Aaruddh an eternal love - 10 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૧૦


‌. જય અનિરુદ્ધની ઓફિસમાં ગયો ત્યારે અનન્યા ખડખડાટ હસી રહી હતી. એનું અસ્ખલિત હાસ્ય જોઈને જયે કારણ પૂછી જ લીધું. અનિરુદ્ધને અનન્યાનું હાસ્ય ગમતું ન હોય એમ નિર્લેપ થ‌ઈ એ પોતાના કામે વળગ્યો. અનન્યા તો આજે જાણે આર્યા ને ક્લાસલેસ સાબિત કરવા માંગતી હોય એમ ખાંડના લાડુ ની વાતને વળગી રહી.

"જય... સોરી યાર... ખોટું ના લગાડતો પરંતુ મને ખૂબ હસવું આવે છે કે તું પેલી માટે ખાંડના લાડુ લઈ આવ્યો? આવી ગિફ્ટ કે સરપ્રાઈઝ તો મેં પહેલીવાર જોઇ."

જવાબમાં જય પણ હસી પડ્યો, "જ્યારે કોઈ આપણને હૃદયથી સારું લાગે છે ત્યારે પછી વસ્તુ નું મહત્વ રહેતું નથી. આર્યાને એ મીઠાઈ ખૂબ ભાવે છે.એટલે હું એના માટે કાયમ એ લઈને આવું છું. યુ શુડ ટેસ્ટ ઈટ."

"સીરીયસલી જય.... તું જ ખા. મારાથી તો આટલું બધું ગળપણ સહન નહીં થાય."

“શુ ચાલે છે? કલેકટર સાહેબ?

“બસ…. અમારે તો શું હોય? તારી વાત કર…. આજકાલ મારી ઓફિસ ના આટા વધી ગયા છે ને કાંઈ! આમ તો કોઈ જર્નાલિસ્ટ મારી ઓફિસમાં આવે તો મારે થોડું ડરવું તો પડે હો!!” અનિરુદ્ધ એ દાઢમા કહ્યું.

“ તું તો મારો ખાસ દોસ્ત છે. તારાથી શું છુપાવવાનું? મારું અહીં આવવા નું કારણ તું નહીં પરંતુ આર્યા છે. આર્યા છે જ એવી! મન સતત એની પાસે રહેવા લલચાયા કરે છે. મને એ હ્રદયથી ગમે છે. મને નહીં બધાને એ ગમી જાય એવી જ છે. સૌંદર્ય ની મૂર્તિ પણ એકદમ સરળ!”

જયની વાત સાંભળીને અનન્યાને ગુસ્સો આવી રહ્યો હતો, શી જરૂર હતી એને અનિરુદ્ધ સામે એના આટલા વખાણ કરવાની?

“બસ બસ!! તું તો ઘેલો થઈ ગયો છે ને કાંઈ!” અનિરુદ્ધે કહ્યું પણ મનમાં એને જય પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કારણકે જય આર્યા વિશે બોલી રહ્યો હતો એ એને ગમતું ન હતું. પોતે મારી સાથે કશો સંબંધ ધરાવતો ન હતો છતાં પણ એને આર્યા પર જાણે અધિકાર ભાવ થવા લાગ્યો હતો.

વિચારોમાં સરી ગયેલા અનિરુદ્ધની વિચારતંદ્રા જયે તોડી,

“ તો કલેકટર સાહેબ, તમારી આજ્ઞા હોય તો આજનો દિવસ હું આર્યને થોડી વહેલી લઈ જાઉં? આજનો સાંજનો સમય હું એની સાથે પસાર કરવા માંગુ છું. એને આપણા શહેરની દક્ષિણમાં આવેલા હનુમાનજીના મંદિરની બાજુમાં રહેલ હરિયાળી જગ્યા ખૂબ ગમે છે.”

“ સ્યોર…. એમાં કંઈ પૂછવાનું થોડું હોય?” જય સાથે લાંબી લચક વાતો કરનાર અનિરુદ્ધ આજે ટૂંકમાં જવાબ આપી રહ્યો હતો.

