Incpector Thakorni Dairy - 17 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૭

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું સત્તરમું

ઇન્સ્પેક્ટર ઠાકોરને ઇન્સ્પેક્ટર દરબારનો ફોન આવ્યો ત્યારે નવાઇ લાગી. એમણે એક ખાસ કામથી તેમના પોલીસ મથક પર આવવાનું કહ્યું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરને ખ્યાલ આવી ગયો કે કોઇ વિચિત્ર કેસ હોવો જોઇએ. તે પોતાના સહાયક ધીરાજીને લઇને ઇન્સ્પેક્ટર દરબારના પોલીસ મથક પર પહોચ્યા.

ઇન્સ્પેક્ટર દરબારે તેમને આવકાર આપતાં હસીને કહ્યું:"આવો, તમારા માટે "અમદાવાદી" નહીં અમદાવાદની ખાસ ચા મંગાવું છું!" પછી પિયુનને બોલાવી ઇન્સ્પેક્ટર ઠાકોરના ટેસ્ટ મુજબની ચા લાવવા કહ્યું.

"ઇન્સ્પેક્ટર દરબાર, કેવું ચાલે છે?" ઇન્સ્પેક્ટર ઠાકોરે વાતની શરૂઆત કરી.

"બસ ચાલ્યા કરે છે. જાતજાતના કેસ આવે છે અને કાર્યવાહી થતી રહે છે. પણ એક નર્સનો મોતનો કેસ મારા ગળે ઉતરતો નથી. મેં થોડો પ્રયત્ન કરી જોયો પણ કોઇ કારણ મળતું નથી. મારી ઇચ્છા છે કે તમે પ્રયત્ન કરી જુઓ...." ઇન્સ્પેક્ટર દરબારે બોલાવવાનું કારણ આપ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"તમારી પાસે જેટલી માહિતી છે એટલી આપી દો. હું આગળ તપાસ કરી જોઇશ."

ઇન્સ્પેક્ટર દરબારે વાતની શરૂઆત કરી:" ઇન્સ્પેક્ટર ઠાકોર, આ નર્સનું નામ છે સયાની. અહીંની સિવિલ હોસ્પિટલમાં તે ત્રણ વર્ષથી કામ કરતી હતી. એક અઠવાડિયા પહેલાં હોસ્પિટલના વોર્ડ નં.૭ ના આરામ રૂમમાં તે ચક્કર ખાઇને કે અકસ્માતે પડી અને તેનું માથું લોખંડની બેન્ચ સાથે અથડાતા મોત થયું. પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં પણ લોખંડની વસ્તુ માથામાં અથડાવાથી બ્રેઇન હેમરેજથી મોત થયાનું આવ્યું છે. ક્યાંય કોઇ પર શંકા જતી નથી. મને જાણવા મળ્યું કે સયાનીનો સ્વભાવ બહુ જ સારો હતો. તે હસમુખી હતી. હોસ્પિટલનો સ્ટાફ જ નહીં દર્દીઓ પણ તેના વખાણ કરતા હતા. હંમેશા તે ખુશમિજાજ રહેતી હતી. કેટલાકે એમ કહ્યું કે આવા સારા માણસોની ભગવાનને જરૂર હોય છે એટલે એમને વહેલા પોતાની પાસે બોલાવી લે છે. મને એમાં બહુ વિશ્વાસ નથી. ખરેખર તો આવી કાબેલ નર્સની માનવજાતને વધારે જરૂર હતી. તે અકસ્માતે મૃત્યુ પામી હોય તો સમાજની કમનસીબી છે, પણ જો કોઇએ તેની હત્યા કરી હોય તો એ મોટો અપરાધ છે. હોસ્પિટલને હાલ તો બે નર્સની ખોટ પડી છે. તેની નાની બહેન ચુનરીની સેવા મળવાની હજુ શરૂ થઇ હતી. તે સયાનીને કારણે હોસ્પિટલમાં ચારેક માસ પહેલાં જ જોડાઇ હતી. એ પણ મોટી બહેનના મૃત્યુ પછી આઘાતમાં રાજીનામું આપી બેઠી છે. ઘરે જ છે અને કહે છે કે હવે મારે આ કામ કરવું નથી. ત્યાં રહીને બહેનની યાદ આવતી રહેશે એ સહન થશે નહીં. આ એનો અંગત મામલો છે. એમાં હું કે તમે કંઇ કરી શકીએ નહીં. સયાનીનું કોઇ દુશ્મન ન હોવાથી તેનું મોત અકસ્માતે થયું હોવાનું સિધ્ધ થઇ ચૂક્યું છે. મને શંકા એટલા માટે છે કે પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં તેના માથામાં બે વખત લોખંડની વસ્તુ અથડાવાથી મોત થયાનો ઉલ્લેખ છે. તો શું કોઇએ એના પર હુમલો કર્યો હોય શકે? સ્થળ પરથી તો કોઇ પુરાવા મળ્યા નથી...."

