ડિવોર્સી સેક્રેટરી Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ડિવોર્સી સેક્રેટરી

ડિવોર્સી સેક્રેટરી

- મિતલ ઠક્કર

હર્ષિતાને એક અઠવાડિયાથી જતિનભાઇના વલણ અને વર્તન બદલાયેલા લાગ્યા. જતિનભાઇની કંપનીમાં જોડાયાને હજુ સવા મહિનો જ થયો હતો. આટલા દિવસોમાં ક્યારેય તેની સાથે પોતાના જીવનની કે મારા જીવનની અંગત વાત કહી નથી કે પૂછી નથી. હવે રોજ સામે ચાલીને મારા પરિવાર વિશે પૂછતા રહે છે કે એમના પરિવાર વિશે કહેતા રહે છે. અત્યાર સુધી તેમની સાથે સંબંધ એક બોસ અને કર્મચારીનો હોય એવો જ રહ્યો છે. શું તેમના દિલમાં મારા પ્રત્યે લાગણીનાં અંકુર ફૂટી રહ્યા છે...? ના-ના આવું હું કેમ વિચારી શકું? તો પછી એ મારી સાથે લાગણીપૂર્વક કેમ વાતો કરી રહ્યા છે? આટલા અંગત કેમ બની રહ્યા છે? હર્ષિતાના મનમાં સવાલો વધી રહ્યા હતા. હર્ષિતાએ સાંભળ્યું હતું કે જતિનભાઇ જેટલા તેમના પત્ની સુંદર નથી. સામાન્ય રૂપ ધરાવે છે. હા એક વ્યક્તિ તરીકે સારા છે. તો શું જતિનભાઇ મારા રૂપથી આકર્ષાયા છે? હું પણ એમની જેમ ચાળીશમું વટાવી ગઇ છું. પણ કોઇ બત્રીસ-પાંત્રીસની જ માને એટલી શરીરની કાળજી લીધી છે.

હર્ષિતાની જિંદગીમાં ખુશીના વર્ષ ઓછા રહ્યા છે. સ્કૂલમાં ભણતી હતી ત્યારે પિતા કંપનીમાં નોકરી દરમ્યાન આગના બનાવમાં મૃત્યુ પામ્યા હતા. અને માતા તેના લગ્ન અને છૂટાછેડાની સ્થિતિને જોતાં જોતાં આ દુનિયા છોડી ગયા હતા. છતાં તેણે દુ:ખને માથા પર લઇને બેસી રહેવાનું યોગ્ય માન્યું નથી. તે હળવીફુલ થઇને જીવતી આવી છે. બાવીસ વર્ષની ઉંમરે બાપ વગરની હર્ષિતાએ સમાજના એક લાખોપતિ યુવાન સાથે લગ્ન કર્યા ત્યારે તેને કલ્પના ન હતી કે એનું લગ્નજીવન અલ્પજીવી રહેવાનું છે. તેનો પતિ દેખાવે જ સુંદર હતો. મનનો મેલો હતો. તેના પર ખોટા આક્ષેપ મૂકીને છ મહિનામાં છૂટાછેડા આપી દીધા. પાછળથી ખબર પડી કે એ તેની નવી સેક્રેટરી પાછળ પાગલ હતો. અને છૂટાછેડા પછી તરત તેની સાથે પરણી ગયો હતો. હર્ષિતાના મનમાં એ વાત યાદ કરીને એવો ભય ઊભો થયો કે હું પણ જતિનભાઇની સેક્રેટરી છું. ક્યાંક મારા કારણે એમની પત્ની પર સંકટ તો ઊભું થયું નથી ને?

