પ્રણય ત્રિકોણ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રણય ત્રિકોણ

પ્રણય ત્રિકોણ

- મિતલ ઠક્કર

કોલેજ છૂટી એટલે રોજની જેમ કંકિતા અને જાનુષી ઘરે જતાં પહેલાં કોલેજના ગાર્ડનમાં મળ્યા. કોલેજમાં બંનેના વર્ગ જુદા હતા. શહેરમાં બંને અલગ-અલગ જગ્યાએ રહેતી હતી. પણ એમની દોસ્તી પાકી હતી. કંકિતા અને જાનુષી કોલેજના પ્રથમ વર્ષમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભેગી થઇ ગઇ હતી. એ કાર્યક્રમમાં સાથે કામ કર્યા પછી તેમની દોસ્તી એવી થઇ કે ત્રીજા વર્ષની અંતિમ પરીક્ષા આવવાની તૈયારી હતી ત્યારે તેમને છૂટા પડવાનો સહેજ ડર લાગી રહ્યો હતો. આજે બંને બહુ ખુશ હતી. બંને મળી એટલે એક સરખા ઉદગાર સરી પડ્યા. એમાં કોણ કઇ વાત કહેતું હતું એનું મહત્વ ન હતું. બંનેના દિલની હાલત એકસરખી હતી. બંને કોઇને પ્રેમનો એકરાર કરીને આવી હતી!

"આજે હું બહુ ખુશ છું..."

"હું પણ..."

"આજનો દિવસ જિંદગીનો યાદગાર દિવસ બની રહેશે..."

"મારા માટે પણ..."

"દિલમાં કંઇ કંઇ થઇ રહ્યું છે..."

"મને પણ...."

"આજે પહેલી વખત...."

"મેં પણ...."

"પહેલાં મારી વાત સાંભળ..."

"ના, પહેલાં મારી વાત..."

બંને એકબીજાના હાથ પકડીને મોં હલાવી પોતાને જ પહેલાં વાત કરવાની જીદ કરવા લાગી.

"પહેલાં મારી વાત સાંભળો...."

અચાનક એક જાણીતો પુરુષ સ્વર સાંભળી બંને પહેલાં ચોંકી ગઇ. પછી આશ્ચર્ય સાથે બંનેના ચહેરા પર શરમના શેરડા પડ્યા. અને બંનેના મોંમાંથી એકસાથે શબ્દો સરી પડ્યા..."હં....જી, સર!"

કોલેજના નવયુવાન પ્રોફેસર સ્વકેત બંનેને કહી રહ્યા હતા.

કંકિતા અને જાનુષીને થયું કે સર તેમની શરૂઆતથી જ વાત સાંભળી ગયા હોવા જોઇએ. પ્રોફેસર સ્વકેત બંનેની નજીક આવ્યા. જમણા હાથ તરફ કંકિતા હતી અને ડાબા હાથ તરફ જાનુષી. તેમણે બંને હાથને આગળ ધરી ઇશારો કરી કહ્યું:"બંને મારી સામે આવી જાવ..."

બંને પોતાની વચ્ચે થોડું અંતર રાખી પ્રોફેસર સ્વકેત સામે ઊભી રહી.

હવે ત્રણેય ઊભા હતા ત્યારે એક ત્રિકોણ રચાયો. બંને છોકરીઓને સમજાતું ન હતું કે સર શું કહેવા માગે છે.

"જુઓ, તમે બંને એકબીજાને શું કહેવા માગો છો એની મને ખબર છે..."

પ્રોફેસર સ્વકેતના બોલ્યા પછી કંકિતા અને જાનુષી એકબીજા સામે આશ્ચર્યથી જોઇ રહી.

પ્રોફેસર સ્વકેત આગળ બોલ્યા:"જુઓ, મારી વાત સાંભળો, તમારી ઉંમર હજુ ઓછી છે. આ મુગ્ધાવસ્થાનો પ્રેમ છે. પ્રેમ વિશે તમે એટલું બધું જાણતા નહીં હોય. પ્રેમ બલિદાન અને ત્યાગ પણ માગે છે. "પ્રેમ કરીએ છીએ" એમ કહેવાથી પ્રેમ કરીએ છીએ એમ કહી ના શકાય. અને આ ઉંમર ભણવાની છે, કારર્કિર્દી બનાવવાની છે. પ્રેમ માટે આખી ઉંમર પડી છે."

બંને મુગ્ધભાવે પ્રોફેસર સ્વકેતને સાંભળી રહી. બંનેને વિચારતી મૂકીને હસતાં હસતાં તે જતા રહ્યા.

