ભય કે ઘૃણા. Hetalba .A. Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભય કે ઘૃણા.


" સ્મિતા .... તું મારાથી શામાટે ડરે છે... હું તારો પતિ છું... જો આજે આપણા લગ્ન ને એક મહિનો થઈ ગયો છે ને છતાંય તું મારાથી આટલી દૂર કેમ ભાગે છે.. હું બાજુ માં આવું ત્યારે તને શું થઈ જાય છે..?? મમ્મી... પપ્પા... બધા સાથે તારો વ્યવહાર કેટલો સારો છે... એક વહુ તરીકે તું શ્રેષ્ઠ સાબિત થઈ રહી છે... પણ... એક પત્ની તરીકે..... તું કેમ ડરે છે મારાથી.. ?? મેં ક્યારેય તારી સાથે ઊંચી અવાજે વાત કરી છે... ?? .. કંઈક તો બોલ... તો મને ખબર પડે.. "

" સમય.... હું ... મારે મન તમારું બહુ માન છે પણ .... હુંયે ઈચ્છું છુ કે તમનેય રાજી રાખું.... પણ તમે જ્યારે મારી નજીક આવો છો ત્યારે હું અનાયાસે જ ફફડી જઉં છું... ઇચ્છવા છતાંય હું તમારી પાસે નથી આવી શકતી... જો થાય તો મને માફ કરી દો મારા આવા વર્તન માટે... "
( ને સમય પોતાના હૃદયમાં ઉઠતી ઊર્મિઓને દબાવી દઈ ઊંધું ફરી સુઈ જવા પ્રયત્ન કરવા લાગ્યો...
બંને ના લગ્ન ને આજે એક મહિનો થયેલો બંને ના પરિવારની સંમતિ થી લગ્ન થયેલા... સ્મિતા ના ફોઈ સમયનું માંગુ લઇ તેના પિતા એટલે મનસુખભાઇ પાસે આવેલા ને સમય ના મમ્મી ખૂબ ખુશ થયેલા... બંને પરિવાર મળ્યા ... સ્મિતા સમયને પહેલી નજરેજ ગમી ગયેલી... એકલા વાત કરવા ગયેલા ત્યારેય એ ખૂબ ખચકાતી હતી... ને એજ વાત સમયને મન બહુ ગમી ગયેલી ને ઘડિયા લગ્ન લેવાયાં.... સમય સ્મિતા ને જાણવા માંગતો હતો પણ સ્મિતા ના મમ્મી રિટાબહેને લગ્ન ની ઉતાવળ કરી... ત્યારે સમય ને થોડું અજુગતું લાગેલું પણ સ્મિતા મનમાં વસી ગયેલી એટલે એય તૈયાર થઈ ગયો.... પહેલી રાત્રે એના વર્તન થી સમય દુઃખી થયેલો પણ એને લાગ્યું કે સ્મિતા કદાચ હજુ પોતાને માનસિક રીતે અપનાવતા થોડો સમય લેશે જે એને આપવો જોઈએ... એ સ્મિતા નું ખૂબ ધ્યાન રાખતો... મહિનો થવા આવ્યો ફોન પર ખૂબ સારી રીતે વાત કરે દૂર થી પણ વ્યવહાર સારો પણ જેવો સમય એની નજીક જવા જાય ત્યાંજ એ ગભરાઈ જાય.... પણ.... હવે સમયે સ્મિતા ની મમ્મી ને મળવાનું નક્કી કરી ઊંઘવા પ્રયત્ન કરવા લાગ્યો..... ને બીજા દિવસે એ બહાનું કાઢી પોતાના સાસરે પહોંચી ગયો... )

" આવો આવો જમાઇરાજ... ( રમણભાઈ એ જમાઈનું ઉમળકા ભેર સ્વાગત કર્યું... ) "

" પપ્પા હું આ બાજુ થી નીકળતો હતો તો થયું આપને મળતો જાઉં... આપ ક્યાંય બહાર જવા નીકળતા હતા.. ?? "

" હા... મારે બહાર થોડું જરૂરી કામ છે... તો જવું પડે એમ છે... તમે બેસો તમારા મમ્મી પૂજા કરીને આવતા જ હશે... તમે આરામ કરો... "

" તમે નિરાંતે જાઓ હું બેઠો છું..." ( સમય થોડીવાર બેઠો ત્યાંજ રીટાબહેન આવ્યા.. )

" અરે... બેટા તમે... ??? આમ આચનક... કંઈ કામ પડ્યું કે... "

" મમ્મી .... કેટલા પ્રશ્નો પૂછશો... હું અહીંથી નીકળતો હતો... મને થયું... આપને મળતો જાઉં... "

" કુમાર.... મારી સ્મિતા તમારી સાથે ભળી તો ગઈ છે ને... ?? ... "

" એટલે... ?? "

" એટલે એમ કે તમારા પરિવાર માં બધા સાથે ભળી તો ગઈ છે ને... કોઈ ને એની સામે કોઈ પ્રશ્નો તો નથી ને ... એ બધા ને સાચવી તો લે છેને... ??? "

" મમ્મી... એ ખૂબ સરસ વહુ છે... પણ .... એ મને... મારાથી.... ડરે છે... શામાટે એ હું નથી જાણતો પણ હું એની નજીક જવા પ્રયત્ન કરું ત્યાંજ એ ફફડી જાય છે... હું શું કરું.. એજ નથી સમજાતું... એનું કારણ શું છે એજ જાણવા અહીં આવ્યો છું... મને ખબર છે તમે તો જાણતાજ હશો એના આવા વર્તન પાછળ નું કારણ..?? "

" કુમાર... તમે સમજદાર છો એને ને મને બંને ને સમજશો એવી આશા રાખી વાત કરું છું આપને.. એ સમયે એ પાંચમા ધોરણ માં ભણતી.... ભણવા માં એક્કો..ઇત્તર પ્રવૃત્તિ માયે... સ્કૂલમાં સૌની માનીતી.... અમે તો શિક્ષકોને ભગવાન સ્વરૂપજ ગણતા ને સ્મિતા નેય એજ શીખવેલું કે શિક્ષક જે કહે એજ કરવાનું... એમને ક્યારેય ના નહિ કહેવાની... થોડા સમય પછી એક વખત એના પપ્પા એની બાજુ માં બેઠા એના માથે હાથ ફેરવતાજ એ એક્દમ ઉભી થઇ ગઇ ને ત્યાંથી દોડી ને રૂમ માં જતી રહી એના પપ્પા ને ખૂબ અજુગતું લાગ્યું... એમણે મને સ્મિતા સાથે વાત કરવા કહ્યું... પણ મને લાગ્યું.. કદાચ ભણવામાં થાકી ગઈ હશે... મેં ધ્યાન ન આપ્યું... પણ ધીરે ધીરે... એનું બોલવાનું... એની મસ્તી... એની ઇત્તર પ્રવૃતિઓ... બધું બંધ થતું ગયું... ને પછીતો એનું સ્મિતેય ક્યાંક ખોવાઈ ગયું... હું પૂછું એટલું જ બોલે... ને એના પપ્પાની તો સામેય જવાનું ટાળવા લાગી... બહાર રમવા હું પરાણે મોકલું તોયે ઓટલા પર બેસી રહે ને આવીને રૂમમાં જતી રહે... હવે મનેય થોડો ડર લાગ્યો... મેં એને ધીરે ધીરે વિશ્વાસ માં લઇ વાત જાણવા પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે એની સ્કૂલમાં એક સાહેબ .... હુંતો છડી પડેલી... પણ... શું થાય... ફરિયાદ કરીયે તોયે એ મારી ફૂલ જેવી નાની બાળ ને પોલીસ ના પ્રશ્નો ના જવાબ કેમ દઈ શકશે... એના મન પર શી અસર પડશે.. સમાજ માં છોકરી ને આ ઉંમરે કઈ નજરે જોવાશે કેટલાય વિચારો કર્યા પછી... અમે બંનેએ એ પાપીના ન્યાય ને ભગવાન ને સોંપીને જ્યાં માત્ર સ્ત્રી શિક્ષકોજ હોય એવી હોસ્ટેલમાં મોકલી દીધી... એ ત્યાંથી... જ્યારે આવી ત્યાર થી એના પપ્પા એને ખૂબ પ્રોત્સાહિત કરતા... પણ એના મન માં બેઠેલો ફફડાટ દૂર ના થયો.... એટલે એના ફોઈએ સલાહ આપી કે છોકરીના લગ્ન થઈ જશે તો સૌ સારવાના થઈ જશે.. ને એટલેજ... "

" આટલી મોટી વાત તમે મારાથી છુપાવી... "

" અમારો તમને છેતરવાનો કોઈ ઈરાદો નહોતો... જે થયું... એમાં એનો વાંક શું... તમે જ કહો... "

" મમ્મી ... વાંક એનો નહીં તમારો છે એને પોતાની જાત ને સંભાળવા માં સમય લાગશે જે તમારે એને આપવો જોઈતો હતો... કોઈ વાંધો નહિ હવે સ્મિતા મારી જવાબદારી છે એની કોઈ ચિંતા કરશો નહિ.... હવે એના મન નો આ ફફડાટ હું દૂર કરીનેજ જંપીશ.... હવે મને રજા આપો.. "

( સમય ઘરે આવ્યો... બપોર નો સમય હોવાથી સ્મિતા પોતાના રૂમ માંજ હતી...સમયે જેવો દરવાજો ખોલ્યો કે સ્મિતા સફાળી ઉભી થઇ ગઇ... સમય એની પાસે ગયો... એનો હાથ પ્રેમ થી પોતાના હાથ માં લઇ બોલ્યો... )

" સ્મિતા... સાત ફેરા શરીર ના નહીં આત્મા ના બંધન માટે ફરાય છે... હું તારા શરીર ને નહીં તારા સ્વભાવ તારા આત્મા ને પ્રેમ કરું છું... તને મારી નજીક આવતા ભલે આ જીવન ટૂંકું પડે તું ગભરાઈશ નહિ... હું ક્યારેય તારી સાથે કોઈ જાતની બળજબરી નહિ કરું... હું હમેશા તારી સાથે જ હોઈશ... તું જરાય ચિંતા ના કરીશ... "

( સમય ના આવા શબ્દો સાંભળી સ્મિતા ની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી જેને સમય પોતાના હૃદય માં સમાવતો રહ્યો.... )

હેતલબા વાઘેલા ' આકાંક્ષા '