છેલ્લા ઘણા દિવસથી જતિનભાઇ એને અંગત જીવન વિશે પૂછી રહ્યા હતા. અલબત્ત એમના જવાબ આપવાનું ફરજિયાત ન હતું. હર્ષિતાએ કોઇ વાત છુપાવ્યા વગર બધું જ કહી દીધું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે લગ્ન વિચ્છેદ પછી સેંકડો છોકરાઓ સાથે તેણે વાત કરી હતી. કેટલાય લગ્ન પરિચય મેળાઓમાં ભાગ લીધો હતો. પરંતુ તે છૂટાછેડા લીધેલી સ્ત્રી હોવાની વાત આડે આવતી હતી. કેટલાય એવા છોકરાઓ હતા જેમના લગ્નની ઉંમર વીતી રહી હતી. છતાં તે હર્ષિતા સાથે લગ્ન કરવા તૈયાર ન હતા. તેનું એક જ કારણ હતું કે તેનો લગ્ન વિચ્છેદ થયો હતો. તેની આ વાત સામે રૂપ અને ગુણ ગણતરીમાં લેવામાં આવતા ન હતા. પછી હર્ષિતાએ નિશ્ચય કરી લીધો કે તે હવે એકાંકી પણ આનંદિત જીવન ગુજારશે. તેને જ્યારે પણ લાગ્યું કે તેના રૂપને કારણે નોકરી મળી રહી છે ત્યારે સામેથી ના પાડી દીધી હતી. અને રૂપને કારણે તેને પ્રમોશન અપાઇ રહ્યું છે ત્યારે નોકરી છોડી દેતાં એક ક્ષણનો પણ વિલંબ કર્યો નથી. આવી તો કેટલીય નોકરીઓ હર્ષિતાએ છોડી હતી. હવે જતિનભાઇને ત્યાં એનું પુનરાવર્તન થશે કે શું? એવી ચિંતા સતાવવા લાગી હતી. ગઇકાલે તો હર્ષિતાને લગભગ ખાતરી થઇ ગઇ કે જતિનભાઇના મનમાં મારા વિશે કશુંક તો ચાલી રહ્યું છે. તે મારી સાથે વધારે સમય વાત કરી રહ્યા છે કે સમય ગાળી રહ્યા છે? જો તે મારા ચરિત્ર વિશે કંઇ એલફેલ ધારણા કરી બેઠા હોય તો એમને ચેતવી દેવા પડશે. અને જો ખરેખર એવું હોય તો નોકરી છોડી દેવી છે. જતિનભાઇએ તેના લગ્ન-છૂટાછેડા અને બીજી નોકરીઓ છોડવાના કારણ જાણ્યા હતા. છતાં તેને જીવનમાં ફરી લગ્ન કરવા જોઇએ એવું સમજાવવા લાગ્યા હતા. કોઇ યોગ્ય પુરુષ મળ્યો ન હોવાથી લગ્ન ન કર્યા હોવાનું કહી તે વાતને ટાળી રહી હતી.

હર્ષિતાના મનમાં ગડમથલ વધી રહી હતી ત્યારે જતિનભાઇએ આજે તેને આખો દિવસ સતત કામ સોંપ્યું હતું. કામ વધારે હતું એટલે પૂરું કર્યા સિવાય છૂટકો ન હતો. દરરોજ સાંજે પાંચ વાગે છૂટી જતી હર્ષિતાને ખ્યાલ પણ ના રહ્યો અને ઘડિયાળનો કાંટો સાતની ઉપર ચાલવા લાગ્યો. જતિનભાઇએ એક વખત કહ્યું પણ ખરું કે આજે થોડું મોડું થશે. કમિટમેન્ટ પૂરું કર્યા વગર ઓફિસમાંથી નીકળી શકાય એમ ન હતું. હર્ષિતાની સામે જ એમણે પત્નીને ફોન કરી દીધો હતો કે આજે તેને મોડું થશે અને બહાર જમીને આવશે. રાત્રે સવા નવ વાગે કામ પૂરું થયું ત્યારે જતિનભાઇએ તેને એક હોટલમાં જમીને ઘરે મૂકી જવાનો આગ્રહ કર્યો. હર્ષિતાએ ઘણી વખત ના પાડી પણ તે માન્યા નહીં. હર્ષિતાને થયું કે આજે તે જેન્યુઇન કારણથી તેમની સાથે જઇ રહી છે. એમાં જતિનભાઇનો કોઇ બીજો ઇરાદો દેખાતો નથી.

એક ફાઇવસ્ટાર હોટલમાં હર્ષિતા પહોંચી ત્યારે તેને થયું કે આ રીતે કોઇ પરાયા પુરુષ સાથે આવવાનું યોગ્ય ન હતું. તેણે કમને હોટલની ખુરશી પર બેઠક લીધી. હોટલમાં ઝાંખો પ્રકાશ હતો. દૂર બેઠેલી વ્યક્તિઓના ચહેરા સરખા દેખાતા ન હતા. એ વાતથી હર્ષિતાને રાહત થઇ. જમવાનો ઓર્ડર આપ્યા પછી જતિનભાઇએ તેની સામે જોઇને કહ્યું:"હર્ષિતા, તેં લગ્ન વિશે શું વિચાર્યું? મારા જેવો પતિ મળે તો પણ લગ્ન ના કરે?"

