" પ્રિયાંશી " ભાગ-10
મિલાપ: ફોરેઇન જતા પહેલા હું તારા મમ્મી-પપ્પાને મળી લઉં અને આપણા લગ્નની વાત કરી લઉં.
પ્રિયાંશી: મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલા તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી.હવે તેણે પોતાના મમ્મી-પપ્પાને સમજાવવા શું કરવું તે વિચારતો હતો. કારણકે પપ્પા થોડા સ્ટ્રીક્ટ પણ છે અને ગુસ્સા વાળા પણ તેથી તેણે મમ્મીને આ વાત કરવાનું નક્કી કર્યું.)
મિલાપના પપ્પાનું નામ મિહિરભાઇ હતું. મિહિરભાઇ બિઝનેસમેન હતા. સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. આ વાત સાંભળીને તેમને જરા પણ રૂચી નહિ. તેમણે ચોખ્ખી "ના" પાડી દીધી કે લગ્ન આપણી બરાબરી થાય, આ રીતે આપણે લગ્ન કરવાના નથી.
મિલાપ અને અંજુબેનને આ વાતનું ખૂબ દુઃખ થયું. હવે આમને સમજાવવા કઇ રીતે અને કોણ સમજાવે તે પ્રશ્ન હતો.
અંજુબેન જ્યારે જ્યારે મિલાપના પ્રિયાંશી સાથેના લગ્નની વાત કરે ત્યારે ત્યારે મિહિરભાઇ ગુસ્સે થઇને વાતને કાપી નાંખતા હતા.
મિલાપને થતું કે હું અને પ્રિયાંશી એક જ જ્ઞાતિના છીએ, પ્રિયાંશી પણ ડૉક્ટર છે તો શું પૈસાનો ફર્ક એ બહુ મોટી વાત કહેવાય ? સામાન્ય ઘરની છોકરી સાથે લગ્ન ન થાય ? આવા પ્રશ્નોથી મિલાપ મૂંઝવાયા કરતો હતો.
અંજુબેને મિલાપને સમજાવતાં કહ્યું કે. " બેટા, તું પ્રિયાંશીને ભૂલી જા, એમાં જ આપણી ભલાઇ છે, તારા પપ્પા જીદ્દી છે નહિ માને, તું અત્યારે ફોરેઇનની તૈયારી કર. તું ત્યાંથી પરત આવે પછી આપણે વિચારીશું.
પણ, મિલાપને તો બધું પાકું કરીને જ જવું હતું. તેને ડર હતો કે પ્રિયાંશીના લગ્ન બીજે ક્યાંક થઇ જાય તો ?
એક દિવસ અંજુબેનને વિચાર આવ્યો કે, આ વાત હું મારા નણંદ પલ્લવીબેનને કરું તો આ વાતનો કંઇક ઉકેલ આવશે. (મિહિરભાઇને સમજાવી શકે તેમ પલ્લવીબેન એક જ હતા)
તેમણે પલ્લવીબેનને ફોન કરીને આખી વાત સમજાવી અને પલ્લવીબેનને રૂબરૂ આવવા કહ્યું.
પલ્લવીબેન એટલે મિલાપના ફોઇ ખૂબજ હોંશિયાર અને ઠાવકા હતા. તેમને કોઈ સંતાન ન હતું એટલે તે મિલાપને જ પોતાનો દિકરો માનતા. અને એમની વાતનું આખાય કુટુંબમાં ભારે વજન પડે. એમનો બોલ કોઈ ઉથાપે નહિ એવો એમનો સ્વભાવ અને વ્યવહાર બંને હતા.
પલ્લવીબેન એક દિવસ સમય લઇને મિહિરભાઇને મળવા માટે આવ્યા.
મિહિરભાઇને બધી વાત પૂછી અને લગ્નની "ના" પાડવા માટેનું કારણ પણ પૂછ્યું. મિહિરભાઇએ પૈસાની અને મોભાની વાત કરી. અને કહ્યું કે મિલાપના લગ્ન તો મારે કોઈ મોટા બિઝનેસમેનની દીકરી સાથે કરવાના છે.
સામાન્ય ઘર સાથે સંબંધ બાંધવાથી મારી ક્રેડિટ ડાઉન થઇ જાય. આ વાત સાંભળીને પલ્લવીબેનને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે મિહિરભાઇને બે-ત્રણ પ્રશ્નો પૂછ્યા કે, "તારા લગ્ન થયા ત્યારે તારી પાસે કેટલા પૈસા હતા ? મિહિરભાઇએ જવાબ આપ્યો કે કંઇ ન હતું મારી પાસે. બીજો પ્રશ્ન પૂછ્યો કે, " તારા લગ્ન વખતે આપણે કેવી છોકરીની શોધમાં હતા ?
મિહિરભાઇએ જવાબ આપ્યો કે, " ગરીબ ઘરની ચાલશે પણ સંસ્કારી,ડાહી અને ઠરેલ છોકરીની " ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે, " મિલાપને આ છોકરી ગમે છે તો લગ્ન મિલાપે કરવાના છે કે આપણે ?"
મિહિરભાઇએ જવાબ આપ્યો કે, " મિલાપને કરવાના છે." પલ્લવીબેને કહ્યું કે તો તું શેના માટે આટલો બધો કકળાટ માંડે છે. પહેલા છોકરીને મળીએ તેના મા-બાપને મળીએ પછી આગળ બીજી વાત કરીશું. અને પ્રિયાંશીને મળવાનું નક્કી કરવામાં આવ્યું.
મિલાપ એ દિવસે સાંજે જ પલ્લવીબેનની હાજરીમાં જ પ્રિયાંશીને પોતાના ઘરે લઇ આવ્યો.
પ્રિયાંશી તો જોતાં વેંત ગમી જાય તેવી જ હતી. સંસ્કારી પણ એટલી જ હતી. પછી કયા માતા-પિતા ના પાડી શકે ?
પ્રિયાંશી મિલાપના મતા-પિતા અને ફીઆ ત્રણેયને પગે લાગી. પલ્લવીબેન અને અંજુબેનને તો આટલી રૂપાળી, ડૉક્ટર થએલી, સંસ્કારી, દેખાવે જ ઠરેલ દેખાતી છોકરી ખૂબ ગમી ગઈ.
પલ્લવીબેનને લાગ્યુ કે પ્રિયાંશી સાથે વાત કરી લેવી જોઈએ. તેમણે પ્રિયાંશીને લગ્ન માટે પૂછ્યું તો પ્રિયાંશી એ જવાબ આપ્યો કે મારે ઉતાવળ નથી " હું જોબ કરીને સ્ટેબલ થવા માંગું છું. પણ મિલાપની ઇચ્છા છે માટે હું એંગેજમેન્ટ કરવા તૈયાર થઇ છું. "
પલ્લવીબેનને આખીય આ પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો તેમણે મિહિરભાઇને "હા" પાડવા સમજાવ્યા. અને કહ્યું કે, " રૂપિયા જોઈને દીકરી ઘરમાં ન લવાય તેના સંસ્કાર જોઇને લવાય. "
મિહિરભાઇને સાચી વાત સમજાઇ ગઇ અને તેમણે બંનેના એંગેજમેન્ટ માટે "હા" પાડી.
ઘરમાં ખુશીનું મોજું ફરી વળ્યું.