જાણે-અજાણે (55) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (55)

વાતો અને તેનાં બહાનાં શોધતાં રેવા અને કૌશલની એક નાનકડી શરૂઆત થવાં લાગી.

રેવાના જ લગ્નમંડપમાં કૌશલ અને રેવા એકલા બચ્યા હતાં. એકબીજાની આંખોમાં આંખો પરોવી ના જાણે મૌનની ભાષામાં અઢળક વાતો થવાં લાગી હોય તેમ ભાસવા લાગ્યું . કૌશલનાં પગલાં થોડી દુર ઉભેલી રેવા તરફ વધવા લાગ્યાં. અને કૌશલના દરેક વધતાં પગલાં રેવાનું મન ઉત્સાહી બનાવી રહ્યું. કૌશલ રેવાની એકદમ પાસે આવી તેને નિહાળવા લાગ્યો એટલે રેવાએ પુછ્યું " આમ શું જોવે છે?.. " કૌશલે થોડું સ્મિત સાથે કહ્યું " હું મારાં દરવાજે આવેલી ખુશી જોઉં છું. જે રેવાનાં નામથી આવી છે. એક નિર્દોષ અને ખૂબસુરત ખુશી. " રેવાએ થોડું શરમાતા કહ્યું " અચ્છા?.. મને તો નથી લાગતું એવું કાંઈ!..." "તો એ તારી ભૂલ... બાકી મારી આંખે જો... મારી જોડે આજે જે છે તેને જોઈ તુ પણ ઈર્ષ્યા કરી ઉઠીશ..." કૌશલે તરત જવાબ આપ્યો. રેવાએ તેની વાતો હસવામાં કાઢતાં કહ્યું" તો કહે ને મને પણ... બતાવ તારી આખોથી... કે હું પણ ઇર્ષા કરી ઉઠું?.." રેવાને જોરજોરથી હસતાં જોઈ કૌશલે તેનો હાથ પકડી તેનું ધ્યાન ખેચ્યું.. રેવાના હાથની રંગબેરંગી બંગડીઓ કૌશલના સ્પર્શ થી જ ખનકી ઉઠી. એ ખનક અન્ય સંગીત કરતાં વધારે મધુર સંભળાય રહી. કૌશલે ધીમેથી રેવાની કાન તરફ જતાં કહ્યું " પોતાની સુંદરતાને મજાકમાં લેવાની જરુર નથી. ખરેખર તારું રુપ કોઈકવાર મરાં ધબકાર રોકી દે છે. તારી બિંદું જેટલો માથે ટીકો, આંખોમાં ભરેલી કાજળ, તારાં હોઠોની એ મીઠી મુસ્કાન, ગાલ પર ઢળતાં તારાં વાળ અને તારી ખનકતી પાયલ દરેક વસ્તું મને તારી તરફ ખેંચી રહે છે. તું સામેં ના હોવાં છતાં પણ તારાં વિચારો મને એકલાં નથી મુકતાં.હવે જ્યારે મને ખબર છે કે તું મારી થવાની છે તો હવે મને ખબર નથી પડી રહી કે હું મારાં મનને કેવી રીતે કાબુમાં રાખીશ!... " રેવાએ કૌશલની વાતમાં વધારો કરતાં કહ્યું " પણ તારે કાબુમાં રહેવાની જરૂર જ શું છે?.. હું તો જાણે - અજાણે ક્યારની તારી જ બની ચુકી હતી. હવે તો માત્ર બાહ્ય આવરણ મળે છે આપણાં સંબંધને. તારો હક્ક છે મારી પર તો તારે કાંઈ વિચારવાની જરૂર ના પડે ને!" રેવાની વાતોથી થોડો આશ્ચર્ય પામેલાં કૌશલે પુછ્યું " તો શું તને કોઈ વાતનો વિચાર નથી આવતો?.. " " કેમ આવે?... મને તારી પર ભરોસો છે એટલો તો મને પોતાની પર પણ નથી. તું ક્યારેય તારી મર્યાદા બહાર નહીં જાય. અને તું મને ક્યારેય છોડીને પણ નહીં જાય. " અને બસ બન્ને એકબીજાને વળગીને એકબીજામાં જ સમય રહ્યાં.

સંધ્યાકાળની આરતીનાં ઢોલ સાથે નારંગી રંગની વર્ષા સાથે પ્રકૃતિએ બન્નેનું અભિવાદન કર્યું. અને આખરે દિવસ આથમવાની અણીએ આવી રહ્યો. કેટકેટલાં નાટકો અને આસુઓ પછી કૌશલ અને રેવાની એક શરુઆત થઈ હતી. બીજી તરફ પ્રકૃતિની આશાઓને એક નવો છેડો મળ્યો હતો. અને આ બધી વાતમાં ખુશીથી ઝુમી ઉઠતાં રચના અને વંદિતા પોતાનામાં મગ્ન બની આરામમાં હતાં.

રોહન શાંત હતો. ચહેરાં પર કોઈ પ્રતિક્રીયા નહતી. એકલો બેઠો કંઈક વિચારી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. નિયતિની સાથે થયેલો અન્યાય તેને સારી રીતે યાદ હતો. પણ કદાચ કોઈક ખુણે તેને વિશ્વાસ હતો કે નિયતિ તેની પાસે જરૂર આવશે. પણ નિયતિના ઠોકર મારેલી રોહનની લાગણીઓ મૌન હતી. એ લાગણીઓને કેટલો આઘાત લાગ્યો છે તે રોહન કોઈને બતાવી નહતો રહ્યો. પોતે પણ એકદમ મૌન બની બેસી રહ્યો હતો. પણ શું આ મૌન તોફાન પહેલાની શાંતિ છે કે ખરેખર રોહને પોતાની નિયતિ જાણી લીધી છે તે કહેવું મુશ્કેલ હતું.

રેવા અને કૌશલની લગ્ન તૈયારીઓ નવા દિવસની સાથે સ્વાગત માટે ઉભી છે અને ના જાણે કેટ કેટલી નવી વાતો ઉઘાડી પડવા તૈયાર છે. છેવટે રાત ઢળી અને નવાં દિવસની રાહમાં આંખો મીચાય ગઈ. અને જોતજોતામાં સવાર પડી. સોનેરી તાપ રેવાનાં ચહેરે મસ્તીએ ચઢ્યો અને તેની આંખો ખુલી. અને તે એકદમ ગભરાય ગઈ. કેમકે તેની આસપાસ બધાં લોકો ટોળાં વળીને તેની સામેં જોતાં ઉભાં હતાં. થોડો શ્વાસ લેતાં રેવાએ કહ્યું " શું છે?... મારાં માથે કેમ ચડી બેઠાં છો?" અને બધાં એકદમ હસી પડ્યાં. વંદિતાએ ઉમેરતાં કહ્યું " દીદી અમેં તો તમને મળવા માત્ર જ આવ્યા હતા પણ તમેં એટલી મોટી મુસ્કાન સાથે સુતા હતાં કે તમને જ જોતાં ઉભાં રહ્યાં. કદાચ તમને યાદ ના હોય તો હું તમને યાદ કરાવું કે તમારી લગ્નની વીધીઓ શરૂ થશે. પંડિતજી હમણાં આવતાં જ હશે!.. તો કૌશલભાઈનાં વિચારોમાંથી ઉંચા આવો અને પરવારો." વંદિતા બધાં સામેં ખુલ્લાં મનથી રેવાને ચિડાવવા લાગી. આ જોઈ બધાં ખડખડાટ હસી પડ્યાં. અને વાતાવરણમાં જાણે એક અદ્દભુત સકારાત્મક ઊર્જા પ્રસરી ઉઠી. બીજી તરફ શેરસિંહજી અને અમી પણ પહોંચી ચુક્યાં હતાં. સાથે પંડિતજી પણ પોતાનાં ચોપડાં ભરેલો થેલો પકડી આવી ચુક્યાં. બધાની નજર પંડિતજીનાં વાક્યો પર હતી. અને આખરે ઘણી ગણતરી પછી રેવા અને કૌશલનાં જોડાણનો સમય નક્કી થયો. પાંચ દિવસ પછીનું એક મુહૂર્ત કાઢવામાં આવ્યું. અને તે પહેલાં બધી વિધી પુરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યું. અને શંખનાદ સાથે તૈયારીઓ શરૂ થઈ. દરેક વ્યકિત ખુશ હતાં. પણ હજું બે મન કચવાતા હતાં. ખરેખર તો ત્રણ. અનંત , રોહન અને સાક્ષી.

અનંતનું મન એ વિચારોમાં ફસાયેલું હતું કે પ્રકૃતિ શું વિચારે છે હજું પણ અને તેની સાથે વાત કેવી રીતે થાય!.. સાક્ષીનું મન એ વિચારમાં હતું કે તેનાં જ પિતા અને બહેન તેને માફ કરી શકશે કે નહીં?..... પણ રોહન......રોહનનાં મનમાં શું ચાલતું હતું તે કોઈ સમજી શક્યું નહતું. પણ રોહનને જોઈ રેવાનાં મનમાં એક અજીબ તરંગ ઉત્પન્ન થઈ રહી હતી. ખબર નહીં કેમ પણ તેનું મન ગભરાય રહ્યું હતું.
બધી વિધિ વિધાનને શરૂ થવામાં હજું બે દિવસ હતાં. એટલે રેવાએ કૌશલને તેનાં મનની દશા કહેવાનું વિચાર્યું. તેને વિશ્વાસ હતો કે કૌશલ તેની વાત સમજશે. પણ દરેક વખતની જેમ આજે પણ કૌશલની તરફ ચાલતા રસ્તામાં રોહન આડો આવ્યો. રેવાએ તેની તરફ ધ્યાન ના આપ્યું અને ચાલતી થઈ એટલે રોહને અવાજ આપ્યો " નિયતિ.... હવે એટલી દૂર થઈ ગઈ છે કે મારી તરફ જોવાનું પણ તને મહત્વનું નથી લાગતું?.. " રેવા તેની વાત સાંભળી ઉભી રહી. થોડું ગુસ્સા ભરેલા અવાજે કહ્યું " ના... ઉતાવળ છે એટલે ...." " તો બે મિનિટ વાત કરવાનો પણ સમય નથી?" રોહને ધીમેથી પુછ્યું. " વાત કરવા માટે કશું રહ્યું છે બાકી?" રેવાએ જવાબ આપ્યો. અને તે ત્યાથી ચાલવાની કોશિશ કરવા લાગી એટલે પાછળથી રોહને તેનો હાથ પકડી તેને રોકી લીધી. આ જોઈ રેવા રોષે ભરાઈ. રોહનનાં ચહેરાં પર કંઈક અલગ ભાવાર્થ દેખાતો હતો. રોષે ભરાયેલી રેવાએ તેનો હાથ છટકારી છોડાવાની કોશિશ કરી. પણ રોહને તેની પકડ વધારે મજબુત કરી અને કહેવા લાગ્યો " મને માત્ર તારી સાથે વાત કરવી છે. આમ ગુસ્સે ના ભરાઈશ. " રેવાએ થોડો વિચાર કરી કહ્યું " બોલ શું કહેવું છે? અને જલદી કર... મને બીજાં ઘણાં કામ છે. " રોહનનાં મનમાં આ વાત ધારદાર અસર કરી રહી હતી છતાં તેણે પોતાનું મન શાંત રાખતાં કહ્યું " રેવા તને નિયતિનું જીવન યાદ છે?.. તને યાદ છે તારું આખુ જીવન?" રેવાએ થોડું વિચાર્યું. પણ તેને કશું સ્પષ્ટ યાદ નહતું એટલે તેણે કહ્યું " તેનાથી હવે શું ફર્ક પડે છે?.. મને જે જોઈતું હતું એ બધું જ આજે મારી પાસે છે. અને હું ખુશ છું તેનાંથી. " રોહને થોડું હસતાં કહ્યું " નિયતિ.... આ નામ એટલું સરળ અને પ્રભાવી છે ને એટલું જ તારું વ્યક્તિત્વ પણ. તું જ્યારે મને પહેલીવાર મળી હતી ને ત્યારે મને જોઈ એકદમ ગભરાઈ ગઈ હતી. મને હજું પણ યાદ છે તારો એ માસુમ ચહેરો. તારાં સુંદર ચહેરાં પર એક નાના શિશુની માફક ભય આવી ગયો હતો. પણ છતાં તું આખી કૉલેજમાં સૌથી વધારે સુંદર દેખાય રહી હતી. અને પછી તારી એ બોલકણી હરકતો. તારું વાત- વાતમાં કરી ઉઠેલી મસ્તી અને બેધડક બોલવાની આદત તો જાનલેવા હતી. હું આજે પણ કહી શકું કે જે તને જાણી જાય તે તારી સાથે પ્રેમ કર્યા વગર રહી જ ના શકે. અને કદાચ એમાં હું પણ ઉમેરાય ગયો. મને ખબર જ નહતી કે ક્યારે તું મારું આખું જીવન લઈને બેસી ગઈ. અને મેં ખુશી ખુશી આપી પણ દીધું.

અને આજે પણ હું એમ કરવાં તૈયાર જ બેઠો. હા સમજું છું કે મેં ઘણી ભુલો કરી છે. પણ શું એક નવી શરૂઆત ના થઈ શકે?.. શું તું નિયતિ ના બની શકે?.. શું તને ખરેખર મારાં માટે જરાંક પણ લાગણી નથી? " રોહનનાં દરેક પ્રશ્નો રેવાનો હાથ નિયતિ બનવા તરફ ખેંચી રહ્યો હતો. તે શું બોલે તેને કશું સમજાય નહતું રહ્યું. રેવા ત્યાથી ભાગી ગઈ. પણ આ હરકતે રોહનને એક આશ આપી દીધી કે હજું પણ કંઈક થવાની સંભાવના છે. અને હવે રોહન ચુપ બેસે તેમ નહતો. બીજી તરફ રેવા માત્ર કૌશલ વિશે વિચારી રહી હતી કે શું તે કૌશલ સાથે અન્યાય તો નથી કરી રહી. કૌશલ રેવાને પસંદ કરે છે પણ શું તે નિયતિને અપનાવી શકશે?.. આવા અનેક વિચારો તેનાં મનમાં ઘર કરી ગયાં હતાં. લગ્નની શરૂઆત પહેલાં જ શંકાના વાદળો છવાય ગયાં હતાં. અને હવે કૌશલ સાથે વાત કરવી વધારે જરૂરી બની ચુકી હતી.

શું હશે કૌશલ અને રોહનની પ્રતિક્રીયા રેવા તરફ?......



ક્રમશઃ