પાનખરમાં વસંત Hetalba .A. Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાનખરમાં વસંત

" નમસ્કાર... હું સમન્વય દાદુ.. એટલે કે મનહરભાઈ અહીં જ રહે છે ને... ? "
" માફ કરજો પણ ... મે આપને ઓળખ્યા નહીં ! "
" હું ને દાદુ સાંજની ચા બગીચામાં સાથે પીએ છીએ શું હું એમને મળી શકું..? "
" હું એમનો પુત્ર રામ.. આવ દિકરા અંદર બેસ પપ્પાને ગયે તો આજે નવ દિવસ થઈ ગયા.. "
" દાદુ ક્યાં ગયા છે દાદુ ! મારે એમને એ ખુશ ખબરી આપવી છે એમનો કોઈ કોન્ટેક્ટ નંબર..?.."
( સમન્વય બોલતો હતો ત્યાં જ રામભાઈએ અશ્રુભીની આંખે દિવાલ પર મનહરભાઈના ફૂલમાળા મઢયા ફોટા તરફ ઈશારો કર્યો ને સમન્વય આઘાત સાથે ત્યાંથી નીકળી દરરોજ એ અને મનહરભાઈ બેસતા એ બાકડા પર જઈ બેઠો ને જુની યાદોમાં સરી પડ્યો )
" બેટા હું અહીં બેસી શકું "
" કાકા બગીચાનો બાકડો છે બેસો તમતમારે મારે શું વાંધો હોય ?"
" ના આતો.. યુવાનીઆઓને પ્રાઇવસી જોઈતી હોય વળી.. "
" ઓહો તમે તો યુવાનોને ખૂબ સારી રીતે સમજો છો ને કાંઈ ! "
" મારે તારા જેવડો પૌત્ર છે હાલ વિદેશમાં છે મારો ખાસ મિત્ર... કેમ ભાઈ .... તું કંઈક ઉદાસ લાગે છે ? "
( એમનો એ પ્રશ્ન મને હૃદયના ઊંડાણ માં સ્પર્શી ગયેલો પ્રથમ મુલાકાતમાં કેટલું સચોટ સમજેલા પણ... એ વખતે હું હસી ને નીકળી ગયેલો પછી તો દરરોજ મળવાનું થતું સાથે ઇવનિંગ વોક કરતા ક્યારે દરરોજ સાંજે સાથે ચા પીવાનું વળગણ લાગ્યું ખબર જ ક્યાં પડેલી એ કાકા માંથી દાદુ બની ગયા આજથી ૧૦ દિવસ પહેલાં હું પરસેવે રેબઝેબ કંટાળેલો ખરેખર એમની રાહ જોતો બેઠો હતો.. )
" દાદુ આટલું લેટ હોય.. ? હું ક્યારનો તમારી રાહ જોઉં છું "
" દીકરા હું તો મારા સમય પર જ આવ્યો છું.. તુ જલ્દી આવ્યો છે ચાલ બોલી દે બેટા.. "
" શું "
" તારા હૃદયમાં જે હોય તે શા માટે મુંઝાય છે .. કહી દે.. "
" દાદુ મેં પપ્પાને ક્યારેય જોયાજ નથી એ મારા જન્મ પહેલાંજ... ને મમ્મીએ મને 13 વર્ષનો મૂકીને જતી રહી ક્યારેક નાની તો ક્યારેક બા પાસે મોટો થયો નોકરીએ લાગ્યોને પહેલા જ દિવસે શ્રી નજરમાં વસી ગઈ ને પ્રેમ થઈ ગયો ત્રણ વર્ષના પ્રેમ પછી અમે લગ્ન કર્યા પોશ વિસ્તારમાં ઘર છે ગાડી છે પણ છતાંય શાંતિ નથી અને છેલ્લા બે મહિનાથી શ્રી સાથેના સંબંધો પણ વણસી ગયા છે અઠવાડિયાથી એ પિયર જતી રહી છે અને આજે તો એણે ડાયવોર્સની નોટીસ મોકલી છે.. "
" હા..હા..હા..હ.. "
" દાદુ મારો જીવ જાય છે અને તમને હસવું આવે છે શ્રી ને મનાવવાનો કોઈ રસ્તો બતાવો ને... "
" તમે.. આજકાલના જુવાનિયાઓનો આજ પ્રોબ્લેમ છે પ્રેમ પહેલાં કરો છો ને લગ્ન પછી અમારા સમયમાં લગ્ન પહેલા થતાં ને પ્રેમ પછી તે સમયમાં પણ ડાઇવોર્સ થતા પણ અત્યાર જેટલા નહીં તેનું એક કારણ એ હતું કે લગ્ન પછી ધીરે ધીરે પાંગરતો પ્રેમ વૃદ્ધાવસ્થા સુધી મજબૂત વૃક્ષ બની જતો જેની નીચે બે જીવન સુખમય પસાર થઇ જતા... તે એને પ્રપોઝ કરવા કેટલો વખત મહેનત કરેલી..? "
" પૂરા ત્રણ મહિના "
" બે મહિનાથી એ રિસાઇ ગઇ હતી એ સમયમાં કેટલી વાર ગુલાબ આપ્યું.. ? "
" એકેયવાર નહીં.. "
" કેટલી વખત હું તને ખૂબ પ્રેમ કરું છું એવું કહ્યું.. ? "
" એકેયવખત નહિ.. "
" એ જતી ત્યારે એનો હાથ પકડી રોકવાનો પ્રયત્ન કર્યો.. ?
" ના પણ બધુંમારે જ કરવાનું એની કોઇ ફરજ નહોતી એ પણ મને મનાવવાનો પ્રયત્ન કરી શકતી હતી ને.. ?.. "
" બસ... દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન હું શા માટે નમુ... ભલે ઘર ભાંગી જાય... પ્રિય પાત્ર દૂર થઈ જાય... જિંદગી વેરવિખેર થઈ જાય.. તો પણ હું તો નહીં જ નમુ.. દીકરા આપણે કોઈ વ્યક્તિ સામે નહીં આપણી લાગણી સામે નમવાનું હોય છે તું હાથ તો લાંબા કર.. એ એમાં સમાઈના જાય તો કહેજે મને.."
" એટલે..?.."
" અલ્યા... અઠવાડિયાની રજા લે ને ચાલ્યોજા એના પીયરીયે તને કાઢી થોડી મુકશે એને દરરોજ પતિ ની જેમ નહીં પ્રેમીની જેમ રીઝવવાનો પ્રયત્ન કરજે એ જરૂર માની જશે.. "
" દાદુ તમે તો મને હળવો બનાવી દીધો હું કાલે જ જઈશ પણ... દાદુ તમને દાદીને મનાવવાનો ખાસો અનુભવ લાગે છે..!.."
" મને એને પ્રેમ કરવાનો અનુભવ છે એના ઉઠવાથી સવાર ને એના ઊંઘવાથી રાત પડવાનો અનુભવ છે "
" દાદી ખાસા નસીબદાર છે હો.. દાદુ.. "
" ના.. નસીબદાર હું હતો હું રીસાતો એ મનાવતી પત્ની , મિત્ર , પ્રેમિકા બની.. પણ એ દગાખોર નીકળી મને છોડીને ચાલી ગઈ આ વસંત પછીની પાનખરમાં.. હું ઉપર જઈને ફરી રિસાવાનો.. જોવું એ કેમ બનાવે છે મને.."
" દાદુ... "
" હું ઠીક છું બેટા તુ જા મને વિશ્વાસ છે તું શ્રી ને જરૂર મનાવી લઈશ.. "
( એમના એ શબ્દોના વિશ્વાસે ભરેલો હું આજે દસ દિવસે શ્રી સાથે... મારા જીવનની તમામ ખુશીઓ સાથે પાછો ફર્યો પણ દાદુ .... રાતનો અંધકાર ધીમે ધીમે આછા પ્રકાશ ને ખાઈ રહ્યો હતો ને હું એ બાંકડાની નતમસ્તક થઈ વિચારતો ચાલી નીકળ્યો કે દાદુ પાનખર પછીની વસંતમાં દાદી સાથે ખુશ હશે... ને ત્યાંજ ચાની કેટલીએ જાણે દાદુ હસી રહ્યા હતા... ને હું ત્યાંથી અશ્રુલુતો નીકળી ગયો... )

હેતલબા વાઘેલા 'આકાંક્ષા'©