HELP - 2 ashish raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

HELP - 2

પ્રકરણ 2 વિચિત્ર અનુભવ

પંખો ચાલુ હોવા છતાં બેલા નું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. રેસ ના ખેલાડી ની માફક તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. રાત્રે બંધ કરેલી બારીઓ પવનના જોરદાર આઘાત સાથે ઉઘડી ગઈ. એ જ સમયે ડંકા ઘડિયાળમાં એક નો ડંકો સંભળાયો. આખા શરીરને ઉપરથી નીચે કોઈએ જકડી રાખ્યું હોય તેવું બેલાને લાગ્યું. તેણે પોતાનો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ ! તે પથારી સાથે જ સિવાય ગયા હતા. છાતી પરનું દબાણ એકદમ વધી ગયું જાણે કોઈ મણનો પથ્થર ના મુકાયો હોય !ચીસ પાડવા હોઠ ખોલ્યા પણ કશો અવાજ ના નીકળ્યો. હાથ-પગની આંગળીઓ, આંખની કીકી, ભમર બધું સ્થિર હતું. છાતીનું દબાણ ધીરે ધીરે વધતું જ ગયું. ચેહરાની ,ભૃકુટી ની નસો એટલે જ તંગ બની ગઈ જાણે શરીરમાંથી બહાર આવવા માગતી હોય. કાન આગળ પવનનો ઘુઘવાટ એટલો તીવ્ર હતો કે જાણે શ્રવણ તંત્રને ખોરવી નાખે. આ તડપન વચ્ચે જ બેલા પલંગ પરથી ઊભી થઈ, ડ્રેસીંગ ટેબલ આગળ પહોંચી. ડ્રોઅરમાંથી પોતાની માનીતી લિપ્સ્ટીક કાઢી ,અરીસા પર તેણે કંઈક શબ્દો લખ્યા. અરીસામાં તેનું પ્રતિબિંબ જોઈ મુસ્કરાઈ અને પાછી પોતાના પલંગમાં સુઈ ગઈ.

-----------*--------------*----------------*-----------------*--------------*--------------------------------------------*-----------------------------------------

‘ બેલા 9:00 વાગીચૂક્યા છે !આ છોકરી તો ઉઠવાનુ નામ જ નથી લેતી .વિમળા દીક્ષિતની ટકોરે બેલા આંખો મસળતી ઊભી થઈ. રોજ ક્યારેય તે ઊઠવામાં આટલું મોડું ના કરતી. અને આ થાક! શરીરમાં આજે આટલો થાક કેમ ફીલ થઇ રહ્યો છે. રોજ જોગીંગ અને એક્સસાઈઝ કરવા ટેવાયેલી બેલાને પણ આજે અત્યંત થાક લાગતો હતો.

‘જુઓ આ તમારી દાદીની ડંકા ઘડિયાળ ! પહેલા દિવસથી જ બંધ ! હવે બદલો આને .’ વિમળાબહેન એ પથારી ઠીક કરતા બોલવાનું ચાલુ રાખ્યુ.

સાચે જ ઘડિયાળ બંધ હતી. કાલે તો આને બરાબર ચેક કરી હતી. બરોબર એક વાગ્યે બંધ !આવું કેવી રીતે બની શકે ? બેલાને આ ટેકનિકલ ફોલ્ટ સંભળાયો નહિ.

‘ બેલા હવે તારે સુધારવાનું છે કે નહીં ! ઓછું હતું તેમ આ લિપ્સ્ટીક વડે આયના કાચ પર લપેડા કર્યા છે.’

તરત જ બેલાની નજર આયના તરફ ગઈ. બધી લિપ્સ્ટીક તો તેણે ડ્રોઅરમાં મૂકી હતી. અને એના પર તો પોતે કાંઈ લખ્યું નથી. તો મમ્મી બૂમો કેમ પાડે છે ?બેડમાથી ત્વરાથી બેઠી થઈ તે આયના આગળ પહોંચી. આયનામાં તેના પ્રતિબિંબ વચ્ચે ચાર અક્ષર ચમકી ઊઠ્યા.