સર પ્રેમ વિશે કેમ વાત કરીને ગયા એની બંનેને મનોમન ખબર હતી.

"કેવું કહેવાય!" કંકિતા નવાઇ પામી બોલી.

"હા ગજબ કહેવાય!" જાનુષી પણ અજીબ સ્થિતિ અનુભવતી બોલી.

"ચાલ હવે મારી વાત સાંભળી લે..."

"પ્લીઝ મારી વાત પહેલાં..."

"મારી વાત..."

"મારી વાત..."

"હું પ્રેમમાં છું..." બંને એકસાથે બોલી પડી અને પછી ભેટી પડી. બંને પોતાના મનના માણીગર વિશે નામ આપ્યા વગર કહેવા લાગી. બંનેને ખબર ન હતી કે તે એક જ જણને પ્રેમ કરવા લાગી હતી. અને એ હતા પ્રોફેસર સ્વકેત. આજે જ બંનેએ પ્રોફેસર સ્વકેતને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. બંનેના વર્ગમાં પ્રોફેસર સ્વકેત જ એકાઉન્ટનો પિરિયડ લેતા હતા. તેમને આ કોલેજમાં આવ્યાને હજુ માંડ છ મહિના થયા હતા. તેમનો હસમુખો અને સાફ દિલનો સ્વભાવ બધાનાં દિલ જીતી ચૂક્યો હતો. કોલેજની અડધોઅડધ છોકરી તેમને પસંદ કરવા લાગી હતી. એમાં કંકિતા અને જાનુષી પણ હતી. ફરક એટલો હતો કે જોગાનુજોગ બંનેએ આજે જ્યારે તક મળી ત્યારે પ્રોફેસર સ્વકેતને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો. પ્રોફેસર સ્વકેત બંનેની મિત્રતા વિશે જાણતા હતા. એટલે બંનેને એમ કહ્યું હતું કે હું એક જ દિવસમાં જવાબ આપીશ પણ મારી સાથે વાત કરી એને હમણાં ખાનગી રાખજે.

બંને પ્રોફેસર સ્વકેત સાથે પ્રેમ કરવાના સપનાં જોવા લાગી હતી. બંને એકબીજાને પોતે કરેલા પ્રેમના એકરાર વિશે કહેવા અધીરી બની હતી. એકબીજાને પોતે કોઇના પ્રેમમાં છે એ વાત કરીને ખુશ હતી.

બંને છૂટી પડી ત્યારે એકબીજાને ખબર ન હતી કે પ્રોફેસર સ્વકેતને જ ચાહી રહી છે. અજાણતા જ એક પ્રણય ત્રિકોણ રચાઇ ગયો હતો.

આ વાતની ખબર એકબીજાને પડશે ત્યારે શું થશે? એની કોઇ કલ્પના કરી શકે એમ ન હતું. બંને એક જ જણને ચાહે છે અને તેને જીવનસાથી બનાવવા માગે છે એ જાણ્યા પછી બેમાંથી એક બલિદાન આપશે કે બંને વચ્ચે ઝઘડો થશે એ અત્યારથી કહેવું મુશ્કેલ હતું.

બીજા દિવસે ઉત્સાહ સાથે કંકિતા અને જાનુષી કોલેજમાં મળી. બંનેએ પિરિયડમાં જતા પહેલાં રિસેસમાં મળવાનું નક્કી કર્યું. બંનેને પોતાના પ્રેમીનો એટલે કે પ્રોફેસર સ્વકેતના જવાબનો ઇંતજાર હતો.

બંનેનું મન આજે ભણવામાં લાગતું ન હતું. બંને પોતપોતાના વર્ગમાં સદેહે હાજર હતી પણ મનથી ન હતી. મનમાં પ્રોફેસર સ્વકેતના જ વિચારો આવતા હતા. તેમનો પ્રેમ પામી શકાશે કે નહીં એની જ ચિંતા હતી. કંકિતાને રિસેસ પહેલાં અને જાનુષીને રિસેસ પછી પ્રોફેસર સ્વકેતનો પિરિયડ હતો. બંને પ્રોફેસર સ્વકેતને જોવા અને સાંભળવા રોજ કરતાં વધારે ઉત્સુક હતી. કોલેજની આટલી બધી છોકરીઓ અને કેટલીક સુંદર કુંવારી પ્રાધ્યાપિકાઓ હોવા છતાં પોતાના પ્રેમની વાત પ્રોફેસર સ્વકેતે બહુ રસથી સાંભળી હતી એનો બંનેને આનંદ હતો.