ચા આવી એટલે ઇન્સ્પેક્ટર ઠાકોરે પોતાની વાત અટકાવી. બધાએ ચા પીધી.

"તમારી ચિંતાજનક વાત પછી આ ટેસ્ટી ચાથી તાજગી આવી ગઇ છે. હવે મગજ દોડશે. તમે સયાનીના મોતની આગળ-પાછળની વિગતવાર માહિતી આપો એ પછી હું મારી રીતે તપાસ આદરું છું." ઇન્સ્પેક્ટર ઠાકોર ચાનો ખાલી કપ ટેબલ પર મૂકતા બોલ્યા.

ઇન્સ્પેક્ટર દરબાર યાદ કરીને કહેવા લાગ્યા:"એ દિવસે રાત્રિની ફરજ પર સયાની હતી. હોસ્પિટલના વોર્ડ નં.૭ ની પાસે એક આરામ રૂમ નર્સ માટે બનાવવામાં આવ્યો છે. જેમાં ફુરસદના સમયમાં નર્સને બેસવાનું હોય છે. એમાં એક બેલ છે જે વોર્ડના દર્દીને નર્સની જરૂર હોય ત્યારે વાગે છે. વોર્ડમાં રુટિન ચક્કર ઉપરાંત બેલ વાગે ત્યારે નર્સ વોર્ડમાં જ દર્દી પાસે જતી હોય છે. એ દિવસે રાત્રે ફરજ પર સયાની અને ચુનરી સાથે જ આવી હતી. બંનેને સાથે આવવા-જવામાં સરળતા રહે એટલે એકસાથે પણ અલગ-અલગ વોર્ડમાં ફરજ અપાય છે. રાત્રે નવ વાગે બંને બહેનો પોતપોતાના વોર્ડમાં ફરજ બજાવવા ગઇ. લગભગ દસ વાગ્યાના અરસામાં નિયમ મુજબ વોર્ડની વિઝિટે ડૉ. સંકિત ઝા આવ્યા. તેમના જણાવ્યા મુજબ તેમણે દૂરથી રૂમમાં નજર નાખી પણ કોઇ નર્સ દેખાઇ નહીં. વોર્ડમાં હશે એમ સમજી પહેલાં દર્દીને તપાસ્યો ત્યાં બાજુના દર્દીએ કહ્યું કે ઘણી વખત બેલ વગાડ્યો પણ કોઇ આવતું નથી. એટલે ડૉ.સંકિત રૂમ પર તપાસ કરવા ગયા. અંદર અંધારું હતું. દરવાજાની બાજુની સ્વીચ પાડી લાઇટ કરી અને રૂમમાં નજર નાખી તો લોખંડની બેન્ચને અઢેલીને હાથા પર લોહીથી લથપથ માથા સાથે જમીન પર સયાની બેઠી પડી હતી. તેમણે તરત જ સ્ટાફને બોલાવી પોલીસમાં જાણ કરી. ઓપરેશન થિયેટરમાં લઇ ગયા પણ સયાની ક્યારનીય મૃત્યુ પામી ચૂકી હતી. સયાની આવ્યા પછી સ્ટાફનું કોઇ તેને મળ્યું હોય એવી કોઇ માહિતી નથી. તેને પહેલી વખત જોનાર ડૉ. સંકિત પણ તેના મોતના અડધા કલાક પછી આવ્યા હોવાનો રેકોર્ડ છે. સયાનીને ડાયાબિટીશ જરૂર હતો. એ કારણે બેભાન થઇ પડી ગઇ હોય અને લોખંડની બેંચ વાગી હોય એમ બની શકે. અથવા લાઇટ ચાલુ કર્યા વગર તે અંદર ગઇ હોય અને ઠોકર ખાઇને પડી ગઇ હોય એવી પણ સ્ટાફ તરફથી શક્યતા વ્યક્ત થઇ હતી. હોસ્પિટલના મુખ્ય સર્જનને મેં આ કેસ હત્યાનો હોવાની શંકા વ્યક્ત કરી અલગથી તપાસની વાત કરી ત્યારે તેમણે સહકાર આપવા સંમતિ આપી પણ વાત બહાર ના જાય એની કાળજી રાખવા કહ્યું..."