જતિનભાઇની વાત સાંભળી તે ચોંકી ઊઠી. તેને થયું કે આખરે જતિનભાઇ પુરુષ જાત જ ને! તેમને છેલ્લા કેટલાક દિવસોથી આ વાત કરવા ઉતાવળા હોવાનું જોઇ જ રહી હતી. આજે આડકતરી રીતે તેમણે સવાલ કરી જ દીધો છે. એ માટે જ અહીં લઇને આવ્યા છે. હર્ષિતા એકદમ ખુરશી પરથી ઊભી થઇ ગઇ. અને ગુસ્સા સાથે પણ ધીમા સ્વરે બોલી:"સર, તમારી પાસે મને આવી આશા ન હતી. હું તમારી સાથે લગ્ન કરવાનું વિચારી શકું એમ જ નથી. હું કોઇનું ઘર તોડું એવી નથી....હું મારું રાજીનામું વોટસએપ પર મોકલી આપીશ...."

હર્ષિતાએ જવા માટે પગ ઉપાડયા ત્યાં એક સ્ત્રી અને પુરુષ તેમની નજીક આવી પહોંચ્યા. આવનાર સ્ત્રીએ જતિનભાઇને કહ્યુ:"તો મિ.જતિનકુમાર, તમે ઓફિસમાં કામ કરીને અહીં કોઇની સાથે લગ્ન કરવાની ઓફર મૂકવા આવ્યા છો? આ મહિલા એનું રાજીનામું આપે એ પહેલાં હું છૂટાછેડાની નોટિસ મોકલી આપીશ..."

"અરે કેતકી! મારી વાત તો સાંભળ! તેજસભાઇ, તમે જ આને સમજાવો ને..." જતિનભાઇએ ધીમા અવાજે વિનંતી કરી.

હર્ષિતાને ખ્યાલ આવી ગયો કે આવનાર મહિલા જતિનભાઇના પત્ની છે અને તેમની સાથે તેમનો ભાઇ તેજસ છે. પોતે અહીં આવીને મોટી ભૂલ કરી છે. તેણે કહ્યું:"બહેન, મને માફ કરી દેજો, પણ હું તમારી સાથે છું. મારો લગ્નનો કોઇ ઇરાદો નથી..."

ગભરાયેલી હર્ષિતાની વાત સાંભળી કેતકીએ તેને એની ખુરશી પર બે હાથથી ખભા દબાવી બેસાડી દીધી અને પોતે બીજી ખુરશી પર બેસતાં બોલી:"તારો લગ્નનો ઇરાદો કેમ નથી? જો આવો છોકરો પતિ તરીકે હોય તો પણ ના પાડીશ?"

કેતકીનો તેજસ સામેનો ઇશારો કરતો હાથ જોઇ હર્ષિતા નવાઇ પામી.

હર્ષિતાની મૂંઝવણ દૂર કરતી હોય એમ કેતકી બોલી:"બહેન, આ બધું નાટક હતું. અમે તારા વિચાર જાણવા માગતા હતા. જતિન છેલ્લા ઘણા દિવસથી તને માપી રહ્યા હતા. આજે તેં સાબિત કરી દીધું કે તું મારી ભાભી બનવાને લાયક છે. તને વાતવાતમાં જતિને કહ્યું જ છે કે તેજસ પણ ડિવોર્સી છે. હા, એ વાતની ખબર નહીં હોય કે એના છૂટાછેડા નિર્દોષ હતા. તારી જેમ એને પણ વર્ષોથી ડિવોર્સીના લેબલને કારણે કોઇ છોકરી મળી રહી ન હતી. જતિને એક દિવસ તારા વિશે વાત કર્યા પછી મેં એને બધી જ વિગતો કઢાવવા કહ્યું. અને આજે તારા વિચાર જાણવા જ આ નાટક અમે જતિન સાથે મળીને કર્યું હતું. તને એક અઠવાડિયું વિચારવાનો સમય આપું છું. તું તારી રીતે નિર્ણય લેવા સ્વતંત્ર છે. અને તું ના પાડીશ તો એ કારણે તને નોકરીમાં કાઢી મૂકવામાં આવશે નહીં!"

હર્ષિતાને વર્ષો પછી દિલમાં ખુશીની એવી લાગણી થઇ જે તે ભૂલી ચૂકી હતી. પહેલી વખત પોતાના પરિવાર સાથે બેઠી હોય એમ લાગતું હતું. તેજસ વિશે તે આછુંપાતળું જાણતી હતી. તે દેખાવમાં સુંદર જ નહીં બધી રીતે પતિ તરીકે યોગ્ય લાગતો હતો. પોતાના વિશે તો તેજસને અગાઉથી ફોટા સાથે બધી જ માહિતી મળી ગઇ હશે અને તે લગ્ન માટે તૈયાર જ હશે! તેજસ તરફ એક નજર નાખીને હર્ષિતા શરમાઇ ગઇ. તે કેતકીને પગે લાગતાં બોલી:"દીદી! આશીર્વાદ આપો!"