MOVE ON ronak maheta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

MOVE ON

બાળપણ થી એક વિષય શીખવવામાં આવતો - ગણિત. કોઈ ને વ્હાલો લાગતો તો કોઈ ને માથાનો દુખાવો લાગતો. અલગ અલગ નામ ના મુખોટા પહેરી ને છેક સુધી તમારી સંગાથે રહ્યો હોય તેવો આ વિષય હતો.ભલે કોઈ નો વ્હાલો હોય તો કોઈ નો અળખામણો પણ ગણિત માં એક એવો પડાવ આવતો કે જયારે દરેક વિદ્યાર્થી Move on કરી જ લેતા !!

પરીક્ષા આવે એટલે શિક્ષક શીખવાડી દેતા- જે દાખલા નો જવાબ ના આવે તો એને છોડી ને બાકી ના દાખલા તરફ આગળ વધી જવું જેથી બાકી ના દાખલા માટે સમય ફાળવી શકાય !! માત્ર ગણિત જ નહિ પણ દરેક વિષય માટે કહેવાતું કે જેનો જવાબ ના આવતો હોય એની પાછળ સમય પસાર કર્યા વગર બીજા પ્રશ્નો તરફ ધ્યાન આપજો જેથી સારા ગુણ મેળવી શકાય. હા, પરીક્ષાના સમય પૂરતું તેવા પ્રશ્નોને છોડી દેતા પણ જયારે નવરાશ નો સમય મળતો ત્યારે પ્રશ્નપત્ર લઇ ને તેવા અઘરા પ્રશ્નો ને લઇ ને બેસતાં અને સમાધાન થાય તેનો પ્રયત્ન કરતા. કેટલાક વિદ્યાર્થીઓ જો પ્રશ્ન સારો હોય અને પોતાનાથી સમાધાન ના આવે તો શિક્ષક ની મદદ લઇ ને પણ તેવા પ્રશ્નો નું સમાધાન લાવવાની કોશિશ કરતા.

સબંધો નું પણ કંઈક એવું જ છે. Move on એ એક એવો ટોપિક છે જેની પર જેટલું લખીએ તેટલું ઓછું છે. Move on એ ફક્ત પ્રેમ નો ટોપિક નથી પણ આપણે ઘણી વસ્તુ કે વ્યક્તિ કે અમુક આપણા ધ્યેય માંથી પણ Move on થતા જ હોઈએ છીએ. પરંતુ ધ્યેય માંથી Move on થઈએ કે પછી વસ્તુ ને છોડી move on થઈએ ત્યારે અસર સર્જાતી નથી પણ જયારે કોઈ વ્યક્તિ ને છોડી ને Move on થઈએ ત્યારે ઘણી અસરો થતી હોય છે.

બે એન્જિનિયર હતા. બંને એ એક જમાના માં એક પુલ બાંધેલો હતો. બંને ને તે પુલ બહુ ગમતો. જયારે પણ ત્યાંથી જતા ત્યારે એ પુલ માટે ગર્વ ની લાગણી અનુભવતા. હવે સમય પસાર થતો ગયો અને પુલ ની હાલત ખરાબ થવા લાગી. એક દિવસ એક એન્જિનીયર એ બીજા ને કહ્યું કે ; આ પુલ ને પાડી દેવો જોઈએ જેથી જાનહાની ના થાય. વાત પણ સાચી હતી પણ બીજા એ કહ્યું કે આપનો આ પહેલો પુલ છે તો એને રહેવા દઈ બીજો એક પુલ બનાવીએ. બસ આજ છે Move on. જો બીજા એન્જીનીયર એ પહેલા ની વાત ના સાંભળી હોત તો કદાચ નદી ના વહેણ માં સમાઈ જાત. કેમ કે બે માંથી એક એ તો પોતાના નિર્ણય માં Move on કરવું જ પડે તેવું હતું. પુલ એ કાંઈ નહિ પણ સબંધ જ છે. સબંધ એક એવી વસ્તુ છે જે બે પક્ષ તરફથી સહકાર માંગે છે જેમ કે એક હાથે તાળી ના પડે, પુલ બને બાજુ થી હોય, ત્રાજવા માં બને તરફ સરખો ભાર જોઈએ વગેરે વગેરે.

સબંધ જયારે બંધાય છે ત્યારે સારો હોય છે. જ્યાં સુધી એકબીજાની આદતો સારી લાગતી હોય છે ત્યાં સુધી સબંધ સોળ સોળ કળા એ ખીલેલો લાગે છે. અને જેમ જેમ નિકટતા વધે તેમ તેમ એકબીજા ની ખરાબ આદતો નો પણ પરિચય થાય અને સ્વાભાવિક છે કે કોઈ માણસ માં બધા ગુણ સારા જ હોય તેવું બનતું નથી. અને આપણે થોડું પણ જતું કરી શકતા નથી અને બસ પછી એક જ નિર્ણય આવી જાય છે - Move on

Move on એ કોઈ ખરાબ આદત કે પ્રકૃતિ ના કહી શકાય. પણ હા, એ પણ સત્ય છે કે તમે કોઈ સબંધ એમનેમ તો બાંધ્યો જ નથી. કોઈ સારા ગુણો હશે અને એ જોઈ ને પારખી ને જ બાંધ્યો હશે પણ Move on થયા પછી એક સબંધ બંધાય છે અને તે છે - નફરત નો સબંધ. આપણે ગુજરાતીઓ ને દરેક વસ્તુ માં ટકા કાઢવાની આદત હોય છે. આપણે કહીએ છે કે આપડે કેટલા ટકા !! (ખરું ને ??) બસ કોઈ સારો સબંધ છૂટે ને ત્યારે ટકા કાઢી જોજો કે તમે કોઈની ખરાબ આદત ને કારણ ધરી સારો માણસ ગુમાવી તો નથી રહ્યા ને?

આપણે Move on થયા પછી પણ નફરત નો સબંધ તો રાખીએ જ છે તો ભલે પ્રેમ નો સબંધ ના રાખી શકીએ પણ માણસાઈ નો સબંધ તો રાખી જ શકીએ ને !! જયારે મળીએ કે વાત કરીએ ત્યારે નફરત યાદ રાખવી એના કરતા સાથે જીવેલા સારા પ્રસંગો યાદ ના રાખી શકીએ? અને એ પણ સત્ય જ છે કે "સાથે વિતાવેલા સો સારા પ્રસંગો ને યાદ ના રાખતા એક ખરાબ પ્રસંગ ને યાદ રાખીએ ત્યારે જ Move on થવું પડતું હોય છે " બાકી સારા પ્રસંગો ની ગણતરી ખરાબ કરતા વધુ જ હોય છે. અને કદાચ પરિસ્થિતિ વિકટ હોય અને ના જ બનતું હોય તો Move on પણ થવું પડે.સબંધ માં પોઝિટિવ ના આપી શકો તો કઈ નહિ પણ નેગેટિવ ના આપીએ એ તો આપણા હાથ ની વાત હોય છે !!

અને અંતે,
દરેક સંબંધ ની એક અવધિ નિશ્ચિત હોય છે. પણ છૂટી ગયા પછી પણ એક બીજા માટે નો દ્રષ્ટિકોણ અને એકબીજા તરફનો વ્યવહાર જ સબંધ અને તમારી કક્ષા નક્કી કરે છે !!