"ઠીક છે. કેસ તો પહેલી અને છેલ્લી નજરે પણ અકસ્માત મોતનો જ લાગે છે. છતાં મારી રીતે તપાસ કરી જોઉં છું...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની ડાયરી લઇ ઊભા થયા.

"મને વિશ્વાસ છે કે તમે ''નામ છે એમનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એમની નજર છે બહુ ચકોર'' વાતને સાચી ઠેરવશો! તમારે જે માહિતી અને મદદ જોઇતી હોય એ માટે એક ફોન કરશો." કહી ઇન્સ્પેક્ટર દરબાર હસ્યા.

"ચોક્કસ. પૂરતો પ્રયત્ન કરીશ." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજી કેટલાક નામ-સરનામા અને મોબાઇલ નંબર લઇને બહાર નીકળ્યા.

"ધીરાજી, આપણે પહેલી મુલાકાત હોસ્પિટલની લઇએ..." ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા એટલે 'જી' કહી ધીરાજીએ ડ્રાઇવરને સરનામું સમજાવ્યું.

હોસ્પિટલ મોટી હતી. દરેકની શિફ્ટ ડ્યુટી હતી. સ્ટાફને પરસ્પર મળવાનો બહુ સમય મળતો ન હતો. છતાં સયાનીને બધા જ સારી રીતે ઓળખતા હતા. એનું કારણ તેનો સારો સ્વભાવ હતો. તે મળતાવડી હતી અને બધાની સાથે પ્રેમથી હળતી- મળતી હતી. વળી સુંદર હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને એક વોર્ડ બોય પાસેથી જાણવા મળ્યું કે હોસ્પિટલના ઘણા ડોક્ટરો અને સ્ટાફના પુરુષો તેના પર લટ્ટુ હતા. કુંવારી સયાની ઘણા પુરુષોના દિલની ધડકન હતી. અને એ કારણે ઘણી મહિલા સ્ટાફની સભ્ય તેની ઇર્ષા કરતી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તરત જ ઇન્સ્પેક્ટર દરબારને ફોન લગાવી સયાનીના મોબાઇલના છેલ્લા થોડા મહિનાના કોલલોગ અને વોટસએપ ચેટિંગના ડેટા માગ્યા. ઇન્સ્પેક્ટર દરબારે પહેલાં તો કહી દીધું કે એમાંથી કંઇ ખાસ માહિતી મળી નથી. પણ પછી આપવાનું કહ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોરે સયાનીના મોબાઇલના ડેટા તપાસી જોયા તો એમાં તેની બહેન ચુનરી સાથે ક્યારેક જ વાત થઇ હતી. બંને સાથે રહેતી અને આવતી-જતી એટલે આ સ્વાભાવિક જ હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે એક વાત નોંધી કે ફોટામાં સયાની કરતાં ચુનરી વધારે સુંદર અને સેકસી લાગતી હતી. હોસ્પિટલના ડોક્ટર, સંચાલક મંડળ, ઓળખીતા, દર્દીઓ વગેરેના કોલ્સ હતા. પણ કોઇ શંકાસ્પદ ના લાગ્યા. વોટસએપ પરની ચેટ ગૂંચવાડો ઊભી કરતી હતી. ઘણા બધાની સાથે હાય-હેલો જ નહીં રોજના ગુડમોર્નિંગ- ગુડનાઇટ સિવાયના પણ ઘણા બધા સંદેશાની આપ-લે હતી. એ બધા વાંચવાની ફુરસદ ન હતી. ઇન્સ્પેક્ટર ઠાકોર ખુદ પોતાના વોટસએપ પરના અગત્યના સંદેશા વાંચીને બાકીના ફાલતુ તો ડિલિટ જ કરી દેતા હતા. ફરજના ભાગરૂપે સંદેશા વાંચવાનું કામ અત્યારે કંટાળાજનક બની રહ્યું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરને નવાઇ લાગી કે ઘણા પુરુષોએ આડકતરી રીતે તેના જેવી પત્નીની ઇચ્છા વ્યક્ત કરી હતી. કલાકોની મહેનત પછી તેમણે નક્કી કર્યું કે એ દિવસની રાત્રિના આઠથી દસ વાગ્યાની ચેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરું. થોડી ઘણી માહિતીને આધારે ઇન્સ્પેક્ટર ઠાકોરે ચુનરીને મળવાનું નક્કી કર્યું. કદાચ કોઇ પુરુષ સયાનીના પ્રેમમાં હોય અને બીજાએ તેની હત્યા કરી દીધી હોય. કે પછી કોઇ મહિલાએ ઇર્ષ્યામાં તેને પતાવી દીધી હોય.

