Priyanshi - 4 books and stories free download online pdf in Gujarati

પ્રિયાંશી - 4

" પ્રિયાંશી " ભાગ-4
બસની રાહ જોતી પ્રિયાંશી બસસ્ટેન્ડે ઉભી હતી, એટલામાં ત્યાંથી મિલાપ નિકળ્યો. કદાચ તે એને જોવા માટે જ આવ્યો હતો. તેણે આવીને પ્રિયાંશીને પૂછ્યું, "બહુ મોડુ થઈ ગયુ છે, હું તને બાઇક ઉપર ઘરે મૂકી જવુ?"

શિયાળાનો સમય હતો અંધારું થઇ ગયું હતું, પ્રિયાંશી તેના પપ્પા કે ભાઈ રાજનને લેવા બોલાવે તો પણ ઘણો સમય લાગે તેમ હતો. તેથી વિચારતી હતી કે શું કરવું? મિલાપની પાછળ બેસે અને કોઈ જોઈ જાય તેનો પણ તેને ડર હતો. તેથી તેણે ના પાડી અને કહ્યું કે "હું મારા પપ્પાને ફોન કરીને બોલાવી લઉ છું, તે આવીને મને લઇ જશે "

મિલાપે પ્રિયાંશીને સમજાવ્યું કે, "આવી ઠંડીમાં તારા પપ્પા તને લેવા આવશે અને લઇ જશે,ઘણું મોડુ થશે, ત્યાં સુધી તું બસસ્ટેન્ડ ઉપર એકલી ઉભી રહીશ એના કરતાં હું તને મૂકી જવું તો તને શું વાંધો છે?"

છેવટે પ્રિયાંશીએ "હા" પાડી. બંનેની જોડી ખૂબ સુંદર લાગતી હતી. ઘરથી થોડે દુર મિલાપે પ્રિયાંશીને ઉતારી દીધી અને પછી પોતે ચાલ્યો ગયો.

મિલાપ તેના માતા-પિતાનો એકનો એક દિકરો હતો. ભણવામાં પહેલેથી ખૂબ જ હોંશિયાર અને દેખાવમાં જાણે રાજકુમાર, તેના પપ્પા બિઝનેસમેન હતા. તેમને મિલાપને આટલું ભણાવી ફોરેઇન મોકલવાની ઇચ્છા હતી.પણ તેની મમ્મી અંજુબેનને મિલાપ એકનો એક દિકરો હતો એટલે પોતાની પાસે જ રાખવો હતો.

પ્રિયાંશીનું ભણવાનું સરસ ચાલી રહ્યું હતું. હવે તેને આ છેલ્લુ સેમ જ બાકી હતુ. પછી શું કરવું આગળ તેનો તે વિચાર કરતી હતી. તેને તો ભણવું હતુ પણ પપ્પાની પરિસ્થિતિ જોઇ તેનું મન પાછું પડતુ હતુ. છેવટે તેણે નક્કી કર્યું કે એમ.બી. બી.એસ.થઇ કોઈ સારી હોસ્પિટલમાં નોકરી કરી લઉ.કારણ કે મમ્મી પપ્પાને મેં મારા ભણતર પાછળ ખૂબ ખર્ચ કરાવ્યો છે. રિઝલ્ટ આવે તે પહેલા બે-ત્રણ હોસ્પીટલમાં તેણે એપ્લાય પણ કરી દીધું હતું.

બીજી બાજુ મિલાપ તેની પાછળ ખૂબ પડ્યો હતો. મિલાપને ચિંતા હતી કે હવે આ સેમ પછી હું અને પ્રિયાંશી જુદા પડી જઇશું તો તે પહેલા હું પ્રિયાંશીને મારી વાત કરી લઉં તો સારું.

પણ તેને ડર પણ હતો કે પ્રિયાંશી મને "ના" પાડી દેશે તો, છેવટે તેણે નક્કી કર્યું કે મારે ગમે તે રીતે પ્રિયાંશીને, "આઇ લવ યુ " કહી જ દેવુ છે.

તેણે વિચાર્યું કે પ્રિયાંશીની કોઈ ફ્રેન્ડ જોડે હું પ્રિયાંશીને કહેવડાવું તો સારું રહેશે.

પ્રિયાંશીની બેસ્ટ ફ્રેન્ડ હતી આર્યા, બંને સાથે જ ભણતા અને સાથે જ આખો દિવસ પસાર કરતા.

એક દિવસ મિલાપે આર્યાને મળવા બોલાવી અને કહ્યું કે, "મને પ્રિયાંશી ખૂબ ગમે છે. હું તેને ખૂબજ ચાહુ છું. પણ મારી તેને કહેવાની હિંમત ચાલતી નથી તો તું મારી મદદ કરીશ? પહેલા તો આર્યાએ ના જ પાડી દીધી. ના,ભાઇ હોં, આપણું એ બધું કામ નહિ. અને પ્રિયાંશી?? તું એને શું સમજે છે? શું એ હા પાડશે? કોઈ જનમમાં હા નહિ પાડે, તારે કહેવુ હોય તો તું જાતે જ કહી દે. હું નહિ કહી શકુ.

આર્યાનો જવાબ સાંભળી મિલાપ ખૂબજ નિરાશ થઇ ગયો. તેનું મોં પડી ગયું. શું કરવું? કંઇ સમજણ પડતી ન હતી. રોજ પ્રિયાંશીની પાછળ આંટા મારતો હતો.

પોતાનું બાઇક મૂકી ક્યારેક એની સાથે બસમાં ગમે તે બહાને અપ- ડાઉન કરી લેતો હતો.

લખવાનું બાકી છે કહી વારંવાર પ્રિયાંશીની નોટ્સ પણ માંગી લેતો અને પછી નોટ્સ આપવાને બહાને તેના ઘરે પણ આંટો મારી આવતો હતો.

પણ પ્રિયાંશીને આ બાબતનું કોઈ લક્ષ જ ન હતુ. માટે તેને કંઇ સમજણ પડતી ન હતી.

સમય પસાર થયે જતો હતો, હવે ફાઇનલ એક્ઝામની તૈયારી શરૂ થઇ ગઇ હતી. ઘરમાં તેનો વાંચવાનો રૂમ અલગ જ હતો.

બસ,પ્રિયાંશી અને એની જાડી જાડી ચોપડીઓ. રાજન પણ પ્રિયાંશીની સાથે સાથે મોટો થતો હતો. તેણે બી.કોમ.માં એડમિશન લીધું હતું. રાજન અને પ્રિયાંશી બંને ભાઇ-બહેનના ઝઘડા ઘરમાં ચાલુ જ રહેતા હતા.

માયાબેન બંનેને બોલીને કહેતા, "હવે મોટા થયા ઝઘડો નહિ. સારા નથી લાગતા. પણ,બંને ભાઇ-બહેન એક બીજાને ચીડાવે નહિ તો તેમનું ખાધેલું પચે નહીં.

બંને વચ્ચે પ્રેમ પણ ખૂબજ હતો. માયાબેન રાજનને કહેતા કે બેન મોટી થઇ ગઇ છે, એ હવે થોડા સમયમાં સાસરે જતી રહેશે, પારકી થઇ જશે, એની સાથે ઝઘડો ન કર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED