" પ્રિયાંશી " ભાગ-15
આજે મિલાપને જવાનું હતું. બધા ફ્રેન્ડસ તેને મળવા આવ્યા હતા. સાંજની 7:30 ની ફ્લાઇટ હતી. પ્રિયાંશીએ આજે જોબ પરથી રજા લીધી હતી. તે સવારથી મિલાપની સાથે જ હતી. મિલાપને હિંમત આપ્યા કરતી હતી. મિલાપ કહ્યા કરતો હતો, " પિયુ, અંદરથી જાણે કંઈક બેચૈની જેવું થયા કરે છે. હાર્ટબીટ (હ્રદયના ધબકારા) વધી ગયા છે. કંઇ જ ચેન પડતું નથી. હું એકલો કઇ રીતે જઇશ અને ત્યાં એકલો કઇ રીતે રહીશ. તું, મમ્મી-પપ્પા બધા મને ખૂબજ યાદ આવશો. મેં પપ્પાને " ના " પાડી દીધી હોત તો પણ સારું હતુ. પણ હવે શું થાય હવે તો બધું જ નક્કી થઇ ગયું.
પ્રિયાંશી કહેતી, " તું બહુ હિમ્મતવાળો છે અને તારો નેચર એટલો બધો સરસ છે કે તારે ત્યાં પણ અહીંના જેવું જ ગૃપ થઇ જશે. અને ભણવામાં ને ભણવામાં તને એક્સ્ટ્રા ટાઇમ જ નહિ મળે. બસ ધ્યાન આપીને ભણજે. અને ફર્સ્ટક્લાસ વીથ ડિસ્ટીન્કસન લાવવાનો પ્રયત્ન કરજે. અહીંની જરા પણ ચિંતા કરીશ નહિ. તારા મમ્મી-પપ્પા તે મારા પણ મમ્મી-પપ્પા જ છે. હું તેમની ખબર લેવા અહીં આવતી જતી રહીશ. અને મમ્મી-પપ્પાને પણ રોજ ફોન કરતો રહેજે. "
મિલાપ બોલી પડ્યો, " બસ બસ મેડમ આટલી બધી એડવાઇસ એક સાથે ન આપશો, હજમ નહિ થાય થોડી પછી કાલ માટે પણ બાકી રાખો. " અને બંને જણા ખડખડાટ હસી પડ્યા. હાસ્ય પાછળ બંને જણા રુદન છૂપાવી રહ્યા હતા, છૂટા પડવું ન હતુ પણ પડ્યા વગર છૂટકો પણ ન હતો.
એરોડ્રામ ઉપર આવીને તો બહારથી જ બાય કહેવું પડતું, હવે તો કોઇને અંદર જવા દેતા નહિ.
મિલાપ મમ્મી-પપ્પા બંનેને પગે લાગ્યો, મમ્મી-પપ્પા બંનેને ભેટી પડ્યો. તેની આંખમાં પાણી આવી ગયા અને અંજુબેન પણ રડવા લાગ્યા. પ્રિયાંશીની તો હાલત જ વિચારાય તેવી ન હતી. મિલાપ માયાબેન અને હસમુખભાઈનેપણ પગે લાગ્યો, રાજનને ભેટી પડ્યો. રામજીકાકાને ભેટીને પણ ખૂબ રડ્યો અને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો કાકા તેમ કહેવા લાગ્યો.
પ્રિયાંશીના બંને હાથ પોતાના હાથમાં લઇ તેણે દબાવી દીધા અને તેને ચોંટી પડ્યો. બંનેને કઇ રીતે છૂટા પાડવા !! અંજુબેને બંનેને છૂટા પાડ્યા .( કેવું ગમગીન વાતાવરણ થઇ ગયું હતું ) મિલાપના બે-ત્રણ અંગત ફ્રેન્ડસ પણ મૂકવા આવ્યા હતા તે પણ મિલાપને ભેટીને રડી પડ્યા. છેવટે એનાઉન્સમેન્ટ થયું અને મિહિરભાઇએ ટિકિટ અને આધાર કાર્ડ હાથમાં લઇ અંદર જવા કહ્યું. મિલાપ છેલ્લે બધાને બાય કહી ફ્લાઇંગ કીસ આપી અંદર જવા નીકળી ગયો.
યુ.એસ.એ.ની ધરતી ઉપર મિલાપે પગ મૂક્યો અને જાણે કંઈક અલગ જ ખૂશ્બુ આવતી હોય, ત્યાંનું વેધર કંઇક અલગ જ હોય તેવો તેને અહેસાસ થયો. એકદમ ચોખ્ખી ઠંડી હવા હતી. મિહિરભાઇના ફ્રેન્ડ બંકિમભાઇ તેને એરપોર્ટ ઉપર પીકઅપ કરવા આવવાના હતા. તેથી તે લગેજ લઇ બહાર આવતા તેમને શોધવાની કોશિશ કરી રહ્યો હતો.
બંકિમભાઇ મિહિરભાઇના લંગોટીયા દોસ્ત હતા. બંને એક જ થાળીમાં જમતા અને સાથે જ રમતા. મિહિરભાઇને પપ્પાનો બિઝનેસ સંભાળવાનો હતો તેથી તે ઇન્ડિયા રહી ગયા અને બંકિમભાઇની ઇચ્છા પહેલેથી જ યુ.એસ.એ. સેટ થવાની હતી તેથી તે સ્ટુડન્ટ વિઝા પર આવ્યા અને પછી ગ્રીનકાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન કરી અહીં જ સેટ થઇ ગયા. પણ બંનેની ફ્રેન્ડશીપ હજીએ એવી ને એવી જ હતી.
બંકિમભાઇ મિહિરભાઇના ઘરે નાના હતા ત્યારે ખૂબ રહ્યા હતા. તેથી તે મિલાપને પોતાના ઘરે રાખવા માંગતા હતા. મિલાપ તેમને સારી રીતે ઓળખતો હતો. તેથી બંને એકબીજાને મળી ગયા. મિલાપ તેમને પગે લાગ્યો. બંકિમભાઇ મિલાપને પોતાના ઘરે લઇ ગયા. સાત રૂમનું જબરજસ્ત મોટું હાઉસ હતુ, રસ્તામાં બંકિમભાઇએ મિલાપને બધું પૂછી લીધું.
મિલાપને એડમિશન ત્યાંથી 120કિ. મી. દૂરની કોલેજમાં મળ્યુ હતુ. તેથી તે બંકિમભાઇના ત્યાં રહી શકે તેમ ન હતો. બે દિવસ ત્યાં રોકાયો જરા થાક ઉતાર્યો પછી તેને બંકિમભાઇ પોતાની જ ગાડીમાં હોસ્ટેલ ઉપર મૂકી આવ્યા અને વીક-એન્ડમાં પોતાના ઘરે જ આવી જવા કહ્યું.