એ અક્ષરો હતા-“ H E L P

‘ HELP- આ મેં ક્યારે લખ્યું ?ઓહ ગોડ ! આસ્થાનું કામ હશે.પણ એ તો વહેલી નીકળી ગઈ હતી. રાત્રે સૂતાં પહેલાં તો મેં આવું કશું લખ્યું નહતું !કે પછી ડેડી મને પજવવા માંગે છે. હા એમનું કારસ્તાન હશે. દીકરી ડ્રેસિંગ ટેબલના પ્રેમમાં પડી ગઈ એટલે મારું ધ્યાન ખેંચવા આવું કર્યું લાગે છે.

જયંત દીક્ષિત સાથે બ્રેકફાસ્ટના ટેબલ પર ગોઠવાઈ પણ ડેડી તો રોજની જેમ છાપું વાંચવામાં મશગૂલ હતા. કેટલીક વખત તે ઉશ્કેરાટમાં અમુક સમાચાર મોટેથી વાંચતા ” પાકિસ્તાનમાં ફરી એક બીજો બોમ્બ ધડાકો! મસ્જિદની લગોલગ! 20 લોકો મર્યા અને ૩૨ ઘાયલ”

“ બેલા! તુ માનીશ આ પાકિસ્તાને પેદા કરેલો ફ્રેન્કેસ્ટાઇન એને જ નડી રહ્યો છે.”

‘ એ બધું મૂકો ! ડેડી તમે ક્યારથી લેડીસ ની લિપસ્ટિક વાપરતા થઈ ગયા!

‘ શુભ શુભ બોલ બેલા ! આ તારી મા જાણશે તો મને ભડાકા દેશે. જયંત દીક્ષિતે રમૂજમાં જવાબ આપ્યો.

‘ બહુ શાણા બનો છો તમે ! બેલા આગળ બોલવા જ જતી હતી ત્યાં જ તેની કઝીન આસ્થા નો ફોન આવ્યો.-‘ બેલા એક અમેઝિંગ સરપ્રાઈઝ છે તારા માટે !’

‘ તો પછી જલ્દી આપી દે. મારું માથું ખુબ જ દુખે છે.’

‘ ત્યાં ઘરે બેઠા છે ને બધા ! તુ કોલેજ આવી જા પછી વાત કરું.’

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

આ આસ્થાડીને એવી તો કોઈ સરપ્રાઈઝ આપવાની હશે કે તે આટલું વિચારે છે. આમ બોલતી તે લિફટમાં દાખલ થઈ. લિફ્ટના નીચેના ત્રીજા માળે ઉભી રહી. લિફટ માં દાખલ થનાર મહિલા ઘડીક વાર તેની સામે જોઈ જ રહી .આંખો અને મો પર એકાદ પળ આશ્ચર્ય દેખાયુ પણ તે શમી ગયું.હોઠ માંથી શબ્દો નીકળવા જ જતા હતા ને,સામી વ્યકિતે સંયમ રાખ્યો હોય તેવુ લાગ્યુ. બ્લુ કલરના આંખો પર ચશ્મા !કપાળ પર બંગાળી સ્ત્રીઓ કરે એવો મોટો ચાંદલો ! ખાદીની સાડી માં 50 વર્ષની મહિલા અત્યંત જાજરમાન લાગતા હતા. મો પર મીઠું સ્મિત રાખી તેમણે પહેલાં એ પૂછ્યું

‘ તમે ઉપરના માળે નવા રહેવા આવ્યા છો ને ?’

‘ હા 404 નંબરનો ફ્લેટ અમે ખરીદ્યો છે’

‘ મારી બિલકુલ ઉપર છો તમે ! શું નામ છે બેટા તારું ?’

‘ બેલા દીક્ષિત’

‘ બેલા! માય સેલ્ફ અનુરાધા જયસ્વાલ ! આજે સાંજે આવો મમ્મી પપ્પા જોડે, થોડી ઓળખાણ થાય .’

‘ ઓહ, ચોક્કસ’

વાત આટલેથી અટકી ગઈ. લિફટ ગ્રાઉન્ડફલોર સુધી પહોંચી ચૂકી હતી, અને બેલા ને આજે કોલેજ જવાનું મોડું થઇ ચુક્યું હતું.

બેલા અને આસ્થા બન્ને ક્લાસમેટ હતા. આસ્થા વાત કહેવા અધીરી હતી પણ તેણે રીસેસમાં બેલાને શાંતિથી વાત કહેવાનું નક્કી કર્યું.

આસ્થા રીસેસમાં કોલેજના કાફે કરતા બગીચામાં બેલાને દોરી ગઈ. વધારે બહેનપણીઓ વચ્ચે વાત નથી કરવી એવું બેલાને લાગ્યુ. ગાર્ડનમાં બેસતા તે બોલી

‘ કાલે સાંજના ફોન આવ્યા પછી ધરપત જ નથી રહેતી. તોય તને સરપ્રાઈઝ આપવા વાતને પેટમાં દાબી રાખી.’

બેલા એ પ્રશ્નસૂચક નજરે આસ્થા સામે જોયું. આસ્થા ની આંખો માં થોડીક મસ્તી અને શરમ બંને દેખાયા.

‘ આલોક ટ્રેનિંગ પતાવીને પાછો આવી ગયો છે. પોસ્ટિંગ પણ અમદાવાદમાં થયું છે.’

‘ ઓહ તો આ છે સરપ્રાઈઝ !’ બેલા એ હળવેથી આસ્થાના કેડી ચિંટિયો ભર્યો.

‘ મને લાગતું જ હતું કે દાળમાં કંઈક કાળું છે. નહિતર મેડમ આજે આટલા સજી-ધજીને આવે નહિ .પાછા ફોનમાં કહે છે કે બેલા તારા માટે સરપ્રાઈઝ છે’

‘ કેમ તને આનંદ નથી ?’ ખોટી રૂઠવાની એક્ટિંગ કરતાં આસ્થા બોલી.

ગહન વિચાર ના અંતે બેલા બોલી ‘ના મને આનંદ નથી !’

આસ્થાના ઘરથી બેઘર છેટે આલોક નું ઘર હતું. બેલા, આસ્થા અને આલોક ત્રણે સમવયસ્ક હોવાથી સાથે રમતા ,શરારત કરતા.પણ મોટા થતા આલોક અને આસ્થાની આ દોસ્તી પ્રણય માં પલટાઈ ચૂકી હતી. જીવનભર સાથે રહેવાના કોલ અપાઇ ચૂક્યા હતા. આલોક પહેલેથી જ રમતગમતમાં અવ્વલ રહેતો. ઉંચી કૂદમા તેણે રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લીધેલો. સમાજને ઉપયોગી થવા એક પોલીસ ઓફિસર બનવા નું સપનું હતું. આસ્થા આગળ નું ભણવાનું ચાલુ રાખેલ અને આલોક પી.એસ.આઇની પરીક્ષા આપી પોલીસ ફોર્સ માં જોડાયો. ટ્રેનિંગ પતાવ્યા પછી તે ક્રાઇમબ્રાંચમાં નિમણૂંક પામ્યો.તેમના પ્રેમ વિશે બેલા સિવાય બંનેના ઘરવાળા અજાણ હતા. આજે લાંબા સમય પછી આસ્થા અને આલોક નો મેળાપ થવાનો હતો .અલબત્ત! ફોન પર નો મેળાપ તો ચાલુ જ હતો.

‘ આજે સાંજે આપણે કાયમ ની જગ્યા કુણાલ રેસ્ટોરેન્ટમાં આપણે મળવાનું છે .બેલા તું ઘરે થી ગમે તે બહાનું બનાવીને નીકળી જજે.’

‘ અરે મને કબાબમાં શું કામ હડ્ડી બનાવો છો ?’

‘ કારણકે તારા વગર આ કબાબ ખાવાની મજા નથી આવતી !’

‘એટલે ?’

‘ એ તુ વિચારે છે એવું નહીં . આ તો તુ અમારા બંનેની આદર્શ ફ્રેન્ડ છે, અને ઘરવાળાને મનાવવાની જવાબદારી પણ તારી થવાની છે.

‘ એ તો મારા કપાળે લખાયુજ છે. બંને બહેનો ફરીથી એકબીજાની શરારત માં લાગી ગઈ.’

***********************************************************************************************************************

આલોક ને જો છએક મહિના પછી બેલા જોઈ રહી હતી. ચુસ્ત તાલીમની અસર તેના ચહેરા અને શરીર બંને પર દેખાતી હતી. તેના વાચાળ અને હસમુખા સ્વભાવની જગ્યાએ આજે તે વધુ શિસ્તમય લાગ્યો.

‘ તારું વજન બે ત્રણ કિલો ઓછું થઈ ગયું લાગે છે .‘

‘ હા બેલા તાલીમમાં તો આ લોકો તોડાવી નાખે છે.’

‘ એ બધુ પછી ! આલોક આજે પહેલો દિવસ કેવો રહ્યો ? તેના વિશે કહેને !’ આસ્થા બોલી.

‘પહેલો દિવસ !’ આલોક ઘડીભર માટે વિચારના ગહન સમુદ્રમાં ડૂબકી મારીને આવ્યો. ‘ પહેલો દિવસ ! આને ડ્યૂટીની ગોજારી શરૂઆત કહું કે ચેલેન્જિંગ ડે ! જવાદો બીજી કોઈ વાત કરીએ’

‘ પ્લીઝ આલોક ! હવે તો અમારે સાંભળવું જ છે. બેલા બોલી.

‘ આ વાત આપણા વચ્ચે રાખજો.’ કહીને આલોક એ પોતાના એ પહેલા દિવસની આપવીતી શરૂ કરી.

આલોકનુ કથાનક

એમ તો ડ્યુટી નો સમય આઠ વાગ્યાનો હતો પણ હું સમય કરતાં વહેલો પહોંચી ગયો હતો. કારણ હું બહુ ઉત્સાહમાં હતો. પણ એ ઉત્સાહ લાંબો ટક્યો નહીં. કારણકે મારે રિપોર્ટિંગ કરવાનું હતું પ્રદ્યુમનસિંહ ઝાલાને. ઊંચો કાળો અને જાડો .તલવાર કટ મૂછોને રાજાઓની જેમ વાત વાતમાં મસળવા નું ચાલું. પહેલા દિવસથી જ મારી ફિરકી લેવાનું શરૂ કરી દીધું.

‘ ભાઈ આલોક પંચાલ તારું નામ છે ને ! મારી કંઈ ભૂલ તો નથીને ?’

‘ ના સર ! આલોક પંચાલ જ’

બસ પછી મોટેથી ખડખડાટ હસવા લાગ્યા અને સ્ટાફમાં બૂમો પાડીને કહેવા લાગ્યા-“ વાઘેલા આ પંચાલ ક્યાંથી પોલીસ માં જોડાવા લાગ્યા ! તારે તો પંચાવન થયાં અને મારે બેતાલીસ !મળ્યુ કોઈ પંચાલ પોલીસ ફોર્સમાં ?’

‘ અરે પછી શું ચા લેવા પણ મને મોકલ્યો. ત્યાં સુધી કે ટ્રેનિંગ બરાબર લીધી હોય ત્રીસ દંડ મારીને બતાવો.’

‘ મેં એને બતાવવા ત્રીસ દંડ માર્યા પણ ખરા.મનમાં એવું હતું કે થોડુંક રેગીંગ તો શરૂઆતમાં થવાનું જ .ટ્રેનિંગથી આવો અનુભવ હતો. બહુ અકળાવુ નહીં. પણ એક ફોને આખી કથા જ બદલી નાખી. સેટેલાઈટ વિસ્તારમાં રાત્રે એક મહિના નું ખૂન થયેલું, અને તપાસની જવાબદારી પ્રદ્યુમનસિંહ ઝાલાને સોંપાઈ.’

‘ વાઘેલા ને જોઈને કહે, જુનિયર ને સાથે લઈ જઈએ ! ટ્રેઇન તો કરવો પડશે.’ અમે તાબડતોડ પોલીસવાનમાં સેટેલાઈટ પહોંચ્યા. આટલું બોલી આલોક પળવાર ખામોશ રહ્યો.

‘ ગાયસ ! આ મર્ડર એટલી વિચિત્ર રીતે થયું છે ને તમે બંને છોકરીઓ ડરી તો નહિ જાવ ને ?’

‘ ડરવાની આદત તારી આસ્થાને છે. તું કંટીન્યુ કર’ બેલા બોલી.

‘ સેટેલાઈટ એરિયા માં એક જ બ્લોક ની સ્કીમ છે અભિષેક એપાર્ટમેન્ટ.ખૂન બીજા માળે અહીં વોડાફોન માં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતી નિરાળી શાહ નુ થયું હતું. નિરાળીના માતા-પિતા મોટાભાઇ સાથે સુરત રહે છે, અને પોતે જોબ માટે અમદાવાદ ! છોકરી ફ્લેટમાં એકલી જ રહેતી એવું આજુબાજુવાળા એ કહેલું.હવે 10:00 વાગે સવારે નિરાલીના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 6 માં કામવાળી આવી ,ત્યારે સવાર નુ છાપુ અને દૂધ બહાર જ પડેલ. કામવાળીએ ખાસી ડોરબેલ વગાડી પણ દરવાજો કોઈએ ખોલેલ નહીં. મેડમ કદાચ ઓફિસના કામે વહેલા નીકળી ગયા હશે પણ પોતાને કોઈ ફોન કરેલ નથી. તેણે નિરાલી શાહનો મોબાઈલ લગાડ્યો. પણ ઘણી વાર રિંગ વાગવા છતાં કોઈ રિપ્લાય આવ્યો નહીં. ફલેટ ની એક બીજી ચાવી નિરાલી તેને આપી રાખતી. તેની મદદથી મેઇન રૂમમાં દાખલ થઈ.મેઇન રૂમમાંથી એ કિચન સુધી જવા ગઈ, ત્યાં જ તેની નજર બેડરૂમના દરવાજામાંથી બહાર નીકળેલ લાલ રંગ પર પડી. એ ચોંકી ઉઠી નક્કી એ લોહી જ લાગતું હતું !થોડું થીજી ગયેલું !બીકના માર્યા તેણે દરવાજો અડધો ખોલ્યો. આશાબાઇ નામ હતું એ કામવાળીનુ. અડધા દરવાજા માંથી જોયેલા દ્ર્શ્યે આશાબાઇ ચીસ પાડીને દોડીને નીચે આવી ગઈ. હાંફતા હાંફતા એ વોચમેન પાસે ગઈ એટલું જ બોલી ‘ મેડમ મર ગયે ! મેડમ કો માર દિયા !’

‘વોચમેને સો નંબર પર ફોન જોડ્યો અને તપાસ કરવા અમે ત્યાં પહોંચ્યા. ઝાલાએ અને અમારી ટીમે હાથ મોજા ચડાવ્યા.અમે અંદર પહોંચ્યા. નિરાલી શાહ બેડરૂમ ના બારણાની નજીક જ પડી હતી.આખો દેહ લોહીમાં લથપત ! બેડરૂમના ડબલ બેડ ની ચાદર લોહીમાં એટલી તરબતર હતી કે નો ઓરીજનલ રંગ જ ખબર ન પડે ! બેડરૂમની દિવાલ પર લોહી ની પિચકારીઓ ! બહુ કરપીણ હત્યા કરવામાં આવી હતી.તપાસ કરતા પ્રારંભિક અનુમાન લાગે છે ખૂની ઉઠાવીને નિરાલીને બેડરૂમમાં લાવ્યો હશે.બેડરૂમ લોક કરીને ની નિરાલી પર અત્યાચાર કરવાનું ચાલુ રાખ્યું હશે.ઠેકઠેકાણે ધારદાર છરી કે ,બીજા શસ્ત્ર વડે નિરાલીના શરીર પર ઉઝરડા કર્યા. ત્યાં સુધી કે તેના મોં પર પણ !આખરે નિરાલીના બંને હાથની નસો કાપી નાખી !નસોમાંથી લોહી વહેવા લાગ્યું હશે અને તેણે તરફડિયાં માર્યા હશે. પેલો એ બધું જોતો ત્યાં જ બેસી રહ્યો.એ હાલતમાં પણ નિરાળી પથારીમાંથી ઘસડાતી ઘસડાતી નીચે આવી, દરવાજા સુધી ના પહોંચી શકી ! એની અંતિમ ક્ષણો આવી ગઈ હશે ! ખુની આગળ આજીજી સ્વરૂપે તેણે બેડરૂમ ની નજીક ની દીવાલો પર છેલ્લા શબ્દો લખ્યા. પણ એ નરાધમ એ જ હાલતમાં તેને છોડીને જતો રહ્યો.”

‘ શું હતા એ શબ્દો દિવાલ પર ?’ ધબકતા હૃદયે બેલા એ પૂછ્યું

આલોક ને આ વાત કરતા ઉલટી આવી ગઈ. ઓકીને આખું ટેબલ તેણે બગાડી નાખ્યુ. લાગણીસભર અવાજે તે બોલ્યો- દિવાલ પર નિરાલીએ લોહીથી શબ્દો લખ્યા હતા- ‘ H E L P