અજાણ્યો શત્રુ - 5 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 5

છેલ્લે આપણે જોયું કે બોસે બોલાવેલી મીટીંગમાં રાઘવ, વિરાજ તથા ત્રિષાના ચાઈના જવાની યોજના ફાઈનલ થાય છે. મિલી બીજિંગ પહોંચી ફરવા જવાનું વિચારે છે.

હવે આગળ......

******


મિલી પાંચ દિવસ બીજીંગ ફરી ત્યાંથી ટ્રેન મારફતે હર્બિન જવાનું નક્કી કરે છે. બીજીંગમાં ફરવામાં તેનો સમય કેમ વહી ગયો તેની ખબર જ ન રહી. પરંતુ આજે ટ્રેનમાં બેસી હર્બિન જવા તેનું મન માનતું નહતું. તેને દોડીને ઘરે જવાની ઈચ્છા થઇ આવી,છતાં મને કમને એ ટ્રેનમાં બેઠી.

પરંતુ તેને હર્બિન જવાની ઈચ્છા જ થતી નહતી. ફરીવાર તેને ઘર મા બાપની અને ભારતની યાદ આવવા લાગી. આ વખતે તેનો લાગણીઓ પર કાબુ ન રહ્યો અને આંખોમાં પાણી આવી ગયાં. તે ધીરે ધીરે ડુસકાં ભરતી હતી. તેનું ધ્યાન આજુબાજુના લોકો પર રહ્યું નહોતું. આમપણ તેના કમ્પાર્ટમેન્ટમાં તેના સિવાય એક વૃદ્ધ મહિલા અને એક યુવાન એમ ટોટલ તે ત્રણ જ લોકો હતા.

તે યુવાનને હવે મિલીના ડૂસકાંઓનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.તેને મિલી સામે જોયું, ઉપરથી નીચે સુધી તેને જોઈ લીધા બાદ એ તરત જ પામી ગયો કે આ કોઈ ભારતીય યુવતી છે. આથી તેણે ભારતીય ભાષામાં મિલી સાથે વાત કરવાની કોશિશ કરી. તેને મિલી તેને કંઈ તકલીફ હોય તો જણાવવા કહ્યું, સાથે જ કહ્યું કે એ તેનાથી બનતી બધી મદદ કરશે.

મિલીએ પહેલા તો તે યુવકની વાતનો કંઈ પ્રતિભાવ ન આપ્યો,ખરેખર તો તેને આસપાસ શું બનતું હતું તેનો કંઈ ખ્યાલ જ નહતો. તે એક પ્રકારની તંન્દ્રા અવસ્થામાં પહોંચી ગઈ હતી. પરંતુ પેલા યુવકે તેને પકડીને તેનો હાથ જોરથી હલાવ્યો ત્યારે અચાનક તે તંન્દ્રામાથીં સફાળી જાગી ગઈ,અને આજુબાજુ બાઘાની જેમ જોવા લાગી. તેને સ્થળ કે સમયનું ભાન નહતું. એટલી વારમાં તેની સામે બેઠેલો યુવાન તેની પાસે આવીને બેસી ગયો અને ફરીવાર તેને કોઈ તકલીફ હોય તો જણાવા કહ્યું.

મિલી પહેલા તો એ યુવકને આંખો ફાડીને જોતી રહી અને પછી અચાનક જ તેને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે યુવક માટે આ અણધાર્યું હતું, આથી ઘડીક તો તે મુંઝાય ગયો કે શું કરવું? પરંતુ પછી તેને મિલીને પોતાનાથી અળગી કરી અને તેની પીઠ પર હાથ પસરાવવા લાગ્યો. આથી મિલીને થોડી રાહત થઈ હોય એમ લાગતું હતું. તેનું રડવાનું હવે ધીમે ધીમે બંધ થતું હતું.

લગભગ પાંચ સાત મિનિટ પછી મિલી સાવ સ્વસ્થ થઈ ગઈ હતી. તેને પણ સમજાતું નહતું કે તેણે આવું વર્તન કેમ કર્યું, ઘરથી દૂર રહેવાની વાત તેના માટે નવી નહતી કેમકે તે મેટ્રિકમાં હતી ત્યારથી જ બોર્ડિંગ સ્કૂલમાં રહી અભ્યાસ કર્યો હતો,અને મેટ્રિકથી લઈ તેની કોલેજ પૂર્ણ થવા સુધીમાં તે વર્ષના મોટાભાગના સમયે તો હોસ્ટેલમાં જ રહેતી. ફક્ત વેકેશન દરમિયાન જ તે ઘરે આવતી અને તેમાં પણ જો મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બની જાય તો ઘરે વેકેશનનું ફક્ત અઠવાડિયું જ રહેતી.

મિલીને વિચારોમાં ખોવાતી જોઈ તેની પાસે બેઠેલા યુવકે ફરી તેને બોલાવી અને પાણી માટે પૂછ્યું? મિલી એકજ ઘુંટડે લગભગ અડધી બોટલ પાણી પી ગઈ. હવે તેને થોડી રાહત મહેસૂસ થતી હતી. તેને તે યુવકને બોટલ પાછી આપી તથા પોતાના વર્તન બદલ માફી માંગી.

તે યુવકે કહ્યું કે આ તેની ફરજ હતી અને માફી માંગવાની કંઈ જરૂર નથી તથા તેને મિલીને પોતાનો પરીચય આપ્યો. તેનું નામ જેક લી હતું અને તેને અહીં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય હતો. મિલીએ પણ પોતાનો પરીચય આપ્યો અને બન્ને આડીઅવળી વાતોમાં લાગી ગયા.

મિલીએ તેને પૂછ્યું કે ચાઈનામાં રહી તે આટલી સરસ રીતે ભારતીય ભાષા કેવી રીતે બોલી શકે છે? અને તેના રંગ રૂપ પણ ભારતીયને મળતા આવતા હતા?

પ્રત્યુત્તરમાં જેકે કહ્યું, "તેના પિતા મૂળ ભારતીય હતા અને તેની માતા હોંગકોંગના છે. તે દસ વર્ષનો થયો ત્યાં સુધી તેનો ઉછેર પણ ભારતમાં જ થયો હતો. પરંતુ ત્યારબાદ તેના પિતાનું અવસાન થઈ જતાં તેની માતાનું મન ભારતમાં લાગતું નહતું. તેથી તેઓ ફરી હોંગકોંગ આવી ગયા અને પોતે છેલ્લા પાંચ વર્ષથી ચાઈનામાં જ વ્યવસાય કરે છે."

સામે જેક પણ મિલીને તેના ચાઈના આવવાનું કારણ પૂછે છે. મિલી તેને કહે છે કે તે અહીં ચાલતા એક રીસર્ચ પ્રોજેક્ટમાં ભાગ લેવા આવી છે. અને એટલે જ અત્યારે હર્બિન જઈ રહી છે.

હર્બિન રીસર્ચ પ્રોજેક્ટનું નામ સાંભળી જેકના કાન ચમક્યા, જે મિલીની જાણ બહાર હતું. તે તો વાતોમાં જ મશગુલ હતી. જેકને આ રીસર્ચ વિશે વધુ જાણકારી જોઈતી હતી. અને હર્બિન આવવાને હજુ ઘણી કલાકો બાકી હતી. આથી તે મિલી સાથે વધારે વાતચીત કરી પ્રોજેક્ટ વિશે જાણવા ઈચછતો હતો. આમ તો તેનું મુકામ હર્બિન નહતું, તે પહેલાં જ તેનું સ્ટેશન આવી જતું હતું, પરંતુ હવે તે મિલી સાથે હર્બિન સુધી મુસાફરી કરવાનું તય કરે છે.

આથી તે પોતાની યોજના પ્રમાણે ધીમે ધીમે મિલીને વાતોમાં ઉલજાવા માંડે છે, અને હરીફરીને વાત મિલીનાં રીસર્ચ પર લઈ આવે છે. પરંતુ મિલી હજુ રિસર્ચ પ્રોજેક્ટમાં જોઈન થઈ નહતી તેથી તેની પાસેથી જેકને કંઈ ખાસ ઉપયોગી માહિતી મળતી નથી. પરંતુ તેને ખબર હતી કે મિલીને કોઈપણ ભોગે હાથમાંથી છટકવા દેવી જોઈએ નહીં. કેમકે આવી સુવર્ણ તક જીંદગીમાં બીજી વાર સામે ચાલીને આવે તેનો કોઈ ભરોસો નહીં. આ તક ઝડપી લેવાની હતી, કદાચ ફરી મોકો મળે ન મળે.

જેકને મિલીને ફરીવાર મળવું હતું, પણ મળવાનું કોઈ કારણ મળતું નહતું. એ વિચારતો જ હતો કે મિલી પાસે શું બહાનું બતાવવું એટલામાં મિલીએ સામે ચાલીને તેને કારણ આપી જેકનું કામ સરળ કરી દીધું.

મિલીએ જેકને કહ્યું, "તે ચાઈના પહેલી વાર આવી છે અને રીસર્ચ માટે કેટલો સમય રોકાવું પડે તેનું કંઈ નક્કી નથી, આથી જો તે તેને અહીં સેટલ થવામાં અને અહીંની થોડી રીતભાત શીખવવામાં તેની મદદ કરે તો તેને ઘણી મદદ મળશે."

જેક માટે તો આ 'ભાવતું હતું અને વૈદ્યે કહ્યું' જેવું હતું. મિલી સામે ચાલીને તેને મળવા માંગતી હતી અને એ પણ લાંબા સમય માટે. આનાથી સોનેરી તક જેક માટે બીજી નહતી. કેમકે મિલી તેની પાસે મદદ માંગતી હતી અને આ એહસાનના બદલે વખત આવ્યે તે પોતાનું કામ આરામથી કઢવી શકે એવી જેકની ગણતરી હતી. ઉપરાંત અત્યારે તે મિલી માટે અજાણ્યો હોય તેના કામ વિશે તે ઝાઝી વાત ન કરે, પરંતુ એકવાર મિત્રતા થઈ જાય પછી વાત કઢાવવાનું એકદમ આસાન થઈ જાય.