રિસેસમાં બંને મળી. કંકિતા થોડી નિરાશ હતી પણ એણે જાનુષીને કળાવા દીધું નહીં. પ્રોફેસર સ્વકેત આજે પિરિયડ લેવા આવ્યા ન હતા. જાનુષીને જ્યારે કંકિતાએ વાતવાતમાં પ્રોફેસર સ્વકેતની ગેરહાજરી વિશે કહ્યું ત્યારે તેને પણ આંચકો લાગ્યો. કદાચ અડધા દિવસની રજા લીધી હશે એમ વિચારી જાનુષીએ મન મનાવ્યું. પોતાની મનોસ્થિતિ અંગે બંનેના મનમાં એક જ વિચાર રમતો હતો:"શું આને જ પ્રેમ કહેતા હશે?"

છેલ્લો પિરિયડ પૂરો થયા પછી કંકિતાની ઉદાસીનો ચેપ જાનુષીને લાગી ચૂક્યો હતો. પ્રોફેસર સ્વકેત રિસેસ પછીનો તેમનો પિરિયડ લેવા વર્ગમાં આવ્યા ન હતા.

કોલેજના વર્ગમાંથી નીકળીને બંને ધીમા પગલે આગળ વધી રહી હતી. રોજની જેમ બંને મળી ત્યારે તેમના ચહેરા ઉતરેલા હતા. બંને પોતાના દિલની વાત કહી શકે એમ ન હતી. પ્રોફેસર સ્વકેતનું વચન પાળવાનું હતું. બંને મૂંગી મૂંગી ચાલી રહી હતી. ત્યાં કોલેજના પિયુનકાકા દોડતા આવ્યા અને બોલ્યા:"સાંભળો..."

પિયુનકાકા શ્વાસ લેવા ઊભા રહ્યા. બંને એકસાથે બોલી ઊઠી:"કાકા, શું વાત છે?"

પિયુનકાકાએ પોતાના શર્ટના ખિસ્સામાંથી એક કાગળ કાઢી આપતાં કહ્યું:"આ પત્ર પ્રોફેસર સ્વકેત સાહેબ આપને બંનેને સાથે આપવા માટે કહી ગયા છે..."

બંનેએ એકસાથે એ પત્ર લેવા હાથ લંબાવ્યો. પિયુનકાકા મૂંઝાયા. કંકિતાએ કહ્યું:"જાનુષી તું જ જોઇ લે..."

પિયુનકાકા પત્ર આપીને જતા રહ્યા. બંને કોલેજમાંથી બહાર નીકળતા રસ્તાની બાજુમાં જઇને ઊભી રહી ગઇ. જાનુષીએ ધડકતા દિલે પત્રની ગડીઓ ખોલી. તેના હાથમાં રોમાંચ કરતાં ધ્રૂજારી વધારે હતી.

તેણે ગળું ખંખેર્યું અને પત્ર વાંચવાનું શરૂ કર્યુ:"બંને જિગરજાન સહેલીઓને મારા નમસ્કાર! તમારી દોસ્તી અકબંધ રહે એવી પ્રભુને પ્રાર્થના છે. બંને વચ્ચે જીવનભર આવો જ પ્રેમ રહે એવા મારા અરમાન છે. મારી બદલી અચાનક બીજા શહેરમાં થઇ છે. હું હવે ક્યાં ગયો છું એ જાણવાની કોશિષ બિલકુલ કરશો નહીં. હા, તમને એક ખુશખબર આપી દઉં કે મારા લગ્ન નક્કી થઇ ગયા છે. પણ હું કોઇને બોલાવી શકું એમ નથી. પણ તમે જ્યારે કોઇને પ્રેમ કરો ત્યારે એકબીજાને જાણ જરૂર કરજો...."

બંને એકબીજા સામે જોઇ રહી.

કંકિતા અને જાનુષીએ પોતાના પ્રેમનો એકરાર કર્યા પછી પ્રોફેસર સ્વકેત પાસે બીજો કોઇ માર્ગ ન હતો. તેમણે કોલેજમાં એક સપ્તાહની રજા મૂકીને પોતાની બદલી કરાવી લીધી હતી.

કંકિતા અને જાનુષી એક શાયરની પંક્તિઓને અનુભવી રહી: "સોચા થા તુઝપે પ્યાર લૂટાકર તેરે દિલમેં ઘર બનાયેંગે, હમે ક્યા પતા થા દિલ દેકર ભી હમ બેઘર રહ જાયેંગે"

***