“બાય ધ વે, અનિરુદ્ધ, પેલો જયંત મંકોડી કદાચ હવે ફરીવાર માથું ઉંચકી રહ્યો છે. એને તે કલેક્ટર નો ચાર્જ સંભાળી આવતાવેત દાટ્યો હતો તે હવે કદાચ આવનાર ગાંધી જયંતીની ઉજવણીમાં રોડા નાખવાની કોશિષ કરનાર છે એવું મને મારા માણસો દ્વારા જાણવા મળ્યું છે.”

“ડોન્ટ વરી, જય, ફરીવાર એ માથુ ઉંચકવાની કોશિશ કરશે તો આ વખતે એનું માથું વાઢવામાં કંઇ કસર નહીં રાખું. એ તો શું એની સાત પેઢીઓ કાળા ધંધા ભુલી જશે.”

“છતાં પણ અનિરુદ્ધ, તું ધ્યાન રાખજે. સામી છાતીએ લડનાર નો સામનો થઈ શકે છે પરંતુ આવા જયંત જેવા દાણચોરો તો છુપાઈને વાર કરે છે. બાકી હું તારી સાથે છું.”

“થેન્ક્યુ દોસ્ત, તારી પાસે કંઈ વિશેષ જાણકારી આવે તો મને જરૂર કહેજે. તારા જેવા મિત્રો મને પીઠબળ આપે છે.”

જય આર્યાને લઇને ચાલતો થયો અને અનિરુદ્ધ એ બંનેને જોઈ રહ્યો. એ બંને એકબીજાને અડકતા ના હતા છતાં પણ એ બંનેની આંખોમાં એકબીજા માટે સમજદારી હતી. અનાયાસે અનિરુદ્ધ થી પોતાની અને અનન્યાના સંબંધની સરખામણી થઈ ગઈ. એણે અનન્યા સામે જોયું. એ એના ફોનમાં મસ્ત હતી.

***


“નો, મિ. શર્મા…. આટલી હદે બેદરકારી જરા પણ નહીં ચલાવી લેવાય. ગાંધીજયંતી થોડા જ દિવસોમાં છે, એટલો મોટો ઉત્સવ છે અને આજે આ મેડમે બધું કામ બગાડી ને મૂકી દીધું છે. જરા જાઓ અને એમને કહો કે આજે રાત સુધીમાં ગમે તેમ કરીને મારે આ બંને ફાઈલો કમ્પલેટ જોઈએ, તમે શું કહેશો એને મારી પાસે મોકલો હું જ કહી દઉં.”

અનિરુદ્ધ એ આખા જિલ્લાનો ઈતિહાસ છેલ્લા એક મહિનામાં એકત્ર કરાવ્યો હતો. સારા ઇતિહાસકારો પાસે એનું સચોટ ભાષામાં લેખન કરાવ્યું હતું અને અનિરુદ્ધએ નક્કી કર્યું હતું કે આ ઇતિહાસ પુસ્તક સ્વરૂપે ગાંધી જયંતિના ઉજવણીના દિવસે વિમોચન કરવામાં આવે. એને આખરી ઓપ આપવા માટે અને ટાઈપ કરવા માટે આર્યાને અપાયું હતું.

આર્યા એ આવીને જે રીતે ઝડપથી અને સુંદરતાથી ટાઈપિંગ કર્યું હતું એ જોતા મિસ્ટર શર્માએ બધું જ કામ આર્યાને સોંપવાનું નક્કી કર્યું હતું.

ઉજવણીને માત્ર પાંચ જ દિવસ બાકી હતા અને આવતીકાલથી પુસ્તકોનું પ્રિન્ટિંગ શરૂ થવાનું હતું. આજે આર્યા માટે આ કામ કરવાનો છેલ્લો દિવસ હતો અને આર્યાએ પોતાનું કામ ખૂબ સુંદરતાથી કર્યું હતું પરંતુ એ દિવસે જેમ માર્ગીએ એનું કામ બગાડયું હતું એમ એ આ જ દિવસે ફરી વાર એણે આર્યાનું કામ બગાડ્યું અને એના ધાર્યા મુજબ અનિરુદ્ધનો ગુસ્સો આર્યા પર તૂટી પડ્યો.

બધા પોતાનું કામ નીચી નજરે કરી રહ્યા હતા પરંતુ બધાના કાન તો અનિરુદ્ધની કેબીન તરફ જ હતા. માર્ગી મનોમન ખુશ થઇ રહી હતી. હવે આર્યા નામનો કાંટો આ ઓફિસમાંથી નીકળવાની તૈયારી માં જ હતો.

આર્યાને હેડક્લાર્ક એ કહી દીધું હતું કે અનિરુદ્ધે શા કારણોસર તેને અંદર બોલાવી છે. આર્યા જાણતી હતી કે પોતાનો કશો વાંક નથી છતાં પણ આવું થયું છે. એ ડરતી ન હતી કારણ કે એ સાચી હતી.

“મિસ. આર્યા, હું જોઉં છું કે ઘણા દિવસોથી તમને કામ સિવાય બીજી ઘણી બાબતોમાં રસ છે. પરંતુ ઓફિસનો સમય એ તમારો કામ ને સમર્પિત સમય હોવો જોઈએ એવું હું માનું છું. તો ઓફિસના સમયમાં તમારા મેળાવડાઓ છોડીને તમે આ કામ માં ધ્યાન આપશો તો સારું થશે.”

“મિસ્ટર અનિરુદ્ધ, મારી પર્સનલ મેટરમાં બોલવાનો તમને કોઈ હક નથી. હું ઈચ્છું તેને મળી શકું છું. બાકી રહી વાત મારા કામની, તો હું નથી માનતી કે મારાથી કોઈ ભૂલ થઈ છે. બની શકે કે મારી ફાઇલ સાથે કોઈએ ચેડા કર્યા હોય. આટલા બુદ્ધિશાળી છો છતાં પણ મારે કહેવું પડે છે કે પહેલા સમસ્યાના મૂળ સુધી પહોંચવું જોઈએ, નહીં કે કોઈ ઉપર સીધો આરોપ લગાવો.”

“તો આ શું છે?” કહીને અનિરુદ્ધ ફાઇલનો સીધો ઘા આર્યા પર કર્યો, “બીજાને સલાહ આપતા પહેલા પોતે સર્વાંગ સંપૂર્ણ છો કે નહીં એ તપાસી લો. આવતીકાલથી પ્રિન્ટિંગ શરૂ થવાનું છે અને તમે આ ફાઈલ માં શું કર્યું છે જરા જુઓ. ઈચ્છા તો થાય છે કે આ જ ઘડીએ તમને નોકરીમાંથી કાઢી મૂકું.”

“તો કયામતની રાહ જુઓ છો?” આર્યાની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા.

“એમ જ કરીશ, પરંતુ હવે છેલ્લી ઘડીએ આ કામ કોઈ સંભાળી શકે એમ નથી. આજે કોઈ પણ ભોગે તમારે આ ફાઈલ પૂરી કરીને આપવાની છે. નો લંચ, નો ડિનર, ઓન્લી વર્ક….. અને હા…. ૩જી ઓક્ટોબરથી તમારા માટે આ ઓફિસમાં કાંઈ કામ નથી, પ્લીઝ…. પછી અહીં આવવાનો કષ્ટ કરતા નહીં. જય સાથે હું વાત કરી લઈશ. હવે તમે જઈ શકો છો.”

આર્યાનો સ્વભાવ ખૂબ જ સારો અને મળતાવડો હતો, એની સાથે આવું વર્તન જોઈને બધા તેના પ્રત્યે સહાનુભૂતિ અનુભવી રહ્યા હતા પરંતુ કોઈ પોતાનું કામ છોડીને અનિરુદ્ધ ની બીકે એની પાસે ગયું નહીં. માર્ગી નો હરખ તો મા'તો ન હતો. આર્યા એ બહાર આવીને પોતાની આંખો લૂછી અને ફરીવાર કામે વળગી ગઈ.

આર્યા એ મનોમન નક્કી કર્યું કે આજે એનો કામ પર નો છેલ્લો દિવસ હશે, બધું કામ આજે પૂરું કરીને ફરી કોઈ દિવસ ઓફિસનું પગથિયું નહી ચડે. પરંતુ આર્યા ને ખબર ન હતી કે વિધાતા એ તો એના માટે કંઈક અલગ જ નક્કી કર્યું હતું.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED