નથી. આ ફોટો અનિરુદ્ધ માટે છે કે નહીં એ તારે નક્કી કરવાનું નથી. એ ફોટા ક્યાં અને કેવી રીતે વાપરીશ એ મારો વિષય છે, સારું, ત્યારે હવે નીકળ અહીંથી. યોર ટાઈમ ઇઝ અપ."
"એ શક્ય નથી, આ મારું ઘર છે અને આ ઘરને છોડીને હું ક્યાંય નહીં જાઉં. મહેમાન તું છે. જવાનો સમય તો હવે તારો થઈ ગયો છે."
"આર્યા... આર્યા... તારી જેવી તુચ્છ વસ્તુ સાથે મારે ચર્ચા કરવાનો સમય નથી. જો તું અહીંથી જશે નહીં તો આ ફોટાઓ સેન્ડ થઈ જશે. કોને, ખબર છે? અનિરુદ્ધને નહીં, ઘરના કોઈ પણ સભ્યને નહીં. સેન્ડ થઈ જશે બધા મહેમાનોને. સેન્ડ થઈ જશે અનિરુદ્ધના પપ્પા અને દાદાજીના બધા બિઝનેસ પાર્ટનરોને. એવું તો તું નહિ જ ઈચ્છે કે અનિરુદ્ધ અને એના ખાનદાનની આબરૂ ધૂળધાણી થઈ જાય. કેટલાકને સફાઈ આપશો? સો બી અ ગુડ ગર્લ. અને અત્યારે જ નીકળ. અનિરુદ્ધ ના પરિવારની આબરૂ બચાવવા માટે તારે આ કરવું જોઈએ."
રીવાએ એના હાથમાંથી ફોન લઈ લીધો અને જોરથી જમીન પર પછાડ્યો.
"નણંદ બા, હું તમારી સાથે સજ્જનતાથી વર્તન કરું છું અને તમે આવું કરો છો? મારી પાસે શું આ એક જ ફોન હશે? હવે તમે જ કહો, આર્યાને અંહીથી જવું જોઈએ કે નહીં? જેટલું મોડું કરશો એટલું નુકસાન તમને જ છે."
આર્યા પાસે ત્વરિત નિર્ણય લેવા સિવાય કોઈ ઉપાય ન હતો, અનિરુદ્ધ ના પરિવારની આબરૂ ને એ કોઈ કાળે જોખમમાં મૂકી શકે એમ ન હતી. એના પગ એને સાથ આપી રહ્યા ન હતા અને જાણે મણ મણનો વજન બાંધ્યો હોય એમ ઉપડતા પણ ન હતા, છતાં આ દુષ્કર કામ એને કરવું પડે એમ હતું. આર્યા કશું જ લઈને આવી ન હતી અને કશું લઈને પણ જવાની ન હતી. પોતાની પાસે રહેલો અનિરુદ્ધ નો એકમાત્ર ફોટો લેવા માટે એ રીવાના રૂમમાં જતી હતી. ત્યાં જતા વચ્ચે ટેરેસ ગાર્ડન આવ્યું. આર્યા ના પગ ત્યાં ખોડાઈ ગયા. એને સાથે વીતાવેલી ક્ષણો યાદ આવી ગઈ.
એ અને અનિરુદ્ધ ઉભા હતા જાણે! એકબીજા માં લીન! અનિરુદ્ધ પોતાને હદથી પણ વધારે પ્રેમ કર્યો હતો. પરંતુ હવે પોતાનો વારો હતો. આ બલિદાન આપ્યા સિવાય છૂટકો જ ન હતો.
રીવા પાસે પણ લાચાર બનીને જોઈ રહેવા સિવાય કશો વિકલ્પ ન હતો. આર્યા નીચે જવા ગઈ ત્યાં ફરી અનન્યા ત્રાટકી,
"સતીજી, મહેરબાની કરીને ગુજરાત તો જતાં જ નહીં. તમને એમ હશે કે ગુજરાત જશો તો અનિરુદ્ધ તમને શોધવા આવશે. સમજાય છે ને મારી વાત? અને તમારો ફોન મને આપતા જાવ, જેથી ગરીબડા બનીને તમારે પાછા આવવું ન પડે. અને નણંદ બા, થોડી વાર પૂરતો આપનો ફોન પણ મને આપો." અનન્યા એક પછી એક બધા દરવાજાઓ બંધ કરી રહી હતી.
"ભગવાનની જરા તો બીક રાખ, અનન્યા! આટલી કપટી અને ક્રુર બની ને ક્યાં જઈશ? એક દિવસ તો તારું પાપ છાપરે ચડીને પોકારશે."
"ના... ના... ના... નણંદ જી, આવા બધા વિશેષણો મને ના આપશો. હું તો એકદમ સીધી અને સરળ છું. પરંતુ અનિરુદ્ધને પામવાના માર્ગમાં વચ્ચે જે આવે તેને કાઢીને જ રહીશ. તારા ભાઈના લગ્નનું ડેકોરેશન કરવાનો કોન્ટ્રાક્ટ મને અનાયાસે નથી મળી ગયો. કેટલી મહેનત કરવી પડી છે તને ખબર છે, અંહી એના પાસે આવવા માટે!
મને કોઈ ક્રૂર ના કહેશો, જો હું ક્રૂર હોત તો આર્યાને મારી જ ન નાખી હોત? એના બદલે હું એને સહી-સલામત અહીંથી કાઢું છું. પણ જો પાછી આવી છે તો જીવથી જઈશ." અનન્યા સાયકો થતી જતી હતી.
આર્યા છેક મહેલના ચોગાનમાં પહોંચી ગઈ, એણે પાછું ફરીને જોયું. આ મહેલે એને કેટલું બધું આપ્યું હતું? કેટલો પ્રેમ! નવી ઓળખ! અત્યંત સન્માન! પણ હવે બધું મૂકીને જવાનો સમય થઇ ગયો હતો. કાશ અનિરુદ્ધ અહીં હોત! કાશ એ બધું સંભાળી લેત!
આર્યાના દુર્ભાગ્યે ઘરનું કોઈપણ બહાર ન હતું, બધા લગ્ન માટે તૈયાર થવામાં પડ્યા હતા. એ લોકોને ખબર ન હતી કે એ જેના માટે તૈયાર થઈ રહ્યા છે એ જ આ ઘર છોડીને જઇ રહી છે.
"ભાભી! ભાઈ તમને પાતાળમાંથી પણ શોધી કાઢશે. તમે ચિંતા ના કરતા પરંતુ હમણાં આવીને એ તમારા વિશે પૂછશે ત્યારે હું શું જવાબ આપીશ?" રીવા જાણે અંદરથી તૂટી ગઈ હોય એમ ડચકા ખાતી હતી.
"કશું નહિ રીવા, માત્ર એટલું જ કહેજે કે મને શોધવાનો પ્રયત્ન ન કરે. આ મારું એમની પાસેથી મળેલું, ઉધાર રાખેલું પ્રોમિસ છે."
"મોટા મમ્મીને?"
"એ તો માં છે ને સમજી જશે."
પોતે પણ રીવાની જેમ ત્યાં જ ભાંગી પડે એ પહેલા આર્યા મક્કમ પગલે ત્યાંથી ચાલી ગઈ.
હવે અનન્યાને હાશ થઇ.
***
લગ્નના મુહૂર્તનો સમય થવા આવ્યો હતો, સૌથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર અનન્યાએ રીવાને બેસાડી હતી અને એની સામેના સોફા પર એ પોતે બેઠી હતી. રીવા સહેજ પણ હલનચલન કરે અથવા કોઈને કશું કહેવાનો પ્રયત્ન કરે તો પોતે પોતાના હાથમાં રહેલ ફોનમાં તરત ક્લિક કરીને બધાને ફોટા સેન્ડ કરી દેશે એવી ધમકી અનન્યાએ આપી હતી.
જાણે કોઇ રાજવી ના લગ્ન હોય એમ આખો મહેલ અને એનું પ્રાંગણ શણગારવામાં આવ્યું હતું. અંદાજે બસો માણસો લગ્નની તૈયારીઓ કરવામાં વ્યસ્ત હતા. લગ્નના મુહૂર્તને થોડી જ વાર બાકી હતી. અનિરુદ્ધ એની મીટીંગ પૂરી કરીને આવી પહોંચ્યો.
આવીને એણે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર રિવા અને અનન્યા સામે સામે બેઠા છે. એ સીધો રીવા પાસે ધસી ગયો, એને ખભેથી પકડીને ઉંચી કરી.
"રીવા, શું થયું છે, તું આટલી બધી રડે છે શા માટે? તારી આંખો તો જો!"
"એ શું જવાબ આપશે, અનિરુદ્ધ? મને પૂછને! હું કહીશ, અરે કહીશ શું, બતાવીશ. તારી એ અનાથે કેટલું શરમજનક કામ કર્યું છે ખબર છે? આ જો! આવું કરીને પછી ભાગી ગઈ છે."
જોર જોરથી અવાજ સાંભળીને ઘરના બધા સભ્યો તૈયાર થતાં થતાં દોડી આવ્યા. અનન્યાએ પોતાના હાથમાં રહેલ ફોનના ફોટા અનિરુદ્ધને બતાવ્યા.
અનિરુદ્ધે આંખો બંધ કરી અને એના મોંની રેખાઓ તંગ થઇ, એની મૂઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. આ બધું શું છે એ સમજવાનો પ્રયત્ન કરતા બધા સભ્યો અનિરુદ્ધના હાવભાવ સામે જોઈ રહ્યા.
ક્રમશઃ