મનમાં શાંતિ નહોતી. સ્વભાવમાં આછું ચીડચીડયા પણું આવી ગયું હતું. છ મહિના વીતી ગયા હતા. માલિની ની બહુ નજીક આવી ગયો હતો અને બીજી તરફ આંશી નજીક આવી રહી હતી. એક સાથે ન રહે તો ગૃહસ્થી જીવનની ઘટમાળ અટકી પડી અને આંશીની બાજુ ના રહે તો આર્થિક સ્થિતિ પાનખરમાં પાન સુકાય એમ સુકાય જાય. પાછળના વર્ષોમાં જે પરિસ્થિતિ સર્જાય હતી તે ફરી ફરી સર્જાય.
હજી પણ માલિની સુધી વાત પહોંચી નહોતી શકી. હવે તો પહેલા કરતા ભય વધુ લાગતો હતો. કેમકે માલિનીની વધુ નજીક આવી ગયો હતો. માલિની તેનો પૂરતો ખ્યાલ રાખતી હતી, તેની દરેક જરૂરિયાત પૂરી કરતી હતી.
ચેતન્યએ માલિનીના ભૂતકાળની તપાસ પણ હાથ ધરી હતી. પાનાં ના એક એક શબ્દ ગણી ગણી ને વાંચ્યા હતા પણ શબ્દોમાં એક પણ દાગ મળ્યો નહોતો. જ્યારે પોતાનો ચહેરો કાચ સામે જોતો ત્યારે બધું ધુધળું જ દેખાતું, પોતાના ચારિત્ર્યમાં કાળા ધબ્બા સિવાય કશું હતું જ નહીં. કેમ બહાર નીકળવું આ સ્થિતિ માંથી એટલું જ કફરું હતું જેટલું ગરમીમાં બરફ ને પીગળવાથી બચાવવો.
સ્કૂલથી છૂટ્યા પછી કાયમ ચા પીવા જતો હતો ચેતન્ય. આજ પણ તે હરરોજની જેમ ચા પીવા ગયો. ચા નો ગ્લાસ પહેલા બાજુ પર મુક્યો, હાથ સહેજ ચોક વાળા હતા, એટલે પેલા ખંખેરી નાખ્યા. પછી ચા ની સરળ ચુસકી લીધી, ઘૂંટ ઘૂંટનો સ્વાદ માણવા લાગ્યો. હજી ચા પુરી થઈ નહોતી, એટલી વારમાં ફોન ની રિંગ વાગી. ફક્ત નંબર હતો નામ નહોતું એટલે થોડીવાર અટકી ને ફોન રિસીવ કર્યો.
"હેલ્લો" એક હાથમાં ચા નો ગ્લાસ અને બીજા હાથમાં ફોન રાખી, બાઇકને સિંગલ સ્ટેન્ડ ચડાવીને બેઠો હતો.
"હેલ્લો, ચેતન્ય હું નિત્યા"
નામ સાથે સોંસરવો શ્વાસ નીચે ઉતરી ચેતન્યનો. પાછળના વર્ષોમાં બંધ થયેલા ધબકારા આજ ફરી અટકી પડ્યા હતા. આખા શરીરમાં ધ્રુજારી વછૂટી ગઈ.
"ઓહહ.., મને એમ જ હતું કે હવે નિત્યા નો અવાજ તો શું કદી પણ જોઈ નહીં શકું, પણ ગયા વર્ષે તારી એક બુક જોઈને મને થયું કે હજી તે જીવે છે. અફસોસ પણ થયો, કંઈ નહીં જે હતું તે, શું કરે છે તું"
"બસ મજામાં છું, ઘણા દિવસથી તારી યાદ આવતી હતી. પણ કોઈ મને રોકતું હતું તને ફોન કરવા માટે"
નિત્યાના શબ્દોમાં પણ એક અલગ હૂંફ હતી. કંઈક અલગ અવાજ હતો. એક સફળ લેખિકા હતી. ત્રણ પુસ્તક બહાર પાડ્યા હતા, અને લોકો ને પસંદ પણ પડ્યા હતા.
થોડી હુંફાળી વાતો કરી, પછી ફોન મુક્યો. વાતોમાં થોડી ચા પણ ઠંડી થઈ ગઈ હતી. ફોન ખિસ્સામાં મુક્યો અને એક જ ઘૂંટડે ચા પીધી. એક નાનો કેરિંગ મેસેજ કર્યો માલિનીને પછી હવાના છેદ ઉડાડતો અને કાનમાં ગાયન સાંભળતો નીકળી પડ્યો.
* * * *
નિત્યા પોતાના આલીશાન ફ્લેટના સાતમાં માળે ઉભી હતી, હાથમાં બુક હતી અને બુકના પાનાં એવી રીતે ફેરવતી હતી કે કંઈક શોધી રહી હોય. "ઓય.. નિત્યા આ કામ કરી લે, આ વસ્તુ અહીંયા મૂકી દે" એવું કેહવા વાળું ઘરમાં કોઈ નહોતું છતાં પણ કાળજીપૂર્વક બધા કામ થતા હતા. જિંદગીને માણવાના અઢળત પ્રયાસ કર્યા હતા. પણ પોતાના મનનું સાંભળ્યું તો જે ગણ્યા ગાંઠ્યા મિત્રો હતા, તે પણ છુટા પડી ગયા હતા. હજી પણ એ કોલેજનો છેલ્લો દિવસ યાદ કરે તો કંપારી છૂટી જાય.
કોઈને મળવું નહોતું એટલે તો સુરત છોડીને વડોદરા આવી પહોંચી હતી. પોતાના સપના તાજા કરવા, એમ એ. પુરા કરી ત્યાં જ સેટ થઈ હતી. બધા સપના પુરા થયા પછી. એક જ વાત નો અણગમો ઘર કરી ગયો હતો. તે પણ અણગમો દૂર કરવા માટે તેમણે ચેતન્યને ફોન કર્યો હતો. વાત થઈ પણ થોડી અધૂરપ રહી ગઈ.
પોતાના ભૂતકાળમાં ઓગળતા સાથે સાથે, ગ્લાસમાં ભરેલું એક માદક પીણું, તેનો એક નાનો ઘૂંટડો પીધો. અને ઘરમાં પ્રવેશી ગઈ.
* * *
મનમાં એવો વિચાર પણ આવ્યો કે નિત્યા ને ફોન કરું અને તેને બધી વાત કહું પણ તે વાત કહેવાથી કોઈ ફાયદો થશે કે નહીં, તે સમજાતું નહોતું. મોડી રાતે અગાશી પર બેઠા માલિની સાથે વાતો પતાવી. બેઠો એવું વિચારતો હતો. ઘણા વિચારોને ફફડાવ્યા પછી આખરે એક સવાલ પોતાનાને કર્યો. કદાચ તે દિવસે હું કોલેજ જ ના ગયો હોતે તો અત્યારે જિંદગી બહુ બેહતર હોત. આટલી ચિંતાતુર રાતે ચાંદ સામે જોતા માલિની જ દેખાઈ.