ભાગ-૯
બેભાન થઈ ગયેલી આર્યાને અનિરુદ્ધે ઊંચકી અને ચાલવા લાગ્યો.
આર્યાને એમ્બ્યુલન્સમાં બેસાડવા ને બદલે એણે એને પોતાની ગાડીમાં લીધી.
અનિરુદ્ધનો હાથ સતત એના માથે ફરી રહ્યો હતો.
“આ કોણ છે,અનિરુદ્ધ.. એને અહીં લાવવાની શી જરૂર હતી? બે એમ્બ્યુલન્સ તો ઊભી હતી!!” અનિરુદ્ધને એ અજાણી છોકરીની કાળજી રાખતો જોઈ અનન્યા અકળાઈ ગઈ.
અનિરુદ્ધનું બિલકુલ ધ્યાન ન હતું.
“અનિરુદ્ધ… હું તારી સાથે વાત કરી રહી છું.”
“ એ મારી ઓફિસમાં કામ કરે છે, અને આમ પણ એણે બેસી રહેવાને બદલે બીજાની મદદ કરવાનું વિચાર્યું એ ન્યાયે મારી ફરજ છે કે હું એની મદદ કરું.”
અનન્યા અનિરુદ્ધ ના કહેવાનો મતલબ સમજી ગઈ.
“હવે તું રસ્તે રખડતા લોકો સાથે મારી સરખામણી કરીશ એમ ને!”
“જો, અનન્યા, અત્યારે ઝઘડા કરવાનો સમય નથી. મારા મતે માનવતા દર્શાવનાર સાથે શ્રેષ્ઠ વર્તાવ થવો જોઈએ. એ બિમાર હતી છતાં એણે પોતાના જીવની પરવા કર્યા વગર માનવતા દાખવી છે તો મારી પણ ફરજ બને છે કે હું એને સર્વોત્તમ મદદ કરું."
"એ બિમાર છે એ તને કેવી રીતે ખબર પડી?" અનન્યા અકળાઈ.
"ઈનફ અનન્યા...." અનિરુદ્ધએ પૂર્ણવિરામ મૂકી દીધું.
હોસ્પિટલ આવી ગઈ. માયાબહેન પણ પહોંચી ગયા. આર્યાની સારવાર શરૂ થઇ ગઇ. અનિરુદ્ધે ડોક્ટરોને ખાસ તાકીદ કરી. આર્યા એક અનાથ છોકરી છે એ વાતથી અનિરુદ્ધ બિલકુલ અજાણ હતો અને એ માયાબહેનને એના મમ્મી જ સમજતો હતો.
આર્યાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ અનન્યા ફરી વાર અનિરુદ્ધને વળગી, પરંતુ અનિરુદ્ધના મનમાંથી આર્યા નો એ સુંવાળો સ્પર્શ જતો ન હતો. અનન્યા આ ધીમે-ધીમે આવી રહેલું પરિવર્તન અનુભવી શકતી હતી, એ ખૂબ સમજદાર હતી. વધારે ચર્ચા અનિરુદ્ધના ગુસ્સામાં પરિણમે એમ હતું એટલે એને ચૂપ રહ્યા સિવાય છૂટકો ન હતો.
આર્યા હોસ્પિટલમાંથી રજા લઈ ઘેર આવી એ દિવસે બધી છોકરીઓ એને વળગી જ પડી. જેના એ બધી સપનાઓ જોઈ રહી હતી એવા અનિરુદ્ધએ એને તેડીને ગાડીમાં બેસાડી હતી અને હોસ્પિટલ લઇ ગયો હતો. એમના મતે આર્યા એક ભાગ્યશાળી છોકરી હતી.
એ બધીઓ આર્યાને એ રાત્રિની ઘટનાઓનો શબ્દશઃ ચિતાર આપવાને આતુર હતી. એ લોકોની વાતો સાંભળી આર્યાને કંઈક અજબ લાગણી થવા લાગી.
***
આજે પુરા અઠવાડિયે આર્યા ઓફિસે આવી હતી. આછા પીળા રંગનો ડ્રેસ, ખુલ્લા વાળ, કોઈપણ મેકઅપ વગરની તગતગતી સુંદર ત્વચા….. માંદગીમાંથી ઉઠેલી આર્યા આજે ખરેખર રોજ કરતાં પણ વધારે સુંદર લાગી રહી હતી.
રેખા, અવની અને બીજી છોકરીઓએ આર્યાને વાત કરી હતી કે અનિરુદ્ધ એ એને કેવી રીતે બચાવી હતી. એ બધી તો ગાંડી થઈ હતી. આર્યા એ બધી છોકરીઓ ના મોઢે કેટલીએ વાર આ અઠવાડિયામાં સાંભળ્યું હતું કે કાશ આર્યાની જગ્યાએ પોતે હોત તો અનિરુદ્ધ એને પણ ઉપાડીને એમ્બ્યુલન્સમાં લઇ જાત.
“એની ખાસિયત આવી જ છે…. ગુસ્સો કરે ત્યારે એટલો ગુસ્સો કરે કે વાત ના પૂછો…. અને જરૂરીયાત મંદ ને મદદ પણ એટલા જ જુસ્સાથી કરે!”આવું જયે અનિરુદ્ધ માટે કહેલું.
અનિરુદ્ધ હંમેશાની જેમ ઉત્સાહ અને તાજગીથી તરબતર સડસડાટ કરતો આવ્યો અને સ્ટાફ પર ઉપરછલ્લી નજર ફેંકીને પોતાની કેબીનમાં જતો રહ્યો. અંદર જઈને થોડીવાર પછી એણે આર્યાને અંદર બોલાવી.
“હવે તમારી તબિયત કેમ છે મિસ આર્યા?” અનિરુદ્ધની નજર આજે આર્યા પર થી હટતી નહોતી.
“હવે એકદમ સરસ છે. મને મમ્મીએ કહ્યું કે તમે મારો જીવ બચાવ્યો હતો. થેન્ક્સ અ લોટ સર.”
“કશો વાંધો નહીં. એ તો મારી ફરજ હતી.”અનિરુદ્ધ એ કહ્યું અને એનું મગજ એ રાતની આર્યા સાથે વિતાવેલી ક્ષણો માં ખોવાઈ ગયું.
“હું જાઉં સર?”
“હા… હા…. જરૂર."
***
આર્યાને મહદઅંશે અનિરુદ્ધ સાથે રૂબરૂ થવાનું રહેતું નહીં. ઘણીવાર અનન્યા અનિરુદ્ધની કેબિનમાં વાવાઝોડાની જેમ ધસી જતી. આર્યાનુ મોટેભાગે તો ધ્યાન ત્યાં જતું જ નહીં પરંતુ કોઈક વાર તેની આંખો ત્યાં જોઈ લેતી કે પેલા મેડમ કલેક્ટરને વળગેલા જ હોય.
ઘેર જઈને અનાથ આશ્રમની છોકરીઓ પૂછતી તો આર્યા આ બધું કહેતી અને એ બધી ખૂબ ગુસ્સે થતી એ જોવાની એને મજા આવતી.
"જેમ પડછાયો એમ પકોડી, એમનો સાથ નહીં છોડે,
જાણે ભીંતને વળગી ગરોળી, એમનો હાથ નહીં છોડે." કહેતી રેખા ખૂબ આનંદ લેતી.
***
જય ઘણીવાર ફોનથી તો ઘણીવાર રૂબરૂ આર્યા સાથે વાત કરી લેતો. જય નવી ન્યૂઝ ચેનલ લોન્ચ કરવા જઈ રહ્યો હતો એથી એનું કામ વધતું જતું હતું.
અનિરુદ્ધ પણ ગાંધીજયંતી નજીક આવતા કાર્યરત રહેતો પણ ઓફિસે આવ્યા પછી આર્યા સામે જોવાનું ટાળી શકતો નહીં.
“અનિ, હું જોઉં છું કે તારામાં પહેલા જેવી વાત નથી રહી. પહેલા તો તું કોઈ ને કોઈ બહાને મારી નજીક રહેવા માટે તત્પર રહેતો અને હવે તો જાણે તું સાવ નિરાશ થતો જાય છે.”
“એવું કશું નથી. ગાંધીજયંતી નજીક આવી રહી છે એટલે કામનો બોજ ખૂબ રહે છે. તું જાણે છે ને કે આ તો રાષ્ટ્ર કક્ષાની ઉજવણી આપણા જિલ્લામાં થનાર છે એટલે.”
અનન્યાએ અનિરુદ્ધની આંખોમાં આંખો પરોવીને કહ્યું, “એવુ હોય તો સારું.”
અનિરુદ્ધ એ આંખોમાં રહેલ મતલબ સમજી ગયો.
***
એ દિવસે જય આર્યાની ઓફિસે આવી ચડ્યો હતો. જય આર્યાને ભરપૂર સમય આપી, એની સાથે રહેવા ઈચ્છતો હતો પરંતુ વધતી જતી અખબારી જવાબદારીઓ એને આમ કરવા દેતી ન હતી.
આજે એણે સમય કાઢી જ લીધો. જયે અચાનક આવીને આર્યાને સરપ્રાઈઝ આપી દીધું. એને જોઈને આર્યા ખુશખુશાલ થઈ ગઈ. આર્યાના ટેબલ પાસે જ બીજી ખુરશી નાખીને જય એની સાથે વાતો કરી રહ્યો હતો.
બરાબર એ જ વખતે અનન્યા પણ આવી ચડી.
જયને ઓફિસમાં જોતાં જ એ એની પાસે ધસી ગઈ.
"ઓહો જય.... શું વાત છે? આજે તો એકદમ હાઈપ્રોફાઈલ જર્નાલિસ્ટ કમ એડિટરને પણ ટાઈમ મળ્યો ને કંઈ?" અનન્યાએ હાઈપ્રોફાઈલ શબ્દ પર ભાર મૂક્યો અને આર્યા સામે તીખી નજરે જોયું.
"એવું કશું નથી, અનન્યા, હું અને આર્યા ઘણા સમયથી મિત્રો છીએ અને અહીં આવું એટલે એકસાથે આર્યાને, અનિરુદ્ધને અને મોટા ભાગે તને પણ મળવાનું બની જાય. સમયની બચત."
"અંહી નહીં ફાવે, અંદર આવ, બેસીએ." કહીને અનન્યા આર્યા ના ટેબલ પર નજર નાખતી જતી રહી.
અંદર પહોંચીને અનન્યા નું હાસ્ય ફૂટી નીકળ્યું. અનિરુદ્ધ ના પૂછવા પર એણે માંડ હસવું ખાળ્યું અને કહ્યું, "ખરેખર અનિરુદ્ધ, પેલા બહેનજીનો કોઈ ક્લાસ નથી, જય સીમ્સ ટુ બી હર બોયફ્રેન્ડ અને એના માટે એ શું લાવ્યો છે ખબર છે? ખાંડના લાડુ."
અનન્યા ફરી હસી પડી, હસતાં હસતાં એની આંખોમાં પાણી આવી ગયું.
"જયનો ક્લાસ ક્યાં ગયો? એ પણ બહેનજી ટાઈપ થઈ ગયો." કહીને એ ફરી હસી પડી.
અનિરુદ્ધ ને ન તો આર્યા બહેનજી લાગી કે ન તો હસવું આવ્યું. એ કશું બોલ્યો નહીં.
અનિરુદ્ધ એની ઓફિસમાંથી પેલા બંનેને જોઈ રહ્યો હતો. આટલા આનંદમાં એણે આર્યાને પહેલીવાર જોઈ હતી. એ છોકરીમાં શું જાદુ હતો કે એક પ્રસિદ્ધ અખબારનો માલિક એનો હોદ્દો ભૂલાવીને એની સાથે સામાન્ય બની ગયો હતો!!
આખરે જય ઊભો થયો અને અનિરુદ્ધની ઓફિસમાં પહોંચ્યો.
ક્રમશઃ