ઇન્સ્પેક્ટર ઠાકોરને અચાનક આવેલા જોઇ બેડ પર સૂતી ચુનરી એકદમ બેઠી થઇ ગઇ.

ઇન્સ્પેક્ટર ઠાકોરે પોતાનો પરિચય આપ્યો અને સયાની વિશે પૂછ્યું.

ચુનરી પહેલાં તો રડી જ પડી. થોડી ક્ષણ પછી બોલી:"સાહેબ, એના વગરનું જીવન એ જીવન જ નથી લાગતું. ચોવીસ કલાક અમે સાથે જ રહેતા હતા. મા-બાપ ગુજરી ગયા પછી અમે જ એકબીજાના મા-બાપ હતા. હું એકલી પડી જાઉં એટલે તે જલદી લગ્ન કરવા માગતી ન હતી. કેટલાય સારા પુરુષો તેને જીવનસાથી બનાવવા તલપાપડ હતા. પણ એ હા પાડતી ન હતી. છેલ્લા દિવસે પણ તેણે કોઇ ખાસ વાત કરી ન હતી. તેનો સ્વભાવ જ એટલો સારો હતો કે કોઇપણ તેની સાથે દિલ જોડી બેસે...." કહેતી તે પાણી લેવા જવા લાગી. ધીરાજી તેને અટકાવવા જતા હતા પણ ઇન્સ્પેક્ટર ઠાકોરે ઇશારાથી એમને રોક્યા.

ચુનરી રસોડામાં ગઇ એ દરમ્યાન ઇન્સ્પેક્ટર ઠાકોરે આખા રૂમમાં નજર નાખી લીધી અને ફટાફટ મોબાઇલ કેમેરાથી એ રૂમનું વીડિયો શુટિંગ પણ કરી લીધું. પાણી પીને ઇન્સ્પેક્ટર ઠાકોર તરત જ ઊભા થઇ ગયા અને રજા લીધી.

બહાર આવી ધીરાજીએ નવાઇથી કહ્યું:"સાહેબ, કોઇ પૂછપરછ વગર જ આપણે તો નીકળી આવ્યા..."

"ધીરાજી, તેને પૂછવાની જરૂર ના રહી. મારા કેમેરામાં શુટિંગ કર્યું એ જોવું પડશે..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર એ અડધી મિનિટનું શુટિંગ વારંવાર પોઝ કરીને એક એક દ્રશ્ય જોવા લાગ્યા. એમાં ચુનરીના બેડની બાજુમાં મૂકેલા ટેબલ પર પાણીનો જગ અને ગોળીઓની બે સ્ટ્રીપ હતી. તેમણે નામ વાંચીને એક ડોક્ટરને ફોન કર્યો. પછી બોલ્યા:"ધીરાજી, ચુનરી ગર્ભવતી લાગે છે. તેના ટેબલ પર આર્યન અને વિટામિન્સની ગોળીઓ એવો ઇશારો કરે છે. એના પર નજર રાખવી પડશે. પણ એ પાછી ગાયનેકોલોજીસ્ટને બતાવવા જાય ત્યાં સુધીનો આપણી પાસે સમય નથી...."

ઇન્સ્પેક્ટર ઠાકોરે ઇન્સ્પેક્ટર દરબારને ફોન કરી એક આંગણવાડી કાર્યકર બહેનને ચુનરીના ઘરે આરોગ્યલક્ષી માહિતી મેળવવા મોકલવા સૂચના આપી.

બીજા દિવસે સાંજે ઇન્સ્પેક્ટર ઠાકોરના મોબાઇલમાં માહિતી આવી ગઇ હતી. ચુનરીને ત્રણ માસનો ગર્ભ છે. તેણે પતિ તરીકે સંકિતકુમાર ઝાનું નામ લખાવ્યું છે.

ધીરાજી કહે:"ચુનરી મા બનવાની છે એને અને સયાનીના મોતને શું સંબંધ છે?"

"ચુનરીએ સયાનીને આ વાતની જાણ કરી હોય એમ લાગતું નથી. અને સયાનીના વોટસએપ ચેટમાં સંકિતે તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી."

ઇન્સ્પેક્ટર ઠાકોરે હોસ્પિટલના મુખ્ય સર્જન સાથે વાત કરી કેટલીક માહિતી મંગાવી અને જોયા પછી બોલ્યા:"આપણે સંકિતને મળીએ..."

ઇન્સ્પેક્ટર ઠાકોરને હોસ્પિટલમાં વ્યસ્ત ડૉ. સંકિતની મુલાકાત માટે બે કલાક રાહ જોવી પડી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે સયાની વિશે માહિતી પૂછી ત્યારે ડૉ.સંકિત બોલ્યા:"સાહેબ, બધા જે જાણે છે એ હું જાણું છું. અને મેં મારું બયાન ઇન્સ્પેક્ટર દરબારને લખાવી દીધું છે..."

"પણ જે નથી લખાવ્યું એ અમારે જાણવું છે..." ઇન્સ્પેક્ટર ઠાકોર અસલ પોલીસના મૂડમાં આવી ગયા.

ડૉ. સંકિત થોડા મૂંઝાયા પછી બોલ્યા:"શું નથી લખાવ્યું?"

"એ જ કે, સયાની સાથે તમે પ્રેમમાં હતા. અને લગ્ન કરવાના હતા."

"એ વાતનો હવે શું મતલબ છે? સયાની આ દુનિયામાં નથી. મારે એને ભૂલી જવાની છે."

"ભૂલી જવાની છે કે ભૂલને છુપાવવાની છે..."

" ઇન્સ્પેક્ટર ઠાકોર, તમે ગોળ ગોળ ના બોલો, જે વાત કરવી હોય એ સ્પષ્ટ કહો."

"તમે પોલીસને ગોળ ગોળ ફેરવી છે. હું જે કહી રહ્યો છું એ તમને સમજાઇ જવું જોઇએ. છતાં જો ના સમજાયું હોય તો કહી દઉં કે સયાનીની તમે હત્યા કરી છે...."

"શું કહી રહ્યા છો ઇન્સ્પેક્ટર ઠાકોર? તમને ખ્યાલ છે તમે કોના પર આક્ષેપ કરી રહ્યા છો?"

"આ સફેદ કપડા પર કોઇના લોહીના ડાધ છે એ હું જોઇ રહ્યો છું. એનો કોઇને ખ્યાલ પણ નથી. ડૉ.સંકિત તમે આવું કેમ કર્યું?"

"અરે! તમે તો સીધો જ આરોપ મૂકી રહ્યા છો. ઇન્સ્પેક્ટર દરબારે અકસ્માત મોતનો કેસ નોંધી દીધો છે અને એ અકસ્માત મોત છે પછી આ શું માંડ્યું છે તમે?"

"ડૉ. સંકિત, તમારું કામ કોઇનો જીવ લેવાનું નહીં બચાવવાનું છે. તમે ગુનો કબૂલ કરી લો તો સારું છે. મારી પાસે બધા જ પુરાવા છે."

"શું પુરાવા છે?"

"જુઓ, એ રાતની ઘટના તમને કહું છું. રાત્રે નવ વાગે સયાની ફરજ પર આવી એ પછી તરત જ એણે તમને મળવા આવવાનો મેસેજ કર્યો...."

"હા, પણ હું દસ વાગે વિઝિટ પર ત્યાં જવાનો હતો એટલે જવાબ ના આપ્યો. હું કારમાં આવીને સાડા નવ વાગે રજીસ્ટરમાં સહી કરી વોર્ડ નં. ૫ ની મુલાકાત લઇને દસ વાગે પહોંચ્યો ત્યારે એ મૃત્યુ પામેલી હતી...."

"પણ તમે તો રાત્રે નવ વાગે જ હોસ્પિટલમાં આવી ગયા હતા. જુઓ, મારી પાસે હોસ્પિટલના પાછળના દરવાજાના રોડના ફૂટેજ છે. તમે નવ વાગે આવીને દસ જ મિનિટમાં ત્યાંથી જ બહાર નીકળો છો. અને પછી મુખ્ય દરવાજા પર આવીને રજીસ્ટરમાં સાડા નવ વાગ્યાની નોંધ કરી છે. મતલબ કે તમે સયાનીની હત્યા કરીને બહાર આવી ગયા. જેથી તેના મોતના નવથી સાડાનવ વચ્ચેના સમય દરમ્યાન હોસ્પિટલમાં ન હતા એ સાબિત થાય. હોસ્પિટલમાં દરેક વોર્ડમાં કેમેરા ન હોવાનો તમે લાભ લીધો. જોકે, પાછળના દરવાજે પણ કેમેરા હતો એનો તમને ખ્યાલ નહીં રહ્યો હોય. બીજી વાત એ છે કે સયાનીની બહેન ચુનરીના પેટમાં તમારો અંશ ઉછરી રહ્યો છે. એના માટે તમે સયાનીને હટાવી દીધી છે. હવે ગુનો કબૂલ કરો છો કે સયાનીનું બીજી હોસ્પિટલમાં પીએમ કરાવી એના કપડાં પરના તમારા હાથના નિશાનની ફોરેન્સિક તપાસ કરાવું?"

"સાહેબ, હું મારો ગુનો કબૂલ કરું છું..." ડૉ.સંકિત હતાશ અવાજે બોલ્યા.

"તમે ડૉક્ટર થઇને....?" ઇન્સ્પેક્ટર ઠાકોરને ડૉ.સંકિતની વર્તણૂંક સમજાતી ન હતી.

"જી, મને બીજો કોઇ ઉપાય ના દેખાયો. પહેલાં હું સયાનીને જ પ્રેમ કરતો હતો. એ પણ મને ચાહવા લાગી હતી. હું તેની પાછળ દીવાનો હતો. તે લગ્ન કરવા તૈયાર થઇ રહી હતી. દરમ્યાનમાં તેની બહેન ચુનરી હોસ્પિટલમાં દાખલ થઇ. એ મારા પ્રેમમાં પડી. એક જ માસમાં તે મારી પાછળ પાગલ થઇ ગઇ. હું પણ તેના રૂપના મોહમાં સયાનીને ભૂલવા લાગ્યો. અને એક દિવસ એ મારા ઘરે આવી ત્યારે ભાન ભૂલી હતી. મેં બહુ સંયમ રાખ્યો પણ તેના આકર્ષણ અને આગ્રહ સામે મારામાંનો પુરુષ એના તાબે થઇ ગયો. બે મહિના પછી ચુનરીને ખબર પડી કે તે મા બનવાની છે. આ તરફ સયાની જીવ પર આવી ગઇ હતી. તે લગ્ન માટે દબાણ કરી રહી હતી. જો એને ખબર પડે કે હું ચુનરીના બાળકનો પિતા બનવાનો છું તો એ ન જાણે શું કરી નાખે. એને માર્ગમાંથી હટાવવા એ દિવસે હું પાછળના દરવાજેથી વહેલો આવી ગયો. જેવી એ રૂમમાં ગઇ કે હું દરવાજો આડો કરી અંદર ગયો. અને લાઇટ બંધ કરી દીધી. તે મને જોઇ ભેટી પડી. મેં એને કહ્યું કે આપણે લગ્ન કરીશું. તે ખુશીથી ઉછળી પડી. નાચવા લાગી. મેં લાગ જોઇને એને પકડી લોખંડની બેન્ચ પાસે લઇ જઇ તેને પ્રેમ કરવાની સ્ટાઇલથી નીચે નમાવી અચાનક લોખંડના હાથા પર તેનું માથું જોરથી અફાડ્યું. પહેલા પ્રહારમાં જ તે બેભાન જેવી થઇ ગઇ. છતાં મેં તેનું મોત પાકું કરવા માથું પાછું અથાડ્યું. તેને ત્યાં જ પડતી મૂકી હું બહાર સરકી ગયો....પણ તમે આ બધું કેવી રીતે શોધી કાઢ્યું? મને એમ કે હું પકડાવાનો નથી. અને પાછળથી ચુનરી સાથે લગ્ન કરી સુખીથી જીવન જીવીશ..."

"ડૉ. સાહેબ, હત્યાનું પાપ કર્યા પછી સુખ-ચેનથી જીવાતું નથી. ઇન્સ્પેક્ટર દરબારને શંકા ના ઊભી થઇ હોત તો કદાચ તમારું સપનું સાકાર થઇ ગયું હોત. પણ કુદરત કોઇને છોડતી નથી. વહેલી કે મોડી પાપની સજા ભોગવવી પડે છે. મેં કેટલાક મુદ્દા નોંધ્યા હતા. સયાનીને ડાયાબિટીસ તો સામાન્ય હતો. એ સ્વભાવની મીઠી જ એટલી હતી ને! તેનું મોત થયું ત્યારે ખુદ તમે જ બયાનમાં લખાવ્યું હતું કે લાઇટની સ્વીચ ચાલુ કરી હતી. મતલબ કે તમે જ બંધ કરી ગયા હતા એટલે ચાલુ કર્યા પછી તમારી આંગળીની જ છાપ હોય. સયાનીના મોત પછી ચુનરીનું રાજીનામું આપવાનું પગલું શંકા ઉપજાવે એવું હતું. વળી મને ખબર પડી કે ચુનરી દવા ખાતી હતી એ ગર્ભવતી સ્ત્રી માટેની હતી. અને નાદાનીમાં કે પછી કોઇને શું ખબર પડવાની? એમ સમજી તેણે બાળકના પિતા તરીકે તમારું સાચું નામ લખાવ્યું હતું. તમારી અને સયાનીની વોટસએપ ડીટેઇલ્સ પરથી મને અંદાજ તો આવી જ ગયો હતો કે તમે સયાનીને હટાવી શકો..." કહીને ઇન્સ્પેક્ટર ઠાકોરે ઇન્સ્પેક્ટર દરબારને ફોન કરી ડૉ.સંકિતની ધરપકડ કરવાની સૂચના આપી. ઇન્સ્પેક્ટર દરબારે આવીને કાર્યવાહી કરી ઇન્સ્પેક્ટર ઠાકોરનો આભાર માન્યો.

બે દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોરને ઇન્સ્પેક્ટર દરબારનો ફોન આવ્યો:"ઠાકોરજી, ડૉ.સંકિત પર હત્યાનો ગુનો દાખલ થઇ ગયો છે. બીજી વાત એ કે ચુનરીને ડૉ.સંકિતના કૃત્યની ખબર પડ્યા પછી એબોર્શન કરાવવાનું નક્કી કરી લીધું છે. પોતાની બહેનના હત્યારાનું પાપ તે પેટમાં રાખવા માગતી નથી. અને ફરીથી હોસ્પિટલમાં નોકરી કરવાનું મન બનાવી લીધું છે. તે મા બનવાની હોવાથી નોકરી છોડી હતી. પણ હવે સયાનીની જેમ કાર્ય કરીને તેને યાદ રાખવા માગે છે..."

"ઇન્સ્પેક્ટર દરબાર, તમે જજને ભલામણ કરજો કે ડૉ.સંકિતને બે વખત ફાંસી આપવામાં આવે. સયાનીના હત્યાના ગુના અને એક અજન્મા બાળકની હત્યા બદલ...." કહેતાં ઇન્સ્પેક્ટર ઠાકોરની આંખ હસમુખી સયાનીની વાતોને યાદ કરી ભીની થઇ ગઇ.

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' પસંદ કરવામાં આવી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે.

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED