Shamitani ris books and stories free download online pdf in Gujarati

શમિતાની રીસ

રીસ

- મિતલ ઠક્કર

શમિતા ઘરમાં વહુ બનીને આવી ત્યારે તરલના પરિવારને ખબર ન હતી કે તેમણે એના વિશે મેળવેલી બધી જાણકારીઓમાં એક રહી ગઇ હતી. તરલના માતાએ શમિતાને વહુ તરીકે પસંદ કરતાં પહેલાં પોતાના ઘણા સગાંઓને તેના સ્વભાવ અને સંસ્કાર વિશે પૂછ્યું હતું. બધાએ જ સારો રીપોર્ટ આપ્યો હતો. એ સાચો પણ હતો. તે સ્વભાવે લાગણીશીલ અને કામગરી હતી. તે આવતાની સાથે જ પરિવારમાં ભળી ગઇ હતી. તેના માટે કોઇને ફરિયાદ ન હતી. પણ એક બાબત તેના સ્વભાવની ખામી કહો કે આદત એ વિશે કોઇ પાસેથી જાણકારી મળી ન હતી. તરલ એક અઠવાડિયું શિમલા હનીમૂન પર જઇ આવ્યો તો પણ તેને ખ્યાલ આવી શક્યો ન હતો. કદાચ એવા કોઇ સંજોગ કે કારણ ઊભા થયા ન હતા કે શમિતાની આ બાબત બહાર આવે. દસ દિવસ પછી તરલ ઘરે આવ્યો ત્યારે તેને પહેલી વખત શમિતાની આ વાતનો પરિચય થયો. વાત આમ તો કંઇ જ ન હતી. અને શમિતા રીસાઇ ગઇ હતી. તે બપોર પછી એમના બેડરૂમમાં જ ભરાઇ ગઇ હતી. તરલે આવીને તેને પૂછ્યું કે શું થયું? ત્યારે તેણે કોઇ જવાબ જ ના આપ્યો. મોં ફુલાવીને બેસી રહી. તરલે માને પૂછ્યું. ગંગાબેન કહે કે પહેલાં તો મને જ ખ્યાલ ના આવ્યો કે એ રીસાઇને કેમ જતી રહી. પછી મેં બધું યાદ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દાળમાં લીંબુ વધારે નાખ્યું છે એ હવે ઓછું નાખજે એમ કહ્યું એટલામાં રીસાઇ ગઇ હતી. તરલે એ દિવસે ગમે તેમ કરીને એને મનાવી લીધી. પણ હવે તો શમિતાનું રીસાવું વધી ગયું હતું. ગંગાબેન સાથે તે બધી રીતે સારો વ્યવહાર કરતી હતી. જેવી કોઇ વાતે રીસાઇ જાય તો બોલવાનું બંધ કરી દેતી હતી. ગંગાબેનનું મન મોટું હતું. તે શમિતાને નાદાન ગણીને તેને માફ કરી દેતા હતા. શમિતા દિલની ભોળી હતી. તેના દિલમાં કોઇ વેરભાવ ન હતો.

શમિતાના સ્વભાવની આ ખામી કોઇ સમસ્યા ન હતી. તરલને થતું હતું કે આ બાબત શમિતાના સ્વાસ્થ્ય માટે સારી ના કહેવાય. અને આ કારણે ક્યારેક પરિવારના સભ્યોમાં કોઇ મનભેદ ઊભો થઇ શકે છે. બે મહિનાથી તરલ ગૂંચવાતો હતો. એક દિવસ કંઇક વિચારીને તરલ તેના સસરા હરીલાલની ઓફિસે પહોંચી ગયો. અને સહજપણે તેમની સમક્ષ આ સમસ્યા રજૂ કરી. હરીલાલ પહેલાં તો હસ્યા. પછી કહે એ નાનપણથી જ આવા સ્વભાવની છે. એને આપણે માનસિક રોગી ના કહી શકીએ. મને એમ લાગે છે કે તે નાની હતી ત્યારે તેની મા ગુજરી ગઇ એ પછી મેં વધારે પડતા લાડ લડાવ્યા છે. તેની દરેક જીદ પૂરી કરી છે. તેને ક્યારેય ઓછું આવવા દીધું નથી. અમારો આશય તેની માની ખોટ પૂરી કરવાનો હતો, જે કદાચ ખામી બની ગયો. તે દિલની સાફ છે. તેનું રીસાવું ક્યારેક જ હોય છે. આ આમ તો મોટી વાત ના કહેવાય. છતાં તમારે ત્યાં એ આવું વર્તન કરે છે એ માટે મને અફસોસ થાય છે. મને કલ્પના ન હતી કે એ ત્યાં પણ આવું વર્તન કરશે. હું કોઇ ઉપાય વિચારું છું.

