મહામારીમાં મહિલામાં પરિવર્તન
- મિતલ ઠક્કર
નોવેલે કોરોના વાઇરસના બદલાયેલા માહોલમાં મહિલાઓની જિંદગીમાં આમૂલ પરિવર્તન લાવી આવ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કોઇ ગમે તે કહે પણ નોવેલ કોરોના વાઇરસને કારણે રાખવામાં આવેલા લૉકડાઉનમાં અનેક મહિલાઓના જીવનમાં મોટું અને હકારાત્મક પરિવર્તન પણ આવ્યું છે. મારા ધ્યાનમાં કેટલીક મહિલાઓના કિસ્સા આવ્યા છે. જેમના નામ અહીં બદલવામાં આવ્યા છે, પણ તેમની વાત જરૂર દરેક મહિલાને પ્રેરણા અને આનંદ આપશે.
જાનકીને ત્યાં પૈસાની કમી નથી. તે વૈભવી જીવન જીવતી હતી. લૉકડાઉનમાં જે દિવસથી કામવાળી બાઇ આવતી બંધ થઇ એ દિવસથી તેની કસોટી શરૂ થઇ ગઇ. આખા બંગલાના કચરા-પોતા ઉપરાંત રસોઇની જવાબદારીનું વહન કરવાનું સરળ ન હતું. શરૂઆતમાં આકરું લાગતું હતું. એ મજબૂર હતી. એક મહિના પછી તેના તન અને મન બંનેમાં પરિવર્તન આવી ગયું છે. શરૂઆતમાં જે ઘરકામ તેને કંટાળાજનક અને ત્રાસરૂપ લાગતા હતા એ હવે ગમવા લાગ્યા છે. તે પોતાને શરીરથી સુપર ફિટ અનુભવી રહી છે. પહેલાં તે રોજ સવારે જોગિંગ કરવા વહેલી ઊઠતી હતી અને પરવારીને જિમ જતી હતી. હવે તે માને છે કે લૉકડાઉન પછી કામવાળીને તો બંધ કરાવશે જ પણ જિમ જવાનું પણ બંધ કરી દેશે. ઘરકામથી એટલું સારું વર્કઆઉટ થઇ જાય છે કે જિમ જવાની જરૂર લાગતી નથી. કચરા-પોતા કરવાથી કમર અને પેટની ચરબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાનકીને એ વાતનો જાત અનુભવ થઇ ગયો કે ઘરના કચરા-પોતા કે વાસણ માંજવાથી જેટલી કેલેરી બર્ન થાય છે એટલી જ જિમમાં જવાથી ખર્ચાતી હતી. ઘરકામથી શરીરની લવચિક્તા વધી છે. અને પોતાને તરોતાજા મહેસૂસ કરે છે.
લૉકડાઉનમાં ઘરમાં રહેવાનું ફરજિયાત છે. બહાર નીકળવાથી કાયદાના ભંગ બદલ પોલીસ પકડી શકે છે. એ વાત સારી રીતે જાણતી રાધિકા પોતાના પતિ અને બાળકોને ઘર બહાર કોઇ વસ્તુ લેવા મોકલતી નથી. કોરોનાની આ મહામારીમાં ઘરમાં રહેવામાં જ સલામતિ છે એ જાણે છે. રાધિકા દૂધની ચાને બદલે કોઇ દિવસ ગ્રીન ટીથી ચલાવી લે છે. શાકભાજીને બદલે વિવિધ પ્રકારના કઠોળથી કામ ચલાવે છે. કઠોળ એટલા સ્વાદિષ્ટ બનાવે છે કે બાળકોને પણ શાકની યાદ આવતી નથી. યુટ્યુબ પર જોઇને હોતલ જેવી વાનગીઓ બનાવી તેમને ખુશ કરે છે.
સરોજની વાત જાણીને થશે કે એક મહિલા પોતાના સ્વજનો માટે કેટલી લાગણી ધરાવે છે. સરોજ એક નાના શહેરમાં પોતાના પતિ સાથે ભાડાના મકાનમાં રહે છે. કોરોના મહામારીને કારણે તેના પતિ બે મહિનાથી નોકરી પર જઇ શક્યા નથી. તેનું એક કારણ એ પણ છે કે સરોજ સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી પતિને નોકરી પર જવા દેવાની નથી. પતિ કપાત પગારની રજા સાથે ઘરે રહે તો પણ વાંધો નથી. તે માને છે કે પતિ મોટી કંપનીમાં સેંકડો લોકો સાથે કામ કરતા હોવાથી કોરોનાનો ચેપ તેમને લાગવાની સંભાવના વધુ છે. તે ઓછા ખર્ચે ઘર ચલાવી રહી છે. ઘણી વસ્તુઓ વગર ચલાવી લેવાની આદત પાડી દીધી છે. પોતાની બચત ખર્ચાઇ રહી છે પણ એનો લગીરે અફસોસ નથી. પૈસા કરતા પતિનું જીવન કિમતી છે.
કોરોના મહામારીમાં ઘણા લોકો નોકરી ગુમાવી રહ્યા છે ત્યારે બીના ઘર બેઠા કમાણી કરવા લાગી છે. બીનાને લેપટોપ ચલાવતા થોડુંઘણું આવડતું હતું. કોઇની પાસેથી જાણવા મળ્યું કે અખબાર-મેગેઝીનવાળાને ટાઇપીંગ કરવાની જરૂર પડે છે. તેણે બે-ત્રણ અખબારોનો સંપર્ક કર્યો અને તેમના દ્વારા ઇમેલથી મોકલવામાં આવતા સમાચાર અને લેખોનું ટાઇપિંગ કરી મોકલવા લાગી. આ કામથી તેનો સમય પસાર થઇ રહ્યો છે અને સાથે કમાણી થઇ રહી છે. બીનાની જેમ લતાએ ઓનલાઇન માર્કેટિંગની નોકરી મેળવી લીધી છે. ઘણી કંપનીઓ છે જે ઓનલાઇન કામગીરી આપે છે. આ કામગીરીથી મહિલાઓની જાણકારી વધી રહી છે અને ઘરબેઠા આવક મેળવી રહી છે. હવે ઓનલાઇન ટીચીંગનું મહત્વ વધી ગયું છે. દર્શનાએ એક કોચિંગ ક્લાસ સાથે ટાઇઅપ કરીને ઘરે બેઠા વિદ્યાર્થીઓને દરરોજ કલાકો સુધી અભ્યાસ કરાવવાની નોકરી મેળવી લીધી છે.