જેક હજી આમ વિચારોમાં અટવાયેલા હતો ત્યાં મિલીએ ફરી વાર તેને પૂછ્યું, એટલે તે વિચારોમાંથી જાગ્યો, પરંતુ મિલીની વાતનો હજુ પણ કંઈ ઉત્તર આપ્યો નહીં. આથી મિલીને લાગ્યું કે કદાચ તે જેક પાસેથી વધુ પડતી આશા રાખી રહી હતી. એમય જેકે તેને ફકત માણસાઈના નાતે મદદ કરી હોય અને તે ગળે પડી રહી હતી.તેથી તેને જેક કહ્યું, "તમે મદદ ના કરી શકો તો કંઈ વાંધો નહીં. તમારે પોતાના પણ ઘણા કામ હોય. અને અત્યાર સુધી પણ તમે મારી ખુબ જ હેલ્પ કરી છે."

મિલીની વાત સાંભળી જેકને થયું કે તે હા કે ના કંઈ બોલ્યો નથી, તેથી તેના મૌનનો ગલત અર્થ નીકળી રહ્યો છે. આથી તરત જ તે મિલીને સેટલ થવામાં તેની હેલ્પ કરવાની હા પાડી દે છે. આમને આમ બીજી આડીઅવળી વાતોમાં તેમનો સફર ચાલતો રહે છે.

હર્બિન પહોંચી જેક મિલીને તેને જ્યાં જવું હોય ત્યાં ડ્રોપ કરવાનું કહે છે. પરંતુ મિલી પ્રત્યુત્તરમાં જણાવે છે કે ' તેને ખુદને પણ ખબર નહતી કે તેને કંઈ જગ્યાએ જવાનું છે. કેમકે તેના રહેવાની વ્યવસ્થા એ સંસ્થા તરફથી કરવામાં આવી હતી, જેમાં તે કામ કરવા આવી હતી. અને તે લોકોએ મિલીને જણાવ્યું હતું કે તેઓ સ્ટેશન પરથી તેને પીકઅપ કરવા મારે વાહનની વ્યવસ્થા કરી દેશે. આથી તેને એ જગ્યાનું એડ્રેસ ખબર નહતી.'

મિલી અને જેક હજુ આવી વાતચીતમાં હતા ત્યાં દુરથી એક વ્યક્તિ હાથમાં 'મિલી ફ્રોમ ઈન્ડિયા' નું પ્લેકાર્ડ લઈ આમથી તેમ કોઈને શોધી રહી હોય એવું લાગ્યું. મિલીએ તે વ્યક્તિને ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યો. બેઠી દડીનો એ માણસ શરીરે થોડોક જાડો હતો. તેને ડ્રાઇવરના ઓફિશ્યલ ડ્રેસ જેવા સફેદ કપડાં અને માથે એજ રંગની ટોપી પહેરી હતી.

તેણે મિલી પાસે આવી તેને હાથમાં રહેલું પ્લેકાર્ડ દેખાડી ઇશારાથી જ 'તે જ મિલી છે?' એમ પૂછ્યું. તેને કદાચ ચાઈનીઝ સિવાયની બીજી ભાષા આવડતી નહતી. છતાં પણ ભાંગ્યા તૂટયા અંગ્રેજીમાં તેને એ વાતની ખાતરી કરી કે તે જેને લેવા માટે આવ્યો છે,તે છોકરી આ જ છે.

પરંતુ જેકને તેને સાથે જોઈ તેને ફરીથી ભાંગી તૂટી ઈંગ્લિશ તથા ઈશારા વડે કહ્યું કે તેને ફકત એક જ વ્યક્તિને લાવવાનું કહેવાયું છે. આ બીજી વ્યક્તિ કોન છે?

આ વખતે મિલીના સ્થાને જેક વાર્તાલાપ આગળ વધારે છે. કેમકે તેને ચાઈનીઝ ભાષા આવડતી હોવાથી વાત કરવામાં સરળતા રહે. જેકે તે ડ્રાઇવર સાથે મસલત કરી મિલીને જણાવ્યું કે તેને અહીં શહેર નજીકના જ એક પરામાં રહેવા માટે ફ્લેટ આપવામાં આવ્યો છે, અને ફ્લેટની ચાવી પણ ડ્રાઇવર પાસે જ છે. જે તેને કલેકટ કરી લેવી. તથા તેને જ્યારે પણ મદદની જરૂર હોય જણાવી દેવા કહ્યું.

ત્યારબાદ જેક મિલીને પોતાનું વિજીટીંગ કાર્ડ તથા પર્સનલ મોબાઇલ નંબર આપી તેને લેવા આવેલી કારમાં વિદા કરે છે. પરંતુ તે પોતે ક્યાંય સુધી કંઈક વિચારતો કારની દિશામાં જોતા ત્યાં જ ઉભો રહે છે.

********


જેક કોણ હતો? તેને મિલીની રિસર્ચમાં એટલો બધો રસ કેમ હતો? જાણવા માટે વાંચતા રહો "અજાણ્યો શત્રુ."

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.