હરીલાલને મળીને આવ્યા પછી તરલને થયું કે આટલાં વર્ષોથી એ રીસાતી આવી છે તો હવે શું ઉપાય કરી શકશે? તરલને થયું કે એ જ કોઇ મનોચિકિત્સકને મળીને ઉપાય શોધી કાઢશે. તેણે શમિતાને જણાવ્યા વગર એક સપ્તાહ પછીની મનોચિકિત્સકની મુલાકાતનો સમય મેળવી લીધો. પણ બીજા જ દિવસે શમિતાના મામાનો ફોન આવી ગયો. તે થોડા દિવસ પછી પોતાની પુત્રી સાથે વિદેશ જઇ રહ્યા હતા એટલે તેમણે શમિતાને અઠવાડિયું રહેવા બોલાવી હતી. તરલ ના પાડી શક્યો નહીં. તરલને ખબર હતી કે શમિતાના મામી એક વરસ પહેલાં ગુજરી ગયા હતા. તેમની પુત્રી દસ જ વર્ષની હતી. તેને વિદેશ જવા તૈયારી કરાવવી જરૂરી હતી. શમિતા મામાના ઘરે જવાનું મળતાં ખુશ થઇ ગઇ. સાથે તેને પરિવારનો એક સપ્તાહનો વિયોગ ગમ્યો નહીં. મામાના ઘરે જવું જરૂરી હતું એટલે તે ગઇ.

એક અઠવાડિયા પછી શમિતા પાછી આવી ત્યારે ખુશ હતી. તેણે આવીને કહ્યું કે મામાએ અમસ્તી જ બોલાવી હતી. તેમને વિદેશ જવાનું હતું જ નહીં. બધાને થયું કે આ વાતે શમિતા રીસાઇ જશે. પણ તે જોરથી હસવા લાગી. તરલને ચિંતા થઇ. મનોમન તે મનોચિકિત્સકને ફરી ફોન કરી મુલાકાતનો સમય લેવાનું વિચારવા લાગ્યો. ત્યાં તેના કપાળ પર ચિંતાની કરચલીઓ જોઇ શમિતાએ ખુલાસો કર્યો કે મને મારી રીસાવાની કુટેવ માટે અફસોસ છે. હવે હું ક્યારેય રીસાઇશ નહીં. બધા નવાઇથી શમિતાને જોવા લાગ્યા. શમિતાએ ખુલાસો કર્યો કે તે મામાના ઘરે ગઇ ત્યારે તેને એમ જ કહેવામાં આવ્યું કે તેઓ વિદેશ જવાના છે. પણ રોજેરોજ મામાની છોકરી ગરીમા રીસાવા લાગી. તે મારાથી રીસાઇને એક રૂમમાં જતી રહેતી. મામાએ કહ્યું કે મામીના અવસાન પછી તે આવી થઇ ગઇ છે. હું કોઇને કોઇ રીતે એને મનાવવા લાગી અને તે વારંવાર ના રીસાય એ માટી રીસના ગેરફાયદા સમજાવવા લાગી. મને એમ થતું હતું કે ગરીમા ખુશ રહે. હું સતત એવા પ્રયત્ન કરતી કે ગરીમા રીસાય નહીં. પણ તે સાવ નાની અમથી વાતે રીસાઇ જતી. મને મારું બાળપણ યાદ આવવા લાગ્યું. હું તેને લાડથી મનાવતી રહી. એમ કરતાં પાંચ દિવસ થઇ ગયા. છઠ્ઠા દિવસે તે એકપણ વખત ના રીસાઇ. મને થયું કે હાશ! મારો ધક્કો સફળ થયો. મેં તેને રીસાતી અટકાવી દીધી. સાથે સાથે મને એ વાતનો અહેસાસ થયો કે હું પણ આવું જ કરું છું અને એ ખોટું છે. મને વળાવતી વખતે મામાએ હસીને કહ્યું કે મારે અને ગરીમાએ તારા પપ્પાએ આપેલી ભૂમિકા ભજવવાની હતી. એ કારણે તને કોઇ વાતે દુ:ખ પહોંચ્યું હોય તો માફ કરી દેજે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે પપ્પાએ મારી રીસાવાની આદતને બદલવા આ નાટક ગોઠવ્યું હતું. કોઇ ઉદાહરણ મળે ત્યારે જ આપણે વાતને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. મેં પપ્પાને ફોન કર્યો ત્યારે તેમણે મને આ વાત જણાવી. હું તમારા સૌની માફી માગું છું. અને કહી દઉં છું કે હવે હું રીસાવાની નથી. હું રીસાઉં એવો ખોટો પ્રયત્ન પણ કોઇ કરશે તો હું પકડી પાડીશ!

તરલ અને તેના માતા-પિતાની આંખોમાં હર્ષાશ્રુ હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED